યુરોપિયન સ્ટિમ્યુલસ પૅકેજની શક્યતાએ સોનામાં પીછેહઠ

Published: 27th November, 2014 06:19 IST

અમેરિકન ત્રીજા ક્વૉર્ટરનો GDP ધારણા કરતાં સારો આવતાં સોના માટે નેગેટિવ : પ્લૅટિનમ-પૅલેડિયમની સપ્લાય ૨૦૧૪માં ડેફિસિટમાં રહેવાનો અંદાજબુલિયન બુલેટિન-મયૂર મહેતા

યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના વાઇસ પ્રેસિડન્ટ દ્વારા ૨૦૧૫ના આરંભથી નવેસરથી બૉન્ડની ખરીદી કરવામાં આવશે એવા અહેવાલને પગલે અમેરિકી ડૉલર યુરો સામે મજબૂત બનતાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી. જોકે સ્વિટ્ઝરલૅન્ડમાં ગોલ્ડ રિઝવર્‍ વધારવા માટેનું રેફરન્ડમ ૩૦ નવેમ્બરે હોવાથી એની અસરે સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. વળી ચીનની ઑક્ટોબર મહિનાની સોનાની ઇમ્ર્પોટ સાત મહિનાની ઊંચાઈએ અને અમેરિકાના નવેમ્બરના બિઝનેસ કૉન્ફિડન્સના ડેટા ધારણા કરતાં નીચા આવતાં એની અસરે પણ સોનામાં વધુ ઘટાડો અટક્યો હતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે સોનાનો ભાવ રેન્જબાઉન્ડ રહ્યો હોવા છતાં મજબૂત રહ્યો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદામાં મંગળવારે ઓવરનાઇટ ૦.૧ ટકાનો સુધારો થઈ બેન્ચમાર્ક ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ ૧૧૯૭.૧૦ ડૉલરે સેટલ થયો હતો. અમેરિકાના મિક્સ ડેટાને પગલે કોમેક્સ ગોલ્ડ વાયદો ૧૧૮૯ ડૉલરથી ૧૨૦૨.૨૦ ડૉલર વચ્ચે અથડાયેલો હતો. અમેરિકી GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ડેટા ધારણા કરતાં સારા આવતાં ગઈ કાલે સવારે સોનું ઘટીને ૧૯૯૫ ડૉલર ખૂલ્યું હતું, પણ દિવસ દરમ્યાન સ્વિટ્ઝરલૅન્ડ રેફરેન્ડમની ચર્ચા અને ચીનની ઑક્ટોબરની ઇમ્ર્પોટ વધ્યાના રિપોટને પગલે સોનું ધીમી ગતિએ વધ્યું હતું, પણ ફરી યુરોપિયન સ્ટિમ્યુલસ પૅકેજની વાતો આવતાં અમેરિકી ડૉલર મજબૂત થતાં સોનું ઘટવા લાગ્યું હતું. સોના-ચાંદી વચ્ચેનો રેશિયો તેજીનો સંકેત આપતો હોવાથી ચાંદીના ભાવ ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા, પણ ત્યાર બાદ ચાંદીના ભાવ પણ ઘટયા હતા.

અમેરિકી મિક્સ ડેટા

અમેરિકાના ત્રીજા ક્વૉર્ટરના રિવાઇઝ GDP ડેટા ધારણા કરતાં વધારે સારા આવ્યા હતા. ત્રીજા ક્વૉર્ટરનો GDP ૩.૯ ટકાના દરે વધ્યો હતો. અગાઉ અમેરિકી કૉમર્સ ડિપાર્ટમેન્ટે ત્રીજા ક્વાર્ટરનો GDP ગ્રોથ ૩.૫ ટકા વધ્યો હોવાનો રિપોટ આપ્યો હતો. ઍનલિસ્ટોએ GDP ૩.૩ ટકાથી વધશે એવી ધારણા મૂકી હતી. અમેરિકાનો બીજા ક્વૉર્ટરનો GDP ગ્રોથ ૪.૬ ટકા વધ્યો હતો. છેલ્લાં પાંચ ક્વાર્ટરમાંથી ચાર ક્વૉર્ટરમાં અમેરિકાનો GDP ગ્રોથ ત્રણ ટકાથી ઉપર વધ્યો હતો. GDP ડેટા ઇકૉનૉમી માટે પૉઝિટિવ અને ગોલ્ડ માટે નેગેટિવ હતા, પણ નવેમ્બર મહિનાનો બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જૂન પછી પહેલી વખત ઘટીને આવ્યો હતો. નવેમ્બરનો બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ૮૮.૭ રહ્યો હતો જે ઑક્ટોબરમાં ૯૪.૫ અને ઍનલિસ્ટોની ધારણા ૯૬ પૉઇન્ટની હતી. બિઝનેસ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ ડેટા અમેરિકી ઇકૉનૉમી માટે નેગેટિવ અને ગોલ્ડની તેજી માટે પૉઝિટિવ હતા.

પ્લૅટિનમ-પૅલેડિયમ

પ્રેશ્યસ મેટલ પ્લૅટિનમ અને પૅલેડિયમની સપ્લાયની ડેફિસિટ ૨૦૧૪માં છેલ્લાં ૩૦ વર્ષની રેકૉર્ડ-બ્રેક રહેશે એવી આગાહી વલ્ર્ડના સૌથી મોટા પ્લૅટિનમ બાયર જૉન્સન મથાઇ દ્વારા કરવામાં આવી હતી. પ્લૅટિનમની ડિમાન્ડ ૨૦૧૪માં સપ્લાય કરતાં ૧૧.૩૩ લાખ ઔંસ વધારે રહેશે. આ રિપોટ બાદ કોમેક્સ પ્લૅટિનમ જાન્યુઆરી વાયદામાં ૧.૪ ટકાનો ઉછાળો નોંધાઈ ભાવ ૧૨૨૪.૫૦ ડૉલર સેટલ થયા હતા. પૅલેડિયમની ડિમાન્ડ ૨૦૧૪માં સપ્લાય કરતાં ૧૬.૨૦ લાખ ઔંસ વધારે રહેશે. રિપોટની અસરે કોમેક્સ પૅલેડિયમ ડિસેમ્બર વાયદો ૦.૭ ટકા વધીને ૭૯૫.૬૦ ડૉલર સેટલ થયો હતો. પ્લૅટિનમ અને પૅલેડિયમના મેજર પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ સાઉથ આફ્રિકામાં પાંચ મહિના ચાલેલી સ્ટ્રાઇક અને રશિયામાં જિયોપૉલિટકલ ટેન્શનને કારણે બન્ને મેટલના પ્રોડક્શનમાં ૨૦૧૪માં ઘટાડો નોંધાયો છે. 

ઇન્ડિયન ગોલ્ડ પૉલિસી સેન્ટર ડિસેમ્બરથી શરૂ

વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલ અને ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડિસેમ્બરથી ઇન્ડિયન ગોલ્ડ પૉલિસી સેન્ટર ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પૉલિસી સેન્ટર ચાલુ કરવાનો ઉદ્દેશ ભારતમાં પડેલા સોનાના જથ્થાનો દેશના વિકાસમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એ શક્યતાઓ તપાસવાનો છે. આ સેન્ટર ડિસેમ્બરમાં અમદાવાદમાં જ ચાલુ થશે. વલ્ર્ડ ગોલ્ડ કાઉન્સિલના ભારત ખાતેના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમના જણાવ્યા અનુસાર ભારતમાં બાવીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું પડ્યું છે. આટલો મોટો સોનાનો જથ્થો ધરાવતા દેશમાં સોનાના જથ્થા વિશે ડેટા, રિસર્ચ અને ઇન્સાઇટ તૈયાર કરીને દેશના વિકાસ માટે સોનાની તાકાતનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ ઉદ્દેશથી આ પૉલિસી સેન્ટર ચાલુ કરવામાં આવી રહ્યુ છે. ઇન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ મૅનેજમેન્ટ દ્વારા સોનાના સંગ્રહાયેલા જથ્થા બાબતે કેટલાંક નવાં સંશોધનો હાથ ધરવામાં આવશે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૫૫૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૪૦૦

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૭,૩૯૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK