Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોના વાઇરસ:આર્થિક અસરો નહીં,કેસની સંખ્યાના આધારે શૅરબજારમાં મૂવમેન્ટ!

કોરોના વાઇરસ:આર્થિક અસરો નહીં,કેસની સંખ્યાના આધારે શૅરબજારમાં મૂવમેન્ટ!

14 February, 2020 03:08 PM IST | Mumbai Desk

કોરોના વાઇરસ:આર્થિક અસરો નહીં,કેસની સંખ્યાના આધારે શૅરબજારમાં મૂવમેન્ટ!

કોરોના વાઇરસ:આર્થિક અસરો નહીં,કેસની સંખ્યાના આધારે શૅરબજારમાં મૂવમેન્ટ!


ચીનમાં કોરોના વાઇરસને કારણે વૈશ્વિક આર્થિક મંદીનો ખતરો વધી રહ્યો છે. દરરોજ નવા દરદીઓ નોંધાઈ રહ્યા છે, સંખ્યા વધી રહી છે, મૃત્યુદર પણ વધી રહ્યો છે છતાં વૈશ્વિક શૅરબજાર પર એની અસર નહીંવત્ છે. માત્ર કેસની સંખ્યા કેટલી વધી કે ઘટી એ મુજબ જ શૅરબજારમાં વૃદ્ધિ કે ઘટાડો જોવા મળી રહ્યો છે.
ભારતનો આર્થિક વિકાસદર ૬ વર્ષના તળિયે છે. કંપનીઓની કમાણી નબળી છે, પણ સેન્સેક્સ અને નિફ્ટી કેમ વિક્રમ સ્તરે છે? આ વિશે સંશોધન થવું જોઈએ એવી રજૂઆત ભારતના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અમદાવાદમાં એક બેઠક કરી હતી. આવી જ રીતે, કોરોના વાઇરસ જે હવે વૈશ્વિક આપત્તિ છે એની અસર શૅરબજાર પર બિલકુલ જોવા મળી રહી નથી. ભારતનો સેન્સેક્સ વાઇરસની વ્યાપક અસર શરૂ થઈ એ જાન્યુઆરી ૨૯થી ફેબ્રુઆરી ૧૨ સુધીમાં ૩૬૭ પૉઇન્ટ વધ્યો છે અને અમેરિકન ડો જૉન્સ ઇન્ડેક્સ ૮૧૭ પૉઇન્ટ વધ્યો છે.
આ દર્શાવે છે કે શૅરબજારમાં ખેલાડીઓ, રોકાણકારો અને ફન્ડ હાઉસને કોરોના વાઇરસની વ્યાપક અસરો નહીં થાય, એનાથી વૈશ્વિક અર્થતંત્રને કોઈ જોખમ નથી એવું માની રહ્યા છે. એવું પણ બની શકે કે બજાર દરદીઓની સંખ્યા ઘટે એટલે એવું માને છે કે હવે વાઇરસની અસર ઓછી થઈ રહી છે. આવી જ રીતે એવા સમાચાર છે કે કોરોના વાઇરસનો ઉપચાર મળી ગયો, નવી વૅક્સિન શોધી, દરદીઓ સાજા થઈ રહ્યા છે એના આધારે પણ શૅરબજારમાં ઉછાળો આવી રહ્યો છે.
વાઇરસ વિશે ચીન દરરોજ આંકડા જાહેર કરે છે કે કેટલા નવા દરદીઓ આવ્યા અને મરણઆંક કેટલો. આ આંકડાના આધારે (જાણે કંપનીઓની નફાશક્તિ પરિણામ બાદ વધી કે ઘટી) ઍનૅલિસિસ કરી શૅરબજારમાં વધ-ઘટ જોવા મળે છે. આ એક પખવાડિયામાં રોજ નવા વાઇરસથી પીડિત દરદીઓ જોવા મળ્યા છે. વધુ ને વધુ લોકો મૃત્યુ પામ્યા છે છતાં ડો જૉન્સ ઇન્ડેક્સ માત્ર ત્રણ જ સત્રમાં ઘટ્યો છે. ભારતીય શૅરબજારમાં પણ ચાર જ દિવસ ઘટાડો જોવા મળ્યો છે. બજેટના દિવસે યોજાયેલા ખાસ સત્રમાં થયેલો ઘટાડો માત્ર સ્થાનિક પરિબળ આધારિત હતો.
આર્થિક અસર થશે કે નહીં?
વાઇરસથી અત્યાર સુધીમાં વિશ્વમાં ૧૩૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૬૦,૦૦૦ થી વધુ સારવાર હેઠળ છે. ચીનમાં બે સપ્તાહ સુધી રજા રાખવામાં આવી હતી અને મંગળવારથી જ લોકો કામ પર પાછા આવ્યા છે. ચીન વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને એનો આર્થિક વિકાસદર જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ક્વૉર્ટરમાં પાંચ ટકાથી નીચો રહેશે એવી આગાહી ક્રેડિટ રેટિંગ એજન્સી એસઍન્ડપી કરી રહી છે. કેટલાક લોકો આ દર ૪ ટકા જેટલો થઈ જશે એવી આગાહી પણ કરી રહ્યા છે. જો ચીનનો આર્થિક વિકાસદર ઘટે તો સીધી અસર વૈશ્વિક વિકાસદર પર પણ પડી શકે છે એમાં કોઈ શંકા રાખવી જોઈએ નહીં. જોકે ભારતના આર્થિક સલાહકાર એવું માની રહ્યા છે કે આ ભારત માટે એક તક છે!
જોકે કેટલાક લોકો એવું માને છે કે જો નવા દરદીઓની સંખ્યા ઘટતી જોવા મળે તો વાઇરસની અસર એપ્રિલ મહિનાથી આર્થિક પ્રવૃત્તિ પર ઘટી જશે. આવા નિવેદનના બીજા જ દિવસે એટલે કે આજે ચીનમાં ૨૦૦ મૃત્યુ અને એકસાથે ૧૪,૦૦૦ નવા દરદીઓ ઉમેરાયા છે.
૨૦૦૩માં સાર્સ વાઇરસ આવ્યો ત્યારે કેવી અસર થઈ હતી એના આધારે પણ આંકલન કરી શકાય. એ વખતે જોકે ચીનનો વૈશ્વિક વિકાસમાં હિસ્સો માત્ર ૪ ટકા હતો જે અત્યારે ૧૫ ટકા છે એ પણ યાદ રાખવું જોઈએ.
આ વાઇરસ અને એની અસર વિશે સત્ય બહાર આવે ત્યાં સુધી માત્ર દરદી‌ઓની સંખ્યાના આધારે, અનુમાન આધારિત જ શૅરબજારમાં વધ-ઘટ જોવા મળશે. ગુરુવારે નવા દરદી‌ઓની સંખ્યા વધી જતાં એશિયા, યુરોપની જેમ ભારતીય શૅરબજાર પણ ઘટીને બંધ આવ્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2020 03:08 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK