કારના વેચાણમાં ૧૯ ટકાનું ગાબડું એક્સપોર્ટમાં ૨૭ ટકાનો કડાકો

Published: 11th September, 2012 05:54 IST

ઇકૉનૉમિક સ્લો-ડાઉનની સ્થિતિ હવે સમગ્ર ઑટોમોબાઇલ ઉદ્યોગમાં પ્રસરી ગઈ છે. દરેક પ્રકારનાં વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે ગઈ કાલે જાહેર કરેલી વિગતો મુજબ ઑગસ્ટ ૨૦૧૨માં કારનું વેચાણ ઑગસ્ટ ૨૦૧૧ની સરખામણીએ ૧૯ ટકા ઘટીને ૧,૧૮,૧૪૨ નંગ થયું છે જે ઑગસ્ટ ૨૦૧૧માં ૧,૪૫,૦૬૬ નંગ જેટલું થયું હતું. ઑગસ્ટમાં વેચાણમાં જે ઘટાડો થયો છે એ છેલ્લા ૧૦ મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ઑક્ટોબર ૨૦૧૧માં વેચાણ ૨૪ ટકા ઘટીને ૧,૩૯,૦૯૫ નંગ થયું હતું.

કારના સ્થાનિક વેચાણની સાથે-સાથે નિકાસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઑગસ્ટ ૨૦૧૨માં કારની નિકાસ ૨૭ ટકા ઘટીને ૩૬,૧૦૪ નંગ થઈ છે જે છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. અગાઉ માર્ચ ૨૦૦૧માં નિકાસ ૪૮.૫૮ ટકા ઘટીને ૨૨૨૧ નંગ થઈ હતી. સ્થાનિક વેચાણ અને નિકાસ બન્નેમાં ઘટાડો થવાથી ઓવરઑલ પ્રોડક્શનમાં પણ ઘટાડો થયો છે.

વાહનોનું કુલ વેચાણ

વાહનોનું કુલ વેચાણ ઑગસ્ટ ૨૦૧૧ની સરખામણીએ ઑગસ્ટ ૨૦૧૨માં ૪ ટકા ઘટીને ૧૩,૫૪,૪૩૬ નંગ થયું છે જે છેલ્લાં સાડાત્રણ વર્ષમાં સૌથી વધુ ઘટાડો છે. ટૂ-વ્હીલર્સનું વેચાણ ૧૧,૦૭,૨૮૨ નંગથી ૪.૫૦ ટકા ઘટીને ૧૦,૫૭,૯૨૫ નંગ થયું છે. અગાઉ જાન્યુઆરી ૨૦૦૯માં વેચાણ ૪ ટકા ઘટ્યું હતું. બાઇકનું વેચાણ ૮,૩૬,૮૮૭ નંગથી ૮.૫૦ ટકા ઘટીને ૭,૬૬,૧૨૮ નંગ અને સ્કૂટરનું ૨,૧૨,૦૭૭ નંગથી ૧૦ ટકા વધીને ૨,૩૩,૧૮૦ નંગ થયું છે.

થ્રી-વ્હીલરનું વેચાણ ૪૫,૪૬૮ નંગથી મામૂલી ઘટીને ૪૫,૩૮૬ નંગ થયું છે. કમર્શિયલ વેહિકલ્સનું વેચાણ ૬૪,૨૪૮ નંગથી માત્ર ૪ ટકા વધીને ૬૬,૭૬૭ નંગ થયું છે. મિડિયમ ઍન્ડ હેવી કમર્શિયલ વેહિકલ્સનું વેચાણ ૨૭,૪૪૮ નંગથી ૯ ટકા ઘટીને ૨૫,૦૦૩ નંગ અને લાઇટ કમર્શિયલ વેહિકલ્સનું ૩૬,૮૦૦ નંગથી ૧૩.૫૦ ટકા વધીને ૪૧,૭૬૪ નંગ થયું છે.

સ્ટિમ્યુલસ પૅકેજ

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના સિનિયર ડિરેક્ટર સુગાત્ાો સેને ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું કે ‘આગામી સમયમાં હવે તહેવારોની સીઝન શરૂ થશે ત્યારે સામાન્ય રીતે આ સમયગાળામાં ડીલર્સની ખરીદીમાં વધારો થતો હોય છે, પરંતુ આ વર્ષે આમ નથી થયું. ડીલર્સ પાસે જૂનો સ્ટૉક હજી પડ્યો છે. અમે ડેસ્પરેટ સ્થિતિમાં પ્રવેશી રહ્યા છીએ. અમને સરકારની મદદની જરૂર છે.’

સુગાત્ાો સેને ઉમેર્યું હતું કે ‘આ વર્ષે બજેટમાં વાહનો પરની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો એમાં ઘટાડો કરવો જરૂરી છે. ૨૦૦૮-’૦૯માં જેમ સ્ટિમ્યુઅલ પૅકેજ જાહેર થયું હતું એવા પૅકેજની જાહેરાત કરવાની જરૂર છે. જો સરકાર તરફથી કોઈ જાહેરાત નહીં કરવામાં આવે તો અમારે સહન કરવું પડશે.’

ટાર્ગેટ અચીવ નહીં થાય

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સના સિનિયર ડિરેક્ટર સુગાત્ાો સેનનું માનવું છે કે ઑગસ્ટમાં કારના વેચાણમાં મોટો ઘટાડો થયો છે એ ધ્યાનમાં લેતાં ચાલુ નાણાકીય વર્ષમાં કારના વેચાણમાં ૯થી ૧૧ ટકાની વૃદ્ધિનો જે લક્ષ્યાંક નક્કી કર્યો હતો એ હાંસલ નહીં થઈ શકે.

એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન કારનું વેચાણ માત્ર ૦.૮૬ ટકા વધીને ૭,૫૨,૪૪૦ નંગ થયું છે જે આગલા વર્ષે આ સમયગાળામાં ૭,૪૫,૯૯૧ નંગ થયું હતું. જો સપ્ટેમ્બરમાં પણ વેચાણમાં ઘટાડો થશે તો ગ્રોથ ટાર્ગેટ અચીવ નહીં કરી શકાય. અર્થતંત્રની મંદીને કારણે જુલાઈમાં કારના વેચાણના ગ્રોથરેટનો અંદાજ ઘટાડીને ૯થી ૧૧ ટકાનો કરવામાં આવ્યો હતો જે વર્ષના પ્રારંભે ૧૦થી ૧૨ ટકાનો મૂક્યો હતો.

પૅસેન્જર વેહિકલ્સના વેચાણનો અંદાજ ૧૦થી ૧૨ ટકાથી વધારીને ૧૧થી ૧૩ ટકાનો કરવામાં આવ્યો હતો. જોકે આ ટાર્ગેટ પણ હાંસલ થઈ શકે એમ નથી. એપ્રિલ-ઑગસ્ટ ૨૦૧૨ દરમ્યાન પૅસેન્જર વાહનોનું વેચાણ ૯,૭૭,૩૯૩ નંગથી ૭.૪૦ ટકા વધીને ૧૦,૪૯,૯૬૧ નંગ થયું છે. આ વર્ષે તહેવારોની સીઝન સૌથી ખરાબ હોઈ શકે છે. સપ્ટેમ્બરમાં દરેક પ્રકારનાં વાહનોનું વેચાણ કેવું રહે છે એ ધ્યાનમાં લીધા પછી ગ્રોથ પ્રોજેક્શનમાં ફેરફાર કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK