વૈશ્વિક બજારોની રૂખે શૅરબજારમાં સુધારો થયો

Published: Sep 03, 2020, 15:10 IST | Mumbai correspondent | Mumbai

ભારત અ‌ને ચીન મામલે ચિંતા ઘટતા અને વૈશ્વિક બજારોની રૂખે શૅરબજારમાં સુધારો થયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારતીય શૅરબજારમાં સોમવારે જોરદાર કડાકો બોલાયા બાદ સતત બે દિવસથી માર્કેટ સુધરી રહ્યું છે. બુધવારે સેન્સેક્સ ૧૮૫.૨૩ પૉઇન્ટ (૦.૪૮ ટકા) અને નિફ્ટી ૬૪.૭૫ પૉઇન્ટ (૦.૫૬ ટકા) વધીને અનુક્રમે ૩૯૦૮૬.૦૩ અને ૧૧૫૩૫ ઉપર બંધ રહ્યા હતા.
અમેરિકામાં બજારો નવી ઊંચાઈએ પહોંચ્યાં તેની અસર તળે ભારતીય બજારોમાં તેજી અકબંધ રહી હતી. વળી સોમવારે ચીનની ઘૂસણખોરીને પગલે ચિંતા વધતાં બજાર ઘટ્યું હતું, પરંતુ એ ઘટનામાં ભારતીય સૈન્યે બાજી મારી હોવાના અહેવાલોની સારી અસર બુધવારે બજાર પર પડી હતી. આ લખાઈ રહ્યું છે એવા સમયે પણ અમેરિકાનાં બજારોમાં કામકાજની શરૂઆત વૃદ્ધિ સાથે થવાનો અંદાજ છે. અમેરિકા, ચીન અને યુરોપમાં મૅન્યુફૅક્ચરિંગ સુધર્યું હોવાનું આંકડાઓ દર્શાવે છે. વળી અમેરિકામાં અર્થતંત્રને ટેકો આપવા માટે વધુ આર્થિક સહાય જાહેર થવાની શક્યતા ચર્ચાઈ રહી છે. આ બધાં પરિબળોને કારણે એકંદરે ભારતીય બજાર ફરી વધવા લાગ્યું છે.
બજારમાં મુખ્ય વધનારા શૅરોમાં વોડાફોન આઇડિયા, એસ્કોર્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્રનો સમાવેશ થાય છે. આ શૅરો અનુક્રમે ૧૧.૪૭, ૯.૯૮, ૧.૯૭, ૧.૦૭ ટકા, ૫.૭૭ ટકા વધ્યા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૮ સ્ટૉક્સ વધ્યા હતા, જેમાં ટીસીએસ (૦.૮૭ ટકા) અને એચડીએફસી બૅન્ક (૦.૬૧ ટકા)નો પણ સમાવેશ થાય છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ઉપરાંત પાવર ગ્રિડ (૨.૮૯ ટકા) અને તાતા સ્ટીલ (૨.૩૦ ટકા) ટોચના વધનારા શૅર હતા. ટોચના ઘટનારામાં બજાજ ઑટો (૨.૬૨ ટકા), એશિયન પેઇન્ટ્સ (૧.૬૩ ટકા) અને સન ફાર્મા (૧.૪૮ ટકા)નો સમાવેશ થાય છે. વૉલ્યુમની દૃષ્ટિએ ટોચના વધનારા સ્ટૉક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એચડીએફસી, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે.
દરમ્યાન ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ ૪ ટકા ઘટીને ૨૦.૯૩ના સ્તરે પહોંચ્યો હતો. દિવસના અંતે બીએસઈનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૭૬,૨૩,૦૨૩.૯૬ કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે ફ્રિફ્લોટ માર્કેટ કૅપ ૪૨,૩૬,૭૧૬.૩૩ કરોડ હતું.
ભારતની મોટા ભાગની ઑટોમોબાઇલ્સ કંપનીઓમાં ગયા વર્ષના ઑગસ્ટની તુલનાએ આ વર્ષે ઑગસ્ટમાં વેચાણ ઝડપી રહ્યું હોવાના અહેવાલને પગલે ઑટો સ્ટૉક્સ સક્રિય રહ્યા હતા. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧ ટકા કરતાં વધુ પ્રમાણમાં વધીને ૭૯૭૬.૯૫ ઉપર પહોંચ્યું હતું. આ ઇન્ડેક્સમાંના ૧૫માંથી ૧૦ સ્ટૉક્સ વધ્યા હતા.
અદાણી ગ્રુપની કંપનીઓ ટ્રેડિંગમાં આગળ રહી હતી. અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગૅસ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ બીએસઈમાં ઇન્ટ્રા-ડે ધોરણે ૧૦ ટકા વધ્યા હતા. દિવસના અંતે તેમાં અનુક્રમે ૯.૯૯ ટકા (૪૯.૬૦ રૂપિયા વધીને ૫૪૬), ૭.૧૬ ટકા (૧૨.૭૦ રૂપિયા વધીને ૧૯૦) અને ૩.૯૨ ટકા (૧૧.૦૫ રૂપિયા વધીને ૨૯૩)ની વૃદ્ધિ થઈ હતી.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાઇસીસમાં બીએસઈ સેન્સેક્સ-૫૦ ઇન્ડેક્સ ૦.૫૧ ટકા, બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સ ૦.૬૦ ટકા, બીએસઈ મિડ કૅપ ૧.૨૬ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૬૬ ટકા, બીએસઈ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૭૩ ટકા, બીએસઈ-૫૦૦ ઇન્ડેક્સ ૦.૭૭ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૦.૭૯ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૫૮ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૫.૬૯ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૧.૦૦ ટકા ઘટ્યો હતો.
સેક્ટોરલ ઈન્ડાઇસીસમાં બેઝિક મટિરિયલ્સ ૧.૧૮ ટકા, સીડીજીએસ ૦.૮૮ ટકા, એનર્જી ૧.૮૦ ટકા, એફએમસીજી ૦.૦૭ ટકા, ફાઇનૅન્સ ૦.૦૮ ટકા, હેલ્થકેર ૦.૭૮ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૭૦ ટકા, આઇટી ૧.૧૪ ટકા, ટેલિકોમ ૧.૩૪ ટકા, યુટિલિટીઝ ૦.૬૬ ટકા, ઑટો ૧.૧૮ ટકા, બૅન્કેક્સ ૦.૧૬ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૧૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૨૭ ટકા, મેટલ ૧.૪૯ ટકા, ઑઈલ એન્ડ ગૅસ ૧.૧૬ ટકા, પાવર ૧.૬૦ ટકા, રિયલ્ટી ૦.૪૧ ટકા અને ટેક ૧.૨૭ ટકા વધ્યા હતા. આમ એનર્જી ઇન્ડેક્સ સૌથી વધુ પ્રમાણમાં વધ્યો હતો અને એફએમસીજી સૌથી વધુ ઘટ્યો હતો.
પાવરગ્રિડ, એક્સાઇડ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ બ્રુઅરીઝમાં ૧૦૦ ટકા કરતાં વધુ વૉલ્યુમ વધ્યું હતું. એસ્કોર્ટ્સ, યુનાઇટેડ બ્રુઅરીઝ અને વોલ્ટાસમાં ખરીદીનું બિલ્ડ અપ દેખાયું હતું, જ્યારે હીરો મોટો કોર્પ, બજાજ ઑટો અને ટીવીએસ મોટરમાં વેચાણનો માહોલ નજરે પડ્યો હતો. બીએસઈ પર ૫૨ સપ્તાહની ટોચે પહોંચનારા શૅરોમાં ઇન્ડિયામાર્ટ ઇન્ટરમેશ, વીએસટી ટિલર્સ, એસ્કોર્ટ્સ અને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ સહિત ૧૦૦ સ્ટૉક્સ સામેલ હતા.
બુધવારે ‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી અને ૩ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ‘બી’ ગ્રુપની ૫૪ કંપનીઓને ઉપલી અને ૫૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૬૭ કંપનીઓમાંથી ૨૫૩ કંપનીઓને ઉપલી અને ૩૧૪ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.
દિવસ દરમ્યાન રિલાયન્સ પાવરનો શૅર ૨ ટકા ઘટ્યો હતો. મંગળવારે કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે એક્સિસ બૅન્ક, યસ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક અને લક્ષ્મી વિલાસ બૅન્ક પાસેથી લીધેલી લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યો છે. ૩૧ જુલાઈએ ૨.૨૨ કરોડના વ્યાજસહિત ૩૦૦.૨૨ કરોડ રૂપિયાની લોન ચૂકવાઈ ન હતી. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી તેની કુલ લોન ૧૨૯૦ કરોડ રૂપિયા થાય છે. જોકે સ્ટૉક પછીથી ૨.૪૫ ટકા વધીને ૩.૩૫ રૂપિયા પર બંધ રહ્યો હતો.
પ્રાપ્ત આંકડાઓ મુજબ કૅશ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૯૯૦.૫૭ કરોડની ખરીદી કરી હતી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નેટ ૬૫૭.૪૮ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.
દરમ્યાન બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૯૫,૦૧૦.૯૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૩૩,૬૯૭ સોદાઓમાં ૧૦,૪૬,૫૪૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૦૮,૨૨૪ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૨૩.૨૪ કરોડના ૧૭૮ સોદામાં ૨૫૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨૦,૦૫૮ સોદામાં ૬,૫૦,૭૯૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૬૩,૩૯૩.૯૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ ૧૩,૪૬૧ સોદામાં ૩,૯૫,૪૯૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૧૩,૪૬૧ કરોડનું કામકાજ થયું હતું. એક ટેક્નિકલ નિષ્ણાતે જણાવ્યા મુજબ નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર શોર્ટ બુલિશ કેન્ડલ આકાર પામી છે. જોકે ટ્રેડરોને ન્યુટ્રલ રહેવાની અને સ્ટૉક સ્પેસિફિક ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે.

સેબીએ ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થતા વ્યવહારોના ડિસ્ક્લોઝરને લગતા નિયમોમાં ફેરફાર કર્યો

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ રોકાણકારોનાં હિતનું રક્ષણ કરવા માટે તથા ડેટ સેગમેન્ટમાં પારદર્શકતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થતા વ્યવહારોના ડિસ્ક્લોઝરને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે. થોડા સમય પહેલાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફન્ડની ડેટ સ્કીમમાં થયેલી ગરબડને કારણે તથા ત્યાર પછી થયેલા ડિફોલ્ટ અને રેટિંગ્સના ડાઉનગ્રેડને પગલે રોકાણકારો ડેટ માર્કેટથી, ખાસ કરીને ક્રેડિટ રિસ્ક ધરાવતાં ડેટ મ્યુચ્યુઅલ ફન્ડથી દૂર ભાગવા લાગ્યા છે. આથી સેબીએ જાહેર કર્યું છે કે મ્યુચ્યુઅલ ફન્ડોએ આગામી પહેલી ઑક્ટોબરથી ડેટ અને મની માર્કેટ સિક્યૉરિટીઝમાં થયેલા વ્યવહારોની વિગતો નવા સ્વરૂપમાં આપવાની રહેશે. ફન્ડોએ રોજિંદા ધોરણે સ્કીમ્સના વ્યવહારોની વિગતો જાહેર કરવી પડશે. આ વિગતો તુલના કરી શકાય, ડાઉનલોડ કરી શકાય અને મશીન દ્વારા રીડ થઈ શકે એવા સ્વરૂપમાં આપવી પડશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK