બજારમાં ક્યારે પ્રવેશવું? શું ખરીદવું? કયા ભાવે ખરીદવું? કેટલું ખરીદવું?

Published: 15th December, 2014 06:26 IST

આજકાલ મોટે ભાગે જે કોઈ વ્યક્તિ મળે તે શેરબજારમાં હવે રોકાણ શરૂ કરાય? કયા શૅરો લેવાય? કયા ભાવે લેવાય? કેટલા લઉં? આગળ જતાં કોઈ પ્રૉબ્લેમ તો નહીં આવેને? મારા પૈસા ડૂબી તો નહીં જાયને? શું કરું, ઝંપલાવી દઉં કે હજી રાહ જોઉં? અરે, જુઓને હજી તો વિચાર કરું છું ત્યાં માર્કેટમાં કેવા કડાકા બોલી ગયા, આવામાં કઈ રીતે હિંમત થાય કે વિચારને આગળ વધારાય?શૅરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

 ખૈર, હવે તો માર્કેટમાં ઘણું કરેક્શન આવી ગયું, હવે લેવાય? આવા સવાલોની વર્ષા થવાની શરૂ થઈ જાય છે. આ સવાલોમાં જ વ્યક્તિ પોતે કેટલી કન્ફ્યુઝ છે એનો ખ્યાલ મળી જાય છે. દરેક તેજીના સમયે આવા સવાલો સાથે એક નવો વર્ગ બજાર તરફ ખેંચાતો હોય છે. તેમને આવા સવાલો થવા વાજબી લાગે, પરંતુ એ વિચિત્ર વધુ છે, આ સવાલોના જવાબો કોઈની પાસે હોય ખરા? શું આવા સવાલના કોઈ જનરલ જવાબો આપી શકાય? આ વખતે તેજી જોરદાર અને પાક્કી લાગે છે એવો ક્યાંક દાવો પણ હોય છે, પરંતુ શું આવા દાવાની ખાતરી મેળવી કે આપી શકાય ખરા? તો શું આના જવાબ ન મળે તો બજારથી દૂર રહેવું? બજાર ભરોસાપાત્ર નથી એમ માનવું? આ સમયમાં આવા કેટલાક સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. યાદ રહે, આ જવાબોમાં તમારી સામે કેટલાક સવાલો પણ આવશે, જેના જવાબ તમારી પાસે જ છે. જેથી આ સવાલ-જવાબમાંથી તમારી વિવેકબુદ્ધિના આધારે આગળ વધવાનો નિર્ણય લેવામાં શાણપણ રહેશે.

કેટલા સમય માટે પ્રવેશવું એ વિચારો

રોકાણકાર જ્યારે બજારમાં પ્રવેશવાનો વિચાર કરે ત્યારે તેમણે ક્યારે પ્રવેશવા કરતાં પોતે કેટલા સમય માટે પ્રવેશવા તૈયાર છે એનો વિચાર કરવાનો હોય. કારણ કે તો જ તે રોકાણકાર છે, અન્યથા એ મોટે ભાગે ટ્રેડર અથવા સ્પેક્યુલેટર ગણાય. શૅરબજાર માટે સમયને કોઈ નિર્ધારિત કે બાંધી કે સમજી શકતું નથી. હા, બજારમાં ખૂબ જ ઊંચું લેવલ હોય અથવા ખૂબ જ અફરાતફરી હોય ત્યારે પ્રવેશવાને બદલે એનું નિરીક્ષણ કરવું જરૂરી છે. આપણે દુકાનોમાં સેલ લાગે ત્યારે કે ડિસ્કાઉન્ટ ચાલતાં હોય ત્યારે વધુ જવાનું પસંદ કરીએ છીએ, પરંતુ બજારમાં બધું મોંઘું મળતું હોય ત્યારે ભાવ ઘટવાની કે કોઈ સ્કીમ આવવાની રાહ જોઈએ છીએ. જોકે બ્રાન્ડની ખરીદી કરતા હોઈએ ત્યારે એ મોંઘી કે સસ્તી છે એવું જોવાને બદલે એની ક્વૉલિટીને મહત્વ આપીએ છીએ. એમ શેરબજારમાં ભાવ ખૂબ વધી ગયા હોય ત્યારે સાવચેત રહેવું, પણ નીચા ચાલતા હોય ત્યારે ક્વૉલિટી શૅરો શોધીને બેધડક પ્રવેશી શકાય, પણ જો તમને એ બધી સમજ કે સૂઝ ન પડતી હોય તો પ્રવેશનો ઉપાય એ જ છે કે માત્ર અને માત્ર લાંબા સમયગાળા માટે પ્રવેશવું . લાંબા ગાળા માટે પ્રવેશનારે સમયનો વિચાર ઓછો કરવો પડે છે. કારણ કે તેમને શૉર્ટ ટર્મની વધઘટની કે એની અસરની ચિંતા કરવાની હોતી નથી.

શું લેવું જોઈએ એ જાણો

રોકાણકારોને ક્યારે પ્રવેશવું અને કયા ભાવે પ્રવેશવું એ સવાલ કરતાં વધુ મહત્વનો સવાલ એ થવો જોઈએ કે કયા શેર લઉં? કારણ કે કોઈ પણ શૅર સસ્તો કે મોંઘો એના વર્તમાન વૅલ્યુએશન તથા ભાવિ કામગીરીની ધારણાએ નક્કી થાય છે. અત્યારે બજારમાં તો હજારો શૅર લિસ્ટેડ છે, પરંતુ બધા શૅરો ખરીદવાલાયક કે સાચવવા લાયક હોતા નથી. અર્થાત્, શૅરોના માત્ર ભાવ પણ નહીં જુઓ, બલ્કે એનો ગ્રોથ જુઓ. કંપનીની કામગીરી, એની આવક, ભાવિ આવક, પ્લાન્સ, મૅનેજમેન્ટ, એની ક્વૉલિટી, ટ્રેકરેકૉર્ડ વગેરે જુઓ. સેન્સેક્સ વધે કે નિફ્ટી વધે ત્યારે બજાર વધે છે એવું લાગે એ સ્વાભાવિક છે, પરંતુ એ વખતે સેન્સેક્સના ૩૦ અને નિફ્ટીના ૫૦ શૅરની યાદીમાં રહેલા શૅરો જ વધ્યા હોય છે. વાસ્તે, રોકાણકારે પોતે જે શૅરોમાં રોકાણ કરે છે અથવા કરવા માગે છે એને જોવા જોઈએ. વાસ્તવમાં રોકાણકારોએ તેમનું ફોકસ મોટે ભાગે ૨૦૦થી ૨૫૦ મુખ્ય શૅરો પર રાખવું વધુ સલાહભર્યું છે, બાકી બધામાં તેમની માટે જોખમ હોઈ શકે, જેથી એકદમ સિલેક્ટિવ બનીને જ આગળ વધાય.

૨૮,૦૦૦નો સેન્સેક્સ મોંઘો લાગે?

આ સમય-સંજોગમાં ઘણાને એક સવાલ રહ્યા કે શું ૨૮,૦૦૦નો સેન્સેક્સ મોંઘો છે? આ સવાલ ચાલતો હતો ત્યાં તો સેન્સેક્સ નવ દિવસમાં જ ૨૮,૦૦૦થી નીચે ઊતરીને ૨૭,૦૦૦ આસપાસ આવી ગયો. તમે જો આગામી બે-ચાર દિવસ, એક સપ્તાહ કે મહિના માટે શૅર ખરીદવાના હો તો ચોક્કસ મોંઘો છે, પરંતુ જો તમે પાંચ વરસની તૈયારી સાથે ખરીદવાના હો તો કદાચ એ સસ્તો હોઈ શકે. સેન્સેક્સ હજી છ મહિના પહેલાં શું હતો? વરસ બે વરસ પહેલાં શું હતો? એમ તો વરસ ૨૦૦૭-૦૮માં શું હતો, આ સેન્સેક્સ એ પછીના સમયગાળામાં ૨૧ હજાર પણ ગયો અને ૮૦૦૦ પણ થયો હતો. ગ્લોબલ ક્રાઇસિસનો એ સમય બધાએ જોયો છે. મજાની વાત એ છે કે રોકાણકારો મોટે ભાગે ૨૧,૦૦૦ આસપાસના સેન્સેક્સ વખતે જ ખરીદવા દોડ્યા હતા, જ્યારે કે ૮૦૦૦ વખતે બજારથી માઇલો દૂર ભાગી ગયા હતા. યાદ રહે, ઇન્ડેક્સ એ માર્કેટ ઇન્ડિકેટર છે. આજે જેમને પણ ૨૮,૦૦૦ મોંઘો લાગે છે તેઓ ટૂંકી દૃષ્ટિએ વિચારી રહ્યા હોઈ શકે, જ્યારે કે લાંબી દૃષ્ટિવાળા ભવિષ્યમાં સેન્સેક્સ કયાં સુધી જઈ શકે તે વિચારીને આગળ વધશે.

બજારને સમય આપવો જરૂરી છે

અત્યારે ભારતીય શૅરબજાર ગ્લોબલ સંજોગોની અસર હેઠળ છે. વધુમાં લાંબા સમયથી સતત વધતા રહેલા આ બજારનો કરેક્શનનો સમય પણ પાકી ગયો હતો. પ્રૉફિટ બુકિંગ પણ પાકી ગયું હતું. ડિસેમ્બર મહિનામાં આવું વિદેશી રોકાણકારો તરફથી વિશેષ થાય છે, પરંતુ આ વખતે વિવિધ દેશોની સમસ્યાનાં કારણો પણ ઉમેરાયાં. આ ઓછું હોય એમ સ્થાનિક સ્તરે સરકાર તરફથી આર્થિક સુધારામાં કોઈ આક્રમકતા જણાઈ રહી નથી, સુધારા અવશ્ય થઈ રહ્યા છે, પણ એની ગતિ, રીતિ અને મતિ મંદ છે. ખુદ ભારતીય ઉદ્યોગજગત એમાં બોલ્ડનેસનો અભાવ જુએ છે. રિઝવર્‍ બૅન્ક મોંઘવારીને ધ્યાનમાં રાખી વ્યાજદરના ઘટાડા માટે હજી સજ્જ નથી. ઉદ્યોગોમાં રોકાણનો કોઈ મોટો ઉત્સાહ નથી. વિદેશી રોકાણ માટેના માર્ગ ખુલ્લા મુકાય કે ઉદાર કરાય એને આવતા સમય લાગે છે. સરકાર સામે હજી અનેક અવરોધ ઊભા છે. ઇરાદા અને આશા બન્ને છે, પરંતુ વાસ્તવિકતા સમય લેતી હોય છે. સતત અને બહુ દોડનાર વ્યક્તિ ક્યાંક થાક ખાવા ઊભી રહે એ જરૂરી છે, અન્યથા તે રસ્તામાં જ પડી જઈ શકે. બજાર થાક ખાઈ રહ્યું છે, એથી ફ્રેશ થઈને પાછું દોડી શકે. રોકાણકારોએ પણ બજારને રિફ્રેશ થવાનો સમય આપવો પડશે એ સત્યને સમજીને આગળ વધવું જોઈશે. અત્યારના સમયમાં રોકાણકારોના મનમાં ઉપર જણાવેલા અનેક સવાલો ફરતા હશે આવા સવાલોની વધુ વાત આગામી સપ્તાહે કરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK