ઑટો, મેટલ અને આઇટીની હૂંફમાં બજારની આગેકૂચ

Published: Dec 30, 2014, 05:31 IST

ચાઇનીઝ શૅરબજાર પાંચ વર્ષની ઊંચી સપાટીએ : હૉન્ગકૉન્ગ ૧.૮ ટકા અપ : એમઆરએફ ૧૯૦૦ રૂપિયાથી વધુ કે સવાપાંચ ટકા ઊંચકાયો : ગુજરાત પીપાવાવ ૨૦૦ રૂપિયા નજીકના નવા શિખરે : બૅન્કેક્સ સિવાયના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધ્યાશૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

ચાઇના-હૉન્ગકૉન્ગની આગેવાનીમાં એશિયન બજારોની હૂંફ વચ્ચે ઘરઆંગણે સરકાર હવે આર્થિક સુધારાના મોરચે ગંભીર બની હોવાના અણસારે શૅરબજાર બીજા દિવસે મજબૂત રહ્યું છે. સેન્સેક્સ ૧૫૪ પૉઇન્ટ વધીને ૨૭૩૯૬ તથા નિફ્ટી ૪૫ પૉઇન્ટના સુધારામાં ૮૨૪૬ રહ્યા છે. બજાર આગલા બંધથી ઉપર ખૂલ્યુ હતું અને તેજ લેવલ ઇન્ટ્રા-ડે બૉટમ બન્યાં હતાં. અર્થાત્ આખો દિવસ માર્કેટ ગઈ કાલે પૉઝિટિવ ઝોનમાં હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૭૫૦૭ તથા નિફ્ટી ૮૨૭૯ થયા હતા. યુરોપ લેટ ઓપનિંગ બાદ માઇનસ ઝોનમાં આવી જતાં છેલ્લો દોઢેક કલાક ઉપલા મથાળેથી આંશિક શૅરનો રહ્યો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર વધીને બંધ હતા. જે પાંચ શૅર ઘટયા એમાં. ૦.૮ ટકાના ઘટાડે ભારતી ઍરટેલ મોખરે હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધા ટકાની નજીક નરમ હતો. એસબીઆઇ, મહિન્દ્ર તથા ઍક્સિસ બૅન્ક નજીવા ડાઉન હતા. તાતા મોટર્સ બે ટકા વધી ૪૯૫ રૂપિયાના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૨૪ પૉઇન્ટ ફળ્યો હતો. સેસા સ્ટરલાઇટ ૩.૮ ટકા, હિન્દાલ્કો સવાત્રણ ટકા, તાતા સ્ટીલ દોઢ ટકો વધ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક ટકા નજીકના સુધારામાં ૮૯૭ રૂપિયા રહ્યો હતો. બૅન્કેક્સના નહીંવત્ ૦.૨ ટકાથીય ઓછા ઘટાડાને અપવાદ ગણતાં બજારના તમામ સેક્ટોરલ બેન્ચમાર્ક ગઈ કાલે ઊંચકાયા હતા. માર્કેટ-બ્રેડ્થ હકારાત્મક હતી. ૧૬૧૬ શૅર વધ્યા હતા, ૧૩૦૭ કાઉન્ટર ઘટીને બંધ હતા, ૨૫૨ શૅરમાં તેજીની સર્કિટ લાગેલી હતી તો ૨૯૬ જાતો મંદીની સર્કિટમાં હતી.

સિમેન્ટ શૅરમાં તેજીનું ચણતર

સરકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ઝોક જાણીતો છે. વળી મૉન્સૂન પૂરું થયું હોવાથી સિમેન્ટ માટે આમેય સાઇક્લિકલ ડિમાન્ડ ગ્રોથની સીઝન શરૂ થઈ ગઈ છે. તેજીનું ચણતર શરૂ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. ગઈ કાલે ૪૩માંથી ૩૧ સિમેન્ટ શૅર વધ્યા હતા; જેમાં કેસીપી ૮.૪ ટકા, ઓરિયન્ટ સિમેન્ટ ૮.૪ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ પાંચ ટકા, ઇન્ડિયા સિમેન્ટ ૨.૭ ટકા, જેકે લક્ષ્મી ૨.૪ ટકા, ઝિમ સિમેન્ટ બે ટકા, અંબુજા સિમેન્ટ ૧.૮ ટકા તથા અલ્ટ્રાટેક ૧.૯ ટકા પ્લસ હતા. બૅન્ક શૅરમાં એકંદર નરમાઈ વચ્ચે ઇન્ડિયા બૅન્ક ૫.૨ ટકા સ્ટ્રૉન્ગ હતો. સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર-જયપુર ૪.૬ ટકા, યુનાઇટેડ બૅન્ક ૨.૩ ટકા અને દેના બૅન્ક ૨.૨ ટકા અપ હતા. ડૉલર સામે રૂપિયો ૧૩ મહિનાના તળિયે જવાના પગલે આઇટી શૅરમાં પસંદગીયુક્ત આકર્ષણ હતું. આઇટી બેન્ચમાર્ક દસેદસ શૅરના સુધારામાં ૦.૭ ટા પ્લસ હતો. વકરાંગી ૩.૩ ટકા, ઑરેકલ ૧.૬ ટકા, સીએમસી દોઢ ટકો અને માઇન્ડ ટ્રી ૧.૧ ટકા વધ્યા હતા. ઇન્ફી અને વિપ્રો અડધો ટકો તો ટીસીએસમાં પોણા ટકાનો સુધારો હતો. રિયલ્ટી સેગમેન્ટમાં ફિનિક્સ ૪.૩ ટકા ઊંચકાઈને ૩૬૯ રૂપિયા બંધ હતો. વૉકહાર્ટ ૨.૭ ટકા, લુપિન ૧.૮ ટકા, રૅનબૅક્સી ૧.૭ ટકા, ટૉરન્ટ ફાર્મા અને અરબિંદો ફાર્માના દોઢ ટકાનો સુધારો હેલ્થકૅર બેન્ચમાર્કને ૦.૯ ટકા વધીને બંધ રહેવામાં સહાયક બન્યો હતો. મિડકૅપ ઇન્ડેક્સ સેન્સેક્સની તુલનામાં ઊંચો, ૦.૯ ટકા વધ્યો હતો. બ્રોડર માર્કેટનો માપદંડ ગણાતો બીએસઈ-૫૦૦ ૦.૭ ટકા પ્લસ હતો. એના ૫૦૦માંથી ૩૩૨ શૅર વધીને બંધ હતા.

ગુજરાત પીપાવાવ સર્વોચ્ચ શિખરે

ગુજરાત પીપાવાવ ર્પોટ્સ ગઈ કાલે બન્ને બજારો ખાતે કુલ મળીને ૫૩ લાખ શૅરના કામકાજમાં ૧૯૯ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૮.૭ ટકાની તેજીમાં ૧૯૦ રૂપિયા બંધ હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે ૨૯ રૂપિયાની બુક વૅલ્યુવાળો આ શૅર અત્યારે લગભગ ૩૦ રૂપિયાના પી/ઈમાં મળે છે. ઇન્ડસ્ટ્રીઝનો પી/ઈ ૫૩નો છે. કંપનીએ પીપાવાવ ર્પોટ ખાતે અઢી લાખ વાહનની હૅન્ડલિંગ ક્ષમતાવાળી રૉ-રોટર્મિનલ સ્થાપવા એનવાયકે ઑટો લૉજિસ્ટિક્સ સાથે તાજેતરમાં કરાર કર્યા છે. શૅર એક સપ્તાહમાં નીચા મથાળેથી ૩૭ રૂપિયા જેવો વધી ગયો છે. વર્ષ પૂર્વે ૫૯ રૂપિયાના બૉટમમાં હતો. એ ધોરણે શૅરમાં એક વર્ષમાં ૨૪૦ ટકાનો ઉછાળો આવ્યો છે. પિઅર્સ ગ્રુપમાં ગઈકાલે જીઓએલ ઑફશૉર ૧૪ ટકા વધી ૭૫ રૂપિયા, એબીજી શિપયાર્ડ ૨.૫ ટકા વધી ૨૨૩ રૂપિયા, શ્રેયસ શિપિંગ ૩ ટકા વધી ૨૦૮ રૂપિયા, ચૌગુલે સ્ટીમશિપ પાંચ ટકા વધી ૨૧.૨૫ રૂપિયા, મર્કેટર ૦.૬ ટકા વધી ૨૪ રૂપિયા ઉપર બંધ હતો. જીઇ શિપિંગ એક ટકો પ્લસ હતો.

ચાઇના પાંચ વર્ષની ટોચે

ચાઇનીઝ શૅરબજાર ઉપરમાં ૩૨૨૪ નજીક જઈ છેલ્લે ૦.૪ ટકાની આગેકૂચમાં ૩૧૬૯ બંધ આવ્યું છે, જે જાન્યુઆરી ૧૦ પછીની સૌથી ઊંચી સપાટી છે. હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેંગ ૪૨૪ પૉઇન્ટ કે ૧.૮ ટકા વધી ૨૩,૭૭૩ બંધ હતો. એની ચાઇનીઝ બજારને સારી હૂંફ મળી હતી. તાઇવાન પોણો ટકો વધ્યું હતું. સિંગાપોર તથા ઇન્ડોનેશિયા સાધરણ પ્લસ હતો. સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ એક-એક ટકો અને જાપાનીઝ નિક્કી અડધો ટકો ડાઉન હતા. યુરોપ નહિવત્થી એક ટકાની રેન્જમાં માઇનસ દેખાતું હતું. હૉન્ગકૉન્ગ ખાતેનો હૅન્ગ સેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ ચાર ટકાની તેજીમાં ૧૨,૦૧૯ની ૧૩ માસની ટોચે ગયો હતો. ચાઇનીઝ મધ્યસ્થ બેન્ક નાણાનીતિ થોડીક હળવી કરી સ્લોડાઉનને ખાળવાનાં પગલાં વિચારી રહી હોવાના અહેવાલ હતા. ઑસ્ટ્રેલિયન શૅરબજાર દોઢ ટકો અપ હતું. દરમ્યાન મિડલ ઈસ્ટ ખાતેનું સૌથી મોટું શૅરબજાર એવું સાઉદી અરેબિયન સ્ટૉક એક્સચેન્જ એલિ માસતી વિદેશી રોકાણકારો માટે ખુલ્લું થશે. હાલ ત્યાં વિદેશી રોકાણકારો કામકાજ કરી શકતા નથી.

મેટલ શૅરમાં મજબૂતી

સેન્સેક્સના ૦.૬ ટકાના સુધારા સામે ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી નવ શૅરની આગેકૂચમાં ૨.૪ ટકા વધી ટૉપ ગેઇનર બન્યો હતો. સેસા સ્ટરલાઇટ ૩.૮ ટકા ઊંચકાઈ ૨૧૫ રૂપિયા, જિંદાલ સ્ટીલ ૩.૪ ટકાની તેજીમાં ૧૫૪ રૂપિયા, હિન્દાલ્કો સવાત્રણ ટકાના જમ્પમાં૧૫૭ રૂપિયા, હિન્દુસ્તાન ઝિંક ૩.૨ ટકા વધી ૧૬૭ રૂપિયા, સેઇલ ૨.૭ ટકાના સુધારામાં ૮૩ રૂપિયા નજીક તથા જેએસડબ્લ્યુ સ્ટીલ સવાબે ટકા વધી૧૦૭૦ રૂપિયા બંધ હતો. તાતા સ્ટીલ દોઢ ટકો વધીને ૪૦૪ રૂપિયા હતો. નાલ્કો બે ટકા પ્લસ હતો. કોલ ઇન્ડિયા સવા બે ટકા વધ્યો હતો. એકમાત્ર એનએમડીસી ૦.૭ ટકાના ઘટાડે ૧૪૩ રૂપિયા હતો. મેટલ પછી ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો વધી સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો હતો. હેવી વેઇટ તાતા મોટર્સ બે ટકા વધી ૪૯૫ રૂપિયા બંધ હતો. હીરો મોટોકૉર્પ ૧.૯ ટકા, આઇશર મોટર્સ ૧.૬ ટકા, મારુતિ સુઝુકી અડધો ટકો, બજાજ ઑટો ૦.૭ ટકા, ભારત ર્ફોજ ૩.૪ ટકા, બૉશ ૪.૩ ટકા અને મધરસન સુમી ૪.૭ ટકા પ્લસ હતા. એમઆરએફ ૧૯૧૪ રૂપિયા કે સવા પાંચ ટકાના ઉછાળે ૩૮,૨૪૨ રૂપિયા રહ્યો હતો. અપોલો ટાયર સવાબે ટકા વધેલો હતો. મહિન્દ્રામાં સવાત્રણ રૂપિયાની નરમાઈ હતી.

બજારની અંદર-બહાર

લુપિનને અમેરિકા, યુરોપ તથા લૅટિન અમેરિકા ખાતે ટેકઓવરમાં રસ હોવાના અહેવાલે શૅર ૧.૮ ટકાની મજબૂતીમાં ૧૪૩૨ રૂપિયા નજીક હતો.

ઇન્ડો બોરેક્સ દ્વારા પિથમપુર પ્લાન્ટ ખાતે ક્ષમતા વિસ્તરણની યોજનાના અહેવાલે શૅર પાંચેક ટકાની મજબૂતીમાં ૨૩૬ રૂપિયા બંધ હતો. ૧૭ જાન્યુઆરીના રોજ ભાવ ૮૩ રૂપિયાના તળિયે હતો.

જિંદાલ સ્ટેનલેસ દ્વારા બિઝનેસની નવરચના તથા ઍસેટ્સ મોનેટાઇઝેશનની હિલચાલમાં શૅર ઉપરમાં ૪૦.૨૫ રૂપિયા થઈ છેલ્લે ૫.૭ ટકાના ઉછાળે ૩૯ રૂપિયા જેવો હતો.

અબાન ઑફશૉરનું રેટિંગ કૅર તરફથી અપગ્રેડ થવાના પગલે શૅર ગઈ કાલે ૪૯૫ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧૭.૪ ટકાના જમ્પમાં ૪૯૧ રૂપિયા હતો.

સ્પાઇસ મોબિલિટીની ર્બોડ મીટિંગમાં ૨ જાન્યુઆરીના રોજ શૅરના સ્વૈચ્છિક ડીલિસ્ટિંગ માટે મળશે. ભાવ ગઈ કાલે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૬.૪૦ રૂપિયા થયો હતો.

લાર્સનની સબસિડિયરીને ઓએનજીસી તરફથી ૮૯૪ રૂપિયા કરોડનો કૉન્ટ્રૅp મળતાં શૅર ૧૫૦૭ રૂપિયા થયા બાદ અંતે નહિવત્ સુધારામાં ૧૪૯૨ રૂપિયા હતો.

સ્ટેટ બેન્ક ઑફ બિકાનેર- જયુપર નવ ગણાં કામકાજમાં ઉપરમાં ૬૨૬ રૂપિયા બતાવી અંતે ૪.૬ ટકાની મજબૂતીમાં ૬૦૯ રૂપિયા હતો.

વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ગણા વૉલ્યુમમાં ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૬૮ રૂપિયાની વર્ષની ટોચે બંધ હતો. ૧૭ ફેબ્રુઆરીના રોજ અહીં ભાવ ૫૪ રૂપિયા નીચે દેખાયો હતો.

કામત હોટેલ્સ સારા બજારમાં ૭.૯ ટકાની ખરાબીમાં ૭૨ રૂપિયા નીચે બંધ હતો. વૉલ્યુમ ૨૩૦ શૅરનું હતું.

સ્વિસ ગ્લાસકોટ ૧૬ ગણાં કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૫ રૂપિયા નજીક વર્ષની ઊંચી સપાટીએ બંધ હતો. ૩૧ જાન્યુઆરીના રોજ શૅર ૩૧ રૂપિયાના વર્ષના તળિયે હતો.

કરીઅર પૉઇન્ટ લગભગ છ ગણાં કામકાજમાં ઉપરમાં ૧૫૨ રૂપિયા બતાવી અંતે ૯.૨ ટકાની તેજીમાં ૧૪૭ રૂપિયા હતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK