Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વધેલા બૉન્ડ યીલ્ડથી સોનામાં ચાર માસનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

વધેલા બૉન્ડ યીલ્ડથી સોનામાં ચાર માસનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

15 August, 2020 11:38 AM IST | Mumbai
Bullion Watch

વધેલા બૉન્ડ યીલ્ડથી સોનામાં ચાર માસનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો

ગોલ્ડ

ગોલ્ડ


અમેરિકન અર્થતંત્રમાં રોજગારી અને ફુગાવાના આંકડા આર્થિક રિકવરીનો સંકેત આપી રહ્યા છે અને તેના કારણે વધી રહેલા બૉન્ડ યીલ્ડથી આ સપ્તાહમાં સોનું ૩.૫ ટકા ઘટી ગયું છે જે છેલ્લા ચાર મહિનામાં ભાવમાં સૌથી મોટો ઘટાડો છે. આ સપ્તાહમાં અમેરિકાના બૉન્ડના યીલ્ડ ૦.૫૬ ટકા સામે વધી ૦.૭૧ ટકા થઈ ગયા છે જે શૂન્ય વ્યાજનો દર લાંબો સમય નહીં ચાલે એવો સંકેત આપી રહ્યા છે અને તેના કારણે સોનું ઘટી ગયું છે. અમેરિકન બૉન્ડના યીલ્ડ બે મહિનાની ઊંચી સપાટીએ છે.

જુલાઈ મહિનામાં અમેરિકાના રીટેલ સેલ્સના આંકડા ધારણા કરતાં નબળા આવ્યા હતા. જૂન મહિનામાં પ્રાથમિક ૭.૫ ટકાની વૃદ્ધિ બાદ તેને સુધારી ૮.૪ ટકા કરવામાં આવી હતી તેની સામે જુલાઈમાં રીટેલ સેલ્સમાં ૧.૨ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બજારની ધારણા ૧.૯ ટકાની વૃદ્ધિની હતી. જોકે રીટેલ સેલ્સના આંકડા નબળા આવતા દેશને વધારાના ઇકૉનૉમિક સ્ટિમ્યુલસની જરૂર પડશે એમ કહી શકાય અને તેનાથી છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહેલા બૉન્ડના યીલ્ડ ઘટે તો સોનાના ભાવ વધવા જોઈએ પણ અત્યારે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. વાહનો સિવાયની ચીજોનું વેચાણ ૧.૩ ટકાની અપેક્ષા સામે ૧.૯ ટકા વધ્યું હોવાના આંકડા આવ્યા હોવાથી બજારમાં સોનામાં વેચવાલી આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આજે સોનાનો ઑક્ટોબર વાયદો ૦.૭૦ ટકા કે ૧૩.૮૦ ડૉલર ઘટી ૧૯૫૬.૬૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૬૪ ટકા કે ૧૨.૭૦ ડૉલર ઘટી ૧૯૫૭.૭૦ અને હાજરમાં ૦.૨૭ ટકા કે ૫.૨૧ ડૉલર ઘટી ૧૯૪૮.૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સાપ્તાહિક ધોરણે સોનાના ભાવ ૩.૫ ટકા ઘટેલા છે. સોમવારે જોવા મળેલી વિક્રમી સપાટી ૨૦૮૯.૨૦ ડૉલરથી સોનાના ભાવ ૬.૩૪ ટકા ઘટી ગયેલા છે.



ભારતમાં હાજરમાં સોનું વધ્યું હતું પણ વાયદામાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજર બજારમાં આજે મુંબઈ સોનું ૩૩૫ વધી ૫૪,૮૦૫ અને અમદાવાદ ખાતે ૩૨૫ વધી ૫૪,૭૭૦ રૂપિયા બંધ આવ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨,૬૭૫ ખૂલી, ઉપરમાં ૫૨,૭૪૩ અને નીચામાં ૫૨,૧૬૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૪૯૧ ઘટીને ૫૨,૪૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૪૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૨,૬૨૧ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૦ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૩૩૨ થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૩ ઘટીને બંધમાં ૫૨,૬૬૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના ભાવ વિક્રમી સપાટીથી ૯.૨૪ ટકા ઘટી ગયા


સોનાની સાથે ચાંદીના ભાવમાં જોવા મળેલી વિક્રમી તેજી માત્ર બે દિવસમાં જ થંભી ગઈ છે. સેફ હેવનની માગ સામે વધી રહેલા પડકારોના કારણે ભાવ આજે ઘટી રહ્યા છે અને સાપ્તાહિક ધોરણે પણ ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક બજારમાં આજે ચાંદી સપ્ટેમ્બર વાયદો ૩.૩૧ ટકા કે ૯૨ સેન્ટ ઘટી ૨૬.૮૦ ડૉલર અને હાજરમાં ૩.૪૨ ટકા કે ૯૪ સેન્ટ ઘટી ૨૬.૫૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. સાપ્તાહિક ધોરણે ચાંદીના ભાવ ૨.૬૮ ટકા ઘટ્યા છે. આ સોમવારે આઠ વર્ષની ઊંચી સપાટી ૨૯.૫૩૦ ડૉલર પહોંચેલા ભાવથી ચાંદી ૯.૨૪ ટકા ઘટી ગઈ છે.

મુંબઈ હાજર ચાંદી ૬૦ ઘટી ૬૯,૩૦૦ અને અમદાવાદ ખાતે ૮૦ ઘટી ૬૯,૧૨૦ રૂપિયા બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૭૦,૬૫૦ ખૂલી, ઉપરમાં ૭૦,૯૩૯ અને નીચામાં ૬૭,૮૮૯ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૨૩૫૬ ઘટીને ૬૮,૭૨૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૩૨૫ ઘટીને ૬૮,૭૪૮ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૩૦૭ ઘટીને ૬૮,૭૫૫ રૂપિયા બંધ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2020 11:38 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK