શૅરબજારમાં કડાકા અને આઇપીઓમાં ભડાકા

Published: Sep 28, 2020, 16:14 IST | Jayesh Chitalia | Mumbai

કોરોનાના ભયથી આવેલા કરેક્શને માર્કેટને ખરીદીપાત્ર બનાવ્યું કહેવાય?

બીએસઈ
બીએસઈ

વીતેલું સપ્તાહ નક્કર કરક‍શનનું હતું. બજારમાં કરેક્શનની જરૂર ક્યારની હતી, સતત છ દિવસના ઘટાડામાં ખાસ્સું મૂડીધોવાણ થયું હતું. જેનું મુખ્ય કારણ કોરોનાના નવા ભયનું  હતું. જોકે શુક્રવારના સુધારાએ રાહત આપી હતી, જ્યારે કે કડાકા વચ્ચે પણ  આઇપીઓના સફળ ભડાકાનો ટ્રૅન્ડ ચાલુ રહ્યો હતો.

ગ્લોબલ તેમ જ સ્થાનિક બજારમાં હાલ કોરોનાના સંક્રમણને વેગ મળવાની અને તેને પરિણામે ફરી લૉકડાઉન લાગુ થવાની શક્યતાની વાતો ચાલી રહી છે, જે અત્યારે મુખ્ય ચિંતાનો વિષય બની છે. આ ભયને લીધે કરેક્શન આવશે, માર્કેટ વધશે નહીં, પ્રોફિટ બુકિંગ વધશે, વગેરે જેવા કારણ કામ કરી રહ્યા છે. માર્કેટ કોન્સોલિડેશન તરફ આગળ વધી રહ્યું હોવાનું પણ માનવામાં આવે છે. ભારતીય બજારે ગ્લોબલ ડેવલપમેન્ટ પર સતત નજર રાખવી જોઈશે.  

કરેક્શન છતાં આઇપીઓમાં આકર્ષણ

આપણે ગયા વખતે જેની વાત કરી હતી એ મુજબ હાલ રોકાણકારોનું મહત્તમ ધ્યાન આઇપીઓ પર  છે, ગયા સપ્તાહમાં આમ પણ ત્રણેક આઇપીઓ ખૂલ્યા હતા, જેમાં કેમ્સ, કેમકોન સ્પેશ્યલિટી કેમિકલ અને એન્જલ બ્રોકિંગનો સમાવેશ હતો. અગાઉના બે આઇપીઓની સફળતાને ધ્યાનમાં રાખી રોકાણકારો આઇપીઓમાં નસીબ અજમાવવા ઉત્સુક રહ્યા. કેમ કે જેમને ફાળવણી થાય છે તેમને લિસ્ટિંગ સાથે જ મસ્ત મજાનો નફો બુક કરવાની તક મળે છે. પરિણામે લોકો આઇપીઓ ભરવાનો અવસર છોડવા માગતા નથી, જેથી આઇપીઓ ભરપૂર છલકાવા પણ લાગ્યા છે. આઇપીઓને આવો ભવ્ય પ્રતિસાદ જ્યારે માર્કેટ ભરપૂર તેજીમય હોય ત્યારે મળતો હોય છે, જ્યારે કે તૂટતા માર્કેટ વચ્ચે પણ આઇપીઓમાં તેજી ચાલતી હતી.

સ્મૉલ અને મિડ કૅપ

ગયા વખતે આપણે એક ચર્ચા સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસની પણ કરી હતી. સેબીના નવા નિયમને કારણે આ સ્ટૉકસમાં ખરીદી વધી હોવાનું અને ચોક્કસ સ્ટૉકસના ભાવ પણ વધ્યા હોવાનું નોંધાયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્મૉલ અને મિડ કૅપ કંપનીઓના પ્રમોટર્સ પણ પોતાની કંપનીના શૅરમાં ભાવનો વધતો ટ્રૅન્ડ જોઈને પોતાનો હિસ્સો વધારવા લાગ્યા હતા. સેબીના નવા નિયમ મુજબ મ્યુચ્યુઅલ ફન્ડસને ચોક્કસ મર્યાદામાં સ્મૉલ કૅપ –મિડ કૅપ સ્ટૉક્સ ખરીદવાની ફરજ પડનાર હોવાથી આ સ્ટૅક્સમાં લેવાલી નીકળી હતી, તેનો લાભ લેવા પ્રમોટર્સ પણ સક્રિય થયા છે. આશરે ૭૦ જેટલી આવી કંપનીઓના શૅરના ભાવમાં કરન્ટ જોવાયો હતો. આ શૅરના રોકાણકારો અને ઓપરેટર્સ પણ આ સંજોગ જોઈ સક્રિય બન્યા હતા. આમ તો આ બધી શોર્ટ ટર્મ ગેમ ગણાય, પણ અત્યારે તો આમ પણ શોર્ટ ટર્મ અભિગમ વધુ ચાલે છે. જોકે આ સપ્તાહમાં આવેલા કરેક્શનમાં સ્મૉલ અને મિડ કૅપનું ધોવાણ પણ થયું હતું.   

ગ્લોબલ કારણે ભારે કડાકા

ગયા સોમવારે શૅરબજારે ધરખમ કડાકો બોલાવી દીધો હતો. ચોક્કસ ગ્લોબલ બૅન્કોમાં કથિત ગરબડના અહેવાલ, કોરોનાના યુરોપમાં વધતા સંક્રમણને કારણે બ્રિટનમાં ફરીવાર લૉકડાઉનની શક્યતાના અહેવાલ હતા, સ્પેનમાં પુનઃ નવા અંકુશો આવવાના સંકેત હતા, જેને કારણે ભારતીય માર્કેટ પર અસર થઈ હતી. ગ્લોબલ માર્કેટ ઓલરેડી ડાઉન હતી, પ્રોફિટ બુકિંગ પણ મોટેપાયે થયું હતું. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેકસ ૨ ટકાથી વધુ તૂટી ગયા હતા. સેન્સેક્સ ૮૧૨ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫૪ પૉઇન્ટ તૂટીને અનુક્રમે ૩૮૦૩૪ અને ૧૧૨૫૦ બંધ રહ્યા હતા. આગલા સપ્તાહમાં સતત વધેલા સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસના પણ સોમવારે ભુક્કા બોલાઈ ગયા હતા.  

મંગળ-બુધવારે કરેક્શન

સતત વધતાં રહેલાં ભારતીય બજારમાં નફો બુક થવાનું મજબૂત પરિબળ પણ જોડાયું હતું. આઇપીઓમાં લાભ લેવા માર્કેટમાં વેચવાલીનું દબાણ હતું. વધુપડતા ઊંચા વેલ્યુએશન મોંઘા પડી ગયા હતા. ટેલિકોમ, રિઅલ્ટી, બૅન્કિંગ અને મેટલ સૅક્ટરમાં કડાકા વધુ હતા. એક જ દિવસમાં માર્કેટ કૅપમાં સવા ચાર લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડી ગયું હતું. મંગળવારે કરેક્શન ચાલુ રહ્યું હતું. વધઘટ બાદ સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૯૭ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. કોરોનાના ફેલાવાના ભયના, યુરોપના અને વૈશ્વિક બૅન્કોના કથિત ગોટાળાના અહેવાલ જ કારણ બન્યા હતા. માર્કેટમાં વધુ કડાકાનો ભય પણ ઊભો થયો હતો. બુધવાર કરેક્શનનો પાંચમો દિવસ હતો. ગ્લોબલ સંકેત સારા રહેવા છતાં ઇન્ફેક્શનના ફેલાવાના ભયને પગલે આર્થિક ક્ષેત્રે પુનઃ રુકાવટ આવશે એવા ભયથી માર્કેટ ખાસ્સું નીચે ઊતર્યુ હતું. જોકે રિલાયન્સ તથા એચડીએફસી બૅન્કને કારણે રિકવરી બાદ સેન્સેક્સ ૬૫ પૉઇન્ટ અને નિફ્ટી ૨૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.

ગુરુવારે જબ્બર કરેક્શન

બજારમાં કરેક્શનની જરૂર ક્યારની હતી, તેમછતાં માર્કેટ સતત વધતું રહ્યું હતું અને પાંચ મહિનામાં બેન્ચમાર્ક ઇન્ડેકસ ૪૦ ટકા વધી ગયા હતા, ઓવર વેલ્યુએશનની વાતો પણ સતત ચર્ચામાં હતી, જોકે પ્રવાહિતાના જોરે બજાર ચાલતું, વધતું હતું. બજારને ઘટવા માટેના નક્કર કારણો પ્રાપ્ત થયા હતા. યુએસમાં ઇકૉનૉમિના વિપરીત સંજોગો વિશે યુએસ ફેડરલ દ્વારા થયેલા નિવેદને અસર કરી હતી, આ ઉપરાંત યુરોપમાં કોરોનાના સંક્રમણના ભય સાથે નવેસરથી લૉકડાઉનની વાત વહેતી થવાની અસર પણ ઉદ્ભવી હતી, ભારતમાં પણ વડા પ્રધાને સાત રાજ્યાના ચીફ સાથે બેઠક કરીને લૉકડાઉનનો નવસેરથી વિચાર કરવાની અપીલ કરી છે. આર્થિક ડેટા પણ નબળાં પડવા લાગ્યા છે. ગ્લોબલ માર્કેટમાં પણ નકારાત્મકતા છવાઈ હતી, જેની ગંભીર અસર રૂપે ભારે વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે ભારતીય માર્કેટ ગુરુવારે જબ્બર તૂટયું હતું. સેન્સેકસ ૧૧૧૪ પૉઇન્ટ તૂટી ૩૭૦૦૦ની અને  નિફ્ટી ૩૨૬ પૉઇન્ટ તૂટી ૧૧૦૦૦ની નીચે ઊતરી ગયો હતો. એક જ દિવસમાં ચાર લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થઈ ગયું હતું. કોવિડ ઇન્ફેકશનનો ભય ઇકૉનૉમિની અનસર્ટેનિટી સતત વધારી રહ્યો છે.

શુક્રવારની રિકવરીએ રાહત આપી

શુક્રવારે સાતમે દિવસે બજારે કરેક્શનને બ્રેક મારી નવો ઉછાળો દર્શાવ્યો હતો. આગલા દિવસે ગુરુવારે આવેલા કડાકામાંથી ઘણુંખરું રિકવર થયું હતું. યુએસ નવા સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરે એવી આશા સાથે માર્કેટે પૉઝિટિવ વલણ અપનાવ્યું હતું. સ્મૉલ અને મિડ કૅપમાં પણ રિકવરી જોવાઈ હતી. અલબત્ત, છેલ્લા છ દિવસથી સતત ઘટેલા ભાવે નવેસરથી ખરીદી પણ થઈ હતી. જેને પગલે સેન્સેક્સ ૮૩૫ પૉઇન્ટ વધીને ૩૭૩૮૮ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૪૪ પૉઇન્ટની રિકવરી સાથે ૧૧૦૫૦ બંધ રહ્યો હતો. માર્કેટ કૅપમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો

નવા પૅકેજની આશા

બીજી બાજુ મોદી સરકાર તરફથી આગામી દિવસોમાં આવી રહેલી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી મોટું રાહત-પ્રોત્સાહક પૅકેજ જાહેર થવાના સંકેત બહાર આવ્યા હતા. આ પૅકેજમાં ડિમાંડ વધે, શહેરી રોજગાર વધે અને માળખાકીય ક્ષેત્રને બુસ્ટ મળે એવા પગલાંનો સમાવેશ હશે એવું જાણવા મળતું હતું. આમાં સીધા નાણાકીય પૅકેજનો સમાવેશ હોઈ શકે છે. આ સંભવિત પૅકેજ એકાદ સપ્તાહમાં જાહેર થવાની આશા છે. 

ખરીદીનો સમય ગણાય

નિષ્ણાતો હવે ઘટતા બજારમાં ખરીદવાની ભલામણ કરવા લાગ્યા છે, પરંતુ આ કરેક્શનનો દોર હજી ચાલે એવી શક્યતાને કારણે ખરીદવાની ઉતાવળ નહીં કરવામાં શાણપણ રહેશે. જો ખરીદી કરવી પણ હોય તો મોટા કડાકામાં ધીમે-ધીમે થોડી લેવાલી કરતાં જવું જોઈએ. વીતેલા સપ્તાહમાં સતત કરેક્શનને કારણે પેનિક વધી ગયું હતું, પરંતુ શુક્રવારના સુધારાએ રાહત આપી હતી અને ચોક્કસ સારા સંકેતને લીધે નવી આશા જગાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK