કોરોના સૅકન્ડ વેવ ધીમી ગતિએ શરૂ થયેલી આર્થિક રીકવરી માટે પડકાર

Published: 23rd November, 2020 12:32 IST | Jitendra Sanghvi | Mumbai

યુરોપ અને અમેરિકા પછી ભારતનાં મોટાં શહેરો કોરોનાના બીજાં મોજાંની ઝપટમાં

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દિવાળીના તહેવારોની મોસમ પૂરી થયા પછી કોરોનાની મહામારી વકરવાની જે ભીતિ વ્યક્ત કરાતી હતી તે સાચી પડી રહી હોવાના સૂર ઊઠવા માંડ્યા છે. હજી હમણાં સુધી આપણે અમેરિકામાં રોજના વધી રહેલા કેસ (એક દિવસના ૧.૭૫ લાખથી વધુ)ની અને યુરોપના અનેક દેશોમાં કોરોનાનું બીજું મોજું શરૂ થયાની વાત કરતા હતા. તો આજે ઘરઆંગણે જ કોરોનાનો વ્યાપ વધી રહ્યાના સમાચાર આવી રહ્યા છે. આપણાં મુખ્ય અને મોટાં શહેરો ફરી એકવાર કોરોનાની ઝપટમાં આવતાં જાય છે.
ગુજરાતમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જુદી જુદી મુદતના કરફ્યુ નાખવામાં આવ્યા છે. દિલ્હીની સરકારે ફરી એકવાર અમુક બજારો બંધ કરી દેવા માટે અને લગ્ન આદિ પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા પર કાપ મૂકવા માટે કેન્દ્ર સરકારની પરમિશન માગી છે. મુંબઈ મહાનગરપાલિકાએ પણ મુંબઈમાં કોરોનાની બીજી લહેર ડિસેમ્બરમાં આવવાની શક્યતા દર્શાવી છે. તેને પગલે મુંબઈમાં તમામ સ્કૂલો (જે આજથી આંશિક રીતે ખૂલવાની હતી) ડિસેમ્બર અંત સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાના વધી રહેલ કેરનું મુખ્ય કારણ દિવાળીના તહેવારોમાં ખરીદી તથા હળવા-મળવામાં પ્રજાજનો દ્વારા કરાયેલ સંયમ અને શિસ્તની ઉપેક્ષા છે. આ બધા વચ્ચે કોરોના પૉઝિટિવ માટે કરાતી ટેસ્ટની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઉઠયા છે. એટલું જ નહીં, વિશ્વ આરોગ્ય સંસ્થાની એક પેનલે અત્યાર સુધી કોવિડ-19ના ગંભીર દરદીઓ માટે વપરાતી રેમડેસિવીરની અસરકારકતા વિશે પણ સવાલ ઊભો કર્યો છે. તો આ મહામારીની રસી (વૅક્સિન) બજારમાં આવ્યા પછી તેની વહેંચણી અને અસરકારકતા વિશેના પ્રશ્નો પણ ઊભા જ છે. પર્યાવરણના ફેરફારોને કારણે આ મહામારીના અંત પછી બીજા એવા જ કે એથી વધારે જીવલેણ વાઇરસની શક્યતા પણ દર્શાવાઈ રહી છે.
આ બધી શક્યતાઓથી ડર્યા કે ડિસ્ટર્બ થયા વિના સરકાર દ્વારા વખતોવખત જાહેર કરાતાં ધારાધોરણોને જરા પણ હળવાશથી લીધા સિવાય તેના કડક પાલનથી જ મહામારીના વ્યાપને ઘટાડી શકાય.
રહી વાત અર્થતંત્રના સુધારાની. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૭૦૦થી વધારે લિસ્ટેડ કંપનીઓનો ચોખ્ખો નફો ૧.૪ ટકા જેટલો થયો (સપ્ટેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ૧૧ ટકા). અગાઉના જૂન ક્વૉર્ટરમાં તેમાં ૬૭ ટકાનો ઘટાડો થયો હતો. આમ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં પહેલી વાર છેલ્લા ચાર ક્વૉર્ટરમાં આ કંપનીઓનો નફો પૉઝિટિવ રહ્યો.
સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ચોખ્ખા વેચાણમાં સારો એવો વધારો થયા પછી પણ આ કંપનીઓની રેવન્યુમાં એક ટકા જેટલો ઘટાડો થયો (સપ્ટેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ૨.૫ ટકાનો ઘટાડો). અગાઉના જૂન ૨૦૨૦ના ક્વૉર્ટરમાં તો રેવન્યુમાં ૨૮ ટકા જેટલો ઘટાડો થયો હતો.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આર્થિક વિકાસનો દર ઘટશે અને તે પછીના વર્ષે (૨૦૨૧-૨૨માં) આર્થિક વિકાસનો દર વધશે એવો ક્રેડિટ-રેટિંગ એજન્સીઓ, રિઝર્વ બૅન્ક અને અર્થશાસ્ત્રીઓનો સર્વસામાન્ય મત છે. આ બન્ને દર (૨૦૨૦-૨૧માં ઘટાડાનો અને ૨૦૨૧-૨૨માં વધારાનો) સરખા રહે તો પણ ૨૦૨૧-૨૨ને અંતે આપણું અર્થતંત્ર ૨૦૧૯ના સ્તરે પહોંચી નહીં શકે, કારણ કે ૨૦૨૧-૨૨ના આર્થિક વિકાસનો વધારો ૨૦૨૦-૨૧ના નીચા બેઇઝ પર હોવાનો. છતાં આ બધા અંદાજો આપણો ઉત્સાહ વધારે તેવા છે, કારણ કે છેલ્લા એક-બે મહિનામાં આપણી આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ ન વધ્યો હોત તો દેશનું આર્થિક ચિત્ર થોડું વધુ નિરાશાજનક હોત.
દેશમાં રોજગારી વધી છે કે ઘટી છે તેનો થોડો નિર્દેશ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશનમાં રકમ જમા કરાવતી કંપનીઓ, ફર્મ્સ અને સંસ્થાઓના આંકડાઓની વધઘટ પરથી મળે છે. ઑકટોબર મહિને અગાઉના મહિના કરતાં ઇપીએફઓમાં કૉન્ટ્રિબ્યુટ કરતી આ સંખ્યામાં લગભગ ૩૧,૦૦૦નો ઘટાડો થયો છે. એપ્રિલ પછીનો (જ્યારે દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની પરિસ્થિતિ હતી) આ સૌથી પ્રથમ ઘટાડો છે. વ્યક્તિગત રીતે ઇપીએફઓમાં કૉન્ટ્રિબ્યુટ કરનારની સંખ્યા તો ઑકટોબર મહિને ૧૮ લાખ જેટલી ઘટી છે.
આ આંકડા એ વાતને સમર્થન આપે છે કે આર્થિક રીકવરીના ચિહ્‌નો સપ્ટેમ્બર મહિનાથી નજરે પડતા હોવા છતાં આપણે ત્યાં રોજગારી, ખાસ કરીને ખાનગી ક્ષેત્રે, જોઈતા પ્રમાણમાં વધી રહી નથી.
અગાઉ જણાવ્યા મુજબ કંપનીઓના સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં સારાં પરિણામો અને આશા જન્માવે તેવા ચોખ્ખા નફાના આંકડા વેચાણના વધારાને નહીં પણ આ વિકટ પરિસ્થિતિમાં કંપનીઓ દ્વારા કરાયેલ કોસ્ટ કટિંગને આભારી છે. આ કોસ્ટ કટિંગમાં તેમના ઘટેલા સૅલરી બિલનો (જે સામાન્ય રીતે ફિકસ્ડ છતાં દર વર્ષે વધ્યા કરે છે) સમાવેશ થાય છે જે કંપનીઓ દ્વારા રોજગારીની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે. રોજગારીનો આ ઘટાડો અને રોજગારીની સંખ્યા ન ઘટી હોય ત્યાં પણ અમુક કેસમાં ચાલુ પગારમાં મુકાયેલ કાપને કારણે લોકોની આવક ઘટતાં ચીજવસ્તુઓની માગ પણ ઘટી છે. સરકારે બે અઠવાડિયાં પહેલાં જાહેર કરેલ આત્મનિર્ભર ભારત ૩.૦માં ઇપીએફ માટેની સબસિડીનો સમાવેશ કરાયો હોઈ હવે પછીના મહિનાઓમાં રોજગારીના સર્જનમાં સુધારાની અપેક્ષા રાખી શકાય.
લૉકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થતાં ત્રીજી મેના અઠવાડિયે બેરોજગારીનો દર ૨૭ ટકાની ટોચ પર પહોંચ્યો. આ પરિસ્થિતિ થોડા ચડાવ-ઉતાર સાથે પણ સુધરતી ગઈ તેમ આ દર નવેમ્બરની ૧૫મીએ ઘટીને ૫.૫ ટકાનો થયો. આ દર કોવિડ-19 પહેલાંના દર કરતાં પણ નીચો છે. લેબર પાર્ટિસિપેશન દર ઘટે (વર્કફોર્સમાંથી લોકો બહાર નીકળતા જાય) એટલે પણ બેરોજગારીનો દર ઘટે. જૂન ૨૧ના રોજ આ દર ૮.૫ ટકાનો હતો. ત્યાર પછી તે સળંગ ઘટતો રહ્યો છે.
સરકારે મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લોઇમેન્ટ ગેરંટી સ્કીમ માટેના ખર્ચની જોગવાઈ વધારતા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું જેને કારણે પણ બેરોજગારીના સમગ્ર દરમાં ઘટાડો થયો.
લેબર પાર્ટિસિપેશન રેટ (કુલ વસ્તીમાં લેબર ફોર્સની સંખ્યા) ફેબ્રુઆરી ૨૩ના ૪૩ ટકામાંથી ઘટીને એપ્રિલ ૨૬ના ૩૫.૪ ટકા થયો પણ ૧૫ નવેમ્બરના વધીને ૩૯.૫ ટકા થયો.
રોજગારી શોધવામાં નિષ્ફળ નીવડે ત્યારે ઘણા લોકો રોજગારી માટેના રજિસ્ટ્રેશન રદ કરાવે છે એને કારણે લેબર પાર્ટિસિપેશન રેટ ઘટે છે. બીજી રીતે કહીએ તો બેરોજગારીના દરના ઘટાડાનું એવું અર્થઘટન કરીએ કે રોજગારીની પરિસ્થિતિ સુધરી રહી છે ત્યારે થોડા સાવધ રહેવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારો માટે ચાલતી રોજગારીની ખાતરી આપતી મનરેગા જેવી સ્કીમ શહેરી વિસ્તારો માટે (અર્બન એમ્પ્લોઇમેન્ટ ગેરંટી સ્કીમ) સરકાર વિચારે તો શહેરી કામદારોને તેનો ફાયદો મળે.
ઘણા બધા ક્ષેત્રે ઘણા બધા આર્થિક પેરામિટર્સ સુધરી રહ્યા હોવાના આ સમયે દેશના મોટાં-મોટાં શહેરોમાં અને રાજ્યોમાં કોવિડ-19નું બીજું મોજું આવવાની શરૂઆત થઈ છે. ૧૯૧૭થી ૧૯૧૯ના સ્પેનિશ ફ્લૂનો ભૂતકાળનો અનુભવ એ છે કે આવી મહામારીનાં બીજાં મોજાં વધારે ઘાતક હોય છે અને આગળ ઉપર ઠંડીની ઋતુ હોઈ આ મોજું જો જોર પકડે તો તે આર્થિક રીકવરી ઉપર બ્રેક મારી શકે.
સપ્ટેમ્બર મહિને રીટેલ લોનના વધારાનો દર છેલ્લાં દસ વર્ષનો સૌથી નીચો રહ્યો. જો વપરાશ અને માગ નબળાં પડે તો બીજા આર્થિક પેરામિટર્સના સુધારાઓ કે સારાં પરિણામોને ધોવાઈ જતાં વાર ન લાગે.
આપણા મૂડીરોકાણનો દર ૨૦૦૫-૦૬માં જીડીપીના ૩૦ ટકા અને ૨૦૧૧-૧૨માં ૩૪.૩ ટકા પહોંચ્યા પછી ૨૦૧૫-૧૬માં તે ૩૦ ટકાની અંદર ઊતરી ગયો અને ત્યાર પછીનાં વર્ષોમાં લગભગ આ સ્તરે સ્થગિત થઈ ગયો. આપણા લક્ષ્ય પ્રમાણે આર્થિક વિકાસનો દર લાંબા સમય માટે વધારતા રહેવા માટે કૃષિ અને લેબર ક્ષેત્રના આર્થિક સુધારા અને ભારતને વિશ્વનું મૅન્યુફૅકચરિંગ હબ બનાવવા માટે મોટે પાયે મૂડીરોકાણની જરૂર પડશે. કેન્દ્ર સરકારની મૅન્યુફૅકચરિંગ ક્ષેત્ર માટેના પ્રોત્સાહનની સ્કીમ દેશ-વિદેશના મોટા મૂડીરોકાણને ખેંચી લાવશે.
આ પ્રક્રિયા અંતરાય વિનાની સરળ બની રહે તે માટે રિઝર્વ બૅન્કે ભાવવધારા પર ચાંપતી નજર રાખવી પડશે. બૅન્કિંગ ક્ષેત્રના સુધારાઓ પણ લાંબા ગાળાના આર્થિક વિકાસને વેગ આપી શકે. જે માટે બૅન્કિંગ ક્ષેત્રની તાકાત હણી લેનાર નોન-પર્ફોમિંગ એસેટસ (એનપીએ)ની સમસ્યાને સૌથી પહેલાં સંપૂર્ણ રીતે હલ ન થાય તો હળવી તો કરવી જ પડશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK