વૅક્સિનની આશા ઉજ્જવળ બનતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અટકતો જ નથી

Published: 19th November, 2020 12:47 IST | Bullion Watch | Mumbai

અમેરિકામાં કોરોનાને નાથવા માટેની વૅક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે એવી ધારણા વચ્ચે સાનુકૂળ કારણો હોવા છતાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં કોરોનાને નાથવા માટેની વૅક્સિન ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે એવી ધારણા વચ્ચે સાનુકૂળ કારણો હોવા છતાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોખમ લેવાનું ટ્રેડિંગ વધ્યું છે અને સુરક્ષામાં વેચવાલી આવી છે. અમેરિકન ડૉલર સતત ત્રીજા દિવસે ઘટી રહ્યો છે. બોન્ડના યીલ્ડ ઘટી રહ્યા છે. મંગળવારે અમેરિકન શૅરબજારમાં પણ પ્રૉફિટ બુકિંગ હોવા છતાં સોનું અને ચાંદી ઘટ્યાં હતાં.

છેલ્લાં સાત સત્રથી સોનાના ભાવ મહત્ત્વની ૧૯૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીની નીચે છે અને દરેક વખતે એ તોડવાનો પ્રયત્ન થાય છે ત્યારે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ દર્શાવે છે કે બજારમાં ત્યારે દરેક ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ છે અને હાલપૂરતા સોના અને ચાંદીમાં તેજીના દિવસો પુરા થયા છે. સોનાની તેજી માટે હવે કોઈ પ્રબળ કારણ આવે તો જ ઉછાળો આવી શકે છે.

કોરોના વાઇરસની વૅક્સિનમાં આજે ફાઇઝરે જાહેરાત કરી હતી કે અંતિમ તબક્કામાં તેમની વૅક્સિનને પણ ૯૫ ટકા સફળતા મળી છે અને કંપની હવે એની મંજુરી માટે અમેરિકન ડ્રગ રેગ્યુલેટરમાં અરજી કરી રહી છે. આ સમાચારની સાથે સોના અને ચાંદીમાં ઘટાડો તીવ્ર બન્યો હતો.

અમેરિકામાં ટ્રેડિંગ ચાલુ થાય એ પહેલાં કોમેક્સ ખાતે ડિસેમ્બર સોનું વાયદો ૦.૯૧ ટકા કે ૧૭.૧૦ ડૉલર ઘટી ૧૮૬૮ અને હાજરમાં ૦.૪૩ ટકા કે ૮.૧૩ ડૉલર ઘટી ૧૮૭૨.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૧.૦૮ ટકા કે ૨૭ સેન્ટ ઘટી ૨૪.૩૯ અને હાજરમાં ૦.૩૮ ટકા કે ૯ સેન્ટ ઘટી ૨૪.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોના અને ચાંદીમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં ઘટી રહેલા ભાવની સાથે ભારતમાં સોનું અને ચાંદી ઘટ્યાં હતાં. ગઈ કાલે હાજરમાં મુંબઈ સોનું ૫૯૦ ઘટી ૫૨,૩૧૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૮૦ ઘટી ૫૨,૨૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૬૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૬૪૬ અને નીચામાં ૫૦,૨૭૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૨૧ ઘટીને ૫૦,૩૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૪૭૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૭૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૯૯ ઘટીને બંધમાં ૫૦,૪૦૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

હાજરમાં મુંબઈ ચાંદી ૧૨૦૫ ઘટી ૬૩,૯૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૨૨૦ ઘટી ૬૩,૯૧૫ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૨,૮૯૭ ખૂલી, ઉપરમાં ૬૩,૨૩૩ અને નીચામાં ૬૨,૫૫૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૯૯ ઘટીને ૬૨,૬૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૫૭૪ ઘટીને ૬૨,૬૭૦ રૂપિયા અને ચાંદી-માસક્રો નવેમ્બર ૫૬૬ ઘટીને ૬૨,૬૬૦ રૂપિયા બંધ રહ્યા હતા.

ત્રીજા દિવસે પણ ડૉલર સામે રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર ઘટી રહ્યો છે. કોરોના વાઇરસને અટકાવવા માટે વૅક્સિનની શોધ હવે પૂર્ણતાના આરે છે એટલે આર્થિક જોખમો હળવાં થઈ રહ્યાં છે અને ફરી ઇમર્જિંગ માર્કેટ તરફ પ્રવાહ ચાલુ થયો છે. મંગળવારે ૧૬ પૈસા વધી ૭૪.૪૬ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૪૯ની સપાટીએ નરમ ખુલ્યા બાદ સતત વધી ૭૪.૦૯ થઈ દિવસના અંતે ૨૭ પૈસા વધી ૭૪.૧૯ બંધ આવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK