દાયકાની સૌથી મોટી તેજી પછી વૈશ્વિક સોનામાં પ્રોફિટ બુકિંગ

Published: Mar 26, 2020, 13:48 IST | Bullion Watch | Mumbai

બે દિવસમાં ૧૮૨ ડૉલરની દાયકાની સૌથી મોટી તેજી પછી સોનાના ભાવમાં બુધવારે વૈશ્વિક બજારમાં આંશિક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.

ગોલ્ડ
ગોલ્ડ

બે દિવસમાં ૧૮૨ ડૉલરની દાયકાની સૌથી મોટી તેજી પછી સોનાના ભાવમાં બુધવારે વૈશ્વિક બજારમાં આંશિક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. મંગળવારે ડૉ. જોન્સ અને બુધવારે એશિયા અને યુરોપમાં શૅરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. અમેરિકાના સૅનેટે કોરોના વાઇરસના કારણે ખાનગી કંપનીઓ અને લોકોને આર્થિક મદદ માટે બે લાખ કરોડ ડૉલરના પૅકેજની સહમતી આપી છે. આ પૅકેજ ઉપર આજે સૅનેટમાં મતદાન થશે પછી તેની વિગતો જાહેર થશે. શૅરબજારમાં મંગળવારે જોવા મળેલી તેજીના કારણે હવે શૅર તરફ આકર્ષણ વધી શકે તેવી ધારણાએ સોનામાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.

વૈશ્વિક બજારમાં બુધવારે કૉમેકસ જૂન સોનાનો વાયદો ૧.૬૯ ટકા કે ૨૮.૧૦ ડૉલર ઘટી ૧૬૩૫.૨૦ ડૉલર અને હાજરમાં ૧.૨૮ ટકા કે ૨૦.૯૬ ડૉલર ઘટી ૧૬૧૧.૩૬ ડૉલર પ્રતિ ઔંસ હતા. ચાંદીનો મે વાયદો ૧.૨૧ ટકા કે ૧૭ સેન્ટ વધી ૧૪.૪૩ ડૉલર અને હાજરમાં ૦.૦૭ ટકા કે ૧ સેન્ટ ઘટી ૧૪.૨૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

જોખમ લેવા તૈયારી

ફેડરલ રિઝર્વની અસીમિત ખરીદી અને હવે અમેરિકન સરકારના બે લાખ કરોડના પૅકેજના કારણે ફરી કેટલાક ટ્રેડર્સ પોતાની મૂડી સોનામાંથી શૅરબજારના જોખમી વાતાવરણમાં રોકવા તૈયાર હોવાના કારણે ૪૮ કલાક ચાલેલી સોનાની દાયકાની સૌથી મોટી તેજી બાદ અટકી છે. ટ્રેડર્સ વેચાણ કરી રહ્યા છે અને તેનો નફો શૅરબજારમાં રોકવામાં આવે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે એટલે થોડો સમય સોનાની તેજી અટકે તેવી શક્યતા છે. જોકે ગોલ્ડમાં રિફાઇનરી બંધ હોવાથી નવો પુરવઠો અટકી શકે છે અને વિશ્વ મંદી તરફ આગળ વધી રહ્યું હોવાથી સોનાના ભાવમાં તેજી આજે નહીં તો ભવિષ્યમાં ચોક્કસ આવશે એવું માનતો વર્ગ પણ છે.

વૈશ્વિક બજારમાં ભાવની મૂંઝવણ

સ્વિટ્ઝરલૅન્ડ દ્વારા વાઇરસની અસરના કારણે કેટલીક ગોલ્ડ રિફાઇનરી બંધ કરવાની જાહેરાત કરતાં સોનાનો પુરવઠો અટકી જશે એવી ગણતરીએ પણ તેજીને બળ મળી રહ્યું છે. આ ઉપરાંત લંડનમાં લૉકડાઉનના કારણે હાજરમાં ટ્રેડિંગ અટકી પડ્યું હતું એટલે તેજીવાળાએ કૉમેકસમાં પોતાની ખરીદી શરૂ કરી હતી અને તેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો હતો. લંડન બજારમાં અત્યારે હાજરમાં કામકાજ અટકી ગયાં છે. આના કારણે હાજર અને વાયદાના ભાવમાં એક તબક્કે ૧૦૦ ડૉલર જેટલો મોટો તફાવત હતો. ટ્રેડિંગમાં તકલીફ પડી રહી હોવાથી અને ઊભી થયેલી મૂંઝવણના લીધે પણ વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ હાજર અને વાયદામાં ૨૪ ડૉલરનો તફાવત જોવા મળી રહ્યો છે.

દરમ્યાન ટ્રેડિંગની તકલીફને લીધે લંડન બુલિયન અસોસિએશન દ્વારા કૉમેકસમાં ૪૦૦ ઔંસના બારની ડિલિવરી માટે વિનંતી કરવામાં આવી છે. કૉમેકસ માત્ર ૧૦૦ ઔંસના બારની ડિલિવરી જ આપે છે. હાજર અને વાયદાની આ લડાઈમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી હોવાથી પણ તેજીનો ઊભરો શમી ગયો હોવાની વાત ચાલી રહી છે.

ભારતમાં સોનાનો ભાવ વધ્યો

ઇન્ડિયન બુલિયન અને જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ (ટૅક્સ સિવાય)ના ભાવમાં પણ સોનાનો ભાવ વધી ગયો છે. સોનાના હાજરના ભાવમાં ૧૧૭૦ રૂપિયાનો અને ચાંદીના ભાવમાં ૫૭૫ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. લૉકડાઉનના કારણે હાજર બજાર બંધ છે, પણ ત્રણ દિવસમાં સોનાનો ભાવ ખાનગીમાં ૧૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વધી ગયો છે. આજે અમદાવાદ ખાતે સોનું ૪૪,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો.

સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧,૩૭૯ ખૂલી, ઉપરમાં ૪૨,૭૮૫ અને નીચામાં ૪૦,૮૧૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨૦ વધીને ૪૨,૩૯૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦૭૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૫,૬૩૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૪ વધીને ૧ ગ્રામદીઠ ૪૦૯૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૩૫ વધીને બંધમાં ૪૨,૪૦૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૦,૫૪૦ ખૂલી, ઉપરમાં ૪૧,૫૯૭ અને નીચામાં ૪૦,૫૪૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૪૦ વધીને ૪૦,૮૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૩૪૫ વધીને ૪૦,૯૦૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ ૪૪૯ વધીને ૪૧,૨૨૪ રૂપિયા બંધ રહ્યા હતા. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK