વાઇરસનું જોખમ બજારમાં ફરી દેખાયું પણ સોના અને ચાંદીમાં ઘટાડો અટકતો નથી

Published: 20th November, 2020 09:47 IST | Bullion Watch | Mumbai

કોરોના સામે લડવા માટે વૅક્સિનની સફળતા સામે ન્યુ યૉર્કમાં વધી રહેલા કેસને અટકાવવા માટે નવાં નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે.

ગોલ્ડ
ગોલ્ડ

કોરોના સામે લડવા માટે વૅક્સિનની સફળતા સામે ન્યુ યૉર્કમાં વધી રહેલા કેસને અટકાવવા માટે નવાં નિયંત્રણ મૂકવામાં આવ્યાં છે. વૅક્સિન આવે એ પહેલાં ફરી નિયંત્રણ અમલમાં આવતાં શૅરબજારમાં ચિંતા શરૂ થઈ છે અને જોખમોથી દૂર રહી ફરી સલામતી તરફ પ્રયાણ શરૂ થયું હોવા છતાં સોના અને ચાંદીના ભાવ ગઈ કાલે ત્રીજા દિવસે પણ ઘટ્યા છે. વૈશ્વિક રીતે શૅરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વ નવા સ્ટિમ્યુલસની જાહેરાત કરી શકે એવી ચર્ચાના કારણે બજારમાં નાની પ્રવાહિતા પણ સોનાના ભાવને બળ આપી શકે એમ હોવા છતાં અત્યારે ઘટાડો અટકી રહ્યો નથી.

અમેરિકન ડૉલર પાંચ દિવસથી ઘટી રહ્યો હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અટક્યો નથી. ડૉલરના ભાવ ઘટે તો અન્ય ચલણમાં સોનાની ખરીદી સસ્તી પડે છે અને એટલે ભાવ વધી શકે છે. જોકે અત્યારે એવી કોઈ સ્થિતિથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો અટકી રહ્યો નથી.

ફાઇઝર દ્વારા ૯ નવેમ્બરે વૅક્સિનમાં સફળતા મળી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સમય સોનું ૧૯૬૬ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી ૨૬.૧૩ ડૉલર પ્રતિ ઔંસ હતા. એક જ દિવસમાં ભારે ગાબડું પડ્યા પછી સોનાના ભાવ ફરી ૧૯૦૦ ડૉલરની સપાટી પાર કરી શક્યા નથી.

બુધવારે સોનું વાયદો ૦.૫૯ ટકા અને ચાંદી વાયદો ૦.૮૨ ટકા ઘટ્યા હતા. ગઈ કાલે સોનું ડિસેમ્બર વાયદો ૦.૭૬ ટકા કે ૧૪.૩ ડૉલર ઘટી ૧૮૫૯.૬ અને હાજરમાં ૦.૫૩ ટકા કે ૧૦.૦૧ ડૉલર ઘટી ૧૮૬૨.૨૩ ડૉલરની સપાટીએ હતા. ચાંદી માર્ચ વાયદો ૨.૦૧ ટકા કે ૪૯ સેન્ટ ઘટી ૨૪.૦૭ ડૉલર અને હાજરમાં ૧.૬૩ ટકા કે ૪૦ સેન્ટ ઘટી ૨૩.૯૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વાઇરસની ચિંતાએ ડૉલર વધ્યો

ઑગસ્ટ મહિના પછી પ્રથમ વખત ડૉલર છેલ્લાં પાંચ સત્રથી ઘટી રહ્યો હતો ત્યારે ગઈ કાલે વાઇરસની વધેલી ચિંતાઓ વચ્ચે એમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે ફેડરલ રિઝર્વ નવા સ્ટિમ્યુલસની તૈયારી કરી રહ્યું છે એવી ચર્ચા વચ્ચે એની વૃદ્ધિ પર બ્રેક લાગેલી છે. અમેરિકન ડૉલરનું વિશ્વનાં છ મહત્ત્વનાં ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૩૧ ટકા વધી ૯૨.૬૦૦ની સપાટી પર છે. છેલ્લાં પાંચ સત્રમાં એમાં ૦.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ભારતમાં પણ સોના અને ચાંદીમાં ઘટાડો

વૈશ્વિક બજારમાં ભાવમાં ઘટાડો, ડૉલર સામે રૂપિયામાં ઘસારો અને તહેવાર પછી સુસ્ત માગ વચ્ચે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૩૫ ઘટી ૫૨,૧૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૪૦ ઘટી ૫૨,૧૧૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૨૦૦ ખૂલી, ઉપરમાં ૫૦,૨૦૦ અને નીચામાં ૪૯,૮૮૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૭૭ ઘટીને ૪૯,૯૪૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧૮ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૧૮૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૯ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૪૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫૨ ઘટીને બંધમાં ૫૦,૦૨૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૫૦૦ ઘટી ૬૩,૪૫૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૩૦ ઘટી ૬૩,૩૮૫ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૨,૦૯૧ ખૂલી, ઉપરમાં ૬૨,૧૮૨ અને નીચામાં ૬૧,૦૭૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૧૯૭ ઘટીને ૬૧,૩૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૧૫૩ ઘટીને ૬૧,૪૦૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૧૩૪ ઘટીને ૬૧,૪૧૯ રૂપિયા બંધ રહ્યા હતા.

ચાર દિવસની રૂપિયાની વૃદ્ધિ પર બ્રેક

કોરોના વાઇરસની વૅક્સિનની સફળતાના સમાચાર સાથે ઇમર્જિંગ માર્કેટમાં નવો મૂડીપ્રવાહ ચાલુ થશે એવી ધારણાએ ડૉલર સામે રૂપિયો છેલ્લા ચાર દિવસથી સતત વધી રહ્યો હતો. ન્યુ યૉર્કમાં વાઇરસના કારણે લાદવામાં આવેલાં નવાં નિયંત્રણના કારણે ફરી વાઇરસનાં વર્તમાન જોખમો સપાટી પર આવતાં વૈશ્વિક બજારમાં ડૉલર વધ્યો હતો અને એના કારણે ગઈ કાલે ભારતીય રૂપિયો પણ ઘટ્યો હતો. બુધવારે ડૉલર સામે ૭૪.૧૯ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૨૮ની સપાટીએ નરમ ખુલ્યો હતો જે વધુ ઘટી ૭૪,૩૩ થઈ દિવસના અંતે આઠ પૈસા ઘટી ૭૪.૨૭ બંધ આવ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં ડૉલર સામે રૂપિયો ૪૫ પૈસા વધ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK