Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં અપના ટાઇમ આયેગા કરતાં-કરતાં ટાઇમ ચૂકી ન જવાય!

બજારમાં અપના ટાઇમ આયેગા કરતાં-કરતાં ટાઇમ ચૂકી ન જવાય!

07 October, 2019 08:08 AM IST | મુંબઈ
શેરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

બજારમાં અપના ટાઇમ આયેગા કરતાં-કરતાં ટાઇમ ચૂકી ન જવાય!

રોકાણ માટેનો ક્યારે છે સાચો ટાઈમ!

રોકાણ માટેનો ક્યારે છે સાચો ટાઈમ!


વીતેલું સપ્તાહ એકંદરે બૅન્કિંગ સેકટરને હવાલે રહ્યું. પીએમસી બૅન્કની કથા બીજી ઘણી બૅન્કો માટે વ્યથા બની. યસ બૅન્કની કથા વળી જુદી થઈ અને તેના ભાવ ભારેખમ તૂટયા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક અને સ્ટેટ બૅન્કના ભાવ પણ તૂટયા. આ ઉપરાંત નોન-બૅન્કિગ ફાઈનાન્શિયલ કંપનીઝ અને રિઅલ એસ્ટેટ કંપનીઓના ચોક્કસ શૅરો પણ નોંધપાત્ર ઘટ્યા. આમ બૅન્કિંગ અને ફાઈનાન્શિયલ સેકટરની દશાએ બજારની દશા એક સપ્તાહમાં ફેરવી નાખી હતી. અલબત્ત, આમાં મજબૂત બૅન્કો માટે ચિંતાનું ખાસ કારણ નથી, આ શૅરોના ભાવ ઘટશે તોય રિકવર થતાં સમય નહીં લાગે, જ્યારે નબળી બૅન્કોની બીમારી ઉપાય માટે સમય લઈ લેશે. ઈન્વેસ્ટરોમાં બૅન્કોના સિસ્ટેમિક રિસ્કનો ભય વધવા લાગ્યો છે, તેમાં વળી અમુક બૅન્કોના નબળી પડવાના અહેવાલ અને અફવા ચિંતા અને ગભરાટ વધારી દે છે.
ઘટવાની રાહ અને પ્રોફિટ બુકિંગ
ગયા સોમવારની બજારની શરૂઆત નબળી અને નેગેટિવ થઈ હતી. બજારે પૂરતો યા વધુ પડતો ઉછાળો લગાવી લીધો હોવાની માનસિકતા જણાય છે જેથી નવી ખરીદીને બદલે લોકો ઘટાડાની રાહ જુએ છે અથવા જેમણે લઈ રાખ્યા હતા તેઓ નફો બુક કરવાનું પસંદ કરે છે. આમ પણ ડીએચએફએલ, ઇન્ડિયા બુલ્સ, એચડીઆઇએએલ, યસ બૅન્ક, પીએમસી બૅન્ક, લક્ષ્મીવિલાસ બૅન્કના નકારાત્મક સમાચારને પગલે સેન્ટીમેન્ટ કથળેલું હતું. આમ પણ બજાર હાલ ઊંચું હોવાનું મનાય છે. સેન્સેક્સ ૧૫૫ પૉઇન્ટ અને નિફટી ૩૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. યસ બૅન્કમાં વ્યાપક અફવા વચ્ચે વેચવાલી રહી હતી અને ભાવ તૂટયા હતા, જ્યારે પીએમસી બૅન્કના મામલે એચડીઆઇએલનો શૅર પણ ડાઉન થઈ ગયો હતો.
બૅન્કોના બેડ ન્યુઝની બેડ અસર
મંગળવારે બજારની દશા વધુ કથળી હતી, જે માટે મુખ્યત્ત્વે બૅન્ક શૅરો જવાબદાર હતા. પીએમસી બૅન્કથી લઈ લક્ષ્મીવિલાસ બૅન્ક અને યસ બૅન્ક સહિત વિવિધ બૅન્કોની અને ફાઈનાન્શિયલ સેકટરની હાલત નબળી પડી હતી. નિફટી બૅન્ક ઈન્ડેકસ તો ઈન્ટ્રા ડેમાં ૧૦૦૦ પૉઇન્ટ તૂટી ગયો હતો. આમ બૅન્ક સેકટરના શૅરો મહદ્ અંશે ઘટી ગયા હતા. આમ તો સોમવારે પણ લગભગ દશા આવી જ કંઈક હતી. વધુમાં અફવાએ જોર પકડયું હતું. સેન્સેક્સ મંગળવારે ઈન્ટ્રા-ડે માં ૭૦૦ પૉઇન્ટ ઘટીને પાછો ફર્યો હતો તેમ છતાં અંતમાં ૩૬૨ પૉઇન્ટ અને નિફટી ૧૧૪ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. ખરેખર તો પીએમસી બૅન્કની સમસ્યા જ્યારથી બહાર આવી છે ત્યારથી બૅન્કો માટેની અફવા વધી રહી છે, જેમાં બૅન્કોની બેડ લોન્સ, બૅન્કોનું એનબીએફસીમાં વધુ પડતું એક્સપોઝર- જોખમ, વગેરે જેવાં કારણો પણ ભળતાં ગયાં હતાં. અલબત્ત, રિઝર્વ બૅન્કના ગવર્નરે આ વિષયમાં લોકોને અફવાથી ગભરાઈ જવાની જરૂર નથી એવું નિવેદન પણ કર્યું હતું. તેમ જ ભારતીય બૅન્કિગ સિસ્ટમ સલામત હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. તેમ છતાં વિશ્વાસનો અભાવ વધુ અસરકારક રહ્યો હતો જેણે સેન્ટીમેન્ટ ખરડી નાખ્યું હતું. બુધવારે ગાંધી જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. જ્યારે ગુરુવારે બજાર ફરી ઘટાડાતરફી રહ્યું હતું. બૅન્કોની સમસ્યા બજાર પર સતત સવાર રહી. વધુમાં જીએસટીનું કલેકશન સપ્ટેમ્બરમાં ઓછું નોંધાયું હતું જે મંદ વેપાર-ઉદ્યોગની ખાતરી સમાન ગણાય. આ સાથે ગ્લોબલ ટેન્શનની સ્થિતિ પણ કારણ બની હતી. સેન્સેક્સ ૧૯૮ પૉઇન્ટ અને નિફટી ૪૬ પૉઇન્ટ ડાઉન ગયો હતો.
રિઝર્વ બૅન્કના રેટ-કટ છતાં આમ કેમ?
શુક્રવારે બજારની નજર સવારથી રિઝર્વ બૅન્કની જાહેર થનારી પૉલિસી પર હતી, જેમાં રેટ-કટની નિશ્ચિતતા તો હતી જ, કિંતુ વાસ્તવમાં રેટ-કટની ૫૦ બેઝિસ પૉઇન્ટની અપેક્ષા સામે ૨૫ બેઝિસ પૉઇન્ટનો રેપો રેટનો ઘટાડો જાહેર થતાં સવારે અઢીસો પૉઇન્ટ સુધી ઊંચું ગયેલું બજાર રિઝર્વ બૅન્કની જાહેરાત બાદ માઈનસ ઝોનમાં આવી ગયું હતું. આ રેટ-કટ અપેક્ષા કરતાં ઓછો રહ્યો હતો એ વાત ખરી, કિંતુ એ કરતાં પણ વધુ મોટું પરિબળ ગ્રોથ રેટની ધારણા નીચી જવાનું હતું. રિઝર્વ બૅન્કે જીડીપી ગ્રોથનો દર પણ ૬.૯ ટકાના સ્થાને ઘટીને ૬.૧ ટકા રહેવાનો મત વ્યક્ત કર્યો હતો. જ્યારે રિટેલ ઈન્ફ્લેશન વધવાના સંકેત આપ્યા હતા. આમ નિરાશાના માહોલમાં બજાર પણ નકારાત્મક વલણવાળું બની ગયું હતું. આખરે સેન્સેક્સ ૪૩૩ પૉઇન્ટ અને નિફટી ૧૩૯ પૉઇન્ટ ઘટીને અનુક્રમે ૩૭૬૭૩ અને ૧૧૧૭૪ પૉઇન્ટ બંધ રહ્યા હતા. ગ્લોબલ તનાવ અને માગ-વપરાશના અભાવની સ્થિતિ પણ ઘટાડાનું પરિબળ બની હતી. આમ તો રિઝર્વ બૅન્ક તરફથી ૨૦૧૯માં આ પાંચમો રેટ-કટ હતો અને હજી એક રેટ-કટ આ ડિસેમ્બરમાં આવવાની શક્યતા ઊભી છે. રિઝર્વ બૅન્કે આ માટેના સંકેત પણ આપ્યા હતા. તેમ છતાં પૉલિસીની અસર ધોવાઈ ગઈ હતી.
તો પછી બજાર ઘટવાનાં કારણ શું?
સપ્તાહ દરમ્યાન યુએસ મૅન્યુફૅક્ચરિંગ અૅન્ડ પર્ચેઝિંગ ઇન્ડેકસ પણ નીચે જતા તમામ મૅજર માર્કેટમાં વેચવાલી નોંધાઈ હતી. યુએસ તરફથી ટ્રેડ પ્રૉટેકશન પૉલિસી વધવાની ભીતિ બજાર પર છવાઈ હતી, કેમ કે યુએસએ દ્વારા યુરોપિયન યુનિયન પર નવા ટેરિફ લાદવાનું પગલું પણ જાહેર કરાયું હતું. આ ઉપરાંત ભારતમાં કોર ઈન્ફ્રાસ્ટ્રકચરના ઑગસ્ટના ગ્રોથમાં ૦.૫ ટકાનો ઘટાડો (ચાર વરસમાં પહેલીવાર) નોંધાયો હોવાથી તેની પણ નેગેટિવ અસર હતી. વર્તમાન સંજોગોમાં ભારતીય બૅન્કો પ્રત્યે વધી રહેલો ગભરાટ અને ચિંતા પણ સપ્તાહ દરમ્યાન સતત છવાયેલા રહ્યા હતા. યસ બૅન્ક પ્રત્યેનો ગભરાટ અન્ય ખાનગી બૅન્કોને પણ સ્પર્શી ગયો હતો. પીએમસી બૅન્કમાં તો સતત નવા ફણગા ફૂટી રહ્યા છે. જેમાં એચડીઆઇએલ પણ સપાટામાં આવી ગઈ, મામલો ધરપકડ, ઈડીની તપાસ અને ફોરેન્સિક ઑડિટ સુધી પહોંચી ગયો છે. અન્ય આ સેકટરની કંપનીઓ પણ સતત દબાણ હેઠળ છે, જ્યારે બૅન્કો સતત બેડ લોન્સના દબાણમાં પીસાઈ રહી છે. રિઝર્વ બૅન્કના રેટ-કટનો લાભ બૅન્કો કેટલી હદ સુધી ગ્રાહકોને પસાર કરી શકશે એ પણ સવાલ છે. ધિરાણ ઉપાડ પણ અપેક્ષાથી ઓછો રહ્યો છે. આમ એકંદરે બજાર પાસે ઘટવાનાં કારણ છે, વધવાના કારણ હવે પછી સર્જાશે. જેમાં કૉર્પોરેટ ટૅકસ કટની અસર હવે પછીના બે ક્વૉર્ટરમાં જોવા મળી શકે. ઈન શોર્ટ, કરેકશનનો લાભ લેવા માગતા રોકાણકારો માટે હાલ ઉત્તમ તક ગણાય. બજાર ૧૦૦૦ પૉઇન્ટ જેટલું નીચે આવી ગયું છે. હજી ઘટવાના અવકાશ છે. તેથી ખરીદી ધીમે-ધીમે તેમ જ સિલેક્ટિવ અને લોંગ ટર્મ માટે જ કરવામાં શાણપણ રહેશે. બજાર હજી ઘટશે એ સમયે ખરીદશું કરતા રહી ન જવાય એ ધ્યાન રાખજો. અપના ટાઇમ આયેગા કહેવાને બદલે ટાઇમને સમજી-ઓળખી લેવામાં સાર હોય છે.


નાની-મોટી જાણવા જેવી વાત
સપ્ટેમ્બરનું જીએસટી કલેકશન છેલ્લા ૧૯ મહિનામાં સૌથી નીચું રહ્યું, જે આર્થિક મંદી હજી ચાલી રહી હોવાની સાબિતી આપે છે.
સરકાર ઇન્ડિયાબુલ્સ ગ્રુપની કંપનીઓની તપાસનો અહેવાલ આ મહિનાના અંત સુધીમાં સુપરત કરશે.



પીએમસી બૅન્કના કિસ્સામાં પોલીસ વિભાગે બૅન્ક, એચડીઆઇએલ, પ્રમોટર્સ, બૅન્કના ઉચ્ચ અધિકારીઓ સામે ફાઈલ થયેલા એફઆઇઆરની અસર શરૂ થઈ ગઈ છે.


એચડીએફસી તેના અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટ માટે એક અબજ ડૉલરનું ફંડ ઊભું કરવા વિચારે છે. તેની અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઑથોરિટી સાથે વાતચીત ચાલી રહી છે.

સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી આ વરસના અંત સુધીમાં ૩૦,૦૦૦ કરોડ રૂપિયા ડિવિડંડ પેટે મેળવશે એવા અહેવાલ છે.
છેલ્લા અમુક દિવસોથી સોનાના ભાવ ઘટવાના શરૂ થયા છે, જે ઈક્વિટી તરફ ધ્યાન વધવાના સંકેત ગણાય છે.
સરકારે જાહેર ક્ષેત્રના પાંચ એકમોના ડિસ-ઈન્વેસ્ટમેન્ટ માર્ગે ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ઘડી છે, જે તેની ડેફિસિટને અંકુશમાં રાખવામાં સહાયરૂપ થશે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 08:08 AM IST | મુંબઈ | શેરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK