બટાટાની તેજીને બ્રેક લાગશે : ઉત્તર પ્રદેશ અને પંજાબમાં નવા બટાટાની આવકો શરૂ

Published: 21st November, 2014 05:27 IST

બટાટાની લાલચોળ તેજીને હવે બ્રેક લાગે એવી સંભાવના છે. ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં નવા બટાટાની આવકો ચાલુ થઈ જતાં આગામી દિવસોમાં ભાવ ઘટે એવી પણ સંભાવના છે.કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

 દેશમાં બટાટાના ભાવ વધીને ખુલ્લા બજારમાં કિલોના ૩૫થી ૪૦ રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બટાટાના વેપારીઓનું કહેવું છે કે હવે આ ભાવથી વધુ તેજીની સંભાવના નથી. ઉત્તર પ્રદેશ અને પંજાબના બટાટાની આવકો થોડી-થોડી શરૂ થઈ ગઈ છે, પરંતુ ભાવમાં ઘટાડો થતાં હજી પંદરેક દિવસ લાગી શકે છે. પશ્ચિમ બંગાળના પોખરાજ ક્વૉલિટીના બટાટાની આવકો શરૂ થશે ત્યાર બાદ ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થશે.


પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટોરેજ અસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચાલુ વર્ષે પંજાબ અને ઉત્તર પ્રદેશના બટાટાની આવકો મોડી હોવાથી ભાવમાં ઉછાળો આવ્યો હતો. હવે આવકો શરૂ થતાં રાહત મળી શકે છે.’
દેશના પાટનગર દિલ્હીમાં સામાન્ય રીતે નવેમ્બરના બીજા સપ્તાહથી જ પુષ્કળ આવકો શરૂ થઈ જતી હોય છે જે ચાલુ વર્ષે થઈ નથી. આવી જ સ્થિતિ દેશના અન્ય વિસ્તારોમાં પણ લાગુ પડે છે. નવેમ્બરના અંતમાં આવકોમાં વધારો થશે અને ભાવ ઘટવા લાગે એવી ધારણા છે.


દેશમાં ગઈ સીઝનમાં બટાટાનું ઉત્પાદન ૪૪૦.૩૦ લાખ ટન થયું હતું, જે અગાઉના વર્ષે ૪૫૩.૪૦ લાખ ટન થયું હતું. ઉત્પાદન ઓછું થવાની સાથે નવી ખરીફ સીઝન પણ એક મહિનો લેટ થઈ હોવાથી ભાવ ઊછળ્યા હતા. દેશ માટે બેન્ચમાર્ક એવા આગરામાં બટાટાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૯૮૦ રૂપિયા ચાલે છે, જે ગયા વર્ષે ૧૩૭૦ રૂપિયા હતા. વેપારીઓ કહે છે કે પશ્ચિમ બંગાળના બટાટાની આવકો ડિસેમ્બરથી શરૂ થશે એને પરિણામે એ પહેલાં ભાવમાં ઘટાડો થાય એવું લાગતું નથી, પરંતુ વધારો અટકી જશે. ચાલુ વર્ષે વાવેતર ૧૦ ટકા વધ્યું છે, પરંતુ મોટા ભાગના બટાટા વેફર ક્વૉલિટીના વધારે થયા છે એને પરિણામે ગ્રાહકોને એનો ફાયદો ઓછો થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK