અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ ઝડપથી વધવાનો ડર ઓછો થતાં સોનામાં જળવાયેલી મજબૂતી

Published: 20th December, 2014 05:38 IST

સોનું-પ્લૅટિનમના ભાવ દોઢ વર્ષ પછી એકસમાન થયા : ૨૦૧૫માં સોનાના ભાવના ફન્ડામેન્ટલ્સ વિશે જાત-જાતની દલીલોબુલિયન બુલેટિન- મયૂર મહેતા

અમેરિકી ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ-રેટ વધવા વિશે ઝડપી નિર્ણય નહીં લેવામાં આવે એવું જાહેર કરતાં ઇન્ટરેસ્ટ-રેટ ઝડપથી વધવાનો ડર ઓછો થયો હતો, જેને પગલે સોનામાં વધુ ઘટાડો અટક્યો હતો. સોનામાં હાલ તેજીનાં કોઈ મોટાં કારણો નથી એ જ રીતે મંદીના પણ હાલના તબક્કે કોઈ મોટાં કારણો નથી. એક તરફ ડૉલરની મજબૂતી સોનાને ઘટાડી શકે છે તો ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ સોનાને વધારી શકે છે. બન્ને કારણોની તાકાત સમાન હોવાથી સોનાના ભાવ વધ-ઘટે ૧૨૦૦ ડૉલર આસપાસ આવીને અટકી જાય છે. ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગના આઉટકમ બાદ પણ સોનું ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ રહ્યું છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગુરુવારે સોનાનો ભાવ આરંભે ઘટયા બાદ આખો દિવસ ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ અથડાયા કર્યો હતો. કોમેક્સ ગોલ્ડ ફેબ્રુઆરી વાયદો સ્વિસ બૅન્કના નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટના નિર્ણયના પગલે ૦.૧ ટકા વધીને ૧૧૯૪.૮૦ ડૉલર થયો હતો. અગાઉ કોમેક્સ ગોલ્ડ વાયદો વધીને ૧૨૧૩.૯૦ ડૉલર થયો હતો. શુક્રવારે સવારે સોનાનો ભાવ ૧૧૯૫.૬૬ ડૉલર ખૂલ્યા બાદ એક તબક્કે ૧૨૦૦ ડૉલરને પાર કરી ગયા બાદ ખૂલેલા ભાવની આસપાસ રેન્જબાઉન્ડ અથડાયા કર્યો હતો. ચાંદીનો ભાવ ૧૫.૮૪ ડૉલર ખૂલ્યા બાદ નજીવો વધ્યો હતો. પ્લૅટિનમનો ભાવ ૧૧૯૬ ડૉલર અને પેલેડિયમનો ભાવ ૭૮૭ ડૉલર ખૂલ્યા બાદ બન્નેના ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા.

૨૦૧૫ના મિશ્ર અભિપ્રાયો 

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ૨૦૧૩માં ૨૮ ટકા તૂટી ગયા બાદ ૨૦૧૪ના આરંભના પાંચ મહિના સુધી રશિયા-યુક્રેન, ઇસ્લામિક આતંકવાદી અને ઇઝરાયલ-ગાઝા યુદ્ધની અસરે ભાવ ઊંચા રહ્યા હતા, ત્યાર બાદ અમેરિકી બૉન્ડ બાઇંગ બંધ થતાં તેમ જ ચીન-ભારતની નબળી ફિઝિકલ ડિમાન્ડથી ધીમી ગતિએ ભાવ ઘટયા હતા, પણ ૨૦૧૩ની ઝડપથી ભાવ ઘટયા નહોતા. ગોલ્ડમૅન સાક્સે ૨૦૧૪ના અંતે સોનાનો ભાવ ૧૦૫૦ ડૉલર થશે એવી આગાહી વચ્ચે ૨૦૧૪ના અંતે સોનાનો ભાવ ૧૨૦૦ ડૉલર આસપાસ ટકી રહ્યો છે. ૨૦૧૪ના આરંભે સોનાનો ભાવ ૧૨૧૯થી ૧૨૨૫ હતો અને અંતે લગભગ આવા જ ભાવ રહેવાની ધારણા છે. ૨૦૧૫માં સોનાના ભાવ વિશે અનેક મત છે. કેટલાક ઍનૅલિસ્ટો ઍવરેજ ભાવ ૧૧૪૫ ડૉલર અને કેટલાક ઍનૅલિસ્ટો ઍવરેજ ૧૩૫૦ ડૉલર ભાવ રહેવાની આગાહી કરી રહ્યા છે. ભારત-ચીનની ફિઝિકલ ડિમાન્ડ અને રશિયા-મિડલ ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શનને કારણે સેફ હેવન ડિમાન્ડ સોનાના ભાવને સર્પોટ કરશે એવી દલીલો થઈ રહી છે એની સામે અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટનો વધારો અને ડૉલરની મજબૂતી ૨૦૧૫માં સોનાના ભાવના નવા તળિયે પહોંચાડશે એવી પણ દલીલો થઈ રહી છે.

ગોલ્ડ-પ્લૅટિનમના ભાવ સરખા


છેલ્લા ત્રણ દિવસથી ગોલ્ડ અને પ્લૅટિનમના ભાવ લગભગ એકસરખા ચાલી રહ્યા છે. બન્ને પ્રિસિયસ મેટલના ભાવ એકસમાન થયા હોય એવું દોઢ વર્ષ પછી બન્યું છે. અગાઉ ૨૫ એપ્રિલ, ૨૦૧૩ના દિવસે ગોલ્ડ અને પ્લૅટિનમનો ભાવ એકસમાન ૧૪૪૫થી ૧૪૪૬ ડૉલર ચાલતો હતો. છેલ્લા ત્રણ દિવસથી ગોલ્ડ અને પ્લૅટિનમના ભાવ લગભગ એક જ રેન્જમાં ચાલી રહ્યા છે. બુધવારે ગોલ્ડ અને પ્લૅટિનમના ભાવ લગભગ આખો દિવસ ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ રહ્યા બાદ શુક્રવારે પણ ગોલ્ડ અને પ્લૅટિનમનો ભાવ ૧૧૯૬ ડૉલર આસપાસ ચાલતો હતો. ૨૦૧૪ના આરંભે ગોલ્ડ અને પ્લૅટિનમ વચ્ચેનો ગૅપ ૨૦૦થી ૨૧૦ ડૉલર હતો, જે ઘટીને જૂન મહિનામાં ૧૬૦થી ૧૭૦ ડૉલર થયો હતો. નવેમ્બરના આરંભે ગૅપ ૫૫ ડૉલર હતો એ ઘટીને ડિસેમ્બરના આરંભે ૨૦ ડૉલર હતો.

સરકારના અણધાર્યા નિર્ણયથી ગોલ્ડના ઈમ્પોર્ટરો ફસાયા

દેશની સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બર-ઑકટોબરમાં ૧૦૦ ટનથી વધુ થતાં CAD (કરન્ટ અકાઉન્ટ ડેફેસિટ) વધવા લાગી હતી, જેને કારણે સરકાર સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો નાખશે એવી જોરદાર હવા ચાલી હતી. આ કારણે ઈમ્પોર્ટરોએ નવેમ્બરમાં સોનાની ચિક્કાર ઈમ્પોર્ટ કરી હતી, પણ સરકારે સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો નાખવાને બદલે સોનાની ઈમ્પોર્ટનો ૮૦:૨૦ રૂલ્સ રદ કરીને ઈમ્પોર્ટના નિયમો હળવા કરી નાખ્યા હતા. નવેમ્બરમાં દિવાળીના તહેવારો અને ત્યાર બાદ લગ્નગાળાની સીઝન હોવાથી બજારમાં જ્વેલરી ડિમાન્ડ પૂરજોશમાં હોવાથી ઈમ્પોર્ટરો પણ ઉત્સાહમાં હતા, પણ ડિસેમ્બરના આરંભે એક તરફ સરકારે ઈમ્પોર્ટના નિયમો હળવા કર્યા અને બીજી તરફ લગ્નગાળાની સીઝન પૂરી થતાં માર્કેટમાં પણ જ્વેલરી ડિમાન્ડ સાવ તળિયે બેસી ગઈ. હાલ ઈમ્પોર્ટરોની હાલત કફોડી બની ગઈ છે. વધારે પડતી ઈમ્પોર્ટથી  જંગી સ્ટૉક પડ્યો છે અને માર્કેટમાં ડિમાન્ડ નથી. આવા સંજોગોમાં હવે ઈમ્પોર્ટરનો લંડનના ભાવથી પ્રતિ ૧૦ ગ્રામ ૫૦થી ૨૦૦ રૂપિયા ડિસ્કાઉન્ટમાં સોનું વેચવાનો વખત આવ્યો છે, જે અગાઉ લાંબા સમય સુધી પ્રીમિયમમાં સોનું વેચતા હતા.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૦૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૮૫૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૦૨૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK