કોરોના વાઇરસના ડરથી શૅરબજારનું જોખમ છોડી સોનાનો ભાવ ત્રણ સપ્તાહની ટોચે

Published: Jan 28, 2020, 10:09 IST | Bullion Watch | Mumbai

ચીનમાં વધી વિકરાળ બની રહેલા વાઇરસના વ્યાપ વચ્ચે સેફ હેવન સોનાના ભાવ માગની ચિંતા પડતી મૂકી ત્રણ સપ્તાહની ઊંચી સપાટી ઉપર જોવા મળી રહ્યા છે.

ગોલ્ડ
ગોલ્ડ

ચીનમાં વધી વિકરાળ બની રહેલા વાઇરસના વ્યાપ વચ્ચે સેફ હેવન સોનાના ભાવ માગની ચિંતા પડતી મૂકી ત્રણ સપ્તાહની ઊંચી સપાટી ઉપર જોવા મળી રહ્યા છે. વૈશ્વિક નાણાબજારમાં જોખમ માટે દોડધામ મચી ગઈ છે. કોરોના વાઇરસથી મૃત્યુઆંક વધ્યો છે, દરદીઓ પણ વધી રહ્યા છે. ચીને વધુ એક સપ્તાહની રજા જાહેર કરી છે અને એવી દહેશત છે કે વૈશ્વિક અર્થતંત્ર ઉપર આ વાઇરસના કારણે નકારાત્મક અસર થશે. રોકાણકારોએ જોખમી ગણાતાં શૅરબજાર, ક્રૂડ ઑઇલમાં વેચવાલી કરી છે અને સ્વર્ગ ગણાતા, સલામત ગણાતા સોના અને યેન તેમ જ અમેરિકન બૉન્ડની ખરીદી શરૂ કરી છે.

આ સલામતીની દોડમાં શુક્રવારે સાંજથી જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો અને સોમવારે પણ તેમાં તેજીમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારતમાં પણ વૈશ્વિક હિલચાલના પગલે સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા. એસઅૅન્ડપી ૫૦૦નો વાયદો ૧ ટકા ઘટી ગયો છે. જાપાનનો ટોપીક્ષ વાયદો નરમ છે અને ચીનમાં શૅર પાંચ ટકા ઘટ્યા છે. ક્રૂડ ઑઈલ બે ટકા ઘટ્યા છે. બૉન્ડના ભાવ વધી રહ્યા છે અને યિલ્ડ ઘટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં કૉમેકસ ખાતે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૭૯ ટકા કે ૧૨.૪૩ ડૉલર વધી ૧૫૮૩.૯૬ અને ચાંદી માર્ચ વાયદો ૦.૭૨ ટકા કે ૧૩ સેન્ટ વધી ૧૮.૨૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું ૦.૭૪ ટકા કે ૧૧.૬૫ ડૉલર વધી ૧૫૮૩.૫૫ ડૉલર અને ચાંદી ૧૨ સેન્ટ વધી ૧૮.૨૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે.

વિદેશી બજારમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળા અને ભારતમાં નબળા પડેલા રૂપિયાના કારણે સોનાના ભાવમાં બમણો ટેકો મળ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૩૯૦ વધી ૪૧,૯૯૦ અને અમદાવાદ ખાતે ૪૧,૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવ રહ્યા હતા. સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૫૦૦ ખૂલી, ઉપરમાં ૪૦,૭૬૩ અને નીચામાં ૪૦,૪૮૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૬૮ વધીને ૪૦,૭૨૦ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૫૯ વધીને ૮ ગ્રામદીઠ ૩૨,૧૧૨ અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૩ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૮૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૩૯ વધીને બંધમાં ૪૦,૬૬૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના ભાવ મુંબઈ હાજર બજારમાં ૫૧૫ વધી ૪૮,૭૮૦ અને અમદાવાદ ખાતે ૫૭૦ વધી ૪૮,૮૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭,૨૨૫ ખૂલી ઉપરમાં ૪૭,૫૯૫ અને નીચામાં ૪૭,૧૧૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૧૭ વધીને ૪૭,૫૫૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૬૦૨ વધીને ૪૭,૫૬૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી ૬૦૧ વધીને ૪૭,૫૫૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો નબળો

સતત ત્રીજા દિવસે ડૉલર સામે રૂપિયો ઘટીને બંધ આવ્યો હતો. ક્રૂડ ઑઈલના ભાવ બે મહિનાની નીચી સપાટીએ હતા, પણ સામે શૅરબજારમાં વેચવાલી અને એશિયાઇ ચલણની નબળાઈના કારણે સ્થાનિક ચલણ ડૉલર સામે ઘટીને બંધ આવ્યું હતું. ડૉલર સામે રૂપિયો ૭૧.૫૧ની નબળી સપાટીએ ખૂલ્યો હતો અને દિવસભર સતત દબાણમાં હતો. સત્રના અંતે રૂપિયો ૪૧.૪૩ બંધ આવ્યો હતો જે અગલા બંધ કરતાં ૧૦ પૈસાનો ઘટાડો સૂચવે છે. છેલ્લા ત્રણ સત્રમાં રૂપિયો ડૉલર સામે ૨૪ પૈસા નબળો પડ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK