Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટી, ફાર્મા ને ઑઇલના ભારમાં બજાર ઘટયું

આઇટી, ફાર્મા ને ઑઇલના ભારમાં બજાર ઘટયું

06 December, 2014 06:16 AM IST |

આઇટી, ફાર્મા ને ઑઇલના ભારમાં બજાર ઘટયું

આઇટી, ફાર્મા ને ઑઇલના ભારમાં બજાર ઘટયું




શૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ


ક્રૂડ તેમ જ વિશ્વબજારોની હૂંફમાં શૅરબજાર શુક્રવારે ગૅપમાં થોડું ઉપર ખૂલી ૨૮૬૫૨ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છેલ્લા પોણા કલાકના સેલિંગ શૅરમાં ૨૮૪૦૯ના તળિયે જઈ છેવટે ૧૦૫ પૉઇન્ટના ઘટાડે ૨૮૪૫૮ બંધ આવ્યું છે. નિફ્ટી ૨૬ પૉઇન્ટની નરમાઈમાં ૮૫૩૮ હતો. ચાઇના ખાતે સ્લો-ડાઉનને ખાળવા બૅન્ક-ફન્ડિંગ સસ્તું બનાવવાની હિલચાલ તથા ધારણા કરતાં સારા જર્મન ડેટા પાછળ એશિયા-યુરોપનાં લગભગ તમામ બજાર સુધારો આગળ વધારવાના મૂડમાં જણાતાં હતાં. એકમાત્ર તાઇવાન નામ કે વાસ્તે ૦.૨ ટકા ડાઉન હતું. શાંઘાઈ ઇન્ડેક્સ વધુ ૧.૩ ટકાની તેજીમાં ત્રણ વર્ષના નવા શિખરે ગયો હતો. હૉન્ગકૉન્ગ પોણો ટકો, સિંગાપોર ૦.૬ ટકા અપ હતા. યુરોપ અડધાથી સવા ટકો ઉપર જણાતું હતું. સાઉદી તરફથી જાન્યુઆરી માટે ક્રૂડમાં વધુ એક ડૉલર પ્લસનું ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ક્રૂડની હાલત વધુ પતલી બની છે. બાય ધ વે, વિદાય થતા સપ્તાહે ચાઇનીઝ શૅરબજાર સાડાનવ ટકા ઊંચકાયું છે જે ૨૦૦૯ પછીનો વીકલી ધોરણે સૌથી મોટો જમ્પ છે. નવેમ્બરમાં ૨૧ ટકાના વધારા સાથે વિશ્વસ્તરે બેસ્ટ માર્કેટ પુરવાર થયેલું ચાઇના આજે પણ ભારતના મુકાબલે સારૂ એવું ચિપ કે સસ્તું છે. રોકાણકારોની ચાઇના માટેની ફૅન્સી વધે તો એ આપણા માટે બેશક માઠા સમાચાર બનવાના છે.

આઇટી ને ટેક શૅરમાં નોંધપાત્ર નબળાઈ

ગઈ કાલે આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની પીછેહઠમાં ૧.૮ ટકા લૉગઆઉટ થયો હતો. હેવીવેઇટ ટીસીએસ ૨.૨ ટકા, ઇન્ફી દોઢ ટકો અને વિપ્રો ૨.૨ ટકા ઘટીને બંધ આવતાં બજારને ૮૪ પૉઇન્ટનો માર પડ્યો હતો. ટેક મહિન્દ્ર ૨.૩ ટકા, માઇન્ડ ટ્રી ૨.૨ ટકા, ઑરેકલ બે ટકા તથા એચસીએલ ટેક્નો પોણાબે ટકા ખરાબ હતા. જોકે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સવાત્રણ ટકા વધીને ૧૬૦૬ રૂપિયા બંધ હતો. આઇટી હેવીવેઇટ્સ ઉપરાંત આઇડિયા સેલ્યુલર પોણાચાર ટકા, તાતા ટેલી અને હિમાચલ ફ્યુચરિસ્ટિક દોઢ ટકો, ભારતી ઍરટેલ અડધા ટકાથી વધુ ઘટતાં ટેક્નૉલૉજી ઇન્ડેક્સ દોઢ ટકા ડાઉન હતો. એના ૨૯માંથી ૯ શૅર પ્લસ હતા. ભારતી ઇન્ફ્રાટેલ સર્વાધિક પાંચ ટકા ઊંચકાયો હતો. આર.કૉમ સવા ટકો પ્લસ હતો.

ફાર્મા હેવીવેઇટ હલકા થયા

હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૭માંથી ૧૨ શૅરની નબળાઈમાં ૧.૪ ટકા ખરડાયો હતો. સન ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ લૅબ ૨.૨ ટકા, સિપ્લા પોણાબે ટકા, ટૉરન્ટ ફાર્મા સવાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ તથા બાયોકોન ૧.૭ ટકા, રૅનબૅક્સી દોઢ ટકો, ડિવીઝ લૅબ ૧.૪ ટકા, કૅડિલા હેલ્થકૅર સવા ટકો ઢીલા પડ્યા હતા. ગ્લેનમાર્ક તથા વૉકહાર્ટ નવાં શિખર બનાવી એક ટકો પ્લસ બંધ હતા. ઇપ્કા લૅબ પોણો ટકો વધ્યો હતો. સમગ્ર ફાર્મા સેક્ટરમાં ૬૬ શૅર વધ્યા હતા. સામે ૭૨ જાતો નરમ હતી. પ્લેથિકો ફાર્મા ૨૦ ટકાની તેજીની સર્કિટમાં હતો. સિન્કૉમ હેલ્થકૅર, લિન્કન ફાર્મા, વાનબેરી જેવા શૅર પાંચથી સાડાપાંચ ટકા માઇનસ હતા. બૅન્કિંગના ૪૧માંથી ૧૮ શૅર પ્લસ હતા. ઍક્સિસ બૅન્ક અને યસ બૅન્કમાં નવી વિક્રમી સપાટી નોંધાઈ હતી. સિમેન્ટ ક્ષેત્રે ૪૧માંથી ૨૪ ãસ્ક્રપ્સ સુધારામાં હતી. આંધþ સિમેન્ટ્સ ૨૦ ટકા, કેસીપી ૧૨.૬ ટકા, સાગર સિમેન્ટ્સ ૧૦.૪ ટકા, ગુજરાત સિદ્ધિ પાંચ ટકા મજબૂત હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સમાં કૅસ્ટ્રોલને બાદ કરતાં બાકીની ૯ જાતો ઘટેલી હતી. શુગર સેગમેન્ટમાં અપરગંગા ૧૦.૮ ટકા, ધામપુર ૯.૭ ટકા, થિરુઅરુરન ૪.૭ ટકા, બલરામપુર બે ટકા વધ્યા હતા.

આઇટીસી નવા શિખરે

આઇટીસી ગઈ કાલે ૩૯૨ રૂપિયા પ્લસની નવી ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૨.૩ ટકાની આગેકૂચમાં ૩૯૧ રૂપિયા ઉપર બંધ આવતાં બજારને સર્વાધિક ૫૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. અન્ય સિગારેટ શૅરમાં ગોલ્ડન ટોબૅકો પાંચ ટકા અને વીએસટી અડધો ટકો વધેલા હતા. ગૉડફ્રે ફિલિપ્સ પોણો ટકો નરમ હતો. સિગારેટના લૂઝ વેચાણ પર પ્રતિબંધની હિલચાલ આદરી સરકારે આ શૅરને ૬ ટકાથી વધુના કડાકામાં ૩૪૮ રૂપિયાના તળિયે લાવી દીધો હતો અને પછી ગણતરીના દિવસમાં જ આ મુદ્દો પડતો મૂકવાનો નિર્દેશ આપી ભાવ સર્વોચ્ચ સપાટીએ લાવી દીધો છે. આ આખી ઘટના સરકારનું બેજવાબદારીપણું દર્શાવે છે. મોદી સરકારે એના આ પ્રકારના યુટર્નથી કોઈક સરકારી સટોડિયાઓને ફાયદો થયો છે કે કેમ એની તપાસ કરવી રહી. સેન્સેક્સ ખાતે વધનાર કુલ ૭ શૅરમાં આઇટીસી ઉપરાંત મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સવાબે ટકા તથા સેસા સ્ટરલાઇટ ૧.૯ ટકાના સુધારામાં મુખ્ય હતા. એચડીએફસી, બજાજ ઑટો, એચડીએફસી બૅન્ક તથા કોલ ઇન્ડિયામાંનો વધારો પરચૂરણ સમાન હતો.

મૅન્ગલોર કેમિકલ્સમાં ઓપન ઑફર

મૅન્ગલોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝમાં સરોજ પોદારના ઝુઆરી ગ્રુપ તરફથી ટેકઓવરના જંગમાં શૅરદીઠ ૯૨ રૂપિયા જેવા ભાવે નવી ઓપન ઑફર દ્વારા ૩૦૭ લાખ શૅર ખરીદવાની જાહેરાતના પગલે ગઈ કાલે ભાવ ઉપરમાં ૯૮.૩૫ રૂપિયા થઈ છેલ્લે ૫.૫ ટકાની મજબૂતીમાં ૯૧ રૂપિયા નજીક બંધ હતો. બન્ને બજારો ખાતે કુલ મળીને ૩૮.૬ લાખ શૅરનાં કામકાજ થયાં હતાં. તો ઝુઆરી ઍગ્રો ઉપરમાં ૩૦૭ રૂપિયાના શિખરે જઈ અંતે ૪ ટકા વધી ૨૮૬ રૂપિયા તથા ઝુઆરી ગ્લોબલ ૧૧૯ રૂપિયા નજીક ડિસેમ્બર ૨૦૧૨ પછીની ઊંચી સપાટીએ જઈ ૪.૬ ટકાના જમ્પમાં ૧૧૫ રૂપિયા રહ્યો હતો. મૅન્ગલોર કેમિકલ્સને ટેકઓવરના જંગ શરૂ કરનાર દીપક ફર્ટિલાઇઝર્સ પણ ઉપરમાં ૧૪૦ રૂપિયા થઈ અંતે ૩ ટકા વધીને ૧૩૬ રૂપિયા જેવો હતો.

ડાઇવેસ્ટમેન્ટની અસરમાં સેઇલ ઘટયો

સેઇલમાં સરકાર તરફથી શૅરદીઠ ૮૩ રૂપિયાની ફ્લોર પ્રાઇસમાં ઑફર ફૉર સેલ દ્વારા પાંચ ટકા હિસ્સો વેચવાની કારવાઈના પગલે શૅર ૮૫.૩૫ રૂપિયાના આગલા બંધ સામે નરમ ખૂલીને નીચામાં ૮૨.૨૦ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાની નરમાઈમાં ૮૨.૮૦ રૂપિયા હતો. રીટેલ ઇન્વેસ્ટર્સને ડાઇવેસ્ટમેન્ટમાં પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. વર્ષનો ઊંચો ભાવ ૧૧૩ રૂપિયા તથા નીચો ભાવ ૫૪ રૂપિયા છે. બુકવૅલ્યુ ૧૦૬ રૂપિયા જેવી છે. પીએસયુ ઇન્ડેક્સના ૫૯માંથી ઘટેલા ૩૯ શૅરમાં સેઇલ ગઈ કાલે પ્રથમ ક્રમે હતો. નજીકના સમયમાં ડિસઇન્વેસ્ટમન્ટની યાદીમાં કોલ ઇન્ડિયા, ઓએનજીસી તથા એનએચપીસી મુખ્ય છે. ઓએનજીસી ગઈ કાલે ૧.૩ ટકા ઘટીને ૩૬૬ રૂપિયા, એનએચપીસી પોણો ટકો ઘટી ૨૦ રૂપિયા તથા કોલ ઇન્ડિયા ૫૦ પૈસા વધી ૩૫૬ રૂપિયા બંધ હતા. ભારત અર્થમૂવર્સ ૨.૫ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ બે ટકા, ચેન્નઈ પેટ્રો ૨.૨ ટકા, આરઈસી એક ટકાની નજીક નરમ હતા. ભેલ પોણો ટકો, કોન્કર ૧.૫ ટકા, શિપિંગ કૉર્પો. ૨.૨ ટકા તથા એન્જિનિયર્સ ઇન્ડિયામાં ૦.૯ ટકાની નરમાઈ હતી. એચએમટી ૧૧.૭ ટકાની તેજીમાં ૪૯ રૂપિયા ઉપર બંધ આપી ટૉપ ગેઇનર બન્યો હતો.

‘એ’ ગ્રુપના ૬૬ ટકા શૅર નરમ

નબળી માર્કેટ-બ્રેડ્થમાં ૧૩૮૪ શૅર વધ્યા હતા, ૧૫૮૦ કાઉન્ટર માઇનસમાં હતા. ‘એ’ ગ્રુપમાં માંડ ૩૪ ટકા સામે ‘બી’ ગ્રુપમાં ૪૫ ટકા અને ‘ટી’ ગ્રુપમાંના ૪૭ ટકા શૅર સુધર્યા હતા. ૨૭૯ શૅર તેજીની સર્કિટે તો ૨૧૯ જાતો નીચલી સર્કિટે હતી. સેન્સેક્સમાં તાતા પાવર જૈસેથે હતો. લાર્સન પાંચ પૈસા નરમ હતો. અન્યત્ર ૭ શૅર વધ્યા હતા, ૨૧ શૅર ઘટીને બંધ હતા. બજારના ૨૪માંથી ૧૯ ઇન્ડાઇસિસ માઇનસ ઝોનમાં જોવાયા છે. સ્મૉલકૅપ ઇન્ડેક્સ નામ પૂરતો વધ્યો હતો. મેટલ ઇન્ડેક્સ પણ એવી જ સ્થિતિમાં હતો. નોંધપાત્ર સુધારો કેવળ રિયલ્ટીમાં ૧.૩ ટકા દેખાયો હતો. ડીએલએફ ૪.૭ ટકાના ઉછાળે ૧૬૧ રૂપિયા બંધ રહેતાં આ ઇન્ડેક્સને મોટો સર્પોટ મળ્યો હતો. અન્યથા એના ૧૩માંથી ૭ શૅર નરમ હતા. શોભા ડેવલપર્સ સર્વાધિક ૨.૩ ટકા ડાઉન હતો.

બજારની અંદર-બહાર

એનબીસીસી દ્વારા સંયુક્ત સાહસમાં ઍર ઇન્ડિયાની વિવિધ સ્થળે આવેલી જમીનના ડેવલપમેન્ટ માટે કંપની સ્થાપવાના કરાર થયાના અહેવાલે શૅર ૯૨૩ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી નજીવા સુધારામાં ૮૭૯ રૂપિયા હતો.

સ્પાઇસ જેટમાં ઍરર્પોટ ઑથોરિટી તરફથી ક્રેડિટ ફૅસિલિટી રદ કરી રોકડના ધોરણે સેવા પૂરી પાડવાનો નિર્ણય લેવાતાં શૅર ૧૩.૮ ટકા તૂટીને ૧૬ રૂપિયા નીચે બંધ હતો.

સેલન એક્સ્પ્લોરેશનમાં એફઆઇઆઇની ખરીદી પરનો અંકુશ રિઝવર્‍ બૅન્કે હટાવી લીધાના સમાચારે ભાવ ઉપરમાં ૪૩૦ રૂપિયા જેવો થઈ છેલ્લે ૪.૭ ટકાની તેજીમાં ૩૯૮ રૂપિયા હતો.

માસ્ટેકને બ્રિટિશ ગ્રુપ ઉનમ તરફથી કૉન્ટ્રૅક્ટ મળ્યાના અહેવાલે શૅર ઉપરમાં ૨૮૨ રૂપિયા થઈ અંતે સાધારણ સુધારામાં ૨૬૯ રૂપિયા રૂપિયા હતો.

એચસીસીની સબસિડિયરીએ આંધþ પ્રદેશના પ્રોજેક્ટમાંનો હિસ્સો ૬૪ કરોડ રૂપિયામાં વેચ્યાના સમાચારે શૅર ૪.૩ ટકા વધીને ૩૪ રૂપિયા નજીક બંધ હતો.

જાગરણ પ્રકાશન રોજના સરેરાશ ૧૮,૦૦૦ શૅર સામે ગઈ કાલે ૪ લાખ શૅરના કામકાજમાં ૧૪૨ રૂપિયા નજીક જાન્યુઆરી ૨૦૦૮ પછીની ટોચે જઈ છેલ્લે ૪.૧ ટકા વધીને ૧૩૮ રૂપિયા
બંધ હતો.

મોન્સેન્ટો ત્રણગણા કામકાજમાં ઉપરમાં ૩૨૫૮ રૂપિયા થઈ છેલ્લે ૬.૫ ટકાની તેજીમાં ૩૧૮૩ રૂપિયા બંધ હતો.
રાજા બહાદુર ઇન્ટરનૅશનલ એક શૅરના કામકાજમાં પાંચ ટકાની નીચલી સર્કિટે ૫૨૩૧ રૂપિયા બંધ હતો. ૧૦૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર લગભગ વર્ષ પૂર્વે ૮૧૦ રૂપિયા આસપાસ હતો.



Whatsapp-channel Whatsapp-channel

06 December, 2014 06:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK