બૅન્કિંગના જોરમાં શૅરબજાર નવી વિક્રમી સપાટીએ

Published: 22nd November, 2014 08:12 IST

પ્રૉફિટ-બુકિંગમાં ઇન્ફોસિસ ૧.૮ ટકા નરમ : બજાજ ઑટો ૨૭૦૦ રૂપિયા ભણી


શૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ

વિશ્વબજારોના સુધારાની સાથે ઘરઆંગણે બૅન્કિંગ શૅરના જોરમાં શૅરબજાર ગઈ કાલે નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૮,૩૬૧ નજીક જઈ ૨૬૭ પૉઇન્ટની પકડમાં ૨૮,૩૩૫ નજીક તથા નિફ્ટી ૮૪૯૦ નજીકની નવી ટોચે જઈ ૭૫ પૉઇન્ટના જમ્પમાં ૮૪૭૭ બંધ રહ્યા છે. ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શૅર તથા બજારના ૨૪માંથી ૧૯ બેન્ચમાર્ક વધીને બંધ હતા. પ્રૉફિટ-બુકિંગમાં ઇન્ફોસિસ ૧.૮ ટકા ગગડી ૪૧૪૬ રૂપિયા હતો. તાતા પાવર દોઢ ટકો અને સન ફાર્મા એક ટકો નરમ હતા. ભેલ ૩ ટકાની તેજીમાં ૨૫૩ રૂપિયા બંધ આપી મોખરે હતો. હિન્દાલ્કો ૨.૬ ટકા, લાર્સન ૧.૪ ટકા, સિપ્લા ૧.૪ ટકા, આઇટીસી ૧.૩ ટકા અપ હતા. બજાજ ઑટો ૨૩૮૬ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી ૧૬ રૂપિયાના સુધારામાં ૨૬૭૫ રૂપિયા હતો. અન્ય ઑટો શૅરમાં તાતા મોટર, મહિન્દ્ર, હીરો ર્મોટોકોપ એક ટકાની આસપાસ તથા મારુતિ સુઝુકી સાધારણ પ્લસ હતા. ટેક મહિન્દ્ર ૨૭૪૧ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ જઈ એક ટકાના ઘટાડામાં ૨૬૭૭ રૂપિયા રહ્યો હતો. માર્કેટ-બ્રેડ્થ નબળી હતી. ૧૩૭૫ શૅર વધ્યા હતા, સામે ૧૬૩૫ જાતો નરમ હતી. એ, બી તથા ટી ગ્રુપમાંથી ક્યાંય પણ વધેલા શૅરનું પ્રમાણ ૫૦ ટકા કે એનાથી વધુનું નહોતું. મતલબ કે ગઈ કાલનો ઉછાળો બહુધા કેટલાક હેવીવેઇટ્સના નોંધપાત્ર વધારાને આભારી હતો. બ્રૉડર માર્કેટ નેગેટિવ બાયસમાં હતું. ૨૯૬ શૅર ઉપલી સર્કિટે તો ૨૬૯ શૅર મંદીની સર્કિટમાં બંધ હતા.

ચીનમાં વ્યાજદરમાં ઘટાડો

ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા એક વર્ષ માટેની થાપણનો દર ૦.૨૫ ટકા ઘટાડીને ૨.૭૫ ટકા તથા એક વર્ષ માટેના ધિરાણનો દર ૦.૪ ટકા ઘટાડીને ૫.૬ ટકા કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બૅન્ક દ્વારા ચાવીરૂપ દરમાં ઘટાડો જુલાઈ ૨૦૧૨ પછીની પ્રથમ ઘટના છે. વધુમાં સ્લોડાઉનને ખાળવા અર્થતંત્રમાં લિક્વિડિટી વધારવાના પ્રયાસ તરીકે ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક તરફથી ૮૧૭ કરોડ ડૉલર એટલે કે ૫૦ અબજ યુઆનની શૉર્ટ ટર્મ ફન્ડિંગ ફૅસિલિટી જાહેર કરવામાં આવી છે. રેટ-કટની જાહેરાત એશિયન બજારો બંધ થયા પછી થઈ હતી, પરંતુ આવું થશે એવી ધારણા સાવર્‍ત્રિક ફરતી થઈ હતી. એને લીધે ગઈ કાલે તમામ અગ્રણી વિશ્વબજારો સારાએવા સુધારામાં હતાં. ચાઇનીઝ માર્કેટ ૧.૪ ટકાની તેજીમાં એશિયા ખાતે મોખરે હતું તો ઇન્ફ્લેશન વધારી મંદીને ભગાવવાના નવા પ્રયાસ પર યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના ખાસ ફોકસથી જર્મન ડેક્સ, ફ્રાન્સ સીએસી-૪૦ અને લંડન ફુત્સી જેવા આંક એકથી બે ટકા ઉપર દેખાતા હતા.

ફ્યુચરને નીલગિરિનું ટેકઓવર ફળ્યું

કેરળ, કર્ણાટક, આંધ્ર તથા તામિલનાડુ ખાતે મહત્વનાં તમામ શહેરોમાં ૧૪૦ જેટલા રીટેલ સ્ર્ટોસ ધરાવતી નીલગિરિને ફ્યુચર કન્ઝ્યુમર એન્ટરપ્રાઇસિસ દ્વારા ટેકઓવર કરાઈ છે. ડીલની વૅલ્યુની વિગત હજી જાહેર કરાઈ નથી, પરંતુ આ સમાચારને પગલે છ રૂપિયાની ફેસવૅલ્યુવાળો ફ્યુચરનો શૅર દસ ટકાની ઉપલી સર્કિટે જઈ છેલ્લે ૭.૬ ટકાની મજબૂતીમાં ૧૧.૧૮ રૂપિયા બંધ હતો. અન્ય રીટેલ શૅરમાં કોન્ટાબીલ રીટેલ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૨ રૂપિયાની એપ્રિલ ૨૦૧૧ પછીની ટોચે રહ્યો હતો. વી-માર્ટ રીટેલ ૧.૬ ટકા વધીને ૫૪૫ રૂપિયા, ફ્યુચર રીટેલ ૧.૪ ટકા વધી ૯૪ રૂપિયા, શૉપર્સ સ્ટૉપ પોણો ટકો વધીને ૪૯૪ રૂપિયા તથા કેવલ કિરણ ક્લોધિંગ્સ પાંચ ટકાથી વધુના જમ્પમાં ૧૮૭૫ રૂપિયાની નવી ટોચે બંધ હતો. ટ્રેન્ટ પોણાબે ટકાના ઘટાડે ૧૫૧૩ રૂપિયા, ફ્યુચર લાઇફ ૧.૮ ટકા ઘટી ૮૩ રૂપિયા તથા પૅન્ટૅલૂન્સ ફૅશન્સ નજીવી નરમાઈમાં ૧૧૯ રૂપિયા રહ્યા હતા.

આઇસીઆઇસીઆઇ ઑલટાઇમ હાઈ

આઇસીઆઇસીઆઇ બૅન્ક દ્વારા ૧૦ રૂપિયાના શૅરના એક રૂપિયામાં વિભાજન માટેની રેકૉર્ડ-ડેટ પાંચ ડિસેમ્બર જાહેર કરાઈ છે. ગઈ કાલે આ શૅર ૧૭૪૨ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી ૨.૭ ટકાના સુધારામાં ૧૭૩૪ રૂપિયા બંધ હતો. એચડીએફસી બૅન્ક ૧.૬ ટકા વધીને ૯૩૫ રૂપિયા, એસબીઆઇ ૨.૭ ટકાની તેજીમાં ૩૦૫ રૂપિયા તથા ઍક્સિસ બૅન્ક ૨.૨ ટકાની આગેકૂચમાં ૪૭૭ રૂપિયા બંધ હતા. આ ચાર શૅરને કારણે સેન્સેક્સને કુલ મળીને ૧૪૮ પૉઇન્ટનો લાભ થયો હતો. તાજેતરની મજબૂતી થકી એસબીઆઇ ૨.૨૭ લાખ કરોડ રૂપિયાના માર્કેટકૅપ સાથે બૅન્કિંગ સેક્ટરની નંબર વન કંપની બની ગઈ છે. એચડીએફસી બૅન્ક ૨.૨૫ લાખ કરોડ રૂપિયાના માર્કેટકૅપ સાથે બીજા ક્રમે હડસેલાઈ છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક બે લાખ કરોડ રૂપિયાના માર્કેટકૅપમાં નંબર થ્રી છે. આઇએનજી વૈશ્ય બૅન્કના ટેકઓવરની સત્તાવાર જાહેરાત પછી કોટક મહિન્દ્ર બૅન્ક ૧૨૬૧ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૭ ટકાના ઉછાળે ૧૨૦૦ રૂપિયા નજીક રહ્યો હતો. આઇએનજી વૈશ્ય બૅન્ક અઢી રૂપિયા ઘટી ૮૧૭ રૂપિયા નજીક હતો. ફેડરલ બૅન્ક ૧૪૯ રૂપિયાના નવા શિખરે જઈ ૪ ટકાના ઉછાળે ૧૪૭ રૂપિયા, સિટી યુનિયન બૅન્ક ૯૪.૪૫ રૂપિયાની વિક્રમી સપાટી નોંધાવી ૩.૩ ટકાની આગેકૂચમાં ૯૩.૬૫ રૂપિયા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૫.૫ ટકાના જમ્પમાં ૨૮ રૂપિયા, કર્ણાટક બૅન્ક પાંચ ટકાની તેજીમાં ૧૪૩ રૂપિયા તથા યસ બૅન્ક ૪ ટકા વધીને ૭૦૩ રૂપિયા બંધ હતા. સ્ટાન્ચાર્ટના ૪૦ પૈસાના ઘટાડાને બાદ કરતાં પ્રાઇવેટ ક્ષેત્રના બાકીના ૧૬ શૅર ગઈ કાલે વધીને બંધ હતા.

બૅન્ક નિફ્ટી, બૅન્કેક્સ વિક્રમી સપાટીએ

બૅન્ક નિફ્ટી ૧૮,૧૩૯ની ઑલટાઇમ હાઈ બનાવી ૪૧૧ પૉઇન્ટ કે ૨.૩ ટકાની મજબૂતીમાં ૧૮,૦૫૬ તથા બૅન્કેક્સ ૨૦,૭૭૭ની વિક્રમી સપાટી નોંધાવી ૫૧૭ પૉઇન્ટ કે ૨.૬ ટકાના ઉછાળે ૨૦,૭૨૨ બંધ હતા. બન્ને ઇન્ડાઇસિસના બારેબાર શૅર વધીને આવ્યા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાંના ૪૧માંથી ૩૧ શૅર વધ્યા હતા, આઠ જાતો નરમ હતી. ઇન્ડિયન બૅન્ક તથા બૅન્ક ઑફ મહારાટ્ર જૈસે-થે હતા. કૉર્પોરેશન બૅન્ક ૨.૪ ટકાના ઘટાડે ૩૧૯ રૂપિયા, પંજાબ સિંધ બૅન્ક ૧.૮ ટકા ઘટી ૬૫ રૂપિયાની નીચે તથા સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોર દોઢ ટકાની નરમાઈમાં ૪૯૪ રૂપિયાના બંધમાં ઘટેલા બૅન્ક-શૅરમાં મોખરે હતા. આઇએનજી વૈશ્ય બૅન્કના ટેકઓવરના પગલે બૅન્કિંગ ક્ષેત્રે આગામી સમયમાં કૉન્સોલિડેશન ફૅશનમાં આવશે. કેટલાંક વધુ મર્જર અને ટેકઓવર જોવા મળશે. ખાસ કરીને નાની બૅન્કોના શૅરમાં આના કારણે વધુ આકર્ષણ જામશે. સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, કર્ણાટક બૅન્ક, ફેડરલ બૅન્ક જેવાં કાઉન્ટરો ગઈ કાલે ખાસ ઝળક્યાં હતાં.

રિલાયન્સ વધ્યો, ચાર આંકડે ન થયો

હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે પોણાબે ટકા જેવા નોંધપાત્ર સુધારામાં ૯૯૭ રૂપિયા ઉપર બંધ હતો. ઇન્ટ્રા-ડેમાં આ કાઉન્ટર ચાર આંકડાથી ૧૦૦૦ રૂપિયાના ફિગરથી માત્ર ૧૦ પૈસા દૂર રહી ગયું હતું. અન્ય ગ્રુપકંપની રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ઉપરમાં ૫૪૨ રૂપિયા થઈ છેલ્લે એક ટકાની નજીકના સુધારામાં ૫૩૦ રૂપિયા હતો. અનિલ ગ્રુપના શૅર નરમ હતા. રિલાયન્સ પાવર ૧.૩ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા અડધો ટકો તથા આરકૉમ અડધા ટકાથી વધુ ડાઉન હતા. માત્ર રિલાયન્સ કૅપિટલ નજીવો વધીને ૫૦૨ રૂપિયા હતો. આવી જ હાલત અદાણી ગ્રુપમાં હતી. અદાણી પાવર સવા ટકો અને અદાણી એન્ટરપ્રાઇસિસ ૦.૨ ટકા ઘટયા હતા. અદાણી ર્પોટ્સ પોણો ટકો વધીને ૩૦૨ રૂપિયા બંધ હતો. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેમાં ૧૮.૫ ટકા હિસ્સો ધરાવે છે એ આઇએમ લિમિટેડ સવાત્રણ ટકા વધી ૧૦૮ રૂપિયા બંધ હતી. હોટેલ સેગમેન્ટમાં ૪૮ શૅરમાંથી ૧૯ શૅર વધેલા હતા. એશિયન હોટેલ વેસ્ટ ૧૧ ટકાના સર્વાધિક ઉછાળામાં ૧૨૪ રૂપિયા તથા સવેરા ઇન્ડ. છ ટકા વધી ૪૮ રૂપિયા બંધ હતા. સામે કામત હોટેલ્સ સવાદસ ટકાના કડાકામાં ૭૯ રૂપિયા નીચે બંધ હતો.

બજારની અંદર-બહાર

પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ૨૧ ગણા કામકાજમાં ૪૪૩ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બતાવી છેલ્લે ૪ ટકાની તેજીમાં ૪૪૧ રૂપિયા બંધ હતો. ફેસવૅલ્યુ એક રૂપિયાની છે.

ટીવી-૧૮ બ્રૉડકાસ્ટ ૫૬ લાખ શૅરથી વધુના વૉલ્યુમમાં સાડાપાંચ ટકા જેવી મજબૂતીમાં ૩૧ રૂપિયા બંધ હતો.

એમસીએક્સ પાંચગણા વૉલ્યુમમાં ૯૨૩ રૂપિયાની સવા વર્ષની ટોચે જઈ અઢી ટકાના સુધારામાં ૮૯૧ રૂપિયા રહ્યો હતો.

જીએસપીએલ ૧૦૬ રૂપિયા નજીક ઑક્ટોબર ૨૦૧૧ પછીની ટોચે જઈ છેલ્લે અડધા ટકાના સુધારામાં ૧૦૪ રૂપિયા જેવો બંધ હતો.

નર્લિોન ૧૮૧ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી પાંચ ટકાની તેજીમાં સર્કિટે ૧૮૦ રૂપિયા રહ્યો હતો. ૨૮ માર્ચ ૨૦૦૨માં આ શૅર એક રૂપિયાના ઑલટાઇમ તળિયે હતો.

એસ્સાર ઑઇલ તેજીની બજારમાં પણ નીચામાં ૯૮ રૂપિયા થઈ છેલ્લે સાડાસાત ટકાની ખરાબીમાં ૧૦૦ રૂપિયા બંધ હતો. કામકાજ છગણાં હતાં.

બજાજ ઇલેક્ટિÿક્લ્સ નરમાઈની હૅટ-ટ્રિકમાં ૨૧૪ રૂપિયાની નીચી સપાટીએ જઈ છ ટકાના ગાબડામાં ૨૧૬ રૂપિયા હતો.

ટેક્સમાકો રેલ ત્રણગણા કામકાજમાં ઉપરમાં ૧૨૭ રૂપિયા થઈ અંતે ૪.૫ ટકાની મજબૂતીમાં ૧૨૨ રૂપિયા હતો.

અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સમાં બીએનપી પારિબાસ ફન્ડ દ્વારા ૭.૭૮ લાખ શૅરની ખરીદી શૅરદીઠ ૧૬૬ રૂપિયાના ભાવે થતાં ભાવ ઉપરમાં ૧૮૯ રૂપિયા થઈ છેલ્લે ૪ ટકા વધી ૧૮૨ રૂપિયા હતો.

ફન્ડ-મૅનેજરો નવેમ્બરમાં ઇક્વિટી નેટ સેલર રહ્યા

ભારતના ઇક્વિટી ફન્ડ-મૅનેજરો આ મહિનામાં ૧૯ તારીખ સુધી નેટ સેલર રહ્યા છે. તેમણે ૬૭૪ કરોડ રૂપિયાના મૂલ્યના શૅરનું નેટ વેચાણ કર્યું છે. પ્રથમ ૧૧ ટ્રેડિંગ-સત્રોમાં તેમણે ફક્ત ત્રણ દિવસ નેટ ખરીદી કરી હતી. બાકીનાં બધાં સત્રોમાં તેમણે હોલ્ડિંગનું વેચાણ કર્યું છે.

બજાર વધી રહ્યું છે એવા સમયે નફો અંકે કરવાના ઉદ્દેશથી મૅનેજરોએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. આમ તેઓ ઘટાડે ખરીદી અને વૃદ્ધિ થાય ત્યારે પ્રૉફિટ-બુકિંગ કરી રહ્યા છે.

મેથી ઑક્ટોબર સુધીના સમયગાળામાં ફન્ડ-મૅનેજરોએ આશરે ૨૫,૬૦૦ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી.

જાણકારો કહે છે કે હાલ રિડમ્પશનના પ્રેશરને કારણે નહીં, પણ નફો લઈ લેવા માટેની વ્યૂહાત્મક ચાલના ભાગરૂપે ફન્ડ-મૅનેજરો નેટ સેલર રહ્યા હોય એવું જણાય છે. તેમણે ફાર્માસ્યુટિકલ્સ, ઑટોમોબાઇલ અને

અમુક ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીઓના શૅર વેચ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK