Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો: ભારતમાં ચાંદી 1600 રૂપિયા તૂટી

સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો: ભારતમાં ચાંદી 1600 રૂપિયા તૂટી

04 June, 2020 08:36 AM IST | Mumbai
Bullion Watch

સોના અને ચાંદીમાં તીવ્ર ઘટાડો: ભારતમાં ચાંદી 1600 રૂપિયા તૂટી

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક શૅરબજારમાં વ્યાપક તેજી, ઈમર્જિંગ માર્કેટમાં ડૉલર છોડી જોખમ ઉઠાવી ખરીદીના માહોલ વચ્ચે આજે સતત બીજા દિવસે સોનું અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનું ફરી ૧૭૦૦ ડૉલરની સપાટી ઉપર ટકી રહેવા માટે અને ચાંદી ૧૮ ડૉલરની સપાટી ઉપર રહેવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકામાં આજે બેરોજગારીના આંકડા ધારણા કરતાં ઓછા નબળા હોવાથી ઘટાડો વેગવંતો બન્યો હતો. મે મહિનાનો એડીપીનો અહેવાલ જણાવે છે કે અમેરિકામાં ૨૭ લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. બજારમાં ધારણા ૯૦ લાખ નોકરીઓ જશે એવી આશા હતી.

મંગળવારે શૅરબજારમાં જોવા મળેલી વ્યાપક ખરીદી અને સતત ઘટી રહેલા ડૉલરના કારણે અમેરિકન બજારમાં સોનું ૦.૯૩ ટકા અને ચાંદી ૨.૪ ટકા ઘટ્યા હતા. આજે ફરી ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે કોમેકસ ઉપર ઑગસ્ટ સોનું વાયદો ૧.૫૧ ટકા કે ૨૬.૨૦ ડૉલર ઘટી ૧૭૦૭.૮ અને હાજરમાં ૧.૨૫ ટકા ઘટી ૧૭૦૬.૧૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો. ચાંદી જુલાઈ વાયદો આજે પણ ૧.૨૬ ટકા કે ૨૩ સેન્ટ ઘટી ૧૮.૦૩ ડૉલર અને હાજરમાં ૧.૮૯ ટકા કે ૩૪ સેન્ટ ઘટી ૧૭.૭૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.



ભારતમાં હાજર બજારમાં સોનું અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો


ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનું ૨૩૦ ઘટી પ્રતિ ૧૦ ગ્રામ ૪૬,૮૪૫ જ્યારે પ્રતિ કિલો ચાંદીના ભાવ ૧૨૪૫ ઘટી ૪૮,૨૯૫ રૂપિયા રહ્યા હતા. ખાનગીમાં હાજર બજારમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦૦ ઘટી ૪૭,૩૮૭ અને ચાંદી ૧૬૨૭ ઘટી ૪૯,૩૪૩ રૂપિયા હતી.  કીમતી ધાતુઓમાં સોનાનો જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૭૦૦ રૂપિયાના ભાવે ખૂલી, ઉપરમાં ૪૬,૭૦૦ અને નીચામાં ૪૬,૬૦૦ રૂપિયાના મથાળે અથડાઈ સાંજે ૧૪૧ના ભાવઘટાડા સાથે ૪૬,૬૫૫ રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ઑગસ્ટ વાયદો ૪૬,૪૬૮ ખૂલી, સાંજે ૧૭૯ ઘટી સાંજે ૪૬,૩૭૯ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાનો દૂર ડિલિવરીનો ઑક્ટોબર વાયદો ૧૭૦ ઘટી ૪૬,૫૧૧ રૂપિયા બોલાઈ રહ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૫૪ ઘટી સાંજે ૪૬,૬૪૨ રૂપિયા બોલાઈ રહ્યો હતો, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૭૧ ઘટી ૪૬,૩૮૭ રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદીનો જુલાઈ વાયદો કિલોદીઠ ૪૮,૯૦૪ના ભાવે ખૂલી, ઉપરમાં ૪૯,૪૩૫ અને નીચામાં ૪૮,૬૪૭ બોલાઈ, સાંજે ૩૦૮ના ભાવઘટાડા સાથે ૪૮,૭૭૨ રૂપિયા ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ૨૦૧ ઘટી સાંજે ૪૯,૬૫૮ રૂપિયા બોલાઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-મિની નવેમ્બર વાયદો સૌથી વધુ ૭૬૩ ઘટી ૫૦,૩૪૦ રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીનો માઈક્રો જૂન વાયદો ૪૯,૨૨૧ ખૂલી, સાંજે ૩૩૦ ઘટી ૪૯,૧૯૦ રૂપિયા બોલાયો હતો.


દિવસના ઉપરના મથાળે રૂપિયો લપસ્યો, ડૉલર સામે ૧૧ પૈસા ઘટ્યો

વૈશ્વિક બજારમાં ડૉલરમાં થઈ રહેલો સતત ઘટાડો અને શૅરબજારમાં વિદેશી નાણાપ્રવાહ આવી રહ્યો હોવાથી રૂપિયો આજે ઊછળ્યો હતો પણ દિવસના અંતે આયાતકારની સતત ડૉલર ખરીદીના કારણે તે ઘટીને બંધ આવ્યો હતો. મંગળવારે ડૉલર સામે રૂપિયો ૭૫.૩૬ બંધ આવ્યો હતો જે આજે વધીને ૭૫.૦૪ ઉપર ખૂલ્યો હતો અને પછી ડૉલરની સતત ખરીદી વચ્ચે ઘટીને ૭૫.૫૨ થયા બાદ દિવસના અંતે ૭૫.૪૭ બંધ રહ્યો હતો. આજે રૂપિયો ડૉલર સામે ૧૧ પૈસા ઘટ્યો હતો. બજારમાં એવી ચર્ચા હતી કે રૂપિયામાં અચાનક જોવા મળી રહેલા ઉછાળાને ડામવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલરની ખરીદી કરવામાં આવી હતી. વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસ અને અર્થતંત્રની મંદી સામેના બધા પડકારો અવગણી બજારમાં અત્યારે શૅરબજાર અને ઈમર્જિંગ માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. આથી સલામતી આપતા ડૉલર અને યેનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રૂપિયો પણ યેન સામે વધ્યો હતો પણ પાઉન્ડ અને યુરો સામે ઘટીને બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ કે જે છ મુખ્ય ચલણ સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરે છે તે ઘટ્યો હતો. આજે સતત પાંચમા દિવસે ડૉલર ઘટી ગયો હતો. અત્યારે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૮ ટકા ઘટી ૯૭.૪૮૩ની સપાટી ઉપર હતો. યેન પણ ડૉલર સામે બીજા દિવસે ઘટેલો છે.

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 08:36 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK