Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કોરોનાનો કૅર યથાવત્ : માર્કેટ કૅપમાં ૪૫.૭૪ લાખ કરોડ રૂપિયા સાફ

કોરોનાનો કૅર યથાવત્ : માર્કેટ કૅપમાં ૪૫.૭૪ લાખ કરોડ રૂપિયા સાફ

19 March, 2020 10:44 AM IST | Mumbai Desk

કોરોનાનો કૅર યથાવત્ : માર્કેટ કૅપમાં ૪૫.૭૪ લાખ કરોડ રૂપિયા સાફ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોના વાઇરસના કારણે વૈશ્વિક નાણાબજારમાં આવેલી ઊથલપાથલ અને શૅરબજારમાં જોવા મળેલી આક્રમક વેચવાલીથી ભારતમાં વ્યાપક રીતે ચાલી રહેલું સંપત્તિનું ધોવાણ બુધવારે પણ ચાલુ રહ્યું હતું. નિફ્ટી આજે જાન્યુઆરી ૨૦૧૭ પછીની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યો હતો અને તેની સાથે રોકાણકારોની સંપત્તિ પણ ૩૮ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આ વેચવાલીમાં રોકાણકારોએ ૪૫,૭૪,૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે.

ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસ, વૈશ્વિક બજારની મંદી અને ભારતમાં પણ હવે ત્રીજા તબક્કામાં વાઇરસની અસરોનાં ગંભીર પરિણામો આવશે એવી દહેશત વચ્ચે ભારે વેચવાલી જોવા મળી હતી. આ વેચવાલીમાં વાઇરસની અસરથી વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે અને મંદી વર્ષ ૨૦૦૮ કરતાં પણ વધારે તીવ્ર હશે એવા મોર્ગન સ્ટેન્લીના રિપોર્ટની અસર જોવા મળી હતી. બીજી તરફ ક્રેડિટ રેટિંગ એજન્સી એસઅૅન્ડપીએ ભારતનો આર્થિક વિકાસ દર કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ઘટીને ૫.૨ ટકા રહેશે એવો અંદાજ આપ્યો હતો. અગાઉ એજન્સીનો વૃદ્ધિ દર ૫.૭ ટકા રહેશે એવી ધારણા હતી.



સેન્સેક્સ એક તબક્કે ૫૨૨ પૉઇન્ટ વધી ૩૧,૧૦૧ની ઊંચી સપાટીએ હતો અને પછી ઉપલા મથાળે આવેલી વેચવાલીમાં દિવસના અંતે આગલા બંધથી ૧૭૦૯.૫૮ પૉઇન્ટ કે ૫.૫૯ ટકા ઘટી ૨૮,૮૬૯.૫૧ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી એક તબક્કે ૧૬૦ પૉઇન્ટ વધી ૯૧૨૭.૫૫ની સપાટીએ હતો અને આગલા બંધથી તે ૪૯૮.૧૫ ટકા કે ૫.૫૬ ટકા ઘટી ૮૪૬૮.૮૦ની સપાટીએ બંધ આવ્યો છે. નિફ્ટી જાન્યુઆરીની સૌથી ઊંચી સપાટીથી હવે ૩૧.૮૭ ટકા ઘટી ગયો છે. સેન્સેક્સ માટે આજનો બંધ માર્ચ ૨૦૧૭ પછી સૌથી નીચો છે જ્યારે નિફ્ટી જાન્યુઆરી ૨૦૧૭ પછીની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યો છે.


વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલી અને દરેક ઉછાળે વેચવાલીનો તબક્કો આજે પણ ચાલુ રહ્યો હતો. આજે વિદેશી સંસ્થાઓએ ૫૦૮૫ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા અને સ્થાનિક સંસ્થાઓએ ૩૬૩૬ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી.

માત્ર એક શૅરના ભાવમાં વૃદ્ધિ
આ જાન્યુઆરી પછીની નીચી સપાટીમાં નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી માત્ર એક યસ બૅન્કના શૅર વૃદ્ધિ દર્શાવે છે, બાકીના બધા જ ઘટી ગયા છે. આ વેચવાલીમાં ઇન્ડસઇન્ડ બૅન્કના શૅર ૬૫.૪૦ ટકા, તાતા મોટર્સ ૬૧.૨૮ ટકા, વેદાન્તા ૫૩.૫૦ ટકા, હિન્દાલ્કો ૪૭.૩૨ ટકા, યુપીએલ ૪૪.૯૪ ટકા, ગેઈલ ૪૪.૫૬ ટકા, ઓએનજીસી ૪૪.૫૪ ટકા, તાતા સ્ટીલ ૪૨.૭૫ ટકા સાથે સૌથી વધુ ઘટ્યા છે. આ ઉપરાંત હેવીવેઇટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૩૬.૭૯ ટકા, બજાજ ફિનસર્વ ૩૪.૦૮ ટકા, એચડીએફસી ૩૩.૮૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩૩.૬૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩૧.૪૬ ટકા, ઇન્ફોસિસ ૩૦.૪૭ ટકા અને ટીસીએસ ૨૩.૭૭ ટકા ઘટ્યા છે.


રોકાણકારોની સંપત્તિ ૩૮ મહિનાની નીચી સપાટીએ
સેન્સેક્સ અને નિફ્ટી બન્ને જાન્યુઆરી ૨૦૨૦ની ઐતિહાસિક સપાટીએ હતા અને મિડ કૅપ અને સ્મોલ કૅપ કંપનીઓમાં પણ ખરીદી શરૂ થઈ હતી, પણ એ પછી કોરોના વાઇરસના કારણે વૈશ્વિક બજારમાં આવેલી વેચવાલીથી રોકાણકારોએ ૪૫,૭૪,૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે. આ આંકડો એટલો મોટો છે કે દેશની સૌથી મોટી બૅન્ક પાસે જે કુલ જમા થાપણો છે તેના કરતાં પણ તે વધારે છે. તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ના ૧૧૩.૭૮ લાખ કરોડ રૂપિયાના બજારમૂલ્ય પછીનું આ સૌથી મોટું સ્તર છે. એટલે કે ત્રણ વર્ષમાં એકંદરે કમાયેલી બધી જ રકમનું ધોવાણ આ એક જ મહિનામાં થઈ ગયું છે.

વાયદામાં કારોબારમાં શોર્ટ્સ જોવા મળ્યા
ફ્યુચર્સ સેગ્મેન્ટમાં હજુ પણ ભાવ ઘટશે એવી ધારણાએ માર્ચ સીરિઝના વાયદામાં ભારે શોર્ટ્સ જોવા મળ્યા હતા. નિફ્ટી, નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ફ્યુચર્સ સહિત કુલ ૧૦૮ સ્ટૉક ફ્યુચરમાં નવા શોર્ટ જોવા મળ્યા હતા. આમાં રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક, એક્સીસ બૅન્ક, કોટક મહિન્દ્રા બૅન્ક, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, એચડીએફસી, ભારતી એરટેલ, તાતા સ્ટીલ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. સન ફાર્મા, મહિન્દ્રા અૅન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, વોડાફોન આઈડિયા સહિત ૧૬ જેટલી ચીજોમાં લોંગ કાપવામાં આવ્યા હતા એટલે કે ખોટ ભરપાઈ કરવામાં માટે ખરીદી કાપવામાં આવી હતી કે ભાવ હવે નહીં વધે એટલે ખરીદી વેચી નાખવામાં આવી હતી.

સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પણ ત્રણ વર્ષની નીચી સપાટીએ
બીએસઈ ઉપર સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પણ ત્રણ વર્ષથી વધુની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આજે ઇન્ડેક્સ ૬૬૦ પૉઇન્ટ કે ૬.૦૯ ટકા ઘટી ૧૦૧૮૨.૯૯ની સપાટીએ બંધ આવ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ ઇન્ડેક્સ ૨૯ ટકા જેટલો ઘટી ગયો છે. ઇન્ડેક્સમાં સમાવિષ્ટ ૨૯ જેટલી કંપનીઓના શૅરના ભાવ ૫૦ ટકાથી વધુ ઘટી ગયા છે જેમાં સ્પાઈસ જેટ, ડેલ્ટા કોર્પ, વેન્કીઝ ઇન્ડિયા, શક્તિ પમ્પસ, વેલસ્પન કોર્પ, રેમન્ડ, કૉર્પોરેશન બૅન્ક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. લગભગ ૨૦૯ જેટલી કંપનીઓના શૅર ૪૦ ટકાથી ૫૦ ટકા જેટલા ઘટી ગયા છે.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ માત્ર મીડિયા ક્ષેત્રનો ઇન્ડેક્સ વધ્યો હતો. બાકી ખાનગી બૅન્કો, નાણાકીય સેવાઓ, ઑટો, મેટલ્સ અને ફાર્મા સહિત ૧૦ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૪૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૫૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૩૧૦ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૧૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૮૩૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૪૫૧માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૬.૦૯ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૪.૮૪ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન ૫,૯૮,૭૩૭ કરોડ ઘટી ૧૧૩.૫૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

સુપ્રીમ કોર્ટનું કડક વલણ, ટેલિકૉમ અને બૅન્કિંગને ઝટકો
ટેલિકૉમ ક્ષેત્ર માટે આજે સુપ્રીમ કોર્ટ તરફથી વધારે મોટો ઝટકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ પેટે કેટલી રકમ, વ્યાજ અને પેનલ્ટી ચૂકવવી એ અંગે કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ સુનાવણી પછી બજારમાં વેચવાલી વધી હતી. વોડાફોન આઇડિયાના શૅર ૩૪.૮૫ ટકા ઘટી ૩.૧૬ બંધ આવ્યા હતા. ભારતી એરટેલ ૬.૧૪ ટકા ઘટી ૪૨૬.૨૦ અને ભારતી ઇન્ફ્રાતેલ ૨૨.૬૨ ટકા ઘટી ૧૫૦.૧૫ રૂપિયા બંધ આવ્યા હતા. ટેલિકૉમ કંપનીઓને લોન આપનારી બૅન્કોના શૅરમાં પણ આ સુનાવણી પછી વેચવાલી આવી હતી.

ખાનગી બૅન્કોના શૅરમાં ભારે વેચવાલી
સતત બીજા દિવસે યસ બૅન્કની જેમ અન્ય ખાનગી બૅન્કો પણ નબળી પડી રહી છે એવી અકારણની દહેશત વચ્ચે ખાનગી બૅન્કોના શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે નબળી પડેલી યસ બૅન્કના શૅર આજે પણ ૪.૧૮ ટકા વધી ૬૧.૧૦ બંધ આવ્યા હતા.

નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક ઇન્ડેક્સ મંગળવારે ૪.૦૧ ટકા ઘટ્યા પછી આજે પણ ૬.૯૨ ટકા ઘટી ગયો છે. છેલ્લા ૩૦ દિવસમાં ઇન્ડેક્સ ૩૩.૨૫ ટકા ઘટી ગયો છે. આજે એક્સીસ બૅન્કના શૅર ૧.૮૫ ટકા ઘટી ૪૭૯.૩૦, ફેડરલ બૅન્ક ૨.૪૯ ટકા ઘટી ૫૬.૮૫, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૭૪ ટકા ઘટી ૩૫૭.૨૦, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૩.૧૭ ટકા ઘટી ૨૪.૪૫, એચડીએફસી બૅન્ક ૭.૬૬ ટકા ઘટી ૯૦૦.૪૦, કોટક બૅન્ક ૧૧.૨૩ ટકા ઘટી ૧૧૭૪.૨૦ અને ઇન્ડસઇન્ડ બૅન્ક ૨૪.૫૮ ટકા ઘટી ૪૫૫.૬૫ રૂપિયા બંધ આવ્યો હતો.
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ઑપન આજે સતત ત્રીજા દિવસે ઘટી ગયો હતો. આજે ૫.૮૭ ટકા અને ત્રણ દિવસમાં તેમાં ૧૭.૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઇન્ડેક્સ એક વર્ષની ઊંચી સપાટી ૩૨,૬૧૩.૧૦થી ૩૬.૦૬ ટકા ઘટી ગયો છે. સરકારી બૅન્કોમાં આજે યુકો બૅન્ક ૩.૫૩ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૨૩ ટકા, બૅન્ક ઑફ બરોડા ૧.૫૧ ટકા, યુનિયન બૅન્ક ૦.૧૭ ટકા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૧૨ ટકા ઘટી ગયા હતા.

અન્ય શૅરોમાં ભારે વેચવાલી
નારાયણ રુદાના શૅર આજે ૧૫.૭૩ ટકા ઘટી ૨૩૩.૫૦ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીની એક સબસિડિયરીએ કેમેન આઇલેન્ડ ખાતે કોરોના વાઇરસના કારણે કામકાજ બંધ કર્યું હોવાની જાહેરાત બાદ શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એચએસઆઇએલના શૅર આજે ૭.૧૧ ટકા ઘટી ૪૫.૧૦ રૂપિયા બંધ આવ્યા હતા. કંપનીમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ૨.૦૩ ટકા હિસ્સો વેચવાલી જાહેરાત કરતાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવો ૧૦૪૭ કરોડનો ઓર્ડર મળ્યો હોવા છતાં કેઇસી ઇન્ટરનૅશનલના શૅર ૪.૦૫ ટકા ઘટ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 10:44 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK