સેન્સેક્સ ૨૮,૫૦૦ અને નિફ્ટી ૮૫૦૦ના શિખરે

Published: Nov 25, 2014, 05:10 IST

રિલાયન્સ ચાર આંકડે જઈ સવા ટકાના ઘટાડે ૯૮૪ રૂપિયા બંધ : ત્રણ આઇટી શૅરનો સુધારો ૧૦૦ પૉઇન્ટ બજારને ફળ્યો : માર્કેટ-બ્રેડ્થમાં નબળાઈ ચાલુ


શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

ચાઇનીઝ રેટ-કટ અને યુરો ઝોન ખાતે સ્ટિમ્યુલસનો ડોઝ મોટો થવાના સંકેતથી વૈશ્વિક શૅરબજારો હરખાયાં છે. એમાં નાણાપ્રધાન અરુણ જેટલી તરફથી આગામી બજેટ બિગ બૅન્ગ રિફૉમ્સર્‍નું હશે, લોકોની વપરાશની માગણીને પ્રોત્સાહન મળે એવી વેરાકીય જોગવાઈઓ હશે એવા સંકેતથી ઘરઆંગણે આખલાદોડ બળૂકી બની છે. સેન્સેક્સ ૧૬૫ પૉઇન્ટની મજબૂતીમાં ૨૮,૪૯૯ નજીક તથા નિફ્ટી ૫૩ પૉઇન્ટની આગેકૂચમાં ૮૫૩૦ બંધ રહ્યા છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા બજારમાં સેન્સેક્સ ઉપરમાં ૨૮,૫૪૨ તથા નિફ્ટી ૮૫૩૫ થયા હતા. આમ ગઈ કાલનો દિવસ શૅરબજાર માટે ઇન્ટ્રા-ડે અને બંધની રીતે નવી ઑલટાઇમ હાઈથી પૂરો થયો હતો. માર્કેટકૅપ ૩૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ઉમેરામાં ૯૯.૩૪ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૧૮ શૅર વધ્યા હતા. બજાજ ઑટો, ઇન્ફોસિસ, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રા-ડેમાં ૧૦૦૩ રૂપિયા થયા બાદ રાબેતા મુજબના પ્રેશરમાં ૧.૩ ટકા ઘટીને ૯૮૪ રૂપિયા રહ્યો હતો. સિપ્લા દોઢ ટકાના ઘટાડે ૬૧૮ રૂપિયા તથા ઓએનજીસી પોણા ટકા જેવી નરમાઈમાં ૩૮૧ રૂપિયા હતા. અન્યત્ર ઘટાડો નહીંવત્થી સામાન્ય હતો.

ઇન્ફોસિસ બીજી ડિસેમ્બરથી એક્સ-બોનસ

ઇન્ફોસિસ દ્વારા ૧:૧ બોનસ તથા ઇન્ટરિમ ડિવિડન્ડ માટે ત્રીજી ડિસેમ્બરની રેકૉર્ડ-ડેટ જાહેર કરવામાં આવી છે. એની અસરમાં ભાવ ૪૧૪૬ રૂપિયાના આગલા બંધ સામે ૪૨૮૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૧ ટકાની મજબૂતીમાં ૪૨૭૪ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ બમણાથી વધુનું હતું. ટીસીએસ ૧.૪ ટકા વધી ૨૬૫૨ રૂપિયા તથા વિપ્રો ૧.૨ ટકાની આગેકૂચમાં ૫૮૦ રૂપિયા નજીક હતા. આ ત્રણ શૅર થકી સેન્સેક્સને ૧૦૦ પૉઇન્ટનો લાભ થયો હતો. આઇટી સેગમેન્ટના અન્ય જાણીતા શૅરમાં ટેક મહિન્દ્ર ઉપરમાં ૨૭૦૦ રૂપિયા થઈ પ્રૉફિટ-બુકિંગમાં ૨૬૪૬ રૂપિયાની બૉટમ બનાવી પોણા ટકાની પીછેહઠમાં ૨૬૫૮ રૂપિયા હતો. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ઇન્ટ્રા-ડેમાં ૧૦૧ રૂપિયા વધી છેલ્લે ૭ ટકા કે ૯૦ રૂપિયાની મજબૂતીમાં ૧૩૮૨ રૂપિયા હતો. એચસીએલ ટેક્નો ૧.૮ ટકા, એમ્ફાસિસ દોઢ ટકો, સાક સૉફ્ટ ૧.૯ ટકા તથા એનઆઇઆઇટી ટેક્નો ૦.૭ ટકા અપ હતા. સામે ફાઇ. ટેક્નો દોઢ ટકો, હેક્સાવેર એક ટકો, થþી-આઇ ઇન્ફો પોણાત્રણ ટકા, રોલ્ટા અને માઇન્ડ ટ્રી એક-એક ટકો ડાઉન હતા. પોલારિસ નામ પૂરતો ૧૦ પૈસા વધ્યો હતો. આઇટી ઇન્ડેક્સ ૧૦માંથી છ શૅરના સુધારામાં ૧.૯ ટકા વધીને ૧૧,૧૨૫ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં ૧૧,૧૪૧ નજીક ઑલટાઇમ હાઈ બની હતી.

ચાઇનીઝ રેટથી વૈશ્વિક બજારો સુધારામાં

ચાઇનીઝ સેન્ટ્રલ બૅન્ક તરફથી લગભગ સવાબે વર્ષમાં પ્રથમ વાર ચાવીરૂપ વ્યાજદરમાં ઘટાડાની સાથે શૉર્ટ ટર્મ લિક્વિડિટી વધારવાના પગલાથી વૈશ્વિક શૅરબજાર ગઈ કાલે મૂડમાં જોવા મળ્યાં હતાં. હૉન્ગકૉન્ગનો હેન્ગસેન્ગ ૪૫૬ પૉઇન્ટ કે ૧.૬ ટકાથી વધુના ઉછાળે ૨૩,૮૯૮ બંધ હતો. સાઉથ કોરિયા તથા થાઇલૅન્ડ ૦.૭ ટકા, ઇન્ડોનેશિયન માર્કેટ ૦.૬ ટકા તેમ જ તાઇવાનીઝ ટ્વેસી ૦.૩ ટકા ઊંચકાયા હતા. એશિયા ખાતે સિંગાપોર ૦.૧ ટકા નરમ હતું. નિક્કી ઇન્ડેક્સ ૫૬ પૉઇન્ટના સુધારામાં ૧૭,૩૫૭ હતો. યુરોપ પૉઝિટિવ બાયસમાં સાધારણથી એક ટકાની નજીક ઉપર દેખાતું હતું. પાકિસ્તાનનો કરાચી ઇન્ડેક્સ ગઈ કાલે ૧૭૮ પૉઇન્ટના ઘટાડે ૩૧,૩૧૭ જેવો હતો. શ્રીલંકન માર્કેટ સવાબે ટકા અને વિયેતનામ એક ટકો ડાઉન હતાં. મલેશિયન શૅરબજાર ૧.૪ ટકા પ્લસ હતું.

અદાણી પાવરમાં ત્રણ ટકાની તેજી

અદાણી પાવરે અવંતા પાવરની સબસિડિયરી કંપની અવંતા ગ્રુપના કોબ્રા વેસ્ટ પાવર પ્રોજેક્ટને ખરીદવાની યોજના બનાવી છે. આ અહેવાલ અદાણી પાવરના શૅરને ફળ્યો હતો. દસ રૂપિયાની ફેસવૅલ્યુવાળો આ શૅર ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ત્રણ ટકા નજીકની તેજીમાં ૪૬.૯૦ રૂપિયાની ટોચે ગયા બાદ અંતે ૨.૬૫ ટકાની મજબૂતીમાં ૪૬.૫૫ રૂપિયા બંધ જોવાયો હતો. વૉલ્યુમ સાડાઆઠ લાખ શૅરનાં હતાં. અદાણી પાવરે આ કોબ્રા પ્રોજેક્ટ ૪૨૦૦ કરોડ રૂપિયામાં ખરીદવાનું નક્કી કર્યું છે. અદાણી ગ્રુપના અન્ય શૅર પર નજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઇસિસ ઉપરમાં ૪૮૯ રૂપિયા થયા બાદ છેવટે એક ટકા નજીકની તેજીમાં ૪૮૧.૭૫ રૂપિયા બંધ હતો તો અદાણી ર્પોટ્સ ૧.૧૯ ટકા વધીને ૩૦૬.૦૫ રૂપિયા હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૯ ટકા ગગડીને ૯૮૪.૬૦ રૂપિયા બંધ હતો, જે સેન્સેક્સમાં ખરાબીમાં બીજા નંબરે હતો. રિલાયન્સથી બજારને સૌથી વધુ ૨૬ પૉઇન્ટનું નુકસાન થયું હતું. રિલાયન્સ પાવર પણ ૦.૭૦ ટકા ગગડીને ૭૦.૫૫ રૂપિયા હતો.

પાવર શૅરમાં મિશ્ર વલણ


ગઈ કાલે પાવર શૅરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું સેન્સેક્સની ૦.૫૮ ટકાની તેજી સામે લગભગ એટલા જ એટલે કે ૦.૬૦ ટકાના સુધારામાં પાવર ઇન્ડેક્સના ૧૮માંથી ૧૧ શૅર ઊંચકાયા હતા. સેન્સેક્સ ખાતે સૌથી વધુ તેજી તાતા પાવરમાં હતી. તાતા પાવર ૪.૧૪ ટકાની તેજીમાં ૯૧.૭૫ રૂપિયા બંધ હતો. એનાથી બજારને ૮ પૉઇન્ટ મળ્યા હતા. જેએસડબ્લ્યુ ૭.૧૮ ટકાની જોરદાર મજબૂતીમાં ૮૮.૧૦ રૂપિયા બંધ હતો. ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૪.૩૭ ટકા વધીને ૨૦૪.૨૦ રૂપિયા, સીમેન્સ ૩.૩૦ ટકાની તેજીમાં ૯૩૫.૨૦ રૂપિયા, ભેલ ૧.૯૨ ટકાની પકડમાં ૨૫૭.૬૦ રૂપિયા, એબીબી ૧.૫૮ ટકા સુધરીને ૧૧૧૬.૮૦ રૂપિયા, જેપી પાવર ૧.૩૭ ટકાના વધારામાં ૧૪.૦૯ રૂપિયા બંધ રહ્યા હતા. સીઈએસસી સવા ટકો અને થર્મેક્સ અડધો ટકો મજબૂત હતા. એનટીપીસી ૦.૧૧ ટકા વધ્યો હતો. બીજી તરફ પાવર ગ્રિડ ૨.૯૦ ટકા, ટૉરન્ટ પાવર ૧.૫૯ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૦.૯૫ ટકા, રિલાયન્સ પાવર ૦.૭૦ ટકા, પીટીસી ૦.૬૪ ટકા, જીએમ ઇન્ફ્રા ૦.૫૦ ટકા અને એનએચપીસી ૦.૪૯ ટકા ખરડાયા હતા.

મેટલમાં ચાઇનાના સ્ટિમ્યુલસથી રણકો


વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઇકૉનૉમી ચાઇના દ્વારા એની નબળી પડી રહેલી ઇકૉનૉમીને ટેકો આપવા માટે સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત રેટ-કટના ચાઇનીઝ સરકારના નર્ણિયથી ઘરઆંગણે ગઈ કાલે મેટલ શૅરોમાં રણકો જોવા મળ્યો હતો. મેટલ ઇન્ડેક્સ ૧.૬૪ ટકા એટલે કે ૧૮૩ પૉઇન્ટ ઊંચકાયો હતો. એના ૧૦માંથી સાત શૅર વધ્યા હતા, બે શૅર ઘટયા હતા અને એકમાત્ર ભૂષણ સ્ટીલ જૈસે-થે હતો. જે બે શૅર ગગડ્યા હતા એમાં સેસા સ્ટરલાઇટ ૦.૫૧ ટકા ઘટીને ૨૩૫.૮૫ રૂપિયા અને એનએમડીસી ૦.૨૪ ટકા ઘટીને ૧૪૫.૭૦ રૂપિયા બંધ રહ્યા હતા. જિંદલ સ્ટીલ ૪.૩૦ ટકા વધીને ૧૪૯.૫૦ રૂપિયાનો બંધ આપીને તેજીમાં મોખરે હતો. સેઇલ ૩.૯૩ ટકા ઊંચકાઈને ૮૭.૨૦ રૂપિયા, હિન્દાલ્કો ૩.૩૭ ટકાની મજબૂતીમાં ૧૬૫.૫૫ રૂપિયા અને તાતા સ્ટીલ ત્રણ ટકાના વધારે ૪૭૬.૬૦ રૂપિયા બંધ જોવા મળ્યા હતા. તાતા સ્ટીલથી બજારને ૧૧ પૉઇન્ટ અને હિન્દાલ્કોથી ૮ પૉઇન્ટનો લાભ થયો હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૨.૯૯ ટકા વધીને ૧૬૮.૯૫ રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ પોણાત્રણ ટકાની તેજીમાં ૧૨૨૧.૭૦ રૂપિયા અને કોલ ઇન્ડિયા ૦.૦૯ ટકા કે ૩૦ પૈસાના સામાન્ય સુધારામાં ૩૪૭.૪૦ રૂપિયા બંધ રહ્યા હતા.

માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ

બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઑલટાઇમ હાઈના સિલસિલા વચ્ચે માર્કેટ-બ્રેડ્થ લગભગ નેગેટિવ ઝોનમાં દેખાતી આવી છે. ગઈ કાલે પણ આવા ટ્રેન્ડમાં ૧૩૨૫ શૅર વધેલા હતા, ૧૭૫૨ જાતો નરમ હતી. એ-ગ્રુપના લગભગ ૫૦ ટકા, બી-ગ્રુપના ૬૧ ટકા તથા ટી-ગ્રુપના ૫૩ ટકા શૅર ઘટીને બંધ હતા. ૨૭૮ કાઉન્ટર તેજીની સર્કિટે તો ૩૧૨ શૅર નીચલી સર્કિટે બંધ હતા. ભાવની રીતે બીએસઈ ખાતે ૨૨૦ સ્ક્રિપ્સ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે ઊંચા શિખરે પહોંચી હતી. સામે ૭૧ શૅરમાં ઐતિહાસિક બૉટમ દેખાયું હતું. સેન્સેક્સ ઉપરાંત બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦, બીએસઈ-૫૦૦, કાર્બોનેક્સ, ઇન્ફ્રા ઇન્ડેક્સ, બીએસઈ એસએમઈ-આઇપીઓ, બૅન્કેક્સ, આઇટી અને ટેક્નૉલૉજી જેવા બેન્ચમાર્ક ઑલટાઇમ હાઈ થયા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ નામ પૂરતો વધ્યો હતો તો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ નજીવો નરમ હતો. બજારના ૨૪માંથી ૨૦ ઇન્ડાઇસિસ વધ્યા હતા. આઇટી, મેટલ, રિયલ્ટી, બૅન્કેક્સ ઇન્ડેક્સ ૧.૨થી ૧.૯ ટકાની રેન્જમાં ઊંચકાયા હતા. પોણા ટકાની નરમાઈમાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ટૉપ લૂઝર હતો. ઝુઆરી ગ્લોબલ ૧૩ ટકા, એરિસ ઍગ્રો પાંચ ટકા અને ચંબલ ફર્ટિલાઇઝરના અડધા ટકાના સુધારાને બાદ કરતાં ખાતર ઉદ્યોગના બાકીના ૧૫ શૅર ડાઉન હતા. ફાર્મા સેક્ટરમાં બાવન શૅર વધ્યા હતા, સામે ૯૯ જાતો ઘટેલી હતી. શુગર શૅર માઇનસમાં હતા. પાવર શૅરમાં અમર સિંહની એનર્જી ડેવલપમેન્ટ કંપની ૨૦ ટકાની ઉપલી સર્કિટે બંધ હતી. સેન્સેક્સ ખાતે તાતા પાવર ૪.૧ ટકાના ઉછાળે ૯૨ રૂપિયા નજીક હતો.

બજારની અંદર-બહાર

ઑસ્કર ઇન્વેસ્ટમેન્ટ રોજના સરેરાશ ૩૧૭ શૅર સામે ગઈ કાલે આઠ લાખ શૅરથી વધુના કામકાજમાં ઉપરમાં ૨૭૦ રૂપિયા થઈ છેલ્લે ૦.૭ ટકા ઘટી ૨૫૭ રૂપિયા હતો.

એક્સેલ ક્રૉપકૅર ૨૧ ગણા કામકાજમાં ૧૩૫૦ રૂપિયા નજીક ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે ૮.૨ ટકાના ઉછાળે ૧૨૭૮ રૂપિયા હતો. ફેસવૅલ્યુ ૮.૨ ટકાના ઉછાળે ૧૨૭૮ રૂપિયા હતો. ફેસવૅલ્યુ પાંચ રૂપિયા છે. વર્ષ પૂર્વે ભાવ ૩૦૨ રૂપિયાના તળિયે હતો.

એનઆરબી બેરિંગ્સ છગણા કામકાજમાં ઉપરમાં ૧૩૫ રૂપિયા થઈ છેલ્લે પ.પ ટકાની નરમાઈમાં ૧૨૭ રૂપિયા હતો.

સિપ્લેક્સ ઇન્ફ્રા ૨૦ ગણા વૉલ્યુમમાં ૩૯૯ રૂપિયાની વિક્રમી સપાટી બનાવી અંતે આઠ ટકાની તેજીમાં ૩૮૩ રૂપિયા હતો. વર્ષ પૂર્વે ૭૦ રૂપિયાની નીચે હતો. ફેસવૅલ્યુ બે રૂપિયા છે.

પરબ ઇન્ફ્રા સવાનવસો શૅરના કામકાજમાં ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૬ રૂપિયાના વર્ષના તળિયે બંધ હતો. ૧૩ ઑગસ્ટના રોજ ભાવ ૩૫૧ રૂપિયાની વિક્રમી સપાટીએ અહીં દેખાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK