Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી

જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી

01 July, 2019 11:52 AM IST | મુંબઈ
બિરેન વકીલ -કરન્સી-કોર્નર

જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી

જી-૨૦ બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, રૂપિયામાં તેજી


મુંબઈમાં ગાજ્યા મેહ વરસ્યા અને સરસ વરસ્યા, પણ જી-૨૦ દેશોની બેઠકમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં. ખાલી ઝરમર વરસાદ આવ્યો. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વેપારી મતભેદો અંગેની મંત્રણામાં કોઈ નકર પ્રગતિ થઈ નથી. આશ્વાસન રૂપે એટલું કહી શકાય કે બેઉ પક્ષો વાતચીત ફરી શરૂ કરવા સહમત થયા. અમેરિકાએ વધારાની ટેરિફ મુલતવી રાખી અને અમેરિકી કંપનીઓને હુઆવેઇને માલ વેચવાની મંજૂરી આપી એટલા સકારાત્મક સંકેતો આપ્યા. જોકે ચીનનો રવૈયો ધીમેધીમે હોસ્ટાઇલ થતો જાય છે. ચીનની મુરાદ સમય પસાર કરવાની છે. ચીનની ગણતરી એવી હશે કે નવેમ્બર ૨૦૨૦ સુધી સમય કાઢી નાખવો અને નવા પ્રમુખ ડેમોક્રેટમાંથી હોય તો ફેવરેબલ ડિલ મળશે. જોકે અત્યારે તો ડેમોક્રેટસ રેસમાં કયાંય પાછળ છે. ટ્રમ્પ સામે કોઈ પડકાર જ નથી.

બજારોની વાત કરીએ તો ફેડ ચૅરમૅન કોલિન પોવેલે તાજેતરની ફેડ બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખ્યા પણ ડોવિશ વિધાનો કરી વ્યાજદર ઘટાડો આવે છે એવો માહોલ જમાવ્યો હતો, પણ ગયા સપ્તાહે આપેલા ભાષણમાં માહોલમાંથી હવા કાઢી નાખી. પોવેલે કહ્યું કે ટૂંકા ગાળાના સેન્ટિમેન્ટને આધારે નાણાનીતિમાં બદલાવ નથી આવતા. અમેરિકી જોબ માર્કેટ સોલિડ છે. પગારો વધી રહ્યા છે. ટ્રમ્પને ટોણો મારીને પોવેલે એમ પણ કહ્યું કે ફેડ સ્વતંત્ર સંસ્થા છે અને રાજકીય દખલગીરી સારી નથી. ટ્રમ્પે કહ્યું કે પોવેલને ચૅરમૅન બનાવનાર તો હું છું પણ પોવેલ પોતે નાણાનીતિના મામલે સર્વોપરી છે એમ સિદ્ધ કરી દીધું છે. ડૉલર ઇન્ડેકસમાં ધીમો ઘટાડો દેખાય છે. ૯૮ ઉપર ટકતો નથી, આગળ પર ૯૩.૩૦ થઈ શકે.



યુરોપમાં નેગેટિવ યિલ્ડની ભરમાર વચ્ચે એક વિરલ ઘટના બની. ઑસ્ટ્રિયાએ ૯૮ વરસના બૉન્ડ બહાર પાડયા એમાં યિલ્ડ ૧.૨ ટકા છે. આટલું જ વળતર મળવાનું હોય તો રોકાણકારને મુદલ રકમ પાછી મેળવવા ૪૪ વરસ રાહ જોવી પડે. નવાઈની વાત એ છે કે આટલા નીચા યિલ્ડમાં અને આટલી લાંબી મૅચ્યોરિટીમાં પણ ડિમાન્ડ પાંચ ગણી હતી. આનો મતલબ એ થયો કે યુરોપમાં રોકાણકારો કે મોટા ફંડ મૅનેજરોને પોઝિટિવ યિલ્ડનો સ્કોપ દેખાતો નથી. જર્મનીમાં યિલ્ડ ૦.૩૫ જેવા નેગેટિવ થઈ ગયા છે. જો ૧૦૦ વરસ સુધી યિલ્ડ નીચા રહેવાની બજારોની ધારણા હોય તે પેન્શન ફંડો કે જેમને ભવિષ્યની જવાબદારીઓને પૂરી કરવા સતત કૅશફ્લો જોઈ એવા વર્ગ નાદાર થાય. યુરોપમાં બહુ મોટી પેન્શન કટોકટી તોળાઈ રહી છે. અમેરિકાએ નીચા કવોન્ટિટિવ ઇઝિંગ મોડેલ અપનાવ્યું અને અમુક અંશે સફળ થયું પણ નેગેટિવ વ્યાજરોનું યુરોપ મોડેલ ભયાનક રીતે નિષ્ફળ ગયું છે. જ્યાં સુધી યુરો વિખેરાશે નહીં ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં.


સ્થાનિક બજારમાં રૂપિયામાં તેજી આગળ વધી હતી. રૂપિયો ૬૯ની સપાટી તોડીને ૬૮.૯૦ થઈ ગયો હતો. બજાર ૫ જુલાઇએ રજૂ થનારા બજેટની રાહ જુઅે છે. એનબીએફસી કટોકટીને નવા અંદાજપત્રમાં કઈ રીતે ટેકલ કરાય છે એ જાણવાની બજારને ઉત્સુકતા હશે. અત્યારે તો સેન્ટિમેન્ટ સારા છે. ચોમાસું સક્રિય થતાં અને ફુગાવાના મોરચે સંજોગો પ્રતિકૂળ નથી, વિદેશી રોકાણનો ફ્લો સારો છે. રૂપિયામાં ટેક્નિકલ રેન્જ ૬૮.૪૮-૬૯.૯૩ છે. બજેટ અગાઉ માનસ પોઝિટિવ રહેશે.

ક્રૂડ ઑઇલમાં આ સપ્તાહે ઓપેકની બેઠક છે. જી-૨૦ બેઠકમાં સાઉદી અને રશિયાએ ઉત્પાદનમાં કાપને ૬-૭ માસ લંબાવવો એવી સમજૂતી કરી છે. ઓપેક ઉત્પાદન કાપ ચાલુ રાખવો કે નહીં એ અંગે શું કરે છે એ જોવાનું રહે. ક્રૂડ ઑઇલમાં રેન્જ ૫૫-૬૨ ડૉલર છે. સોનામાં ભાવ છ વરસની ઊંચી સપાટી ૧૪૪૦ ડૉલર થયા હતા. બિટકોઇનમાં પણ ભારે ઊથલપાથલ હતી. બિટકોઇન એક તબક્કે ૧૩,૫૦૦ થઈ બીજા દિવસે ૩૫૦૦ ડૉલર ઘટયો હતો. આ વરસે બિટકોઇનમાં ૩૧૦૦ ડૉલરથી ૧૩,૫૦૦ ડૉલર જેવી મોટી તેજી આવી છે. વળતરની રીતે ડિજિટલ એસેટ મોખરે રહી છે.


(vakilbiren@gmail.com)

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 11:52 AM IST | મુંબઈ | બિરેન વકીલ -કરન્સી-કોર્નર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK