ખેડૂતોનાં સુસાઇડ અને વધતાં આંદોલનો : અચ્છે દિનના કૉલનો ફિયાસ્કો કે પર્દાફાશ?

Published: 22nd December, 2014 05:26 IST

ખેડૂતોને ૫૦ ટકા વધુ વળતર આપવાનું વચન આપી ચૂંટણી જીતી શકાય, પણ વાસ્તવમાં વળતર આપવું લોઢાના ચણા બરાબર :  ખેડૂતોમાં વધતી અમીરી અને ગરીબીની ખાઈ ભાવિ પેઢીને મોંઘવારીના ખપ્પરમાં હોમી દેશે : ક્રૉપ મૅનેજમેન્ટ અને નૉન-કરપ્ટ સબસિડી મેકૅનિઝમ જ ખેડૂતોને સધ્ધર બનાવીને દેશને ફૂડ બાબતે સ્વાવલંબી બનાવશે


કૉમોડિટી અર્થકારણ-મયૂર મહેતા

લોખંડી મહિલા ઇંદિરા ગાંધીની બ્લેન્સડ એગ્રિકલ્ચર પૉલિસીનું અનુકરણ એ પછીની કોઈ સરકાર કરી શકી નથી. ગ્રાહકોનું અને ખેડૂતોનું બન્નેનું હિત જાળવીને હરિતક્રાંતિનું સર્જન એ વખતે થયું હતું. સતત વધતી વસ્તી છતાં પણ દેશ અનાજ, તેલીબિયાં સહિતની મોટા ભાગનાં કૃષિ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બની શક્યો હતો. કમનસીબે ઇંદિરા ગાંધી પછીની કોઈ પણ સરકાર દ્વારા દેશને હરિતક્રાંતિની સોગાદ મળી નથી. બધા હરિતક્રાંતિની મોટી-મોટી વાતો કરે છે, પણ દેશના ખેડૂતો દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યા છે અને આમપ્રજા મોંઘવારીના ડામ હેઠળ જીવી રહી છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી અગાઉ દેશના ખેડૂતોને ૫૦ ટકા વધુ વળતર આપવાનો કોલ આપીને દેશના કરોડો ખેડૂતોના અરમાનોને આસમાને પહોંચાડીને સત્તાનું સિંહાસન હાંસલ કર્યું હતું, પણ છ મહિનાના શાસનમાં ખેડૂતોને તેમના ખેતીખર્ચના ૫૦ ટકા વધુ વળતર આપવાની વાત તો દૂર રહી પણ ખર્ચ જેટલું વળતર આપી શકાયું નથી. આ વિશે કોઈ ઠોસ યોજના પણ જાહેર થઈ નથી.

પ્રથમ સીઝન ફેલ

દેશના ખેડૂતોની વર્ષોથી દબાયેલી આશાઓને જગાડીને સત્તાસ્થાને આરૂઢ થયેલી નરેન્દ્ર મોદીની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં એ જ વખતે દેશમાં ખરીફ સીઝનનો આરંભ થયો હતો. મેના આખરમાં નવી સરકાર રચાઈ અને જૂન-જુલાઈમાં ખેડૂતોની ખરીફ સીઝનનો આરંભ થયો. ૫૦ ટકા વધુ વળતર આપવાનો કોલ મળ્યો હોવાથી દેશના ખેડૂતોએ નવા ઉમંગ અને ઉત્સાહ સાથે ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ ખરીફ સીઝનની MSP (મિનિમમ સર્પોટ પ્રાઇસ) જાહેર થઈ ત્યારે ખેડૂતોને વધુ વળતર મળે એવી MSP આવી જ નહોતી. ખેડૂતોએ હજુ આશા છોડી નહોતી. કપાસ-રૂ સહિત બમ્પર ખરીફ કૃષિ વાવેતર કર્યા બાદ જ્યારે જંગી ખરીફ ઉત્પાદનો બજારમાં આવ્યાં ત્યારે ખેડૂતોની રહીસહી આશા પત્તાંના મહેલની જેમ તૂટી પડી હતી. ખેડૂતોને તેમના ઉત્પાદનના ૫૦ ટકા વધુ વળતર મળવાની ગણતરી હતી એના બદલે તેઓએ જેટલો ખર્ચ ખરીફ સીઝન દરમ્યાન કર્યો એટલું વળતર પણ ન મળ્યું. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોના કપાસ-રૂના ખેડૂતોને સૌથી વધુ માર પડ્યો હતો. કપાસ-રૂના ખેડૂતોને વળતર આપવાને બદલે સરકારે (કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)ના હવાલે ખેડૂતોને છોડી દીધા. ભાવથી કપાસની ખરીદી કરતી રહી, પણ ખેડૂતોને ૫૦ ટકા વધુ વળતર આપવાની વાત તો આમાં ક્યાંય આવી જ નહીં. દેશના ખેડૂતોને ધીમે-ધીમે નરેન્દ્ર મોદી દ્વારા ઉલ્લુ બન્યા હોવાનો અહેસાસ થવા લાગ્યો અને ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો અને એના પરિણામ સ્વરૂપે અનેક ખેડૂતોએ સુસાઇડ કર્યા અને ઠેર-ઠેર ઉગ્ર આંદોલનો થવા લાગ્યાં. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશમાં અનેક ખેડૂતોને સુસાઇડ કર્યાના સમાચાર સતત આવવા લાગ્યા છે; જ્યારે ગુજરાતમાં ઉગ્ર આંદોલન, આત્મસમર્પણના કિસ્સા વધી રહ્યા છે. આમ ખેડૂતોને નવી સરકાર હેઠળની પ્રથમ સીઝનમાં નરેન્દ્ર મોદી દ્વારા બરાબર છેતરાયા હોવાની પ્રતીતિ થઈ ચૂકી છે.

પુઅર એગ્રિ-મેનેજમેન્ટ

ગ્રાહકોને કૃષિ-ઉત્પાદનો વાજબી ભાવે મળે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું પોષણક્ષણ વળતર મળે એવી બૅલૅન્સડ એગ્રિકલ્ચર પૉલિસીનો ભારતમાં લાંબા સમયથી અભાવ જોવા મળે છે. સરકારમાં બેઠેલા પૉલિટિશ્યનો દેશના ખેડૂતોને માત્ર ને માત્ર વોટબૅન્ક જ સમજે છે. વાસ્તવમાં દેશની ઇકૉનૉમીને વિકાસના માર્ગે લઈ જવા માટે બેસ્ટ એગ્રિ-મેકૅનિઝમ એન્જિન બની શકે એમ છે એ બાબતનો અહેસાસ સરકારી પૉલિસી ઘડનારાઓને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દેશના ખેડૂતોના અને દેશની જનતાના અચ્છે દિન આવવાના નથી.  બેટર ક્રૉપ મૅનેજમેન્ટ માટે સરકારે જ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવું પડશે. ૨૦૧૪ની ખરીફ સીઝનમાં દેશના ખેડૂતોને કપાસ-રૂના સારા ભાવ નથી મળવાના એ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વાવેતરના અગાઉના ચાર-પાંચ મહિનાથી ગાઈ વગાડીને કહેતી આવી હતી. જૂન-જુલાઈમાં ખરીફ સીઝનનું વાવેતર શરૂ થયું પણ ફેબ્રુઆરીમાં જ અમેરિકાની નૅશનલ કૉટન કાઉન્સિલે જણાવ્યું હતું કે નવી સીઝનમાં ચીનની રૂની ઇમ્ર્પોટ ૪૩ ટકા ઘટશે. ઇન્ડિયન કૉટન ફેડરેશને ૧૫મી માર્ચે જણાવ્યું હતું કે ચીનની કૉટન ઇમ્ર્પોટ નવી સીઝનમાં બહુ જ ઓછી રહેશે કારણ કે ચીને ઇમ્ર્પોટ પૉલિસીમાં ધરમૂળથી ફેરફાર કર્યા હતા. સરકારે જ દેશના ખેડૂતોને કપાસ-રૂનું વાવેતર ઓછું કરવા માટે સૂચના આપી હોત તો હાલ જેવી સ્થિતિ ઊભી થઈ છે એવી સ્થિતિ ઊભી થઈ ન હોત. આ ઉપરાંત નૉન-કરપ્ટ સબસિડી મેકૅનિઝમ ઊભું કરીને યોગ્ય અને જરૂરિયાતમંદ ખેડૂતોના હાથમાં સરકારી નાણાં મળે એવું મિકેનિઝમ ઊભું કરવાની તાતી જરૂરત છે.

ખેડૂતોમાં વેલ્થ ગૅપ

તાજેતરમાં ટૅક્સ રિફૉર્મ ઍડ્મિનિસ્ટ્રેશન કમિશને પાર્થસારથિ શ્રોમના વડપણે હેઠળ સરકારને ટૅક્સ બાબતે અનેક ભલામણો કરી હતી, જેમાં કમિશને એગ્રિકલ્ચર ઇન્કમનો નૉન-એગ્રિકલ્ચરાઇઝ યુઝ વધી રહ્યો છે એનો ઉલ્લેખ કરીને સરકારે બજેટમાં ધનિક ખેડૂતોને ટૅક્સનેટમાં સમાવવાની ભલામણ કરી છે, જે ખેડૂતોની ૫૦ લાખ રૂપિયાથી વધુ ઇન્કમ થાય એને માટે ટૅક્સ ભરવાનું ફરજિયાત બનાવવું જોઈએ. આ ફેરફારથી નાનો ખેડૂત સરકારના લાભનો ફાયદો ઉઠાવી શકશે અને જે ધનિક ખેડૂતોને એગ્રિકલ્ચરના નામે તગડી કમાણી કરીને ટૅક્સ ભરવામાંથી છૂટી જાય છે તેઓ ટૅક્સ ભરતા થાય. આ રીતે દેશની તિજોરીમાં દર વર્ષે તગડી કમાણી કરી શકાશે અને ખેડૂતોમાં વધી રહેલી અમીરી અને ગરીબીની ખાઈને પણ ઓછી કરી શકાશે. દેશમાં હાલ જે ખેડૂત ગરીબ છે એ દિવસે ને દિવસે વધુ ગરીબ બની રહ્યો છે અને જે ખેડૂત અમીર છે એ વધુ ને વધુ અમીર બની રહ્યો છે. તાજેતરના નૅશનલ સૅમ્પલ સર્વિસના સર્વે અનુસાર દેશના બાવન ટકા ખેડૂત દેવાદાર છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ દેશના ઍવરેજ ખેડૂતોની હાલત સુધરી શકી નથી, જેના માટે ખોટી સરકારી સિસ્ટમ જવાબદાર છે. સરકારે દેશના કૃષિવિકાસ માટે નવી સિસ્ટમ ઊભી કરવી પડશે. આ નવી સિસ્ટમમાં ખેડૂતોને સીધી નાણાસહાય નહીં પણ વધુ ઉત્પાદન મેળવવાનું પ્રોત્સાહન અને જો ખેડૂત વધુ ઉત્પાદન મેળવે તો એને સારા અને આકર્ષક ભાવ મળવાની ખાતરી હોય એવી સિસ્ટમ અપનાવવામાં આવશે તો જ દેશના ખેડૂતોના અચ્છે દિન ઝડપથી આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK