અમેરિકામાં આર્થિક સહાય પર નજર સાથે સોના અને ચાંદીમાં આગળ વધતી તેજી

Published: Jul 21, 2020, 11:52 IST | Bullion Watch | Mumbai

સોના અને ચાંદીના ભાવમાં તેજીને વધુ એક પરિબળ મળી ગયું છે. યુરોપિયન યુનિયનનું ૭૫૦ અબજ યુરોનું પૅકેજ અને અમેરિકામાં આર્થિક સહાયની મુદત લંબાવવા માટે ફરી કૉન્ગ્રેસમાં ચર્ચા શરૂ થઈ રહી છે

ગોલ્ડ
ગોલ્ડ

સોના અને ચાંદીના ભાવમાં તેજીને વધુ એક પરિબળ મળી ગયું છે. યુરોપિયન યુનિયનનું ૭૫૦ અબજ યુરોનું પૅકેજ અને અમેરિકામાં આર્થિક સહાયની મુદત લંબાવવા માટે ફરી કૉન્ગ્રેસમાં ચર્ચા શરૂ થઈ રહી છે એવા અહેવાલ વચ્ચે સોના અને ચાંદી ગઈ કાલે ફરી વધ્યાં હતાં. ડૉલરમાં નરમ હવામાન અને પુષ્કળ નાણાપ્રવાહિતા વચ્ચે ઘટી રહેલા યીલ્ડનો પણ સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સતત છ સપ્તાહથી સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું શુક્રવારે ૦.૫૪ ટકા અને ચાંદી ૦.૯૮ ટકા વધી હતી. આજે કોમે‍ક્સ ખાતે સોનું ઑગસ્ટ વાયદો ૦.૪૭ ટકા કે ૮.૫૦ ડૉલર વધી ૧૮૧૮.૫૦ અને હાજરમાં એ ૦.૩૬ ટકા અને ૬.૫૨ ડૉલર વધી ૧૮૧૬.૯૪ પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૧.૮૫ ટકા કે ૩૭ સેન્ટ વધી ૨૦.૧૩ ડૉલર અને હાજરમાં ૧.૯૭ ટકા કે ૩૮ સેન્ટ વધી ૧૯.૭૧ ડૉલરની સપાટી પર છે. સોનું નવ વર્ષની અને ચાંદી ૧૧ મહિનાની ઊંચી સપાટી પર છે.

ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં વૃદ્ધિ

ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક બજારની હલચલની અસર જોવા મળી રહી હતી. જોકે, ડૉલર સામે રૂપિયો વધ્યો હોવાથી ભાવમાં બહુ મોટો વધારો જોવા મળ્યો નહોતો. ભારતમાં હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૫ વધી ૫૦,૯૩૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૦,૮૭૫ રૂપિયાના ભાવે સ્થિર રહ્યું હતું. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૯૧૦ ખૂલી, ઉપરમાં ૪૮,૯૯૩ અને નીચામાં ૪૮,૮૫૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૨ ઘટીને ૪૮,૯૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૫૪૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૦૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૧ ઘટીને બંધમાં ૪૮,૯૭૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ૩૮૦ વધી ૫૪,૧૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૯૫ વધી ૫૪,૦૭૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૨,૮૧૯ ખૂલી, ઉપરમાં ૫૩,૧૭૮ અને નીચામાં ૫૨,૭૩૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૯૪ વધીને ૫૩,૦૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૫૮ વધીને ૫૩,૧૩૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૬૨ વધીને ૫૩,૧૨૯ રૂપિયા બંધ રહ્યા હતા.

૭૫૦ અબજ યુરોના પૅકેજની સોનાના ખેલાડીઓને આશા

કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપ વચ્ચે યુરોપિયન સંઘની બે દિવસની બેઠકમાં ૭૫૦ અબજ યુરોના પૅકેજની ચર્ચા ચાલુ થઈ છે. આ પૅકેજ અર્થતંત્રનને વેગવંતું બનાવવા માટે વિચારવામાં આવી રહ્યું છે. વધારે સ્ટિમ્યુલસ પૅકેજથી બજારમાં વધુ નાણાપ્રવાહિતા આવશે અને એનાથી યીલ્ડમાં ઘટાડો થશે અને સોનામાં રોકાણ વધારે આકર્ષક બનશે એવી આશા રાખવામાં આવી રહી છે.

દરમિયાન, અમેરિકામાં પણ સરકાર કોરોના વાઇરસની સહાય લંબાવવા માટે કે એમાં વૃદ્ધિ કરવા માટે વિચારી રહ્યું હોવાથી પણ બજારને ટેકો મળી રહ્યો છે.

સોનું ૨૦૧૧ની વિક્રમી સપાટીને પાર કરી જશે

સિટી ગ્રુપની આગાહી અનુસાર બજારમાં જે રીતે પરિબળો જોવા મળી રહ્યાં છે એ અનુસાર સોનાના ભાવ ૨૦૧૧ની સર્વાધિક ઊંચી સપાટી ૧૯૧૭ ડૉલર કરતાં પણ આગળ વધી જશે. સોનાના ભાવ વધવા માટે હળવા વ્યાજના દર, પુષ્કળ નાણાપ્રવાહિતા, બોન્ડના ઘટી રહેલા યીલ્ડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં જોવા મળી રહેલા વિક્રમી પ્રવાહ જેવાં કારણો જવાબદાર છે. સિટી બૅન્કના ઍનૅલિસ્ટે જણાવ્યું હતું કે આગામી છથી નવ મહિનામાં સોનાના ભાવ સર્વકાલીન ઊંચી સપાટીએ હશે અને એવી ૩૦ ટકા સંભાવના છે કે ભાવ ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પણ પાર કરી જાય. સિટી ગ્રુપના અહેવાલ અનુસાર જી૧૦ રાષ્ટ્રોમાં મોટા ભાગનાં ચલણોમાં સોનાના ભાવ સર્વકાલીન ઊંચી સપાટીએ છે. માત્ર ડૉલરની રીતે ભાવ હજી વિક્રમી સપાટીએ પહોંચવાના બાકી છે.

ચાંદી ૨૫ ડૉલરની સપાટી પાર કરશે

સોનાની સાથે ચાંદીના ભાવની આગાહી કરતાં સિટી ગ્રુપનો અહેવાલ જણાવે છે કે આગમી ૬થી ૧૨ મહિનામાં ભાવ ૨૫ ડૉલર અને શક્ય છે કે ૩૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પણ પાર કરી શકે. ચાંદીની ઐતિહાસિક ઊંચી સપાટી ૪૮ ડૉલર પ્રતિ ઔંસની છે અને છેલ્લે સિટી બૅન્કની આગાહી જેટલા ઊંચા ભાવ ૨૦૧૩માં જોવા મળ્યા હતા. લૉકડાઉન બાદ અર્થતંત્ર ફરી ખૂલી રહ્યાં છે ત્યારે ઉદ્યોગોમાં વધારે વપરાતી ચાંદીની માગ વધી શકે છે. અત્યારે માગ કરતાં પુરવઠો ઓછો હોવાથી એમાં વધારો થવાની શક્યતા છે.

ડૉલરમાં નરમ હવામાનથી રૂપિયો વધ્યો

વૈશ્વિક બજારમાં ચાર મહિનાથી સેફ હેવન એટલે કે ડરના સમયમાં સ્વર્ગ ગણાતી કરન્સી ડૉલરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજારમાં પુષ્કળ નાણાપ્રવાહિતાના કારણે શૅરબજાર અને સોના તરફ પૈસાનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે યુરોપિયન યુનિયનમાં વધુ એક પૅકેજની ચર્ચા વચ્ચે યુરો ગઈ કાલે ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો. દરમિયાન છ મુખ્ય ચલણ સામે અમેરિકન ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૯૫.૮૮૫ની સપાટીએ છે. ગઈ કાલે એમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે.

ડૉલરમાં નરમ હવામાન, ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવ અને શૅરબજારમાં વિદેશી સંસ્થાઓની ખરીદી વચ્ચે ભારતીય ચલણ રૂપિયો ગઈ કાલે ડૉલર સામે વધીને બંધ આવ્યો હતો. ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ૭૪.૯૨ની સપાટીએ વધીને ખુલ્યો હતો અને એ વધુ ઊછળી ૭૪.૮૯ થઈ દિવસના અંતે આગલા બંધ કરતાં ૧૧ પૈસા વધી ૭૪.૯૧ની સપાટીએ બંધ આવ્યો હતો. ગયા સપ્તાહમાં રૂપિયો ડૉલર સામે ૧૮ પૈસા વધ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK