Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિયલ્ટી શૅર જોરમાં, રોકડું બાઉન્સ-બેક થયું

રિયલ્ટી શૅર જોરમાં, રોકડું બાઉન્સ-બેક થયું

27 November, 2014 06:19 AM IST |

રિયલ્ટી શૅર જોરમાં, રોકડું બાઉન્સ-બેક થયું

રિયલ્ટી શૅર જોરમાં, રોકડું બાઉન્સ-બેક થયું



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

પ્રમાણમાં ઠીક-ઠીક વૉલેટિલિટી વચ્ચે શૅરબજાર ગઈ કાલે ૪૮ પૉઇન્ટ વધીને ૨૮,૩૮૬ તથા નિફ્ટી બાર પૉઇન્ટના સુધારામાં ૮૪૭૬ નજીક બંધ રહ્યા છે. આરંભથી મધ્યભાગ સુધીનો ગાળો નરમાઈનો હતો જેમાં સેન્સેક્સ ૨૮,૨૬૧ના તળિયે ગયો હતો. એક વાગ્યા પછીની ચાલ મજબૂતીની હતી જેમાં શૅરઆંક ઉપરમાં ૨૮,૪૭૦ થયો હતો. વિશ્વબજારો બહુધા અપવર્ડ ટ્રેન્ડમાં હતાં. ચાઇના તથા હૉન્ગકૉન્ગ એક-એક ટકાથી વધુ અપ હતાં. સેન્સેક્સના ૩૦માંથી ૧૬ શૅર પ્લસ હતા. એચડીએફસી તથા એચડીએફસી બૅન્કમાં નવી વિક્રમી સપાટી બની હતી. આઇટીસી આગલા દિવસના પાંચ ટકાના મલ્ટિયર સિંગલ લાર્જેસ્ટ કડાકા બાદ ગઈ કાલે બે ટકા વધીને આવતાં સેન્સેક્સને ૪૮ પૉઇન્ટનો લાભ થયો હતો. બજારના ૨૪માંથી ૧૯ ઇન્ડાઇસિસ વધીને બંધ હતા. રિયલ્ટી સર્વાધિક ૪ ટકા ઉછળ્યો હતો. સ્મૉલ કૅપ, પાવર, મેટલ તથા એફએમસીજી ઇન્ડેક્સ એક ટકાની આસપાસ અને મિડ કૅપ બેન્ચમાર્ક અડધા ટકાથી વધુના સુધારામાં હતા. ઘટેલા ૧૧ શૅરમાં ભારતી ઍરટેલ ૨.૪ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો અને બજાજ ઑટો ૦.૯ ટકાની નરમાઈમાં મોખરે હતા. રોકડામાં પસંદગીયુક્ત આકર્ષણ આવતાં માર્કેટ-બ્રેડ્થ પૉઝિટિવ રહી છે. ૧૬૬૬ શૅર વધ્યા હતા, ૧૨૪૫ કાઉન્ટર ઘટીને બંધ હતાં. ૨૬૬ શૅર તેજીની સર્કિટમાં તો ૨૧૩ કાઉન્ટર મંદીની સર્કિટમાં રહ્યા હતા.

બજાજ ઑટોમાં નાઇજીરિયન શૉક

ક્રૂડના ઘટતા ભાવને પગલે અર્થતંત્ર વધુ માંદલું થઈ જતાં નાઇજીરિયા ખાતે વ્યાજદર એક ટકો વધારીને ૧૩ ટકાની ઐતિહાસિક ઊંચી સપાટીએ લઈ જવાયો છે. ત્યાંના ચલણ નાઇરાનું ડૉલર સામે આઠ ટકા અવમૂલ્યન કરાયું છે. અવમૂલ્યન પછી પણ નાઇરાની વૅલ્યુ ડૉલરદીઠ ૧૬૮થી વધુ ગગડી ૧૭૭ના ઑલટાઇમ તળિયે જતી રહી હોવાના અહેવાલ છે. નાઇજીરિયા ખાતેની આ ઘટનાની માઠી અસર બજાજ ઑટો પર થવાની ભીતિ છે, કેમ કે કંપનીની કુલ આવકમાં નાઇજીરિયન એક્સર્પોટ્સનો ફાળો ૧૧ ટકા કહેવાય છે. વિદેશી ફન્ડ-હાઉસ યુબીએસ દ્વારા તો ૨૩૦૦ રૂપિયાની ટાગેર્ટ પ્રાઇસ સાથે બજાજ ઑટોમાં સેલનું રેટિંગ જાહેર કરાયું છે. શૅર સોમવારે ૨૬૯૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બાદ વેચવાલીના પ્રેશરમાં આવ્યો છે. ૨૬૪૧ રૂપિયાના આગલા બંધ સામે ભાવ ગઈ કાલે નીચામાં ૨૫૬૮ રૂપિયા તથા ઉપરમાં ૨૬૨૫ રૂપિયા થઈ છેલ્લે એકાદ ટકાના ઘટાડે ૨૬૧૭ રૂપિયા બંધ હતો. નાઇજીરિયન ફૅક્ટર ભારતી ઍરટેલને ૨.૯ ટકા નડ્યું હતું.

ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ સુધારામાં

છેલ્લા ત્રણ દિવસમાં નરમાઈની હૅટ-ટ્રિકમાં ૧૯૩ રૂપિયાની ટોચથી ૧૭૯ રૂપિયાના તળિયે આવી ગયેલો ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝનો શૅર ૧૮૧ રૂપિયાના આગલા બંધ સામે ગૅપમાં ૧૮૭ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૯૪ રૂપિયા થયા બાદ ૪.૫ ટકાના પ્રત્યાઘાતી સુધારામાં ૧૮૯ રૂપિયા બંધ હતો. કંપની દ્વારા એમસીએક્સ-એસએક્સમાંના ૨૭૦ લાખ શૅર તથા ૫૬૨૪ લાખ વૉરન્ટના હિસ્સાનું રાકેશ ઝુનઝુનવાલા તથા અન્યને વેચાણ કરી ૮૮૪૨ લાખ રૂપિયાની રોકડી કરી લેવાઈ છે. આ સાથે એક્સચેન્જ બિઝનેસમાંથી ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝે સંપૂર્ણપણે વિદાય લીધી છે. વધુમાં ૫૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં ફસાયેલી લગભગ સંપૂર્ણ માલિકીના કંપની એનએસઈએલને ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ સાથે મર્જ કરવાના સરકારી આદેશનો અમલ લાગતાવળગતા હિતધારકોની રજૂઆત સાંભળ્યા પછી કરવામાં આવશે એવું નાણાપ્રધાન અરુણ જેટલીનું આશ્વાસન પણ શૅરમાં બાઉન્સ-બેકનું એક કારણ બન્યું છે.

ગ્રીનપ્લાય ડી-મર્જર ઇફેક્ટમાં ડાઉન

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝનો શૅર ૧૧૦૦ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ૯૯૮ રૂપિયા ખૂલી નીચામાં ૯૪૮ રૂપિયાની ૧૪ ટકાની નીચલી સર્કિટે બંધ હતો. ૧૪ ટકાનો આ ઘટાડો ડી-મર્જરની અસર હતી. કંપનીએ એના ડેકોરેટિવ બિઝનેસને ગ્રીનલેમ ઇન્ડસ્ટ્રીઝ નામે અલગ કંપનીમાં ડીમર્જર કરવાની તથા એ માટે ૨૭ નવેમ્બરની રેકૉર્ડ-ડેટ જાહેર કરી હતી. કંપનીના પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા પ્રત્યેક શૅર સામે નવી કંપની ગ્રીનલેમનો પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળો એક શૅર ડી-મર્જરમાં મળે છે. આ નવી કંપનીનું લિસ્ટિંગ ત્રણ માસમાં કરાવવાની યોજના છે. બાય ધ વે, ૫૫ રૂપિયાની ઈપીએસ અને ૨૪૧ રૂપિયાની બુકવૅલ્યુ ધરાવતી ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝનો ભાવ ૭ નવેમ્બરના રોજ ૧૨૭૭ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. વર્ષનું બૉટમ પાંચ માર્ચના રોજ ૩૦૦ રૂપિયા હતું. એપ્રિલ ૨૦૦૩માં શૅર ૨.૮૦ રૂપિયાના ઑલટાઇમ તળિયે હતો!

તાતા કૉફીમાં શૅર-વિભાજનનો કરન્ટ

તાતા કૉફીના ર્બોડ ઑફ ડિરેક્ટસેર્ ૧૦ રૂપિયાના શૅરના એક રૂપિયામાં વિભાજનને બહાલી આપી છે. એની અસરમાં સાડાચાર ગણા વૉલ્યુમમાં ૯૭૭ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે શૅર ઉપરમાં ૧૦૩૦ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાના સુધારામાં ૧૦૦૬ રૂપિયા બંધ હતો. ૧૩ મે ૨૦૧૩માં આ શૅર ૧૬૭૫ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. સપ્ટેમ્બર ૨૦૦૧માં ૫૦ રૂપિયાનું ઑલટાઇમ બૉટમ બન્યું હતું. કંપનીએ છેલ્લું બોનસ ઑક્ટોબર ૧૯૯૪માં આપ્યું હતું જે ૧:૧ હતું. એકમાત્ર રાઇટ માર્ચ ૨૦૦૬માં કર્યો હતો. ત્યારે શૅરની ફેસવૅલ્યુ ૪૦૦ રૂપિયા હતી. બે શૅરદીઠ એક શૅર ૬૪૦ રૂપિયામાં આપ્યો હતો. ટી-કૉફી પ્લાન્ટેશન બિઝનેસમાં પ્રવૃત અન્ય શૅરમાં ગઈ કાલે તરાઈ ટી બે ટકા વધી ૫૨ રૂપિયા, વૉરન ટી અડધો ટકો, કેન્કો ટી બે ટકા વધી ૧૬૭ રૂપિયા બંધ હતા. રસેલ ઇન્ડિયા ૩.૭ ટકા, જૂન્કટોલી ટી પોણો ટકો, સીસીએલ પ્રોડક્ટસ ૧.૬ ટકા ડાઉન હતા. તાતા ગ્લોબલ બિવરેજિસ ૦.૭ ટકા વધી ૧૫૫ રૂપિયા બંધ હતો.

પીએસયુ શૅર સુધારામાં

સરકાર દ્વારા કોલ ઇન્ડિયાનો ૧૦ ટકા, ઓએનજીસી તથા સેઇલનો પાંચ-પાંચ ટકા અને એનએચપીસીનો ૧૧ ટકા હિસ્સો જાન્યુઆરી સુધીમાં ડાઇવેસ્ટ કરવાનું નર્ધિારાયું હોવાના સમાચાર છે. કોલ ઇન્ડિયા ૩૪૭ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૩૫૨ રૂપિયા નજીક જઈ અંતે ૦.૯ ટકા વધી ૩૫૧ રૂપિયા, ઓએનજીસી ઉપરમાં ૩૯૦ રૂપિયાને વટાવી છેલ્લે ૧૦ પૈસા ઘટી ૩૮૬ રૂપિયા, સેઇલ ૮૮ રૂપિયા જેવી ટોચે જઈ ૩.૪ ટકાની મજબૂતીમાં ૮૭ રૂપિયા તથા એનએચપીસી ઉપરમાં ૨૦.૬૦ રૂપિયા બતાવી અંતે એક ટકા વધી ૨૦ રૂપિયા બંધ હતો. હાલના ભાવે સરકાર આ કંપનીઓના ડિસઇન્વેસ્ટમેન્ટ મારફત આશરે ૪૪,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરી શકે છે. અન્ય પીએસયુ શૅરમાં એચએમટી ગઈ કાલે ૬.૭ ટકા, જીએમડીસી એક ટકો, ગેઇલ ૨.૯ ટકા, એમટીએનએલ અડધો ટકો, ઑઇલ ઇન્ડિયા ૨.૯ ટકા, ભેલ ૨.૩ ટકા વધ્યા હતા. પીએસયુ ઇન્ડેક્સ ૫૯માંથી ૩૭ શૅરના સુધારામાં અડધો ટકો વધી ૮૨૨૮ રૂપિયા બંધ હતો. નૅશનલ ઍલ્યુમિનિયમ બે ટકાની નરમાઈમાં ઘટેલા ૨૦ શૅરમાં મોખરે હતો. યુનાઇટેડ બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ માયસોર, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક જેવા આ ઇન્ડેક્સના બૅન્ક-શૅર નરમ બંધ હતા.

રિયલ્ટી શૅરમાં એફએસઆઇનું જોર

સેન્સેક્સના નહીંવત્ સુધારા સામે ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ચાર ટકા ઊછળ્યો હતો. એના ૧૩માંથી ૧૨ શૅર વધેલા હતા. દિલ્હી ગવર્નમેન્ટ તરફથી ૧૦૦૦ ચોરસ મીટરથી વધુના પ્લૉટ માટેની એફએસઆઇ કે ફ્લોર એરિયા રેશિયો ૨૦૦ ટકા વધારાયો હોવાના અહેવાલ તેજીનું કારણ બન્યા હતા. હેવીવેઇટ ડીએલએફ ૧૩૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊછળી ૧૫૫ રૂપિયા નજીક જઈ છેલ્લે ૭.૨ ટકાની મજબૂતીમાં ૧૫૨ રૂપિયા હતો. અનંતરાજ ૯.૭ ટકા વધી ૫૫ રૂપિયા, ઑબેરૉય રિયલ્ટી ૭.૨ ટકાની મજબૂતીમાં ૨૫૬ રૂપિયા અને યુનિટેક ૪.૪ ટકા વધી ૧૯ રૂપિયા બંધ હતા. ડીબી રિયલ્ટી ૩.૪ ટકા, એચડીઆઇએલ ૩.૭ ટકા, ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી બે ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧.૮ ટકા, પ્રેસ્ટિજ ૧.૮ ટકા પ્લસ હતા. સમગ્ર રિયલ્ટી સેક્ટરમાં ૫૮ શૅર ઊઠચકાયા હતા. ૩૨ જાતો નરમ હતી. ટીસીઆઇ ડેવલપર્સ આઠ ટકાના ઘટાડે મોખરે હતો. લોક હાઉસિંગ ૪.૫ ટકા અને ક્વૉન્ટમ બિલ્ડટેક સવા છ ટકા ડાઉન હતા.

રિલાયન્સ કૅપિટલને જૅપનીઝ પુશ


રિલાયન્સ કૅપિટલ ઍસેટ મૅનેજમેન્ટમાં જૅપનીઝ નિપ્પોન લાઇફ ઇન્શ્યૉરન્સ એનો હાલનો ૨૬ ટકાનો હિસ્સો વધારીને ૪૯ ટકા કરશે. એના ભાગરૂપ પ્રથમ તબક્કામાં નવ ટકા હિસ્સો ૬૫૭ કરોડ રૂપિયા કે ૧૦૮૦ લાખ ડૉલરમાં ખરીદી વર્તમાન હોલ્ડિંગ ૩૫ ટકાએ લઈ જશે, જે રિલાયન્સ કૅપિટલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીનું વૅલ્યુએશન કુલ ૭૩૦૦ કરોડ રૂપિયા કે ૧૨૦ કરોડ ડૉલરનું હોવાનું સૂચવે છે. આ નવા ડેવલપમેન્ટના પગલે પેરન્ટ કંપની રિલાયન્સ કૅપિટલનો શૅર ગઈ કાલે આગલા બંધથી સવા રૂપિયો નીચે ૪૮૦ રૂપિયા ખૂલ્યા બાદ શાર્પ જમ્પમાં ૫૦૫.૨૦ રૂપિયા જઈ છેલ્લે ૪.૨૪ ટકાના સુધારામાં ૫૦૧.૪૫ રૂપિયા બંધ હતો. અનિલ ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ફ્રા ૨.૧૬ ટકા વધી ૫૯૮.૮૦ રૂપિયા, રિલાયન્સ પાવર ૧.૫૬ ટકા વધી ૬૮.૧૫ રૂપિયા તથા આરકૉમ ૦.૬૪ ટકાના સુધારામાં ૧૦૩ રૂપિયા હતા. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૯૯૩ રૂપિયા અને નીચામાં ૯૮૨ રૂપિયા થઈ છેલ્લે ૦.૫૦ ટકા ઘટીને ૯૮૭.૩૫  તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા ઉપરમાં ૫૨૦ રૂપિયા બતાવી એક ટકાના સુધારામાં ૫૧૫.૮૦ રૂપિયા બંધ હતા.

બજારની અંદર-બહાર

ગુજરાત ગૅસ રોજના સરેરાશ ૩૦ હજાર સામે ગઈ કાલે ૬.૬૨ લાખ શૅરના કામકાજમાં ૬૩૩ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૧૭ ટકાની તેજીમાં ૬૨૦ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે. પ માર્ચના રોજ ભાવ ૨૧૯ રૂપિયાના વર્ષના તળિયે હતો.

અતુલ ઑટોમાં ગોલ્ડમૅન સાક્સ ઇન્ડિયાએ ત્રણેક લાખ શૅર સરેરાશ ૪૨૯ રૂપિયા જેવા ભાવે લીધાના અહેવાલે શૅર ગઈ કાલે ૪૬૫ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ થઈ અંતે ૩.૭ ટકાની મજબૂતીમાં ૪૫૪ રૂપિયા હતો.

કેન્ફર ઍન્ડ અલૉઇડ દ્વારા યુએસ કંપની આઇએફએફ સાથે મૅન્યુફૅક્ચરિંગ અને સપ્લાયના મલ્ટિયર કરાર થતાં ભાવ પાંચગણા વૉલ્યુમે ઉપરમાં ૩૭૦ રૂપિયા થઈ અંતે ૮ ટકાના ઉછાળામાં ૩૪૫ રૂપિયા હતો.

ટૉરન્ટ પાવર ચારેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૬૫ રૂપિયા બતાવી છેલ્લે ૭.૪ ટકાની મજબૂતીમાં ૧૬૦ રૂપિયા બંધ હતો.

જેએસડબ્લ્યુ એનર્જી બમણાથી વધુના વૉલ્યુમમાં ૯૨ રૂપિયા પ્લસની ૪૬ માસની ટોચ બનાવી છેલ્લે પાંચ ટકાના જમ્પમાં ૯૧ રૂપિયા હતો.

પૉલ્સન લિમિટેડ ૭ શૅરના કામકાજમાં પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૬૬૩૩ રૂપિયા થઈ છેલ્લે ૭૦૯૮ રૂપિયા બંધ હતો. ૧૭ સપ્ટેમ્બરના રોજ ૯૫૩૯ રૂપિયાની વિક્રમી સપાટી બતાવનાર આ શૅર વર્ષ પૂર્વે ૧૬૪૧ રૂપિયાના તળિયે હતો. ફેસવૅલ્યુ ૫૦ રૂપિયા છે.

ટેક સૉલ્યુશન્સ દસેક ગણા વૉલ્યુમમાં ૪૮ રૂપિયાની સાડાત્રણ વર્ષની ટોચ બનાવી છેલ્લે ૧૮ ટકાની તેજીમાં ૪૭.૪૫ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયો છે.

જેએમ ફાઇનૅન્શિયલ ત્રણગણા વૉલ્યુમમાં ૫૨ રૂપિયા નજીક લગભગ સાડાપાંચ વર્ષની ટોચે જઈ છેલ્લે ૭.૮ ટકાના ઉછાળામાં ૫૧ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

એવરેડી ઇન્ડસ્ટ્રીઝ પાંચગણા વૉલ્યુમમાં ૧૮૯ રૂપિયાની વિક્રમી સપાટી બતાવી પોણાનવ ટકાની તેજીમાં ૧૮૩ રૂપિયા હતો. મહિના પૂર્વે ભાવ ૧૧૦ રૂપિયા હતો.

વેસ્ટ લાઇફ ડેવલપમેન્ટ માંડ ૫૦૦ શૅરના કામકાજમાં ૩૧૦ રૂપિયાના આગલા બંધ સામે ઉપરમાં ૩૨૦ રૂપિયા અને નીચામાં ૨૬૦ રૂપિયાનું વર્ષનું બૉટમ બતાવી છેલ્લે ૩૦૩ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે ભાવ ૪૧૮ રૂપિયાના શિખરે હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.



Whatsapp-channel Whatsapp-channel

27 November, 2014 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK