Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > હેવીવેઇટ્સના શૅરમાં બજાર ૨૯૮ પૉઇન્ટ ડાઉન

હેવીવેઇટ્સના શૅરમાં બજાર ૨૯૮ પૉઇન્ટ ડાઉન

25 December, 2014 05:30 AM IST |

હેવીવેઇટ્સના શૅરમાં બજાર ૨૯૮ પૉઇન્ટ ડાઉન

હેવીવેઇટ્સના શૅરમાં બજાર ૨૯૮ પૉઇન્ટ ડાઉન



શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

બજાર બંધ થવાના અડધા-પોણા કલાક દરમ્યાન વેચવાલીના શૅરમાં હેવીવેઇટ હલકા થતાં સેન્સેક્સ ગઈ કાલે ૨૯૮ પૉઇન્ટ ઘટીને ૨૭૨૦૮ તથા નિફ્ટી ૯૩ પૉઇન્ટની ખરાબીમાં ૮૧૭૪ બંધ આવ્યા છે. આ સાથે ૩.૭૩ ટકાના ઘટાડામાં નિફ્ટી ડિસેમ્બર વલણ પૂરૂ થયું છે. જાન્યુઆરી વલણમાં નિફ્ટીની રેન્જ ૭૯૦૦-૮૫૦૦ની મુકાઈ છે. જોકે આ બહુ પ્રાથમિક અટકળ કહી શકાય, કેમ કે છેલ્લાં ૧૦ વર્ષ દરમ્યાન જાન્યુઆરી મહિનો મોટે ભાગે મંદીનો રહ્યો છે.

બજાર આગલા બંધથી નહીંવત્ સુધારામાં ખૂલી ઉપરમાં ૨૭૫૭૧ થયું હતું. શરૂઆતના બે-સવા બે કલાક ‘લેટ’ હતા. ત્યાર પછી પોણાત્રણ વાગ્યા સુધીનો સમય ઘટાડાનો હતો, પરંતુ એનું પ્રમાણ સાધારણ હતું. બજાર બંધ થવાનો અડધો કલાક મંદીના તોફાનનો હતો જેમાં સેન્સેક્સ ૨૭૧૪૬ના તળિયે હતો. હેવીવેઇટ્સ વધુ ખરડાયા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શૅર બુધવારે ઘટીને બંધ રહ્યા છે. જે ત્રણ શૅર વધ્યા હતા એમાં સૌથી વધુ સુધારો સેસા સ્ટરલાઇટમાં ૦.૬ ટકાનો હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૦ પૈસા અને તાતા સ્ટીલ ૨૫ પૈસા વધ્યા હતા. સામે એચડીએફસી, ભેલ, ગેઇલ, ડૉ. રેડ્ડીઝ લૅબ, એનટીપીસી, ઇન્ફી, ઓએનજીસી, ટીસીએસ, એચડીએફસી, બજાજ ઑટો, કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો જેવાં કાઉન્ટર દોઢથી અઢી ટકાની આસપાસ ડૂલ્યા હતા. સેન્સેક્સની ૧.૧ ટકાની નબળાઈ સામે મિડકૅપ અને સ્મૉલકૅપ ઇન્ડેક્સ નહીંવત્ સુધર્યા હતા. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ હતી. ૧૩૪૦ શૅર વધ્યા હતા, ૧૪૮૭ જાતો નરમ હતી, ૧૯૪ શૅર ઉપલી સર્કિટે બંધ હતા, ૨૫૪ શૅરમાં મંદીની સર્કિટ લાગેલી હતી.

જેપી અસોસિએટ્સમાં મજબૂતી


અલ્ટ્રાટેક દ્વારા જેપી અસોસિએટ્સના બે સિમેન્ટ પ્લાન્ટ ૫૪૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાનો નિર્ણય બન્ને કંપનીઓમાં ફૅન્સીનું કારણ બન્યો હતો. ઋણબોજ ઘટાડવા એક પછી એક ઍસેટ્સ વેચી રહેલા જેપી ગ્રુપમાં જેપી અસોસિએટ્સ ૯ ટકાના ઉછાળે ૨૫.૫૫ રૂપિયા બંધ હતો. જેપી ઇન્ફ્રાટેક ૧.૭ ટકા તથા જેપી પાવર અઢી ટકા પ્લસ હતા. આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટેક સિમેન્ટ આ સોદાના પગલે દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની બને છે. એનો શૅર ઉપરમાં ૨૬૬૦ રૂપિયા થઈ અંતે ૩.૪ ટકાની મજબૂતીમાં ૨૬૨૬ રૂપિયા નજીક બંધ હતો. અન્ય સિમેન્ટ શૅરમાં કેસીપી ૧૨ ટકા, રામકો સિમેન્ટ ૩ ટકા, જેકે લક્ષ્મી સવા ટકો, ઓસીએલ એક ટકો, ઇન્ડિયા સિમેન્ટ્સ ૨.૪ ટકા, હેડલબર્ગ ૧.૪ ટકા તથા એસીસી ૦.૮ ટકા અપ હતા. સામે બુરનપુર ૮.૨ ટકા, જેકે સિમેન્ટ ૧.૪ ટકા, પણ્યમ સિમેન્ટ અઢી ટકા, મંગલમ સિમેન્ટ ૦.૭ ટકા, આંધ્ર સિમેન્ટ ૨.૬ ટકા નરમ હતા.

વટહુકમથી વીમા શૅર સુધર્યા

ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણની મર્યાદા ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવાની જોગવાઈ વટહુકમ મારફત અમલી બનાવવાની સરકારની જાહેરાતથી સબસિડિયરી મારફત વીમા ક્ષેત્રે પ્રવૃત્ત કંપનીઓના શૅર આકર્ષણમાં હતા. રિલાયન્સ કૅપિટલ ૩.૮ ટકાની મજબૂતીમાં ૪૯૮ રૂપિયા બંધ હતો. મેક્સ ઇન્ડિયા બે ટકા વધીને ૩૮૭ રૂપિયા, આદિત્ય બિરલા નુવો ૧.૧ ટકાના સુધારામાં ૧૬૭૦, એક્સાઇડ ઇન્ડ. ૦.૯ ટકા વધીને ૧૭૦ રૂપિયા બંધ હતા. બજાજ ફિનસવર્‍ ઉપરમાં ૧૩૨૮ રૂપિયા થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં પોણાછ રૂપિયા ઘટી ૧૩૦૫ રૂપિયા, એચડીએફસી ૧૧૩૪ રૂપિયા થયા બાદ બે ટકા ઘટી ૧૧૦૧ રૂપિયા તથા આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૦ પૈસાના સુધારામાં ૩૫૩ રૂપિયા ઉપર હતા. એસબીઆઇ એકાદ રૂપિયાની નરમાઈમાં ૩૦૬ રૂપિયા નીચે રહ્યો હતો.

ડાઉન-ડૉલર ઇન્ડેક્સ ઐતિહાસિક શિખરે

અમેરિકન અર્થતંત્ર થર્ડ ક્વૉર્ટરમાં ધારણા કરતાં વધુ મોટા તેમ જ ૧૧ વર્ષના સૌથી ઊંચા એવા પાંચ ટકાના દરે વિકાસ પામ્યું હોવાના સમાચારથી ડાઉ ઇન્ડેક્સ પ્રથમ વાર ૧૮,૦૦૦ ઉપર પહોંચી ગયો છે. તો યુરો, યેન, પાઉન્ડ, સ્વિસ ફ્રાન્ક, સ્વીડિશ ક્રોના તથા કૅનેડિયન ડૉલર જેવા છ અગ્રણી ચલણ સામે ડૉલરના મૂલ્યનો માપદંડ ગણાતો ડૉલર ઇન્ડેક્સ પણ ૯૦.૧૬ની નવેક વર્ષની ટોચે ગયો છે. બૅક-ટુ બૅક ૪ ટકાથી વધુ ઊંચા ત્રિમાસિક ગ્રોથ રેટથી અમેરિકન અર્થતંત્રની રિકવરી હાલ પૂરતી શંકાથી પર બને છે. વિશ્વબજારોને આજથી વત્તે-ઓછે અંશે અવશ્ય રાહત થશે. જોકે એક ઉધાર પાસું એ છે કે ઊંચા જીડીપીના લીધે અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં વધારાનો નિર્ણય ધારણા કરતાં વહેલો અમલી બનાવાય એવી શક્યતા છે. ગઈ કાલે મોટા ભાગના એશિયન બજાર પ્લસમાં હતા. જૅપનીઝ નિક્કી સવા ટકાની મજબૂતીમાં મોખરે હતો. સામે ચાઇનીઝ માર્કેટ વધુ બે ટકાના ઘટાડે ૨૯૭૨ હતું. યુરોપ સાધારણ વધ-ઘટે મિશ્ર જણાતું હતું.

ઇન્ફીનાં પરિણામ ૯ જાન્યુઆરીએ

ડિસેમ્બર ક્વૉર્ટરનાં કંપનીપરિણામની સીઝન જાન્યુઆરીના બીજા સપ્તાહથી આરંભાશે. આઇટી જાયન્ટ ઇન્ફોસિસનાં રિઝલ્ટ ૯મીએ આવશે. કંપની છેલ્લાં ત્રણ ક્વૉર્ટરથી બજારની એકંદર અપેક્ષા કરતાં સારો દેખાવ કરતી રહી છે અને એને કારણે રિઝલ્ટ બાદ શૅરના ભાવમાં અચૂક વધારો જોવા મળ્યો છે. એમાંય સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં દમદાર પરિણામની સાથોસાથ ૧:૧ બોનસ જાહેર થતાં શૅર ૬.૭ ટકા ઊંચકાયો હતો. જોકે ટકાવારીની રીતે તગડો જમ્પ જૂન ૧૩ ક્વૉર્ટરનાં પરિણામ વખતે અર્થાત્ જુલાઈ-૧૩માં ૧૧ ટકાનો જોવા મળ્યો હતો. દરમ્યાન શૅર ગઈ કાલે ૧.૯ ટકા ગગડીને ૧૯૩૪ રૂપિયા બંધ રહેતાં બજારને ૪૧ પૉઇન્ટની હાનિ થઈ હતી. ટીસીએસ ૧.૪ ટકા અને વિપ્રો ૦.૮ ટકા ઘટતાં એમાં બીજા ૨૮ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. ટેક મહિન્દ્ર ૧.૮ ટકા, માઇન્ડ ટ્રી ૨.૧ ટકા અને સીએમસી ૦.૭ ટકા નરમ હતા. આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરની નરમાઈમાં ૧.૪ ટકા ઘટયો હતો.

નિલોર્ન ઑલટાઇમ હાઈ થઈને ઘટયો

નિર્લોનમાં સિંગાપોરસ્થિત જીઆઇસી રિયલ્ટી તરફથી શૅરદીઠ ૨૨૨ રૂપિયાના ભાવ ઓપન ઑફરના સમાચારે ભાવ ૩૦ લાખ શૅરના ભારે કામકાજમાં ૧૯૩ રૂપિયાના આગલા બંધ સામે ૨૦૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ જઈ નીચામાં ૧૮૫ રૂપિયા રૂપિયા થયા બાદ ૧.૪ ટકા ઘટીને ૧૯૦ રૂપિયા બંધ હતો. વર્ષ પૂર્વે શૅર ૪૧ રૂપિયાના તળિયે હતો. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૧૯૩ રૂપિયા કરતાં વધુ છે. માર્ચ ૨૦૦૨માં આ શૅર એક રૂપિયાની ઐતિહાસિક નીચી સપાટીએ હતો. ટેક્સટાઇલ બિઝનેસમાં પ્રવૃત્ત નંદન ડેનિમમાં ગ્રુપ કંપની મારફત મોટર્સ તેમનો હિસ્સો વધારશે એવી હવામાં ભાવ ૬૪ રૂપિયા પ્લસની વર્ષની ટોચે જઈ છેલ્લે ૯.૮ ટકાના ઉછાળે ૬૨ રૂપિયા બંધ હતો. ઇન્ડસ્ટ્રીઝના ૧૭.૮ ટકાના પી/ઈ સામે આ શૅર અત્યારે ૬.૩ના પી/ઈ ઉપર છે. બુકવૅલ્યુ ૪૭ કરતાં વધુ છે. શૅરમાં ફૅન્સીના અભાવ માટે પ્રમોટરોની ‘છાપ’ જાણકારો જવાબદાર ગણાવે છે. 

૭ શૅરની લૉટ સાઇઝમાં ફેરફાર

એનએસઈ દ્વારા ૨૬ ડિસેમ્બરથી અમલી બને એ રીતે ૭ શૅરની લૉટ સાઇઝમાં ફેરફાર કરાયો છે. કૌંસમાં નવી લૉટ સાઇઝ પ્રમાણે શૅરની સંખ્યા દર્શાવી છે. અશોક લેલૅન્ડ (૮૦૦૦), ઍક્સિસ બૅન્ક (૫૦૦), જીએમઆર ઇન્ફ્રા (૯૦૦૦), હેવેલ્સ ઇન્ડિયા (૧૦૦૦), યુનિટેક (૯૦૦૦), એનએચપીસી (૧૦ હજાર) તથા આઇએફસીઆઇ (૮૦૦૦) યુનિટેક ગઈ કાલે ખરાબ બજારમાં ૪.૯ ટકા વધીને ૧૬.૧૫, આઇએફસીઆઇ ૧.૪ ટકા વધીને ૩૫.૯૦ અને અશોક લેલૅન્ડ ૦.૩ ટકાના સુધારામાં ૪૯.૮૦ રૂપિયા બંધ હતા. સામે જીએમઆર ઇન્ફ્રા ૨.૯ ટકા, હેવેલ્સ ઇન્ડિયા એક ટકો અને એનએચપીસી અડધો ટકો ડાઉન હતા. ઍક્સિસ બૅન્ક ૩૦ પૈસાના ઘટાડે ૪૯૩ રૂપિયા ઉપર બંધ હતો.




Whatsapp-channel Whatsapp-channel

25 December, 2014 05:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK