કોરોના અને બર્ડ ફ્લુની ચિંતાએ બજારની તેજીને તોડી

Published: 7th January, 2021 12:00 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

વૉલેટાઇલ દિવસે સેન્સેક્સ ૭૫૨ પૉઇન્ટના ઉતાર-ચડાવ બાદ ૨૬૪ પૉઇન્ટ ઘટ્યો; રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, આઇટીસી, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનીલિવરમાં પ્રૉફિટ બુકિંગ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોના વાઇરસના બીજા દોરથી બચવા માટે રાજધાની બીજિંગની નજીકના હેબેઈ પ્રાંતમાં લાદવામાં આવેલાં નિયંત્રણો તથા ભારતનાં કેટલાંક રાજ્યોમાં ફેલાયેલા બર્ડ ફ્લુને લીધે સર્જાયેલી ભીતિ સહિતનાં અનેક દેશી-વિદેશી પરિબળોને લીધે બુધવારનો દિવસ શૅરબજારમાં વૉલેટાઇલ રહ્યો હતો.

સતત ૧૦ દિવસની વૃદ્ધિ બાદ આખલાઓની પકડ થોડી ઢીલી પડી હતી. અમેરિકાના જ્યૉર્જિયા સ્ટેટમાં ડેમોક્રૅટ્સનો વિજય થવાની ધારણાને પગલે પ્રમુખ જો બાઇડન આકરાં કૉર્પોરેટ નિયમનો તથા ઊંચા કરવેરા લાદશે એવી સંભાવના એક બાજુ હાવી હતી ત્યારે બીજી બાજુ જપાનમાં સરકાર કોરોના વાઇરસના રોગચાળાને અનુલક્ષીને ટોકિયો અને આસપાસના વિસ્તારોમાં એક મહિનો લાંબી ઇમર્જન્સી લાગુ કરવાનું વિચારી રહી હોવાના અહેવાલો પ્રગટ થયા હતા. આ પરિબળોને લીધે સેન્સેક્સ દિવસના અંતે ૨૬૩.૭૨ પૉઇન્ટ (૦.૫૪ ટકા) ઘટીને ૪૮,૧૭૪.૦૬ બંધ રહ્યો હતો. શરૂઆતમાં ઇન્ડેક્સ ૪૮,૬૧૬.૬૬ સુધી ખૂલીને એક તબક્કે ૪૭,૮૬૪.૧૪ સુધી ઘટ્યો હતો. આમ, ઇન્ટ્રા ડે ધોરણે ૭૫૨.૫૨ પૉઇન્ટની ઉતાર-ચડાવ થઈ હતી. અમેરિકાની ઘટનાની અસર નાસ્દાક-૧૦૦ ફ્યુચર્સ પર થતાં બપોરે એમાં લગભગ ૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર છેલ્લા કલાકમાં ભારતીય બજાર પર થઈ હતી.

ટોચની કંપનીઓમાં પ્રૉફિટ બુકિંગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, આઇટીસી, ટીસીએસ અને હિન્દુસ્તાન યુનીલિવરમાં નોંધપાત્ર પ્રૉફિટ બુકિંગ થયું હતું. આઇટીસી અને રિલાયન્સ અનુક્રમે ૨.૮૬ અને ૨.૬૪ ટકા ઘટીને ૨૦૫.૪૫ અને ૧૯૧૪.૧૫ બંધ રહ્યા હતા. બીએસઈ-૩૦ના ૧૬ શૅર ઘટ્યા હતા તથા ૧૪ વધ્યા હતા. ઘટનારા સ્ટૉક્સમાં મારુતિ, નેસલે ઇન્ડિયા, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એચડીએફસી બૅન્ક, ટેક મહિન્દ્રા, એચડીએફસી, બજાજ ઑટો, ઇન્ફોસિસ, ઍક્સિસ બૅન્ક અને બજાજ ફાઇનૅન્સ સામેલ હતા. ટોચના વધનારા સ્ટૉક્સ પાવર ગ્રિડ (૪.૩૪ ટકા વધીને ૧૯૬.૧૫), ભારતી ઍરટેલ (૨.૨૮ ટકા વધીને ૫૨૫.૬૦), ઓએનજીસી (૨.૧૧ ટકા વધીને ૯૬.૯૫), અલ્ટ્રાટેક સિમેન્ટ (૧.૯૫ ટકા વધીને ૫૪૪૬.૭૦), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૧.૮૦ ટકા વધીને ૫૪૬.૭૦) અને સ્ટેટ બૅન્ક (૧.૧૨ ટકા વધીને ૨૮૪.૯૦) હતા.

મિડ કૅપ સ્ટૉક્સ વધ્યા

બીએસઈના બ્રૉડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાંથી બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૯ ટકા તથા બીએસઈ નેક્સ્ટ-૫૦ ઇન્ડેક્સ ૦.૪૮ ટકા વધ્યો હતો. ઘટનારા ઇન્ડાઇસિસમાં સેન્સેક્સ-૫૦ (૦.૪૩ ટકા), બીએસઈ-૧૦૦ (૦.૩૦ ટકા), બીએસઈ સ્મૉલ કૅપ (૦.૧૪ ટકા), બીએસઈ-૨૦૦ (૦.૨૪ ટકા) તથા બીએસઈ લાર્જ કૅપ (૦.૩૪ ટકા) સામેલ હતા.

ટેલિકૉમ અને યુટિલિટીઝ

ઇન્ડેક્સ વધ્યા

સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૧.૫૮ ટકા, ફાઇનૅન્સ ૦.૧૧ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૨૫ ટકા, ટેલિકૉમ ૧.૭૯ ટકા, યુટિલિટીઝ ૨.૧૯ ટકા, બૅન્કેક્સ ૦.૩૪ ટકા, કૅપિટલ ગુડ્ઝ ૦.૫૩ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૧૬ ટકા, મેટલ ૨.૧૪ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૪૦ ટકા, પાવર ૧.૫૧ ટકા અને રિયલ્ટી ૦.૮૫ ટકા વધ્યા હતા, જ્યારે સીડીજીએસ ૦.૨૪ ટકા, એનર્જી ૨ ટકા, એફએમસીજી ૧.૨૪ ટકા, હેલ્થકૅર ૦.૪૧ ટકા, આઇટી ૧ ટકો, ઑટો ૦.૩૪ ટકા અને ટેક ૦.૬૩ ટકા ઘટ્યા હતા.

બીએસઈ પર ‘એ’ ગ્રુપની પાંચ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૬૪ કંપનીઓને ઉપલી અને ૨૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધાં ગ્રુપની ૫૮૯ કંપનીઓમાંથી ૪૩૭ કંપનીઓને ઉપલી અને ૧૫૨ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

નિફ્ટી આઇટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ૧-૧ ટકો ઘટ્યા

નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ઇન્ટ્રા ડે ધોરણે ૧૪,૨૪૪ની નવી સર્વોચ્ચ સપાટીએથી નીચે ઊતરીને એક તબક્કે ૨૦૦ પૉઇન્ટ ઘટીને ૧૪,૦૪૦ સુધી પહોંચ્યો હતો. જોકે, દિવસના અંતે ઇન્ડેક્સ ૧૪,૦૩૯.૯૦ પૉઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી આઇટી અને નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ૧-૧ ટકો ઘટ્યા હતા, જ્યારે નિફ્ટી મેટલ ૧ ટકો વધ્યો હતો. નિફ્ટી મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૦.૮૨ ટકા વધીને ૬૧૯૧.૭૦ બંધ રહ્યો હતો.

એનએસઈ પર મૂલ્યની દૃષ્ટિએ સક્રિય શૅરોમાં રિલાયન્સ, બજાજ ફાઇનૅન્સ, ભારતી ઍરટેલ, એચડીએફસી બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્ક મુખ્ય હતા. વૉલ્યુમની દૃષ્ટિએ સક્રિય સ્ટૉક્સ તાતા મોટર્સ, ઓએનજીસી, આઇટીસી, ગેઇલ અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા હતા. નિફ્ટી-૫૦ના ૨૪ સ્ટૉક્સ વધ્યા હતા તથા ૨૬ ઘટ્યા હતા. ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ૨.૬૧ ટકા વધીને ૨૦.૯૯ પહોંચ્યો હતો.

બૅન્ક નિફ્ટી શરૂઆતમાં વધીને ૩૧,૮૩૯.૯૫ પહોંચ્યો હતો, પરંતુ ૩૨,૦૦૦ની સપાટી કુદાવી શક્યો નહીં. દિવસના અંતે ૦.૨૪ ટકા વધીને ૩૧,૭૯૭.૯૦ બંધ રહ્યો હતો. નિફ્ટી મેટલમાં ૧.૨૯ ટકાની વૃદ્ધિ થતાં ઇન્ડેક્સ ૩૪૧૯.૮૦ બંધ રહ્યો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે કુલ ૨,૦૩,૫૩૨.૭૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૫૧,૮૫૩ સોદાઓમાં ૧૭,૬૩,૨૮૦ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૧,૯૨,૫૯૦ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૧૦.૧૧ કરોડ રૂપિયાના ૫૭ સોદામાં ૯૧ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૬,૨૫૯ સોદામાં ૧૪,૯૦,૪૪૬ કોન્ટ્રેક્ટ સાથે ૧,૭૫,૨૨૩.૫૪ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૫૫૩૭ સોદામાં ૨,૭૨,૭૪૩ કોન્ટ્રેક્ટ સાથે ૨૮,૨૯૯.૧૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. એનએસઈ પર

મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ ૧૩,૦૦૦ અને પછી ૧૩,૫૦૦ સ્ટ્રાઇક પર હતો, જ્યારે મહત્તમ કૉલ ઓપન ઇન્ટરેસ્ટ ૧૪,૦૦૦ અને પછી ૧૪,૫૦૦ની સ્ટ્રાઇક પર હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી ઇન્ડેક્સના ચાર્ટ પર હેન્ગિંગ મૅન પૅટર્નમાં બેરિશ કૅન્ડલ સર્જાઈ છે. નિષ્ણાતોના મતે જો ઇન્ડેક્સ આગામી સત્રોમાં ૧૪,૨૪૪ની સપાટી તોડી નહીં શકે તો વૉલેટિલિટી ચાલુ રહેશે. ઇન્ડેક્સ ઉક્ત સપાટીની ઉપર ૧૪,૪૫૦ સુધી ગતિ કરી શકે છે. નીચામાં ૧૪,૨૪૦-૧૪,૦૦૦ની રૅન્જમાં કન્સોલિડેશન થઈ શકે છે.

બજાર કેવું રહેશે

નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા થોડા દિવસોમાં રહેલી તેજીએ વિરામ લીધો છે. હવે પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના નાણાપ્રવાહના આધારે જ એમાં હિલચાલ થવાની શક્યતા છે. એશિયન માર્કેટ્સ નબળી રહી હોવાથી તથા ઊંચા મૂલ્યે પ્રૉફિટ બુકિંગ થવાથી બજારમાં વૉલેટિલિટી જળવાઈ રહેશે. બુધવારના બજાર પરથી અંદાજ લગાવી શકાય કે મિડ કૅપ સ્ટૉક્સમાં સુધારાનું વલણ ટકી રહેશે.

એફએમસીજી આકર્ષક દેખાય છે, જ્યારે મેટલ્સ અને બૅન્કિંગમાં વૉલેટિલિટી રહેવાની શક્યતા છે. ટ્રેડરોએ લીવરેજ મર્યાદિત પ્રમાણમાં લેવું અને રોકાણકારોએ ખરીદી માટે મોટા ઘટાડાની રાહ જોવી, એવું વિશ્લેષકોએ કહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK