વેપારયુદ્ધ-ચીનના ધીમા વિકાસને લીધે ભારત પણ મુશ્કેલીમાં

Published: Jul 22, 2019, 09:16 IST | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

અર્થતંત્રની જટિલ સમસ્યાઓનું સરળ નિરાકરણ છે નીચી કિંમતો

અમેરિકા અને ચીનનું વેપારયુદ્ધ ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, બંગલા દેશ અને વિયેતનામ જેવા દેશોને ફાયદો કરાવી શકે એ બધી ગણતરીઓ ખોટી પુરવાર થઈ રહી છે. મધ્યમ કે લાંબા ગાળામાં આ યુદ્ધ કેવું ઉગ્ર બને છે અને એનાથી ભારતને કેટલો ફાયદો થશે એ તો આવનાર સમય જ કહી શકશે. 

અમેરિકા અને ચીન દ્વિપક્ષીય વેપાર અંગેની વાટાઘાટો શરૂ કરશે અને ભવિષ્યમાં આકરાં પગલાં લેવાથી દૂર રહેશે એવા સમાચાર વચ્ચે ટૂંકા ગાળામાં તો અમેરિકાનો હાથ ઉપર રહ્યો હોવાના સંકેત મળે છે. અમેરિકાએ મે મહિનામાં ચીનથી થતી આયાતો પરની ટૅરિફ વધારી એ પછી ચીન (જે આર્થિક સુપરપાવર બનવા થનગની રહ્યું છે)ની માઠી દશા બેઠી છે. ભારતને પણ આ લડાઈમાં ખમવું પડ્યું છે અને નજીકના ભવિષ્યમાં આપણું અર્થતંત્ર નબળું પડે એ ભણી આંગળી ચીંધે છે.

ચીનનો આર્થિક વિકાસનો દર જાન્યુઆરી-માર્ચના ૬.૪ ટકામાંથી ઘટીને એપ્રિલ-જૂન ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ૬.૨ ટકાનો થયો છે જે છેલ્લાં ૨૭ વરસનો (૧૯૯૨ના પ્રથમ ક્વૉર્ટર પછીનો) સૌથી નીચો છે. આ માટેનું મુખ્ય કારણ માગ (આંતરિક અને નિકાસ માટે)નો ઘટાડો છે. ચીનનું અર્થતંત્ર ૨૦૨૦ના મધ્યમાં સ્થિર બને એ પહેલાં વધુ ધીમું પણ પડી શકે.

વિદેશવેપારના ભાગીદાર દેશો અને વિશ્વનું નાણાકીય બજાર વિશ્વના બીજા નંબરના અર્થતંત્ર ચીનના આર્થિક વિકાસના દરની ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યા છે, કારણ કે ચીન- અમેરિકાનું વેપારયુદ્ધ લાંબું ચાલે અને ઉગ્ર બને તો સમગ્ર વિશ્વ પર મંદીના ઓળા પણ ઊતરી શકે. અલબત્ત, ભારત માટે પણ એમાંથી બચવું મુશ્કેલ બને.

બૅન્કોની લિક્વિડિટી (રોકડ)ની પરિસ્થિતિ સુધારવા અને એ દ્વારા આંતરિક માગણી વધારવા માટે બૅન્કો જરૂરીધિરાણ કરી શકે એ માટે ચીને ૨૦૧૮ની શરૂઆતથી જ રિઝર્વ રીક્વાયર્નમેન્ટ રશિયો (આરઆરઆર) છ વાર ઘટાડ્યો છે. આ વરસના અંત પહેલાં આરઆરઆરમાં બીજા બે ઘટાડાની આગાહી નિષ્ણાતો કરે છે.

જૂન મહિનામાં ચીનની આયાતો અને નિકાસો બન્નેમાં ઘટાડો થવા છતાંજાન્યુઆરી-જૂન ૨૦૧૯માં ચોખ્ખી નિકાસો (નિકાસ માઇનસ આયાત)નો ચીનના જીડીપીમાં ૨૧ ટકા જેટલો ફાળો હતો. એનું કારણ ટૅરિફના વધારાના અમલ પહેલાં અને એનાથી બચવા નિકાસકારોએ આક્રમક રીતે નિકાસો કરી જ્યારે આંતરિક માગણી ઘટવાને કારણે આયાતોમાં ઘટાડો થયો.

આ સંદર્ભમાં જૂન મહિનામાં ભારતના વિદેશવેપારનો દેખાવ નબળો રહ્યો છે. નિકાસોમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો છે જે છેલ્લા નવ મહિનાનો પહેલો ઘટાડો છે. ખાસ કરીને આયાતો (ક્રૂડ ઑઇલ, કીમતી હીરા અને મશીનરી)ના લગભગ નવ ટકાના ઘટાડાઈ આપણને ઊંચી ટ્રેડ ડેફિસિટના ટ્રેપમાંથી બચાવી લીધા છે. એ એક આવકાર્ય ઘટના હોવા છતાં એના મૂળમાં આંતરિક માગણીનો ઘટાડો હોવાથી એ એક ચિંતાનું કારણ પણ છે.

આયાતનો આ ઘટાડો સળંગ ચોથી વારનો છે. આયાતો સળંગ આઠ માસથી કાં તો ઘટી રહી છે કે એક આંકડાનો વધારો દર્શાવે છે. આ સંદર્ભમાં ટ્રેડ ડેફિસિટનો ઘટાડો રાહતના સમાચાર ન ગણાય. એક તરફ આયાતોનો ઘટાડો મૅન્યુફૅક્ચરિંગ / આર્થિક પ્રવૃત્તિ આવતા થોડા મહિનાઓમાં ઠંડી રહેવાનો નિર્દેશ કરે છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે નિકાસોને ફરી સક્રિય કરવાનું બહુ મહત્ત્વનું અને નિર્ણાયક છે.

ચીન ભારતનો સૌથી મોટો વિદેશવેપાર માટેનો ભાગીદાર દેશ છે એટલે અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધના છાંટા તો એને ઊડે જ. એ સિવાય, ચીનના આર્થિક વિકાસનાં ૨૭ વરસના ધીમા દરને લીધે પણ ભારતના ચીન સાથેના વેપારને અને સમગ્ર વિશ્વ સાથેના વેપારને પણ અવળી અસર થાય એ સ્વાભાવિક છે.
ગયે મહિને અમેરિકાએ ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સિસ (જીએસપી) હેઠળ ટૅરિફમાં અપાતી પસંદગીની રાહતો પાછી ખેંચી હોવાની અસર પણ ભારતની જૂન મહિનાની નિકાસોમાં દેખાય જ.

અમેરિકાએ ઈરાન પર લાદેલા વેપારી પ્રતિબંધોએ પણ વિશ્વના આર્થિક પ્રવાહોમાં તરખાટ મચાવ્યો છે. અમેરિકાની ટેક્નિકલ કંપનીઓ પરની યુરોપિયન દેશોની કરડાકી નજરને કારણે અમેરિકા હવે આ દેશો સાથે પણ લડી લેવાના મૂડમાં છે.

છેલ્લા છ મહિનાથી આપણું ઔદ્યોગિક ઉત્પાદન બહુ નજીવા દરે વધી રહ્યું છે. એપ્રિલ મહિનાના ૪.૩ ટકાના વધારા સામે મે મહિનામાં આ વધારો ૩.૧ ટકા હતો. એનું મુખ્ય કારણ માગણીનો ઘટાડો છે. કારખાનાંઓ તેમની સ્થાપિત ઉત્પાદનશક્તિ કરતાં નીચા દરે ચાલતાં હોય એટલે કંપનીઓ વધારાનું મૂડીરોકાણ કરે નહીં જેના થકી રોજગારીનું સર્જન શક્ય છે.

જૂન મહિનામાં છૂટક ભાવાંક - કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)નો ૩.૧૮ ટકાનો વધારો મે મહિનાના ૩.૦૫ ટકાના વધારા કરતાં મોટો હતો. જોકે જથ્થાબંધ ભાવાંક (ડબ્લ્યુપીઆઇ)નો ૨.૦૨ ટકાનો વધારો (મે મહિનામાં ૨.૪૫ ટકાનો વધારો) ૨૩ મહિનાનો સૌથી નીચો હતો. સીપીઆઇ કે ડબ્લ્યુપીઆઇના ભાવવધારા રિઝર્વ બૅન્કના ૪ ટકાના લક્ષ્યાંકથી નીચે હોવાને કારણે આર્થિક વિકાસના ઘટતા દરને વેગ આપવા માટે સાતમી ઑગસ્ટે જાહેર કરનાર મૉનિટરી પૉલિસીમાં રિઝર્વ બૅન્ક સતત ચોથી વાર વ્યાજના દર ઘટાડે એવી સંભાવના વધી છે.

નાણાં મંત્રાલયના અંદાજપત્ર પૂર્વે રજૂ કરાયેલ ઇકૉનૉમિક સર્વેના મતે નિકાસોના સારા અને આશાસ્પદ દેખાવ સિવાય કોઈ દેશ ઝડપી વિકાસ કરવામાં સફળ થાય નહીં. સરકારે એવી નીતિ અપનાવવી જોઈએ જેનાથી નિકાસો વધે, જીડીપી વધે, બચત તથા મૂડીરોકાણ વધે. અંદાજપત્રમાં ઇકૉનૉમિક સર્વેના આ સૂચન પર ખાસ ધ્યાન અપાયું નથી.

આપણી નિકાસો ઝડપી દરે વધતી નથી એનું મુખ્ય કારણ ઘણાં બધાં ક્ષેત્રોની આપણી ઊંચી કિંમતો છે જે આપણા અર્થતંત્રની હરીફશક્તિ ઘટાડે છે પછી તે જમીન હોય, કારીગરોના વેતન હોય (ભારતમાં વેતનના નૉમિનલ દરો નીચા દેખાય છે, પણ કારીગરોની ઉત્પાદકતા (એકમદીઠ ઉત્પાદન)ના સંદર્ભમાં આ દરો ઘણા ઊંચા પુરવાર થાય છે). મૂડીરોકાણ પરના વ્યાજના દર હોય, વીજળીના દર હોય કે રેલમાર્ગે થતા માલસામાનની હેરાફેરીના દર હોય.

રેલવેમાં ઉતારુઓ માટેની ભાડાંની આવકમાં જે ખોટ જાય છે એ વરસોથી માલસામાન પરના દર (નૂરના દર) વધારીને સરભર કરાતી હોય છે. સરકાર માટે એ સહેલું હોય છે પણ એનો બોજ આખરે ઊંચી કિંમતોના સ્વરૂપે વપરાશકારો પર જ પડે છે. કરવેરા અને કંપનીઓ પરના વેરાના દરનું પણ કાંઈક આવું જ છે. અન્ય વિકસતા દેશોની સરખામણીએ આ દરો ભારતમાં ઊંચા છે. નાણાપ્રધાને અંદાજપત્રમાં લીધેલાં બધાં પગલાં કિંમતોના વધારાને પોષે એવા છે.
૨૦૦૮ સુધીમાં આપણી બધી ચીજવસ્તુઓ પરની ઇમ્પોર્ટ ડ્યુટી એશિયાના અન્ય દેશો માટે જે ૧૦ ટકાનું સામાન્ય ધોરણ હતું એ લેવલ સુધી ઘટાડાઈ હતી. કૉર્પોરેટ ટૅક્સ પણ ઘટાડીને એશિયાના અન્ય દેશો સાથે સરખાવી શકાય એવો ૨૫ ટકાનો કરાયો હતો.

૨૦૧૯-’૨૦ના અંદાજપત્રમાં હજી પણ ૪૦૦ કરોડથી વધુ રેવન્યુવાળી કંપનીઓ પરનો દર ઘટાડીને ૨૫ ટકા નથી કરાયો, જ્યારે એશિયાના ઘણા દેશોમાં આ દરમાં ઘટાડો કરીને ૧૫-૨૦ ટકાનો કરાયો છે.

એક બાજુ મૂડીરોકાણ વધારવા માટે વિદેશી મૂડીરોકાણ પર ભાર મુકાય અને બીજી બાજુ અંદાજપત્રમાં આવકવેરા પરનો સૌથી ઊંચો માર્જિનલ દર સરચાર્જ વધારીને ૪૨.૭ ટકાનો કરાયો છે જે આપણા હરીફ દેશો કરતાં ઘણો ઊંચો છે. આ દરે સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) કે ટ્રસ્ટ તરીકે ઑપરેટ કરતા હોય એવા ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઇ) પાસેથી શૅરબજારમાં રોકાણ આકર્ષવું શક્ય નથી. કરવેરાનો આ દર તેમના ભારતમાં રોકાણ માટેના ઉત્સાહને તોડે એવું પગલું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણનો આ ફલો તો શરૂ પણ થઈ ગયો છે.

ઊંચી કિંમતોવાળા દેશની નિકાસો ઘટે છે. આયાતોની પડતર વધતાં નિકાસો વધુ પ્રમાણમાં ઘટવા માંડે છે. કરન્સી (રૂપિયા)ની બાહ્ય કિંમત વધે છે જે નિકાસોની હરીફશક્તિ ઓર ઘટાડે છે. પરિણામે મૂડીરોકાણની તરેહ (પૅટર્ન) પણ બદલાઈ છે. મૂડીરોકાણ નિકાસલક્ષી ઉદ્યોગો કે ઉત્પાદનને બદલે આયાતોની અવેજી માટેના ઉત્પાદન ભણી (ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન) વળે છે. પ્રતિકાર સ્વરૂપે અમેરિકાની જેમ અન્ય દેશો પણ આપણી ચીજવસ્તુઓની આયાત પરની ડ્યુટી વધારે છે જે આપણી નિકાસોને ઓર ઘટાડે છે.

અરુણ જેટલીએ ૨૦૧૮-’૧૯ના અંદાજપત્રમાં અનેક ચીજવસ્તુઓ પરની આયાત ડ્યુટી વધારવાની શરૂઆત કરેલી. સીતારમણે એ પ્રવાહને ૨૦૧૯-’૨૦ના અંદાજપત્રમાં આગળ વધાર્યો છે. અંદાજપત્રમાં એવી સ્પષ્ટ રજૂઆત કરાઈ છે કે ભારત તેની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માગે છે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિદેશી માલસામાનની હરીફાઈમાંથી બચાવવા માગે છે. ગ્લોબલાઇઝેશનના વળતા પ્રવાહ વચ્ચે પણ સંરક્ષણવાદની આવી જાહેરાતના ખૂબ અવળા પ્રત્યાઘાત પડે.

આ પણ વાંચોઃ જીઓ બની દેશની સૈથી મોટી બીજા નંબરની કંપની, વોડાફોન-આઈડિયા પહેલા નંબરે

આયાતો ઘટાડવી અને એ દ્વારા નિકાસો ઘટે એવી તૈયારી રાખીએ એટલે ચીજવસ્તુઓની જરૂરી અને ઊંચી માગણીના અભાવે આર્થિક વિકાસનો દર આઠ ટકાનો કરવાનું આપણા માટે સહેલું નહીં હોય.

આવા પ્રોટેક્શનને કારણે અને આપણા કામદારોની વધુ પડતી તરફેણ કરતા અને કડક લેબર લૉઝને કારણે નાના ઉદ્યોગો કદી તેમના વિસ્તરણ દ્વારા મોટા બનવાનું અને એ પછી સરકાર દ્વારા મળતાં પ્રોત્સાહનો ગુમાવવાનું વિચારતા નથી.

ઉદ્યોગ-ધંધાને અપાતાં આવાં પ્રોત્સાહન હોય, ખેડૂતોને અપાતી રોકડ સહાય હોય કે આર્થિક રીતે નબળા લોકો માટે નોકરીનું આરક્ષણ હોય કે તેમનો ચોક્કસ અલગ હિસ્સો હોય એ કાયમી ધોરણે ન હોઈ શકે. આવા વિશેષ અધિકારો એક ચોક્કસ સમયમર્યાદા માટે જ હોવા જોઈએ. જે દરમ્યાન આવી વ્યક્તિઓ / ઉદ્યોગો જરૂરી હરીફશક્તિ મેળવીને ખુલ્લી હરીફાઈના સામના માટે સક્ષમ બને. ત્યાર બાદ આવા ટેકા અને કાખઘોડી દૂર કરાવા જોઈએ.

આ પણ વાંચોઃ હજી ઘટશેની ધારણાએ ખરીદીમાં જોમનો અભાવ અને વેચવાલી જોરમાં

એમ નહીં કરાય તો આર્થિક સુપરપાવર બનવાનું કે પાંચ ટ્રિલ્યન ડૉલર ઇકૉનૉમી બનવાનું આપણું સ્વપ્ન તો સાકાર નહીં થાય. સમય પીછેહઠ નહીં કરે પણ આપણે વિશ્વબજારની ગળાકાપ હરીફાઈમાંથી પીછેહઠ કરવાનો વારો આવશે. સામે પ્રવાહે તરવાનું હોય ત્યારે કાયદાઓ અને કાર્યપદ્ધતિની સરળતા, નીતિઓ અને કરવેરાની નિશ્ચિતતા, સ્થિરતા અને વહીવટની પારદર્શિતા જ દેશને ટકાઉ અને વ્યાપક આર્થિક વિકાસ માટે સક્ષમ બનાવી શકે. અર્થતંત્રની જટિલ સમસ્યાઓનું સરળ નિરાકરણ છે નીચી કિંમતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK