ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ ને ક્રૂડ તેલ સુધરતાં સોનામાં જળવાયેલી મજબૂતી

Published: 23rd December, 2014 05:27 IST

રશિયા ગોલ્ડ વેચશે એવી ધારણા વચ્ચે ગોલ્ડની ખરીદી કર્યાની જાહેરાત : દુબઈમાં વિશ્વની સૌથી ગોલ્ડ રીટેલ ચેઇન ખુલ્લી મુકાઈ


બુલિયન બુલેટિન-મયૂર મહેતા

ક્રૂડ તેલના ભાવ સતત ઘટયા બાદ છેલ્લા બે દિવસથી સુધરતા જતા હોવાથી અમેરિકી ડૉલરની મજબૂતીને પણ બ્રેક લાગી હતી. વળી ચીનની ફિઝિકલ ડિમાન્ડ વધતાં સોનાનું પ્રીમિયમ વધીને ત્રણ ડૉલર થતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં મજબૂતી જળવાયેલી હતી. રશિયાએ ગોલ્ડ ખરીદી કર્યાની જાહેરાત અને દુબઈમાં વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રીટેલ ચેઇન ખૂલ્યાની જાહેરાતે ગોલ્ડની મજબૂતીને હૂંફ આપી હતી.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે છેલ્લાં ત્રણ સપ્તાહમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. અમેરિકી ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા, ડૉલરની મજબૂતી અને ક્રૂડ તેલની મંદીને પગલે સોનાનો ભાવ ઘટયો હતો. સોમવારે સપ્તાહના આરંભે ક્રૂડ તેલ સુધરતાં સોનું સવારે ૧૧૯૪.૯૫ ડૉલર ખૂલ્યા બાદ સુધર્યું હતું. જોકે ચાલુ સપ્તાહે ક્રિસમસની રજાને કારણે વૉલ્યુમ પાંખું રહેવાની ધારણા છે. ગયા સપ્તાહના અંતથી જ રજાનો મૂડ બજારમાં જોવા મળ્યો હતો. અમેરિકી ગોલ્ડ ફ્યુચરમાં છેલ્લા ૧૦૦ દિવસના ઍવરેજ વૉલ્યુમ કરતાં ૩૮ ટકા ઓછું વૉલ્યુમ જોવા મળ્યું હતું. ચાંદીના ભાવ ૧૬.૦૫ ડૉલર ખૂલ્યા બાદ રેન્જબાઉન્ડ રહ્યા હતા. પ્લૅટિનમનો ભાવ ૧૧૯૧.૭૫ ડૉલર ખૂલ્યા બાદ ઝડપથી વધ્યો હતો. પેલેડિયમનો ભાવ ૮૦૪ ડૉલર ખૂલ્યા બાદ રેન્જબાઉન્ડ રહ્યો હતો.

રશિયાએ ગોલ્ડ ખરીદ્યું

રશિયન ઇકૉનૉમી હાલ કટોકટીભરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. રશિયન ફૉરેન એક્સચેન્જ રિઝર્વ અત્યારે ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટીએ ૪૧૮.૯ અબજ ડૉલર થઈ ચૂકી છે જેમાં ગોલ્ડ રિઝવર્‍નો હિસ્સો ૪૪ અબજ ડૉલરનો છે. રશિયન રૂબલ અમેરિકી ડૉલર સામે ગગડતો જતો હોવાથી સમગ્ર વિશ્વના ઍનલિસ્ટો એમ માનતા હતા કે રશિયા રૂબલને વધુ ઘટતો અટકાવવા રિઝવર્‍માં પડેલા ગોલ્ડનું વેચાણ કરશે, પણ રશિયાએ સૌના આશ્ચર્ય વચ્ચે ગયા શુક્રવારે ગોલ્ડ ખરીદ્યું હોવાની જાહેરાત કરી હતી. રશિયન સેન્ટ્રલ બૅન્કની જાહેરાત અનુસાર ઑક્ટોબર અને નવેમ્બરમાં રશિયાએ ૧૯ ટકા ગોલ્ડ રિઝર્વ વધારીને કુલ ગોલ્ડ રિઝર્વને ૧૧૮૮ ટને પહોંચાડી હતી. હવે વિશ્વભરના ઍનલિસ્ટો માનવા લાગ્યા છે કે રશિયા ગોલ્ડ રિઝર્વ ઓછી નહીં કરે, કારણ કે રૂબલને ગગડતો અટકાવવા અનેક ઑપ્શન ખુલ્લાં છે. રશિયાના ગોલ્ડ રિઝર્વ ઓછી ન કરવાના સમાચાર અને નવું ગોલ્ડ ખરીદી કર્યાના સમાચાર સોનાની તેજી માટે પૉઝિટિવ છે.

ફિઝિકલ ડિમાન્ડ વધી

સોનાનો ભાવ ઇકૉનૉમિક ફ્રન્ટ પર નેગેટિવ ઝોનમાં છે, પણ ફિઝિકલ ડિમાન્ડના પ્રોસ્પેક્ટસ બ્રાઇટ બની રહ્યાં છે. ચીનના શાંઘાઈ ગોલ્ડ ગ્લોબલ એક્સચેન્જમાં વૉલ્યુમ સતત વધી રહ્યું હોવાથી ચીનમાં ગોલ્ડ પ્રીમિયમ ઊછળીને ૩ ડૉલર થયું હતું જે આગલા સપ્તાહે એક ડૉલર જ હતું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) ટ્રસ્ટનું હોલ્ડિંગ ગયા શુક્રવારે ૦.૪૧ ટકા વધ્યું હતું. રશિયાની ગોલ્ડ ખરીદી પણ ઑક્ટોબર-નવેમ્બરમાં વધી હતી. દુબઈમાં વિશ્વની સૌથી મોટી ગોલ્ડ ચેઇન ખુલ્લી મુકાઈ હતી જેમાં તમામ આઉટલેટ અને કિઓસ્ક પરથી જ્વેલરીનું પ્રી-બુકિંગ કરી શકાશે. દુબઈ ગોલ્ડ ઍન્ડ જ્વેલરી ગ્રુપ દ્વારા આ ગોલ્ડ ચેઇન ખુલ્લી મુકાતાં ગોલ્ડ જ્વેલરી સેલ્સ વધવાની ધારણા મુકાઈ રહી છે.

દેશમાં ગોલ્ડ સ્મગલિંગ સપ્ટેમ્બર સુધીમાં ચારગણું વધ્યું

સોનાની ઈમ્પોર્ટ પર ૧૦ ટકા ડ્યુટી લાગુ પડાયા બાદ સ્મગલરોના ફરી સારા દિવસો આવી ચૂક્યા છે. ઈમ્પોર્ટ ડ્યુટીની ચોરી કરીને ગોલ્ડ સ્મગલિંગ કરવામાં તગડી કમાણી થતી હોવાથી ગોલ્ડ સ્મગલિંગ સતત વધી રહ્યું છે. તાજેતરમાં લોકસભામાં પુછાયેલા એક પ્રfનના ઉતરમાં રાજ્યકક્ષાના નાણાપ્રધાન જયંત સિંહાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૨૮૮.૭૬ કિલો ગોલ્ડનું સ્મગલિંગ પકડાયું હતું. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૫૨૨.૨૯ કિલોનું ગોલ્ડ સ્મગલિંગ પકડાયું હતું. આમ ઑફિશ્યલી ગોલ્ડ સ્મગલિંગ ચાર ગણું વધ્યું હતું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ચાલુ વર્ષે ૧૫૦ ટન સોનું ભારતમાં સ્મગલિંગથી આવવાની શક્યતા છે. ભારતે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૪૯૨.૦૪ ટન સોનાની ઈમ્પોર્ટ કરી હતી, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૪૧૯.૬૬ ટન થઈ હતી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૮૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૮૩૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૩૭૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK