શૅરબજારોમાં તેજીની હરણફાળ : ડૉલર અને રૂપિયો મક્કમ

Published: 8th February, 2021 13:08 IST | Biren Vakil | Mumbai

ફિસ્કલ ઇઝિંગ, રાહત પૅકેજથી અર્થતંત્રમાં તેજી : ફુગાવો અને ક્યુઇ અનવિન્ડિંગ કરેક્શન લાવી શકે

શૅરબજારોમાં તેજીની હરણફાળ : ડૉલર અને રૂપિયો મક્કમ
શૅરબજારોમાં તેજીની હરણફાળ : ડૉલર અને રૂપિયો મક્કમ

અમેરિકામાં કોરોના કેસ ઘટવાના શરૂ થતાં અને ટેક્નૉલૉજી કંપનીઓની કમાણી ઘણી સારી રહેતા ડાઉ અને નાસ્દાક તેજીના નવાં શિખરોએ પહોંચ્યા હતા. ડાઉ ૧૧૬૫ વધીને ૩૧૦૫૫ હતો. સેન્સેક્સ પણ ગયા સપ્તાહે ૪૩૦૦ વધીને ૫૦૬૦૦ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સને સ્ટિમ્યુલેટિવ બજેટનો બુસ્ટરડોઝ મળ્યો છે. અમેરિકી બજારોમાં કૉર્પોરેટ અર્નિગમાં વધારો, બેસુમાર લિક્વિડિટી અને ચાલુ વરસે ૭.૧ ટકાના જીડીપી વિકાસદરની આશાએ તેજીની હરણફાળ ચાલુ રહી છે. અમેરિકામાં જીડીપી ગ્રોથ ૧૯૮૩ પછીનો બેસ્ટ ગ્રોથ રહેશે. બે વર્ષના બૉન્ડ યીલ્ડ કરતાં ૧૦ વર્ષના યીલ્ડ ૧ ટકા મોંઘા થઈ ગયા છે એને ફુગાવો અને વિકાસ વધવાનો સંકેત ગણાય. ફેડે ૨૦૨૩ સુધી વ્યાજદર નહીં વધે, ૧૨૦ અબજ ડૉલરનું માસિક બૉન્ડ બાઇંગ ચાલુ રહેશે એમ કહ્યું છે. મારા હિસાબે ફેડ વ્યાજદર વધારા માટે ૨૦૨૩ સુધી રાહ નહીં જોઈ શકે. ફેડના એક મેમ્બરના મતે ફેડના ટાર્ગેટ મુજબ ફુગાવો ૨૦૨૫ સુધી આવે એમ લાગતું નથી. જોકે મંદીની તુલનામાં ફુગાવો ઝડપી હોય છે. મંદી કીડી વેગે આવે અને કીડી વેગે જાય, ફુગાવો ઘોડા વેગે આવે અને કીડી વેગે જાય. ફેડને કદાચ ૨૦૨૨ના આરંભે કે મધ્યે ટેપર ટેન્ટ્રમ ૨.૦ યાને બૉન્ડ ખરીદી ઘટાડવી પડે-ક્યુઇ અનવિન્ડિંગ કરવું પડે. વ્યાજદર વધારો કદાચ ધારણા કરતાં વહેલો આવશે.
દરમ્યાન અમેરિકામાં સત્તાપલટા પછી સ્માર્ટમની ઇમર્જિંગ બજારોમાં જઈ રહ્યું છે. ગયા સપ્તાહે ઇમર્જિંગ બજારોમાં ૫.૭ અબજ ડૉલર આવ્યા, પાછલા ૨૦ સપ્તાહમાં ૧૯ સપ્તાહ ઇનફ્લો મોટો રહ્યો છે. અમેરિકામાંથી છ સપ્તાહમાં ૭.૩ અબજ ડૉલર પાછા ખેંચાયા છે. એન્ટિટ્રસ્ટ કમિટીના ચૅરમૅન એમી કલોબુચેર બિગ ટેક કંપનીઓના ઇજારાને પડકારશે. બાઇડનની ટીમમાં ક્વોડ તરીકે ઓળખાતી પાવરફુલ અને હાર્ડકોર લિબરલ ટીમ એમી કલોબુચેર, એલિઝાબેથ વૉરેન, એઓસી, અને બર્ની સેન્ડર - આ જૂથ બિગટેક, સુપરરિચ અને વૉલસ્ટ્રિટ માટે ખતરો બની શકે એમ છે. ડેમોક્ટેર સત્તામાં આવ્યા પછી સુપરરિચ લોકો ન્યુ યૉર્ક, કેલિફોર્નિયા જેવા બ્લુ સ્ટેટ છોડી ટેકસાસ, ફલોરિડા જેવા રેડ સ્ટેટમાં જઈ રહ્યા છે. આગળ જતા ફુગાવા, ઊંચો કરબોજો, ખરીદશક્તિમાં ઘટાડો, ૨૦૨૨ની મિડટર્મ ચૂંટણીઓ શૅરબજારોની તેજીમાં રુકાવટ બની શકે એમ છે. જોકે આ જોખમો ૨૦૨૧ના સેકન્ડ હાફમાં જોવાય એવી સંભાવના વધુ છે. વર્ષના પહેલા ૩-૫ માસ તેજીના છે. શૅરબજારમાં ગેમસ્ટોપ જેવા જંકસ્ટોક અને સિલ્વરમાં રેડિટઆર્મીના વાઇરલ પંપ અૅન્ડ ડમ્પને કારણે વધુપડતી સટ્ટાખોરી રોકવા નાણાં સચિવ જૅનેટ યેલેને મેનિયાની તપાસ થશે એમ કહેતા સટ્ટાકીય એસેટ ઘટી હતી પણ યેલેનની ચેતવણીની લાંબી અસર પડી નથી.
કરન્સી બજારોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેકસમાં શાનદાર સુધારો હતો. યુઆન પણ મક્કમ હતો. યુરો એકંદરે કમજોર રહ્યો. રૂપિયો ૭૨.૮૦-૭૩.૩૦ની રેન્જમાં મક્કમ જ રહ્યો છે. બજેટખાધ ૯.૩ ટકા જેવી તોતિંગ હોવા છતાં બહારથી ધોધમાર ડૉલર લિક્વિડિટી આવતી હોવાથી રૂપિયો મક્કમ છે. ભારતની ફોરેકસ રિઝર્વ ૫૮૫ અબજ ડૉલર જેવી કમ્ફર્ટેબલ છે. કોરોના કેસ ઘણા ઘટી ગયા છે એટલે અર્થતંત્ર વી શૅપ રિકવરીના મોડ પર છે. ખેતી અને આંતરમાળખા ક્ષેત્રે સાધનોની ફાળવણીમાં મોટો વધારો છે. અમેરિકામાં પણ ફિસ્કલ ઇઝિંગના ભાગરૂપે સરકારી ખર્ચ વધશે એટલે વપરાશ અને રોકાણની સાઇકલને બુસ્ટ મળશે. ચીનમાં પણ ઇકૉનૉમી ઘણી મજબૂત છે. ઑટો સેકટરમાં વૈશ્વિક સ્તરે તેજી છે. જોકે શૅરબજારોમાં મોટું કરેક્શન ઓવરડ્યુ છે. સેકન્ડ કે થર્ડ ક્વૉર્ટરમાં કરેક્શન આવી શકે.
ઇમર્જિંગ બજારોમાં મ્યામારમાં લશ્કરી બળવો થતાં લેધર, ટીન, કપડાં જેવી આઇટમમાં સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ આવી શકે. ચીનમાં ૧૧ ફેબ.થી ૧૯ ફેબ્રુઆરી સુધી લુનાર હોલિડેઝને કારણે બજારો બંધ જેવાં રહેશે. કૉમોડિટી બજારોની તેજીને કારણે ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, મલેશિયાના અર્થતંત્રોને ફાયદો થશે.
કરન્સી બજારોમાં ટ્રેડિંગ રેન્જની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સ ૯૦-૯૨, યુરો ૧.૧૮૨૦-૧.૨૦૫, પાઉન્જ ૧.૩૫-૧૩૮, યેન ૧૦૩-૧૦૫, યુરો-રૂપી ૮૬.૬૦-૮૮.૨૦, રૂપિ પાઉન્ડ ૯૭-૧૦૨ ગણી શકાય. બિટકૉઇન ૩૨૦૦૦-૩૮૦૦૦ની રેન્જમાં અનિયમિત વધઘટ બતાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK