Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો ખટક્યો

શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો ખટક્યો

26 November, 2014 05:25 AM IST |

શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો ખટક્યો

શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો ખટક્યો


શેરબજારનું ચલકચલાણુ-અનિલ પટેલ

છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક નવી વિક્રમી સપાટી સર કરતું શૅરબજાર ગઈ કાલે થાકોડાના મૂડમાં જોવા મળ્યું. સેન્સેક્સ ૧૬૧ પૉઇન્ટ ઘટીને ૨૮૩૩૮ તથા નિફ્ટી ૬૭ પૉઇન્ટની પીછેહઠમાં ૮૪૬૩ બંધ રહ્યા છે. બજારમાં આ લગભગ છ સપ્તાહનો મોટો એકદિવસીય કડાકો છે. વૉલેટિલિટી પ્રમાણમાં વધુ હતી. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૮૫૩૫ પ્લસની નવી વિક્રમી સપાટીએ ગયો હતો. બજાર પૉઝિટિવ ઝોનમાં ખૂલી ૧૦-૧૫ મિનિટ બાદ માઇનસમાં સરી પડ્યું હતું, જેમાં સેન્સેક્સ ૨૮૫૪૧ની ઇન્ટ્રા-ડે ટોચથી ગગડીને નીચામાં ૨૮૨૧૭ થયો હતો. છેલ્લો અડધો કલાક બાઉન્સ બેકનો હતો જેમાં સેન્સેક્સ ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૬૦ પૉઇન્ટ ઊંચકાયું હતું. સેન્સેક્સના ૩૦માંથી ૧૫ શૅર તથા બજારના ૨૪માંથી ૨૧ ઇન્ડાઇસિસ માઇનસમાં હતા. સરકાર લૂઝ સિગારેટના વેચાણ પર પ્રતિબંધ મૂકશે એવા અહેવાલમાં આઇટીસી પાંચ ટકા તૂટીને ૩૫૬ રૂપિયા નીચે બંધ રહેતાં બજારને ૧૧૬ પૉઇન્ટની હાનિ થઈ હતી. એ સિવાય આઇસીઆઇસીઆઇ બૅન્ક, લાર્સન, તાતા સ્ટીલ, એનટીપીસી, તાતા પાવર, મારુતિ સુઝુકી, ઍક્સિસ બૅન્ક, હીરો મોટોકૉર્પ જેવાં કાઉન્ટર સવાથી અઢી ટકા ડાઉન હતાં. ઇન્ફી, ડૉ. રેડ્ડીઝ લૅબ, એચડીએફસી અને એચડીએફસી બૅન્ક નવી ઑલટાઇમ હાઈ બનાવી સુધારામાં બંધ હતા. બીએસઈ એસએમઈ-આઇપીઓ ઇન્ડેક્સ ૩.૨ ટકા વધી બેસ્ટ લેવલે ગયો હતો. ઑઇલ-ગૅસ ૦.૬ ટકા તથા હેલ્થકૅર ઇન્ડેક્સ સાધારણ વધીને બંધ હતા.

ફોર્બ્સનો શૅર ૬ દિવસમાં ૭૩ ટકા ઊછળ્યો

ઇન્ડસ્ટ્રિયલ મશીનરી સેગમેન્ટમાં કાર્યરત ફોર્બ્સ ઍન્ડ કંપનીના શૅરમાં છેલ્લા એક અઠવાડિયાથી ફાટફાટ તેજીનો માહોલ છે. ગઈ કાલે શૅર ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૦૮.૧૦ રૂપિયા પર બંધ રહ્યો હતો જે એની ઑલટાઇમ હાઈ પણ છે. સરેરાશ ૪૦૦૦ શૅરની સામે ગઈ કાલે ૧૭,૦૦૦ શૅરનાં કામકાજ થયાં હતાં. આ શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે. એ ઉપરાંત આ શૅરમાં છેલ્લાં ૬ ટ્રેડિંગ સેશનમાં ૭૩ ટકાનો જોરદાર જમ્પ જોવા મળ્યો છે. ૬ દિવસ પહેલાં આ શૅરનો ભાવ ૭૫૭ રૂપિયા હતો. ૧૮ ફેબ્રુઆરીએ આ કાઉન્ટરમાં ૪૭૧.૩૦ રૂપિયાનું તળિયું જોવા મળ્યું હતું. ઇન્ડસ્ટ્રિયલ મશીનરી સેગમેન્ટમાં કાર્યરત અન્ય શૅર પર નજર કરીએ તો ફાગ બેરિંગ્સ ૩૨૫૦ રૂપિયાનું સર્વોચ્ચ શિખર બતાવીને છેવટે ૩.૨૩ ટકાની તેજીમાં ૩૨૩૯.૯૫ રૂપિયા બંધ હતો. જોકે વૉલ્યુમ માત્ર ૪૩૬ શૅરના જ હતા. ગ્રીવ્ઝ કૉટન ૧.૭૬ ટકાના વધારામાં ૧૪૪.૧૫ રૂપિયા રહ્યો હતો. રોટો પમ્પ્સ ૫૭૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બાદ દોઢ ટકા કરતાં વધુની તેજીમાં ૫૪૫ રૂપિયા હતો. કિર્લોસ્કર પેન્યુમૅટિક ૧.૧૭ ટકા, કુલકર્ણી પાવર ઉપલી સર્કિટે ઑલટાઇમ હાઈ થયા બાદ છેલ્લે ૧.૪૨ ટકા ઊછળીને ૫૭.૩૦ રૂપિયા અને કેન્નામેટલ ૧.૧૦ ટકા સુધરીને ૭૯૯.૮૦ રૂપિયા બંધ હતો.

રિયલ્ટી ઇન્ડેક્સ ખરાબીમાં મોખરે

ગઈ કાલે બજારના તમામ ઇન્ડેક્સમાં રિયલ્ટી ઇન્ડેક્સ ખરાબીમાં સૌથી મોખરે હતો. સેન્સેક્સના ૦.૫૭ ટકાના ઘટાડા સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૧૩માંથી ૧૦ શૅરની ખરાબી સાથે સૌથી વધુ ૩.૩૫ ટકા ખરડાયો હતો. સૌથી વધુ ખરાબી યુનિટેકમાં હતી. યુનિટેક નીચામાં ૧૭.૮૫ રૂપિયા ગયા બાદ છેલ્લે ૭.૮૭ ટકાની ખુવારીમાં ૧૮.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. કામકાજ ૯૦ લાખ કરતાં વધુ શૅરનાં થયાં હતાં. ઇન્ડિયાબુલ્સ રિયલ્ટી ૬.૮૦ ટકા ગગડીને ૭૫.૩૫ રૂપિયાનો બંધ આપી ખરાબીમાં બીજા નંબરે હતો. અનંતરાજ ૬.૫૫ ટકા ગગડીને ૪૯.૯૫, એચડીઆઇએલ ૪.૮૭ ટકા ખરડાઈને ૭૮.૧૫ રૂપિયા, ઑબેરૉય રિયલ્ટી ૪.૮૦ ટકા ઘટીને ૨૩૮.૦૫ રૂપિયા, ડીબી રિયલ્ટી ૩.૭૬ ટકાની નરમાઈમાં ૬૨.૭૫ રૂપિયા, ડીએલએફ ૩.૬૪ ટકા ઘટીને ૧૪૧.૭૫ રૂપિયા, મહિન્દ્ર લાઇફ પોણાત્રણ ટકાની ખરાબીમાં ૪૮૯ રૂપિયા, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૧.૨૨ ટકા નરમ પડીને ૨૫૦.૩૦ રૂપિયા અને ઓમેક્સ ૦.૩૨ ટકા ઘટીને ૧૨૫.૬૦ રૂપિયા બંધ રહ્યા હતા. સામેની તરફ ફીનિક્સ મિલ્સ ૦.૯૭ ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ ૦.૬૭ ટકા અને શોભા ડેવલપર્સ ૦.૬૫ ટકા વધીને બંધ રહ્યા હતા.

ભારતી ઍરટેલમાં ટાવરનો કરન્ટ

ટેલિકૉમ સેક્ટરમાં ટોચનું સ્થાન ધરાવતી ભારતી ઍરટેલે અમેરિકન ટાવર કૉર્પોરેશન સાથે ટાવરના વેચાણનો કરાર કર્યો છે. ભારતી ઍરટેલની સબસિડિયરી કંપની ભારતી ઍરટેલ ઇન્ટરનૅશનલે નાઇજીરિયામાં ૪૮૦૦થી વધુ ટાવર અમેરિકન ટાવર કૉર્પોરેશનને વેચવાનો કરાર કર્યો છે. આ સમાચારની અસરે ભારતી ઍરટેલનો શૅર ગઈ કાલે ૪૦૮ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે ગયા બાદ છેવટે ૧.૧૩ ટકાની તેજીમાં ૪૦૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ૨૪ ફેબ્રુઆરીએ આ શૅરમાં ૨૮૨.૧૦ રૂપિયાની એક વર્ષની બૉટમ જોવા મળી હતી. ટેલિકૉમ સેક્ટરના અન્ય શૅરોમાં આઇડિયા સેલ્યુલર ત્રણ ગણા વૉલ્યુમે ત્રણ ટકાની ખરાબીમાં ૧૬૩.૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. નીચામાં એ ૧૫૯.૦૫ રૂપિયા ગયો હતો. રિલાયન્સ કમ્યુનિકેશન્સ પણ સાડાચાર ટકા ખરડાઈને ૧૦૨.૩૫ રૂપિયા હતો. ૨૬ સપ્ટેમ્બરે આ ãસ્ક્રપ્ટ ૯૩.૧૦ના તળિયે ગઈ હતી. તાતા ટેલિસર્વિસિસ પોણાબે ટકા કરતાં વધુની નરમાઈમાં ૮.૭૮ રૂપિયા હતો, તો તાતા કમ્યુનિકેશન્સ પણ એક ટકા આસપાસની કમજોરીમાં ૪૩૭.૬૦ રૂપિયા હતો. વૉલ્યુમ સરેરાશ કરતાં ઓછા હતા. આ શૅરની ફેસવૅલ્યુ ૧૦ રૂપિયા છે.

ચાઇનીઝ માર્કેટ સવાત્રણ વર્ષની ટોચે

ઇકૉનૉમીને જોર આપવા સરકાર દ્વારા વધુ પૉલિસી સર્પોટ આપવામાં આવશે એવા રોકાણકારોના આશાવાદે ચાઇનાનો શાંઘાઈ ઇન્ડેક્સ ગઈ કાલે ઑગસ્ટ ૨૦૧૧ પછીની સવાત્રણ વર્ષની ટોચે પહોંચી ગયો હતો. ગઈ કાલે ચાઇનીઝ માર્કેટ ૧.૩૫ ટકા વધીને ૨૫૬૭.૬૦ બંધ હતી. એશિયામાં મિશ્ર વલણ હતું. જૅપનીઝ નિક્કી ૦.૨૯ ટકા પ્લસ હતો. સિંગાપોર ૦.૧૩ ટકા, કોરિયન કોસ્પિ ૦.૦૮ ટકા અપ હતા, તો સામે હૉન્ગકૉન્ગનો હૅન્ગસેન્ગ ઇન્ડેક્સ ૦.૨૧ ટકા અને તાઇવાનીઝ ટ્વેસી ૦.૦૭ ટકા ડાઉન હતા. જકાર્તા અડધા ટકા નજીક ડાઉન હતો. યુરોપ ગ્રીન ઝોનમાં મુકાતું હતું. લંડન ફુત્સે ૦.૧૮ ટકા, જર્મન ડેક્સ એક ટકા નજીક અપ હતા. યુએસમાં પણ તેજીનો માહોલ હતો. નૅસ્ડૅક ૦.૮૮ ટકા, ડાઉ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા અને એસઍન્ડપી-૫૦૦ ૦.૧૩ ટકા વધેલા હતા.

રોકડામાં મોટી ખરાબી

માર્કેટ-બ્રેડ્થ ઘણી ખરાબ હતી. ૮૨૩ શૅર વધેલા હતા, ૨૧૭૩ જાતો નરમ હતી. ‘ટી’ ગ્રુપમાં ૬૦ ટકા તથા ‘એ’ અને ‘બી’ ગ્રુપમાંના ૭૫ ટકાથી વધુ શૅર ડાઉન હતા. ૨૪૨ શૅર ઉપલી સર્કિટે તો ૩૫૦ કાઉન્ટર મંદીની સર્કિટમાં હતા. સેન્સેક્સના ૦.૬ ટકા સામે નિફ્ટી ૦.૮ ટકા ઘટuો હતો. સ્મૉલકૅપ બેન્ચમાર્ક ૪૭૩ શૅરમાંથી માત્ર ૬૮ શૅરના સુધારામાં સવાબે ટકાથીય વધુ લથડ્યો હતો. મિડકૅપ બેન્ચમાર્કના ૭૧ શૅર પ્લસ હતા તો સામે ૧૯૬ શૅર ઘટેલા હતા. બીએસઈ ખાતે ભાવની રીતે ૧૭૩ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચા શિખરે પહોંચ્યા હતા. બીજી તરફ ૯૩ શૅરમાં ઐતિહાસિક બૉટમ બની હતી. એન. શ્રીનિવાસન માટે ક્રિકેટ ર્બોડના અધ્યક્ષ બનવાનો માર્ગ સુપ્રીમ ર્કોટ તરફથી અવરોધાયો હોવાના પગલે ઇન્ડિયા સિમેન્ટનો શૅર નીચામાં ૯૧ રૂપિયા થઈ ૮.૭ ટકાના કડાકામાં ૯૫ રૂપિયા બંધ હતો. વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા અપગ્રેડિંગની અસરમાં ભેલ ત્રણ ટકાની તેજીમાં ૨૬૫ રૂપિયા હતો.

બજારની અંદર-બહાર

એક્સેલ ક્રૉપ સોમવારે ૧૩૪૯ રૂપિયાની ઑલટાઇમ હાઈ બાદ પ્રૉફિટ બુકિંગની ચાલમાં ગઈ કાલે નીચામાં ૧૧૭૦ રૂપિયા થઈ અંતે ૮ ટકાની નરમાઈમાં ૧૧૭૬ રૂપિયા હતો.

અમરરાજા બૅટરીઝમાં વિદેશી ફન્ડ-હાઉસ દ્વારા બાયનું રેટિંગ આવતાં શૅર ઉપરમાં ૭૯૦ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકાની મજબૂતીમાં ૭૬૫ રૂપિયા હતો.

બજાજ કૉર્પમાં શૅરદીઠ ૨૭૦ રૂપિયાના ભાવે ૧૨૦ લાખ શૅરની બલ્ક ડીલ થયાના પગલે ભાવ ૩૪૫ રૂપિયાની વર્ષની ટોચે જઈ અંતે સવા ટકાના ઘટાડામાં ૩૦૪ રૂપિયા હતો.

જેકે ટાયર્સમાં વિદેશી ફન્ડ મેરિલ લિન્ચ દ્વારા બે લાખથી વધુ શૅર સરેરાશ ૫૩૬ રૂપિયાના ભાવે લેવાયાના અહેવાલે ભાવ ૫૮૨ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બનાવી અંતે ૩.૮ ટકાની મજબૂતીમાં ૫૭૪ રૂપિયા હતો.

ભારત ઇલેક્ટ્રૉનિક્સ ચારગણા કામકાજમાં ઉપરમાં ૨૩૨૮ રૂપિયા બતાવી પ્રૉફિટ બુકિંગમાં ૨૨૫૦ રૂપિયાના તળિયે જઈ છેલ્લે દોઢ ટકાના ઘટાડામાં ૨૨૭૩

રૂપિયા હતો.

રિલાયન્સ પાવર ભારે કામકાજમાં પાંચ ટકાની ખરાબીમાં ૬૭ રૂપિયા બંધ હતો. ૧૧ જૂને શૅર ૧૧૩ રૂપિયાની મલ્ટિયર ટોચે ગયો હતો.

ડિશ ટીવી બમણા વૉલ્યુમમાં ઉપરમાં ૬૫ નજીક જઈ અંતે સવાબે ટકાના સુધારામાં ૬૩.૪૫ રૂપિયા હતો.

સેશાસાયી પેપર સોમવારે ૨૮૮ રૂપિયાની ઑલટાઇમ હાઈ બાદ નફારૂપી વેચવાલીનું પ્રેશર ચાલુ રહેતાં ગઈ કાલે નીચામાં ૨૩૧ રૂપિયા થઈ અંતે ૧૧.૪ ટકાની ખરાબીમાં ૨૩૭ રૂપિયા હતો.

એશિયન સ્ટાર કંપની ૬ શૅરના કામકાજમાં પોણાદસ ટકા ગગડીને ૧૦૬૦ રૂપિયા બંધ હતો. તાજેતરમાં પાંચમી નવેમ્બરે આ શૅર ૧૫૩૯ રૂપિયાના શિખરે ગયો હતો.

સદ્ભાવ એન્જિનિયરિંગ બમણા વૉલ્યુમમાં નીચામાં ૨૩૧ રૂપિયા અને ઉપરમાં ૨૫૮ રૂપિયા થઈ છેલ્લે પાંચ ટકાની તેજીમાં ૨૫૪ રૂપિયા હતો. ફેસ વૅલ્યુ એક રૂપિયાની છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK