સિસ્ટમૅટિક વિધ્ડ્રૉઅલ પ્લાન કરબચતની ર્દષ્ટિએ પણ ઉપયોગી

Published: 1st December, 2014 05:02 IST

નિયમિત આવક મેળવવા માટે મ્યુચ્યુઅલ ફન્ડ કેવી રીતે ઉપયોગી થાય છે એના વિશેની ચર્ચા આપણે ગયા લેખમાં કરી હતી. એમાં આ મુજબની સૂચના ખાસ આપવામાં આવી હતી : આ લેખમાં કરાયેલી ચર્ચા મ્યુચ્યુઅલ ફન્ડના લિક્વિડ ફન્ડ કે શૉર્ટ ટર્મ ફન્ડને જ લાગુ પડે છે, અન્ય કોઈ પ્રકારને નહીં.


મ્યુચ્યુઅલ ફન્ડની દુનિયા-અમિત ત્રિવેદી

આવી સૂચના આપવાની જરૂર શું હતી એવું કોઈ પૂછી શકે છે. આ સવાલનો જવાબ મેળવવા માટે મ્યુચ્યુઅલ ફન્ડની કાર્યપદ્ધતિ સમજવી જરૂરી બને છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં સંખ્યાબંધ રોકાણકારોનાં નાણાં ભેગાં કરીને મોટું ભંડોળ રચવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે દરેક રોકાણકારનાં ઉદ્દેશો અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે. અમુકની ઇચ્છા ટૂંકા ગાળા માટે રોકાણ કરવાની હોઈ શકે છે, જ્યારે બીજાઓ લાંબા સમય માટે રોકાણ રાખી મૂકવા ઇચ્છતા હોઈ શકે છે.

ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે રોકાણકાર કોઈ પણ કામકાજના દિવસે સ્કીમમાં પ્રવેશી શકે છે અથવા તો નાણાં ઉપાડી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો મ્યુચ્યુઅલ ફન્ડમાં કોઈ પણ સમયે ત્રણ પ્રકારના રોકાણકારો હોય છે : ૧) સ્કીમમાં પ્રવેશનારા, ૨) સ્કીમમાંથી બહાર નીકળી જનારા અને ૩) સ્કીમમાં રોકાણ રાખી મૂકનારા.

કોઈ પણ ઘડીએ રોકાણકારને યોગ્ય ભાવ મળી રહે એ પણ જરૂરી હોય છે. આથી જ મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમના ખરીદી અને વેચાણના સોદાઓ NAV (નેટ ઍસેટ વૅલ્યુ)ના આધારે કરવામાં આવતા હોય છે. NAVની ગણતરી પારદર્શક અને ન્યાયી રીતે કરવામાં આવે છે. ફન્ડે જે સિક્યૉરિટીઝમાં રોકાણ કર્યું હોય એના બજારમૂલ્યના આધારે NAV બદલાતી હોય છે. અહીં સિક્યૉરિટીઝના બજારભાવ દૈનિક ધોરણે બદલાતા હોય છે. એને લીધે મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમની NAVમાં પણ ઉતાર-ચડાવ આવતા હોય છે. એને ભાવચંચળતા કહેવાય. દરેક પ્રકારની સિક્યૉરિટીની ભાવચંચળતા પણ ઓછી-વધતી હોય છે. ઇક્વિટીમાં ભાવચંચળતા વધારે હોવાથી આપણે સ્પક્ટતા કરી હતી કે નિયમિત આવક મેળવવા માટે લિક્વિડ કે અલ્ટ્રા શૉર્ટ ટર્મ ફન્ડમાં રોકાણ કરવું. આ પ્રકારના ફન્ડમાં સાવ ઓછી ભાવચંચળતા હોવાથી એની NAVમાં પણ વધુ તીવ્ર ઉતાર-ચડાવ આવતા નથી.

હવે આપણે SWP (સિસ્ટમૅટિક વિધ્ડ્રૉવલ પ્લાન)ની સ્થાપના પાછળના ઉદ્દેશોનો ફરીથી વિચાર કરીએ. આ ફન્ડ પોતાના રોકાણ પર નિયમિત આવક રળવા માગતા લોકો માટે હોય છે. એમાંથી કરવામાં આવતો ઉપાડ NAV આધારિત ભાવે થાય છે.

SWP કરવેરાની બચત કરવા માટે ઉપયોગી છે. ધારો કે એક રોકાણકાર દોઢ કરોડ રૂપિયાનું રોકાણ કરીને વાર્ષિક ૧૨ લાખ રૂપિયાની નિયમિત આવક મેળવવા માગે છે. જો તે પારંપરિક સાધનમાં રોકાણ કરે તો તેને આવકવેરાનો સૌથી ઉપલો સ્લૅબ લાગુ પડે અને વ્યાજની આવક પર પણ કરવેરો ભરવો પડે. એની સામે જો તે SWPમા રોકાણ કરે તો શું થાય એનો વિચાર કરીએ. SWPમા નિયમિત આવક મેળવવા માટે યુનિટનું રિડમ્પ્શન કરાવવું પડે. એ વખતે મળનારાં નાણાંમાં બે હિસ્સા હોય છે : એક, મુદ્દલ અને બે, એના પર મળેલી આવક.

ધારો કે આ રોકાણ કરવામાં આવ્યું ત્યારે NAV ૧૨ રૂપિયા હતી અને ઉપરોક્ત કોક્ટક અનુસાર પ્રથમ ઉપાડ કરવામાં આવ્યો ત્યારે NAV ૧૫ રૂપિયા હતી. ૧૨ રૂપિયાના ભાવે ખરીદી અને ૧૫ રૂપિયાની NAVએ ઉપાડ થયો. આમ દરેક યુનિટદીઠ ત્રણ રૂપિયાનો નફો થયો. આ ૧૫ રૂપિયામાં મુદ્દલ ૧૨ રૂપિયા અને ત્રણ રૂપિયા નફો હોય છે. આમ રોકાણકારને ફક્ત ત્રણ રૂપિયા પર કરવેરો લાગુ પડે. મુદ્દલનો ઉપાડ કરપાત્ર નથી. દરેક ઉપાડ વખતે મુદ્દલ અને નફાનું પ્રમાણ અલગ-અલગ હોઈ શકે છે. આથી એની ગણતરી ધ્યાનપૂવર્‍ક કરવામાં આવવી જોઈએ. અહીં નોંધપાત્ર બાબત એ જ છે કે વર્ષે ૧૨ લાખ રૂપિયાની આવક ગણવામાં આવે તો કરવેરો ઘણો વધારે લાગુ પડે, જ્યારે SWPમા ઘણો ઓછો કરવેરો લાગુ પડે. SWPમા તમને સંપૂર્ણ કરમુક્તિ ભલે ન મળતી હોય, પરંતુ કરવેરો એકસામટો લાગુ પડતો નથી. આ સ્કીમથી કરવેરો પાછળ ધકેલાતો જાય છે. કર ભરવાનો આવે ત્યાં સુધી એના પર કમાણી કરી શકાય છે. આથી SWPમા રોકાણ કરતી વખતે વિવિધ બાબતોનો કાળજીપૂવર્‍ક અભ્યાસ કરી લેવો.કાલ્પનિક કિસ્સો

ઉપાડનો ક્રમ    ઉપાડવાની રકમ    NAV    રિડીમ કરાનારાં યુનિટ

૧    ૧૦,૦૦૦ રૂપિયા    ૧૫ રૂપિયા    ૬૬૬.૬૬૭

૨    ૧૦,૦૦૦ રૂપિયા    ૧૩ રૂપિયા    ૭૬૯.૨૩૧

૩    ૧૦,૦૦૦ રૂપિયા    ૧૪ રૂપિયા    ૭૧૪.૨૮૬

૪    ૧૦,૦૦૦ રૂપિયા    ૧૬ રૂપિયા    ૬૨૫.૦૦૦


ઉપરના કોક્ટક પરથી જોઈ શકાય છે કે ૧૪ રૂપિયાની NAV હોય ત્યારે રોકાણકારે ૧૦,૦૦૦ રૂપિયા મેળવવા માટે ૭૧૪.૨૮૬ યુનિટનું રિડમ્પ્શન કરાવવું પડે, જ્યારે ૧૬ રૂપિયાની NAV હોય ત્યારે ૬૨૫ યુનિટનું રિડમ્પ્શન કરાવવું પડે. આમ NAV ઓછી હોય ત્યારે વધુ યુનિટનું રિડમ્પ્શન કરાવવું પડે. જો NAV સતત વધતી હોય તો બીજો કોઈ વાંધો નથી આવતો. બદલાતી NAVની સાથે રિડમ્પ્શન માટેનાં યુનિટની સંખ્યા પણ બદલાતી જાય છે અને NAV ઓછી હોય ત્યારે વધારે યુનિટનું રિડમ્પ્શન કરાવવું પડે. આથી કહેવું પડે છે કે SWP સારી સુવિધા હોવા છતાં એની મર્યાદાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.(અમિત ત્રિવેદી કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યા છે.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK