બજેટ પહેલાંની મોટી વૉલેટિલિટી લાવનારા સત્રમાં ગુરુવારે સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટી વટાવીને એ સ્તરેથી ૧૮૪ પૉઇન્ટ ઊંચે પણ ગયો હતો, પરંતુ સાપ્તાહિક એક્સપાયરીને પગલે તથા પ્રૉફિટ બુકિંગ અને કોરોનાની રસી બનાવી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યૂટના પ્લાન્ટમાં આગ લાગ્યાના અહેવાલની અસર હેઠળ ગતિ બદલાતાં છેલ્લી લગભગ ૪૫ મિનિટમાં સીમાચિહ્નરૂપ સપાટી તૂટી હતી. સેન્સેક્સ દિવસની ૫૦,૧૮૪.૦૧ની સર્વોચ્ચ સપાટીથી એક તબક્કે ૭૮૫ પૉઇન્ટ નીચે જઈને ૪૯,૩૯૮.૮૬ થયો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટની આગ કોરોનાની રસી બનાવી રહેલા વિભાગમાં લાગી નહીં હોવાનું જાણવા મળ્યા બાદ બજાર થોડું સુધર્યું હતું અને સેન્સેક્સ ૪૯,૬૨૪.૭૬ બંધ રહ્યો હતો. એકંદરે એમાં ૧૬૭.૩૬ પૉઇન્ટ (૦.૩૪ ટકા)નો ઘટાડો થયો હતો.
સાર્વત્રિક વેચવાલી : નિફ્ટી પીએસયુ બૅન્ક ૩.૨૭ ટકા ઘટ્યો
બજારમાં સતત ઊંચે ગયેલાં વૅલ્યુએશનને પગલે તથા સીમાચિહ્ન સર થયા બાદ દેખીતી રીતે સાર્વત્રિક પ્રૉફિટ બુકિંગ થયું હતું. એના કારણે તમામ ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો, જેમાં નિફ્ટી પીએસયુ બૅન્ક (૩.૨૭ ટકા), નિફ્ટી રિયલ્ટી (૨.૫૬ ટકા) અને નિફ્ટી મેટલ (૨.૧૮ ટકા) સૌથી વધુ ઘટ્યા હતા. નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૪,૭૩૦.૯૫ ખૂલ્યા બાદ ઉપરમાં ૧૪,૭૫૩.૫૫ અને નીચામાં ૧૪,૫૧૭.૨૫ રહ્યો હતો અને દિવસ દરમિયાન ૨૩૬ પૉઇન્ટના ઉતાર-ચડાવના અંતે ૫૪.૩૫ પૉઇન્ટ (૦.૩૭ ટકા) ઘટીને ૧૪,૫૯૦.૩૫ બંધ રહ્યો હતો. નિફ્ટીના ૧૭ સ્ટૉક્સ વધ્યા હતા અને ૩૩ ઘટ્યા હતા. આ જ રીતે સેન્સેક્સના ૨૧ શૅર વધ્યા હતા અને ૯ ઘટ્યા હતા.
ઘટી રહેલા બજારમાં ‘બજાજ’ સ્ટૉક્સમાં નોંધપાત્ર વૃદ્ધિ
બીએસઈ પર ‘હમારા બજાજ’નો દિવસ હોય એ રીતે વધનારા નવ સ્ટૉક્સમાંથી ત્રણ સ્ટૉક્સ બજાજ નામના જ હતા. બજાજ ફાઇનૅન્સ ૨.૭૨ ટકા વધીને ૫૧૧૬.૬૫, બજાજ ઑટો ૨.૭૧ ટકા વધીને ૩૭૩૫.૯૦ અને બજાજ ફાઇનૅન્શિયલ સર્વિસિસ ૧.૨૩ ટકાની વૃદ્ધિ સાથે ૯૦૪૮.૫૦ બંધ રહ્યા હતા. બજાજ ઑટોએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૭૧૬.૨૬ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે, જે વર્ષાનુવર્ષ ધોરણે ૩૦ ટકા અને ક્વૉર્ટરલી ધોરણે ૪૪ ટકા વધ્યો છે. કંપનીની આવક વર્ષાનુવર્ષ ધોરણે ૧૭ ટકા વધી છે.
રિલાયન્સ પણ સુધર્યો
બજારને ઘટતું અટકાવવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પણ ફાળો હતો. સેબીએ ફ્યુચર ગ્રુપ સાથેના રિલાયન્સ રિટેલના સોદાને બુધવારે મંજૂરી આપી દીધી હોવાથી રિલાયન્સનો સ્ટૉક બીએસઈ પર દિવસની શરૂઆતમાં ૨૧૧૯.૮૦ સુધી પહોંચ્યો હતો અને ગયા ઑક્ટોબર પછીના સર્વોચ્ચ સ્તરે હતો. સ્ટૉક ઇન્ટ્રાડેમાં ૨૦૭૫ સુધી જઈ આવ્યા બાદ છેલ્લે ૨.૦૯ ટકા (૪૩ રૂપિયા)ના વધારા સાથે ૨૦૯૭.૮૫ બંધ રહ્યો હતો. વેઇટેજની દૃષ્ટિએ એચડીએફસી અને એચડીએફસી બૅન્ક, ઍરટેલ, ટીસીએસ, આઇટીસી અને સ્ટેટ બૅન્કના સ્ટૉક્સમાં ઘટાડો થવાથી ઇન્ડેક્સ નીચે ગયા હતા.
ટોચના વધનારામાં તાતા મોટર્સ સામેલ
નિફ્ટી પર વધનારા સ્ટૉક્સમાં તાતા મોટર્સ (૬.૩૮ ટકા) અને યુપીએલ (૧.૮૫ ટકા) સામેલ હતા. તેના ટોચના ઘટનારા સ્ટૉક્સ ઓએનજીસી (૩.૩૪ ટકા), તાતા સ્ટીલ (૨.૯૫ ટકા), કૉલ ઇન્ડિયા (૨.૬૧ ટકા), ગેઇલ (૨.૩૬ ટકા) અને એનટીપીસી (૨.૦૩ ટકા) હતા. બ્રોડર માર્કેટમાં નિફ્ટી-૫૦ની તુલનાએ નિફ્ટી મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ (૧.૬૪ ટકા) અને નિફ્ટી સ્મૉલ કૅપ-૫૦ ઇન્ડેક્સ (૦.૭૭ ટકા) વધારે પ્રમાણમાં ઘટ્યા હતા.
એફઆઇઆઇ દ્વારા ખરીદી જારી
એનએસઈ પર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ૧૬૧૪.૬૬ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી તથા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૦૩૯.૪૮ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું હતું.
હિન્દુસ્તાન ઝિન્ક વધ્યો
હિન્દુસ્તાન ઝિન્કની ડિસેમ્બર ક્વૉર્ટરની સ્થિર કામગીરી જાહેર થયા બાદ બીએસઈ પર સ્ટૉક ૪.૪૭ ટકા ઘટીને ૨૮૩.૨૦ બંધ રહ્યો હતો. વાર્ષિક ધોરણે કંપનીએ ૩૬ ટકાની વૃદ્ધિ સાથે ૨૧૯૮ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
બીએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં એનર્જી ૧.૧૩ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૩૬ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૫૨ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૪૯ ટકા વધ્યા હતા, જ્યારે બેઝિક મટીરિયલ્સ ૧.૧૨ ટકા, સીડીજીએસ ૦.૧૭ ટકા, એફએમસીજી ૦.૩૬ ટકા, ફાઇનૅન્સ ૦.૮૯ ટકા, હેલ્થકૅર ૧.૩૬ ટકા, આઇટી ૦.૬૧ ટકા, ટેલિકૉમ ૨.૬૪ ટકા, યુટિલિટીઝ ૧.૭૬ ટકા, ઑટો ૦.૦૬ ટકા, બૅન્કેક્સ ૦.૯૫ ટકા, મેટલ ૨.૪૧ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૬૧ ટકા, પાવર ૦.૫૫ ટકા, રિયલ્ટી ૨.૫૬ ટકા અને ટેક ૦.૯૦ ટકા ઘટ્યા હતા. એક્સચેન્જ પર ગ્રુપ ‘એ’ના ટોચના વધેલા શૅર હેવેલ્સ ઇન્ડિયા (૧૧.૦૨ ટકા), એસએમએલ ઇસુઝુ (૧૦.૫૫ ટકા), સુંદરમ ક્લેટોન (૧૦.૦૫ ટકા), સિયેટ (૯.૧૬ ટકા) અને જે.કે. ટાયર (૮.૮૦ ટકા) હતા. આ જ ગ્રુપમાં ટોચના ઘટનારા સ્ટૉક્સ તાતા એલેક્સી (૭.૬૩ ટકા), ઇન્ડિયન બૅન્ક (૬.૭૨ ટકા), બૅન્ક ઑફ મહારાષ્ટ્ર (૬.૨૯ ટકા), આઇડીએફસી (૬.૦૬ ટકા) અને ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ (૫.૭૨ ટકા) હતા.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૨,૮૫,૯૯૭.૧૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૮,૯૯૦ સોદાઓમાં ૨૪,૫૦,૭૦૫ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૮,૭૭,૩૬૬ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૧૬.૦૮ કરોડના ૭૬ સોદામાં ૧૩૯ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૬૧,૯૩૩ સોદામાં ૧૮,૨૫,૬૭૩ કોન્ટ્રેક્ટ સાથે ૨,૨૦,૯૪૮.૩૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૬,૯૮૧ સોદામાં ૬,૨૪,૮૯૩ કોન્ટ્રેક્ટ સાથે ૬૫,૦૩૨.૬૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
બજાર કેવું રહેશે?
વિશ્લેષકોનું કહેવું છે કે ગુરુવારે દિવસના છેલ્લા ભાગમાં તીવ્ર ઘટાડો થયો હોવાથી આગામી કેટલાંક સત્રોમાં બજારમાં ઉપલા મથાળે પ્રૉફિટ બુકિંગ થવાની શક્યતા છે. જોકે, બજારની એકંદર ચાલ વૃદ્ધિતરફી છે, કારણ કે અમેરિકામાં નવા પ્રમુખ સારું આર્થિક પૅકેજ જાહેર કરે એવી ધારણા છે. બીજી બાજુ, ભારતમાં પણ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કોરોનાને પગલે અર્થતંત્ર પર થયેલી પ્રતિકૂળ અસરને દૂર કરવા માટેનાં અને આગામી વર્ષોમાં વૃદ્ધિને વેગ મળી રહે એવાં પગલાં ભરશે એવું જણાય છે.
મુંબઈમાં સોનું 292 રૂપિયા ઘટ્યું : ચાંદી 566 રૂપિયા સુધરી
4th March, 2021 08:41 ISTસેન્સેક્સમાં 1148 અને નિફ્ટીમાં 326 પૉઇન્ટની વૃદ્ધિ:ઑટો સેક્ટરમાં ઘટાડો
4th March, 2021 08:41 ISTShare Market: વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 50,000 ઉપર
3rd March, 2021 10:00 ISTશૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું
3rd March, 2021 08:56 IST