બજારો કોરોનાગ્રસ્ત: શૅરબજાર, સોનું-ચાંદી, ક્રૂડ ઑઇલ, પેલેડિયમ સહિત ચોમેર મંદી

Updated: Mar 17, 2020, 08:20 IST | Mumbai

કોરોનાનો ડર, રોકાણકારોની રોકડ કરવાની વૃત્તિ શૅર, સોનું-ચાંદી, ક્રૂડ, પેલેડિયમમાં ભારે કડાકા ભારતમાં નિફ્ટી ત્રણ વર્ષની નીચી સપાટીએ: ચાંદી ૧૧ ટકા અને સોનું ૩.૫ ટકા ઘટ્યું: વૈશ્વિક ચાંદીના ભાવ ૨૦૦૯ પછી સૌથી નીચા

બીએસઈ
બીએસઈ

વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસનો દર વ્યાપક રીતે પ્રસરી રહ્યો છે અને શૅરબજાર, સોનું-ચાંદી, ક્રૂડ ઑઇલ, પેલેડિયમ સહિત ચોમેર મંદી જોવા મળી રહી છે. ઘટાડાને કારણે સેન્સેક્સ અઢી વર્ષની અને નિફ્ટી ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યા છે. આની સાથે બજારમાં વધુ ૭,૬૨,૨૯૦ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.

સેન્સેક્સ આજે ૨૭૧૩.૪૧ પૉઇન્ટ કે ૭.૯૬ ટકા ઘટીને ૩૧,૩૯૦.૦૭ અને નિફ્ટી ૭૫૭.૮૦ પૉઇન્ટ કે ૭.૬૧ ટકા ઘટીને ૯૧૯૭.૪૦ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સમાં ઇતિહાસનો આ બીજા ક્રમનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

સામાન્ય રીતે જોખમ લઈને ટ્રેડિંગ કરતા લોકો વ્યાજદર ઘટે એની રાહ જોઈ રહ્યા હોય છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં કુલ ૪૩ દેશોમાં વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે અને માત્ર માર્ચ મહિનામાં ૨૦ સેન્ટ્રલ બૅન્કોએ વા‌ઇરસની અસરથી નાણાબજાર અને અર્થતંત્રને બચાવવા વ્યાજદરમાં ઘટાડો કરવાની ફરજ પડી છે, પણ ૨૦ ફેબ્રુઆરીથી શરૂ થયેલા ગ્લોબલ સેલઑફમાં હવે લગભગ કોઈ ઍસેટ ક્લાસ બાકી રહ્યો નથી.

સોનું ૧૫૦૦ની નીચે, ચાંદી ૧૧ વર્ષના તળિયે

વૈશ્વિક બજારમાં જોવા મળેલી શૅરબજારની વેચવાલીની અસર હવે અન્યત્ર પહોંચી ગઈ છે. શૅરબજારની નુકસાની રોકવા, માર્જિન કૉલ્સનાં નાણાં ભરવા માટે વૈશ્વિક સોનું અને ચાંદીમાં વેચવાલી આવી છે. ગયા સપ્તાહે બન્ને ચળકતી ધાતુઓના ભાવ સાપ્તાહિક રીતે ૧૧ વર્ષમાં સૌથી વધુ ઘટ્યા પછી આજે પણ ઘટવાનું ચાલુ રહ્યું છે. આની સાથે પ્લૅટિનમનો ભાવ વિક્રમી ૨૬ ટકા ઘટી ગયો હતો તો પેલેડિયમ ૧૨ ટકા ઘટી ગયું છે.

સોનાનો કૉમેક્સ વાયદો આજે ૩.૪૯ ટકા કે ૫૨.૯૦ ડૉલર ઘટીને ૧૪૬૩.૮ ડૉલર અને હાજરમાં ૩.૯૬ ટકા કે ૬૦ ડૉલર ઘટીને ૧૪૬૯.૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીના ભાવમાં ઘટાડો વધારે વ્યાપક છે. મે વાયદો ૧૩.૫૨ ટકા કે ૧.૯૬ ડૉલર ઘટીને ૧૨.૫૪ ડૉલર અને હાજરના ભાવ ૧૪.૬૦ ટકા કે ૨.૧૫ ઘટીને ૧૨.૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી છે. ચાંદીના ભાવ ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટીએ છે.

વૈશ્વિક કડાકા સાથે ભારતમાં પણ સોના-ચાંદી તૂટ્યાં હતાં. ચાંદીના મુંબઈમાં ભાવ ૪૯૦૦ રૂપિયા ઘટીને ૩૭,૦૮૦ અને અમદાવાદમાં ૬૯૧૦ ઘટીને ૩૫,૧૦૦ રૂપિયા કિલોનો ભાવ રહ્યો હતો. સોનું મુંબઈમાં ૧૩૩૦ ઘટીને ૪૧,૦૯૦ રૂપિયા અને અમદાવાદમાં ૧૬૭૦ ઘટીને ૪૦,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું.

શૅરબજારમાં કડાકા

ભારતીય શૅરબજારમાં શુક્રવારે જોવા મળેલી ખરીદી આજે ગાયબ થઈ ગઈ હતી. ઉપલા મથાળે ભારે વેચવાલી અને ઘટી રહેલાં એશિયા અને યુરોપનાં બજારો સાથે ભારતીય બજાર પણ એક સીધા વક્કરમાં ઘટીને બંધ આવ્યાં હતાં. આજના ઘટાડા સાથે સેન્સેક્સ અઢી વર્ષના અને નિફ્ટી ત્રણ વર્ષના તળિયે બંધ આવ્યા હતા. યુરોપિયન બજારમાં એટલો વ્યાપક ઘટાડો હતો કે એ માર્ચ ૨૦૧૨ પછીની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યાં હતાં. ફેડરલ રિઝર્વે વાઇરસને કારણે અમેરિકન અર્થતંત્ર પર ભારે અસર પડશે એવા નિવેદન સાથે વ્યાજદર ઝીરોની નજીક જાહેર કર્યા હતા. આ ઘટાડાને કારણે આજે ડાઉ જૉન્સ, એસઍન્ડપી અને નૅસ્ડૅક ફ્યુચર્સ મંદીની સર્કિટ સાથે બંધ રહ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો.
સોમવારે અમેરિકામાં બજાર ખૂલતાંની સાથે જ ડાઉ જૉન્સ સહિત ત્રણેય ઇન્ડેક્સ ૧૦ ટકાથી વધુ ઘટી જતાં મંદીની સર્કિટ લાગી હતી. બજાર ૧૫ મિનિટના બ્રેક પછી ફરી ખૂલતાં પણ ઘટેલાં જ હતાં.

ક્રૂડ ઑઇલમાં મંદી વકરી

ફેડરલ રિઝર્વે આર્થિક મંદીની ચેતવણી ઉચ્ચારી હોવાથી ક્રૂડ ઑઇલના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે. ૨૦૦૯ પછી પ્રથમ વખત વૈશ્વિક ક્રૂડ ઑઇલની માગ ઘટી છે. બીજી તરફ રશિયા અને સાઉદી અરબ વચ્ચે ગયા સપ્તાહે શરૂ થયેલી પ્રાઇસ-વૉરને કારણે ભાવ ઘટી રહ્યા હતા ત્યારે આજે એમાં વધારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો આજે ૧૨.૦૮ ટકા ઘટીને ૨૯.૭૬ ડૉલર પ્રતિ બૅરલ અને વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૯.૫૦ ટકા ઘટીને ૨૯.૦૬ ડૉલર પ્રતિ બૅરલની સપાટી પર છે. રશિયા અને સાઉદી અરબ વચ્ચે મધ્યસ્થી બનવા માટેના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હોવાની ચર્ચાને કારણે ભાવઘટાડો વધારે તીવ્ર બન્યો હતો. ભારતમાં પણ ક્રૂડ વાયદો ૭.૫ ટકા કે ૧૮૦ ઘટીને ૨૨૧૬ રૂપિયા પ્રતિ બૅરલ બંધ રહ્યો હતો.

આવી જ રીતે અમેરિકામાં ગૅસોલિન (પેટ્રોલ)નો વાયદો આજે ૭૩ સેન્ટ થઈ ગયો છે જે ૧૮ ટકાનો ઘટાડો દર્શાવે છે. એક તબક્કે ભાવ ૬૯ સેન્ટ થઈ ગયા હતા જે એની સર્વકાલીન નીચી સપાટી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK