મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ-બરફના કરા પડતાં ઊભા પાકને થયું નુકસાન

Published: Dec 14, 2014, 07:23 IST

નાશિક જિલ્લાના સાત તાલુકામાં ઘઉં, ડુંગળી, મરચાં, દ્રાક્ષ સહિતના પાકને નુકસાન


કૉમોડિટી કરન્ટ- મયૂર મહેતા

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદ અને બરફના કરા પડવાને લીધે ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને નાશિક જિલ્લામાં એની સૌથી વધુ અસર પહોંચી છે. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. દક્ષિણ ભારતના રાજ્યમાં કમોસમી વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને નુકસાન થયું હતું. હવામાન ખાતાએ હજી બેથી ત્રણ દિવસ સુધી દક્ષિણ-પશ્ચિમ ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી કરી છે.

મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સાત તાલુકાઓમાં વધારે અસર થઈ છે. ખાસ કરીને ઘઉં, દ્રાક્ષ, ડુંગળી અને મરચાંના ઊભા પાકને કરા પડવાથી નુકસાન પહોંચ્યું છે. નાશિકના નિફાડ, માલેગાંવ, યેવલા, નાંદગાઉ અને  દેવલા તાલુકામાં સૌથી વધુ ખેતીને નુકસાન પહોંચ્યું છે.યેવલા તાલુકામાં તો વધુપડતો બરફ પડવાને કારણે ઘેંટાં-બકરાં જેવા પશુધનને પણ અસર થઈ છે અને કેટલાંક પશુઓનાં તો મોત પણ થયાં છે. વરસાદને પગલે રેવન્યુ વિભાગે દરેક તાલુકા અને સબ ડિવિઝનલ ઑફિસરોને સૂચના આપી છે કે પોતાના વિસ્તારમાં થયેલા નુકસાનનો  અહેવાલ જેમ બને એમ ઝડપથી પહોંચાડે. દરમ્યાન પાકના બગાડની સ્થિતિનો તાગ મેળવવા મહારાષ્ટ્રના સહકારી પ્રધાને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK