એફઍન્ડઓની રસાકસીમાં નિફ્ટી ઘટીને ૮૩ની નીચે

Published: 24th December, 2014 05:09 IST

એફએમસીજીના સમ ખાવા પૂરતા સુધારાને બાદ કરતાં બજારના તમામ ઇન્ડાઇસિસ ઘટાડામાં : ગુજરાત ગૅસ ૧૧૯ રૂપિયાના ઉછાળે ઑલટાઇમ હાઈ : જેપી અસોસિએટ્સમાં સાડાનવ વર્ષની બૉટમ : એફઆઇઆઇ દસ દિવસથી નેટ સેલરની ભૂમિકામાં


શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

સુધારાની હૅટ-ટ્રિક કે ‘સૅન્ટા રૅલી’માં લગભગ ૧૦૦૦ પૉઇન્ટની આગેકૂચ બાદ શૅરબજાર મંગળવારે નરમ રહ્યું છે. સેન્સેક્સ ૧૯૫ પૉઇન્ટ ઘટીને ૨૭૫૦૬ અને નિફ્ટી ૫૭ પૉઇન્ટની પીછેહઠમાં ૮૨૬૭ બંધ આવ્યો છે. બુધવારે નિફ્ટી-ડિસેમ્બર વલણની પતાવટ છે. એની અસરમાં માર્કેટ સારુંએવું ‘વૉલેટાઇલ’ રહ્યું હતું. પ્રથમ સત્ર મજબૂતીનું હતું જેમાં સેન્સેક્સ ઉપરમાં ૨૭૮૫૧ અને નિફ્ટી ૮૩૬૫ થયા હતા. ૧૨ વાગ્યા પછી વેચવાલીનું ચોઘડિયું શરૂ થયું હતું. અને બજાર માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું. એમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ટોચથી ૩૭૬ પૉઇન્ટ ગગડી નીચામાં ૨૭૪૭૫ તથા નિફ્ટી ૧૧૨ પૉઇન્ટની ખરાબીમાં ૮૨૫૩ થયા હતા. એશિયામાં ચાઇના ત્રણ ટકા તૂટી ૩૦૩૫ બંધ હતું. અન્યત્ર સાધારણ વધ-ઘટ હતી. યુરોપ ‘ડલ’ હતું. માથે એફઍન્ડઓના સેટલમેન્ટ ઉપરાંત છેલ્લા ૧૦ દિવસથી એફઆઇઆઇની સળંગ વેચવાલી બજાર માટે ચિંતાનું કારણ ગણાવાતું હતું. ઝારખંડ તથા જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ અપેક્ષા કરતાં ઊણો રહ્યાનો પણ વસવસો કામ કરી ગયો હતો. સંસદના શિયાળુ સત્રમાં ઇન્શ્યૉરન્સ બિલ પસાર થઈ શક્યું નથી. હવે વાત બજેટ સત્ર પર ગઈ છે જે બજારને ગમ્યું નથી. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ હતી. ૧૦૬૩ શૅર વધ્યા હતા, ૧૮૫૮ જાતો નરમ હતી, ૨૦૮ શૅર ઉપલી સર્કિટમાં તથા ૨૯૨ કાઉન્ટર મંદીની સર્કિટમાં બંધ હતા.

બધા ઇન્ડાઇસિસ માઇનસ ઝોનમાં

નબળા આંતરપ્રવાહમાં મંગળવારે બજારના બધા બેન્ચમાર્ક રેડ ઝોનમાં હતા. એકમાત્ર એફએમસીજી ઇન્ડેક્સ વધ્યો હતો અને એ પણ માત્ર ૬ પૉઇન્ટે કે ૦.૧ ટકાથીયે નીચો.  સેન્સેક્સની ૦.૭ ટકાની પીછેહઠ સામે મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની નબળાઈમાં ૧.૯ ટકા ડાઉન હતો. લાર્સન ૧.૭ ટકા, ક્રૉમ્પટન ગ્રીવ્ઝ ૨.૪ ટકા, સિમેન્સ ૩.૨ ટકા, સુઝલોન ૩.૩ ટકા, એઆઇએ એન્જિનિયરિંગ ૩.૮ ટકા, ભેલ દોઢ ટકો ઘટીને બંધ આવવાની અસરમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢેક ટકો ઢીલો હતો. એના ૨૦માંથી ૬ શૅર પ્લસ હતા. એસકેએફ ઇન્ડિયા સવાબે ટકા, અલ્સટૉમ ટીઍન્ડડી બે ટકા તથા સદ્ભાવ ૧.૬ ટકાના સુધારામાં એમાં મુખ્ય હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકાની તેજી તથા કન્ઝુયુમર ડ્યુરેબલ્સ ૧.૪ ટકા નરમ હતા. આઇટી બેન્ચમાર્ક ૦.૯ ટકા લોગ-આઉટ થયો હતો. એચસીએલ ટેક્નૉ ૩.૨ ટકા, ઇન્ફી ૧.૩ ટકા, ટેક મહિન્દ્ર અને વકરાંગી સવા ટકો તથા વિપ્રો પોણો ટકો ઘટેલા હતા. ટીસીએસ ચારેક રૂપિયા વધીને ૨૫૧૭ રૂપિયા હતો. હેલ્થકૅર, પાવર તથા ઑટો ઇન્ડેક્સ નજીવા ઘટાડામાં હતા. બજાજ ઑટો બે ટકા, વૉકહાર્ટ ૩.૭ ટકા, જીએસકે ફાર્મા તથા ગ્લેનમાર્ક ૩.૩ ટકા, સિપ્લા ૧.૮ ટકા, ગોદરેજ કન્ઝ્યુમર ૧.૭ ટકા, ઇમામી દોઢ ટકો પ્લસ હતા.

જેપી અસોસિએટ્સ ૧૧૪ મહિનાના તળિયે

રેટિંગ એજન્સી ‘કૅર’ તરફથી બૅન્ક ધિરાણના સંદર્ભમાં રેટિંગ ડાઉનગ્રેડ કરાયાની અસરમાં જયપ્રકાશ અસોસિએટ્સ વધુ ખરડાયો હતો. ભાવ નીચામાં પાંચેક ટકા ગગડીને ૨૩.૦૫ રૂપિયા થયો હતો, જે ૨૦ જૂન ૨૦૦૫ પછીની બૉટમ છે. જાન્યુઆરી ૨૦૦૮માં ભાવ ૩૪૦ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ તથા ૧૧ જૂને ૯૦ રૂપિયા નજીકની વર્ષની ટોચ આ શૅરમાં જોવાઈ છે. ભાવ છેલ્લે ૨.૯ ટકાની નરમાઈમાં ૨૩.૪૫ રૂપિયા બંધ હતો. બન્ને બજારમાં કુલ મળીને ૩૩૯ લાખ શૅરનું વૉલ્યુમ હતું. અન્ય ગ્રુપ કંપની જેપી ઇન્ફ્રાટેક ૩.૨ ટકા ગગડીને ૨૧.૧૦ રૂપિયા તથા જેપી પાવર ૧.૬ ટકાના ઘટાડે ૧૧.૭૫ રૂપિયા બંધ હતા. બેઇલઆઉટ પૅકેજ સુપરત કરવા વાઇટ નાઇટ અજય સિંહ દ્વારા બે-ત્રણ સપ્તાહનો સમય માગવામાં આવતાં સ્પાઇસ જેટ ૧૯.૫૦ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચથી લથડીને નીચામાં ૧૬.૫૫ રૂપિયા થયા બાદ અંતે નવેક ટકાની નબળાઈમાં ૧૬.૮૫ રૂપિયા હતો. કામકાજ દોઢા હતા. જેટ ઍરવેઝ ૧૫ કરોડ ડૉલરની પાંચ વર્ષ માટેની લોનના સફળતાપૂર્વક સિન્ડિકેશનના પગલે ઉપરમાં ૪૦૯ રૂપિયા નજીક જઈ છેલ્લે ૧.૯ ટકાની મજબૂતીમાં ૩૯૪ રૂપિયા રહ્યો હતો.

ગુજરાત ગૅસ વિક્રમી સપાટીએ

ગુજરાત ગૅસ ૧૯ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૮૧ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે ૧૧૯ રૂપિયા કે ૧૮.૨ ટકાના જમ્પમાં ૭૬૯ રૂપિયા બંધ હતો. પાંચમી માર્ચે આ શૅર ૨૧૯ રૂપિયાના બાવન મહિનાના તળિયે ગયો હતો. ફેસવૅલ્યુ બે રૂપિયાની અને બુકવૅલ્યુ ૯૬ રૂપિયાની છે. શૅર એક સપ્તાહમાં ૪૧ ટકા અને મહિનામાં ૪૭ ટકા જેવો વધ્યો છે. ઇન્દ્રસ્થ ગૅસ સાડાચાર ટકા વધીને ૪૫ રૂપિયા નજીક હતો. આલ્ફાજીઓ ૭.૬ ટકા વધીને ૪૭૧ રૂપિયા બંધ હતો. ઓએનજીસી ૧.૩ ટકા, કેઇર્ન ઇન્ડિયા એક ટકો, અબાન ઑફશૉર ૩.૪ ટકા, જીએસપીએલ ૧.૬ ટકા, જિન્દલ ડ્રિલિંગ ૫.૫ ટકા ડાઉન હતા. રિફાઇનરી શૅર સાગમટે ઘટuા હતા. ચેન્નઈ પેટ્રો ૨.૭૫ ટકા, એસ્સાર ઑઇલ બે ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨ ટકા, એચપીસીએલ એક ટકો, ભારત પેટ્રો અડધો ટકો, એમઆરપીએલ એક ટકાની નજીક ડાઉન હતા. આઇઓસી ૧૫ પૈસાના ઘટાડે ૩૩૬ રૂપિયા નજીક હતો. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૧૦ પૈસા નરમ હતો. દીપ ઇન્ડસ્ટ્રીઝ પોણાબે ટકાના ઘટાડે ૬૭૦ રૂપિયા હતો.

મુકંદમાં ડીમર્જરનો કરન્ટ

મુકંદ લિમિટેડના ર્બોડ ઑફ ડિરેPર્સ દ્વારા કંપનીના સ્પેશ્યલ સ્ટીલ તથા ઍલૉય સ્ટીલ બિઝનેસનો સંપૂર્ણ માલિકીની એક અલગ સબસિડિયરીમાં તબદીલ કરવાનો નર્ણિય લેવાયો છે. સૂચિત નવી સબસિડિયરીની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ ૧૫૯૦ કરોડ રૂપિયાની હશે. શૅર ગઈ કાલે ૨૮ ગણા વૉલ્યુમમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૫૫ રૂપિયા પ્લસ થઈ છેલ્લે ૧૧.૨ ટકાની તેજીમાં ૫૧.૧૫ રૂપિયા બંધ હતો. મુકંદ એન્જિનિયર્સ પણ ૧૫ ગણા વૉલ્યુમે ૧૧ ટકા ઊંચકાઈને ૩૭ રૂપિયા નજીક બંધ હતો. અન્ય સ્ટીલ શૅરમાં તાતા સ્ટીલ ૨.૨ ટકા, જએસડબ્લ્યુ સ્ટીલ ૨.૮ ટકા તથા સેઇલ ૨૦ પૈસાના ઘટાડે ૮૨ રૂપિયા ઉપર બંધ હતા. કલ્યાણ સ્ટીલ સવાદસ ટકાના ઉછાળે ૧૬૨ રૂપિયા હતો. મનકસિયા ૧૦ ટકા તૂટયો હતો. તાતા સ્પૉન્જ સવા ટકો, તાતા મેટાલિક્સ પોણાબે ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૪ ટકા, હિન્દુસ્તાન કૉપર ૧.૨ ટકા, ટિનપ્લેટ  પોણો ટકો, સેસા સ્ટરલાઇટ ૩. ૨ ટકા, નાલ્કો અઢી ટકા, હિન્દાલ્કો ૧.૭ ટકા, માન ઍલ્યુ. ૪.૨ ટકા, પીજી ફૉઇલ્સ પાંચ ટકા, જીએમડીસી ૧.૯ ટકા, ઓએમડીસી ૨.૨ ટકા ડાઉન હતા. એમઓઆઇએલ ૨૯૯ રૂપિયા નજીકના આગલા બંધે યથાવત્ હતો.

બૅન્ક નિફ્ટી સર્વોચ્ચ શિખરેથી લથડ્યો

બૅન્ક નિફ્ટી ૧૮૭૪૭ના આગલા બંધ સામે ૧૮૯૨૪ નજીક ઑલટાઇમ હાઈ ટોચ બતાવી ૩૬૫ પૉઇન્ટની ખરાબીમાં ૧૮૫૫૮ થયા બાદ છેલ્લે પોણા ટકાથી વધુની નરમાઈમાં ૧૮૬૦૪ બંધ હતો. બૅન્કેક્સ ૨૧૬૬૬ નજીક નવી વિક્રમી સપાટીએ જઈ ૪૧૩ પૉઇન્ટના આંચકામાં ૨૧૨૫૨ થયો હતો. છેલ્લે ૦.૭ ટકા ઘટીને ૨૧૩૦૭ હતો. નિફ્ટી-બૅન્કેક્સના ૧૨માંથી ૯ શૅર નરમ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૬ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૭ ટકા અને એસબીઆઇ ૦.૨ ટકા ઘટતાં સેન્સેક્સને ૫૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. ખાનગી બૅન્કમાં ડીસીબી બૅન્ક ૧૨૦ રૂપિયાના નવા શિખરે જઈ ૬ ટકાની તેજીમાં ૧૧૯ રૂપિયા પ્લસ રહ્યો હતો. સાઉથ ઇન્ડિયન બૅન્ક ૪.૫ ટકા, સિટી યુનિયન ર્બન્ક ૨.૩ ટકા અપ હતા. કર્ણાટક બૅન્ક ૧.૭ ટકા ઘટયો હતો. પીએસયુ સેPરની ૨૪ બૅન્કમાંથી ૧૯ના શૅર ડાઉન હતા. યુનિયન બૅન્ક ૨.૭ ટકા, વિજયા બૅન્ક ૩.૨ ટકા, પંજાબ-સિંધ બૅન્ક ૧.૭ ટકા, યુનાઇટેડ અને સિન્ડિકેટ બૅન્ક ૧.૬  ટકા નરમ હતા. ૧૦ રૂપિયાના શૅરના બે રૂપિયામાં વિભાજન માટે ૨૩ જાન્યુઆરીની રેકૉર્ડ ડેટ જાહેર કરનાર બૅન્ક ઑફ બરોડા ત્રણેક રૂપિયા વધીને ૧૦૫૯ રૂપિયા હતો. ઇન્ડિયન બૅન્ક ૩.૮ ટકા, સ્ટેટ બૅન્ક ત્રાવણકોર ૧.૮ ટકા અને સેન્ટ્રલ બૅન્ક અડધો ટકો વધેલા હતા.

બજારની અંદર-બહાર

બીએફ યુટિલિટીના નન્દી ઇન્ફ્રા કૉરિડોર પ્રોજેPને કર્ણાટકા હાઈ ર્કોટની લીલી ઝંડી મળ્યાના અહેવાલે શૅર ૫.૮ ટકાની તેજીમાં ૬૬૧ રૂપિયા બંધ હતો. ચાર દિવસ પૂર્વે શૅર નીચામાં ૪૩૭ રૂપિયા થયો હતો.

એનટીપીસી દ્વારા ૧૦ રૂપિયાના પ્રત્યેક શૅરદીઠ સાડાબાર રૂપિયાની ફેસવૅલ્યુવાળું એક ડિબેન્ચર બોનસમાં આપવાનું નક્કી થતાં શૅર ૨.૯ ટકાની મજબૂતીમાં ૧૪૩ રૂપિયા નજીક હતો.

તાતા કેમિકલ્સ તરફથી ૫૦૦ કરોડ રૂપિયાના ઍક્વિઝિશન પ્લાનના મીડિયા-રિપોર્ટને રદિયો અપાતાં શૅર ૪૩૪ રૂપિયાથી ઘટી ૪૨૨ રૂપિયા થયા બાદ અંતે એક ટકાની નરમાઈમાં ૪૨૬ રૂપિયા હતો.

સુઝલોન એનર્જીએ ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડનું શૅરદીઠ ૧૫.૪૬ રૂપિયાના ભાવે કન્વર્ઝન કરતાં ભાવ ૩.૩ ટકા ઘટીને ૧૩.૩૨ રૂપિયા બંધ હતો.

બજાજ ફાઇનૅન્સ આઠેક ગણા વૉલ્યુમમાં ૩૫૦૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૪ ટકા કે ૧૩૩ રૂપિયાની તેજીમાં ૩૪૬૫ રૂપિયા બંધ હતો.

ગુજરાત પીપાવાવ ર્પોટ્સ ત્રણ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૭૯ રૂપિયા વટાવી છેલ્લે ૬ ટકાના જમ્પમાં ૧૭૫ રૂપિયા બંધ હતો. ૨૮ જાન્યુઆરીએ શૅર ૫૮ રૂપિયાના તળિયે હતો.

પેજ ઇન્ડસ્ટ્રીઝ ૪૪૬૭ શૅરના કામકાજમાં ઉપરમાં ૧૨,૮૦૦ રૂપિયાના સર્વોચ્ચ શિખર બાદ છ ટકા કે ૭૦૮ રૂપિયાના ઉછાળામાં ૧૨,૪૮૬ રૂપિયા બંધ હતો.

જીએસએફસી નબળા બજારમાં બમણાથી વધુના કામકાજમાં ૪ ટકા વધીને ૧૦૯ રૂપિયા ઉપર રહ્યો હતો.

એબીજી ઇન્ફ્રાલૉજિસ્ટિક્સ ૧૦ ગણા વૉલ્યુમમાં ૧૨૫ રૂપિયા નજીક નવી ઊંચી સપાટીએ જઈ છેલ્લે ૧૩.૬ ટકાની તેજીમાં ૧૨૧ રૂપિયા હતો.

કનાની ઇન્ડસ્ટ્રીઝ ૫૩૫ શૅરના કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ બાદ છેલ્લે ૧૯ ટકાના ઉછાળે ૯.૪૬ રૂપિયા હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે. ભાવ નીચામાં ૭ રૂપિયા થયો હતો જે વર્ષની બૉટમ હતી.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK