જ્વેલરી રીટેલર્સની આવકમાં વૃદ્ધિ જળવાઈ રહેશે : ક્રિસિલ

Published: 28th September, 2012 06:09 IST

સોનાના ભાવ વધવાથી અને નવાં આઉટલેટ્સની સંખ્યા વધવાથી વેચાણ વધશેઅગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં વૃદ્ધિ થવાથી તેમ જ નવા આઉટલેટ્સને કારણે વધારાનું વેચાણ થવાથી જ્વેલરી રીટેલર્સની આવકમાં વૃદ્ધિ જળવાઈ રહેશે.

વેચાણમાં વધારો કરવા માટે જ્વેલરી રીટેલર્સ નવાં-નવાં સ્થળોએ આઉટલેટ્સ શરૂ કરવાની કામગીરી ચાલુ રાખશે એને કારણે ઇકૉનૉમિક સ્લોડાઉનની વર્તમાન પ્રતિકૂળ સ્થિતિનો સામનો તેઓ કરી શકશે.

ક્રિસિલનું માનવું છે કે જ્વેલરી રીટેલર્સના ક્રેડિટ રિસ્ક પ્રોફાઇલ્સ મિડિયમ ટર્મમાં સ્ટેબલ રહેવાની અપેક્ષા છે.

ભારતના કુલ જ્વેલરી રીટેલિંગ બિઝનેસમાં ગોલ્ડ જ્વેલરી રીટેલર્સનો હિસ્સો ૨૦ ટકા જેટલો છે. એમની કામગીરી ઓવરઑલ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની કામગીરી કરતાં સારી રહી છે. ૨૦૧૧-’૧૨ સુધીમાં પૂરા થયેલા ત્રણ વર્ષના સમયગાળામાં ગોલ્ડ જ્વેલરી રીટેલર્સનો વાર્ષિક ગ્રોથ રેટ ૧૫ ટકા જેટલો રહ્યો છે. વેચાણમાં જે વધારો થયો છે એમાંથી મોટા ભાગનો હિસ્સો નવા સ્ટોર્સને કારણે જોવા મળ્યો છે. વધી રહેલી સ્પર્ધાને કારણે વર્તમાન સ્ટોર્સના વેચાણમાં વૃદ્ધિદર ધીમો રહ્યો છે એને કારણે જ્વેલરી રીટેલર્સને નવી બજારોમાં પ્રવેશવાની ફરજ પડી હતી.

હવે નાનાં અને મધ્યમ શહેરો જ્વેલરી રીટેલર્સ માટે ગ્રોથ ડ્રાઇવર્સ તરીકે ઊભરી રહ્યાં છે. ત્યાંના ગ્રાહકો બ્રૅન્ડેડ જ્વેલરી તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત મધ્યમ અને નાનાં શહેરોમાં ઑર્ગેનાઇઝ્ડ રીટેલિંગનો વ્યાપ ઓછો છે.

નાનાં શહેરોનો હિસ્સો વધશે

ક્રિસિલનું માનવું છે કે જ્વેલરી રીટેલર્સ આગામી સમયમાં વિસ્તરણ માટે મધ્યમ અને નાનાં શહેરો પર વધુ ફોકસ કરશે. ત્રણ નવા સ્ટોર્સમાંથી બે સ્ટોર્સ મધ્યમ અને નાનાં શહેરોમાં ખોલવામાં આવશે. ૨૦૧૦-’૧૧માં કુલ આવકમાં મધ્યમ અને નાનાં શહેરોનો હિસ્સો ૪૫ ટકા હતો એ ૨૦૧૩-’૧૪માં વધીને પંચાવન ટકા જેટલો થવાનો અંદાજ છે. આ શહેરોમાં ઑપરેટિંગ કૉસ્ટ ઓછી આવે છે. રીટેલર્સ એમાં ૨૫ ટકાની બચત કરી શકે છે. મધ્યમ અને નાનાં શહેરોમાં શો-રૂમ્સની જગ્યા નાની હોય છે તેમ જ ભાડું પણ ઓછું હોય છે એને કારણે નફાશક્તિ વધુ રહે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK