Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > 9 દિવસથી સોનાના વધી રહેલા ભાવ પર પ્રૉફિટ-બુકિંગની લાગી બ્રેક

9 દિવસથી સોનાના વધી રહેલા ભાવ પર પ્રૉફિટ-બુકિંગની લાગી બ્રેક

31 July, 2020 01:42 PM IST | Mumbai
Bullion Watch

9 દિવસથી સોનાના વધી રહેલા ભાવ પર પ્રૉફિટ-બુકિંગની લાગી બ્રેક

ગોલ્ડ

ગોલ્ડ


વૈશ્વિક બજારમાં ૯ દિવસથી સતત વધી રહેલા સોનાના ભાવમાં આજે પ્રથમ ઘટાડો જોવા મળ્યો હતો. આ ૯ દિવસમાં સોનું ૭.૯૨ ટકા વધ્યું હતું. સોનાની પાછળ ચાંદી પણ ઘટી હતી અને એમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સતત ઉછાળા વચ્ચે ભાવમાં પ્રૉફિટ-બુકિંગથી બજારમાં કોઈ ચિંતા ટ્રેડર્સ વ્યક્ત કરી રહ્યા નથી. અમેરિકન બજાર ખૂલ્યાં ત્યારે અમેરિકાની જીડીપી અન જૉબલેસ ક્લેમના આંકડા જાહેર થયા હતા, જે સોનાના ભાવમાં તેજીને બળ આપી શકે એમ છે. આર્થિક રિકવરી મોડી આવશે એવી ધારણાએ ચાંદીમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આજે વૈશ્વિક રીતે પ્રથમ ૬ મહિનામાં સોનાના માગ અન પુરવઠાના આંકડા જાહેર થયા હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આ અહેવાલ અનુસાર કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના બીજા ક્વૉર્ટર એટલે કે એપ્રિલથી જૂન દરમ્યાન વિશ્વમાં સોનાની માગ ૧૧ ટકા ઘટી ૧૦૧૫ ટન રહી હતી. પ્રથમ ક્વૉર્ટરમાં માગ એક ટકો વધીને ૧૦૮૩.૮ ટન રહી હોવાથી સમગ્ર ૬ મહિનામાં વિશ્વમાં માગ ૬ ટકા ઘટીને આવી છે. ઘરેણાંની માગ ૩૯ ટકા અને બીજા ક્વૉર્ટરમાં ૪૬ ટકા ઘટી હતી. આ ઉપરાંત વિશ્વના બે સૌથી મોટા વપરાશકર ચીન અને ભારતમાં પણ માગ ઘટી છે જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર જોવા મળી હતી. પણ ગ્રાહકોની માગ કરતાં ઈટીએફની માગ વધારે મજબૂત હોવાથી એની બહુ લાંબો સમય અસર રહેશે નહીં એવી માન્યતા છે.



આજે કૉમેક્સમાં ડિસેમ્બર સોનું વાયદો ૦.૫૧ ટકા કે ૧૦ ડૉલર ઘટી ૧૯૬૬.૭૦ અને હાજરમાં સોનું ૦.૭૬ ટકા કે ૧૯૫૫.૭૮ ડૉલરની સપાટીએ છે. બીજી ઑગસ્ટે પૂરો થઈ રહેલો ઑગસ્ટ વાયદો પણ ૪.૯૦ ડૉલર ઘટી ૧૯૪૮.૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


ભારતમાં પણ સોનાના ભાવ હાજર વાયદામાં નરમ

ઇતિહાસની સર્વોચ્ચ સપાટીએ ભારતમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવમાં સ્થિરતાનો પ્રયત્ન થઈ રહેલો હોય એવું લાગી રહ્યું છે. મુંબઈમાં હાજરમાં સોનું ૭૫ ઘટી ૫૪,૯૬૫ અને અમદાવાદમાં ૮૦ ઘટી ૫૪૯૩૫ રૂપિયાની સપાટી પર હતું. ભારતમાં છેલ્લા થોડા દિવસથી ભાવ સતત વધી રહ્યા છે, પણ બજારમાં હાજરમાં ગ્રાહકોની ખરીદી બિલકુલ અટકી ગઈ છે એટલે ભાવ ઘટે તો ગ્રાહકો બજારમાં પાછા ફરે એવી ધારણા છે.


એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૩૩૯૦ ખૂલી, ઉપરમાં ૫૩૪૨૯ અને નીચામાં ૫૨૭૫૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૦૫ ઘટીને ૫૨૯૮૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૭ વધીને ૮ ગ્રામદીઠ ૪૨૬૭૨ અને ગોલ્ડ-પેટલ જુલાઈ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૯ વધીને ૧ ગ્રામદીઠ ૫૩૧૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૮૨ ઘટીને બંધમાં ૫૨૯૨૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.

વૈશ્વિક ચાંદીમાં કડાકો, ભારતમાં પણ ૨૮૦૫ ઘટ્યા

વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં ગુરુવારે કડાકો બોલી ગયો હતો. ઘરેણાં કે રોકાણ કરતા ઉદ્યોગોમાં વધારે વપરાતી ચાંદી માટે આજે માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના અર્થતંત્રમાં ધારણા કરતાં ધીમી આર્થિક રિકવરી આવશે એવા ફેડરલ રિઝર્વના નિવેદન પછી આજે જાહેર થયેલા જીડીપીના આંકડા અને જૉબલેસ ક્લેમે એને ટેકો આપ્યો હતો અને એટલે ચાંદીમાં વધારે તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે કૉમેક્સમાં સપ્ટેમ્બર વાયદો ૪.૪૨ ટકા કે ૧.૦૮ ડૉલર ઘટી ૨૩.૨૫ અને હાજરમાં ૩.૪૪ ટકા કે ૮૪ સેન્ટ ઘટી ૨૩.૪૭ ડૉલર પ્રતિ ઔંસના ભાવ જોવા મળી રહ્યા છે.

ભારતમાં ચાંદીમાં હાજરમાં ભાવ ૨૮૦૫ ઘટી ૬૪,૦૨૦ અને અમદાવાદમાં ૨૭૯૫ ઘટી ૬૩૯૯૫ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૫૩૭૦ ખૂલી, ઉપરમાં ૬૫૩૭૦ અને નીચામાં ૬૧૯૪૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૬૬૩ ઘટીને ૬૨૬૯૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૫૮૪ ઘટીને ૬૨૮૨૯ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૫૮૭ ઘટીને ૬૨૮૧૯ રૂપિયા બંધ રહ્યા હતા.

તેજી માટેનાં કારણો

અમેરિકામાં અર્થતંત્ર ધારણા કરતાં વધારે સમય પછી બેઠું થશે એવું માનનારા વર્ગને આજે ટેકો મળ્યો હતો. ગયા શુક્રવારે જૉબલેસ ક્લેમ માટે અરજી કરનારા લોકોની સંખ્યા વધીને ૧૪.૩ લાખ થઈ હતી. ગયા સપ્તાહનો આંકડો પણ વધારી ૧૪.૨૨ લાખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમેરિકાનું અર્થતંત્ર પ્રથમ ક્વૉર્ટરમાં પાંચ ટકા ઘટ્યા પછી બીજા ક્વૉર્ટરમાં ૩૨.૯ ટકા ઘટ્યું હતું જે છેલ્લાં ૭૦ વર્ષમાં સૌથી મોટો ઘટાડો છે. આ બન્ને કારણો સોનામાં તેજી માટે બળ આપી શકે એમ છે, કારણ કે એનાથી વ્યાજના દર લાંબો સમય હળવા રહેશે અને સોનાનું આકર્ષણ વધી શકે. જોકે આજે આ જાહેરાત પછી સોનાના ભાવમાં કોઈ મોટો ઉછાળો આવ્યો હતો નહીં.

શૅરબજારની ઘટાડાની અસરથી રૂપિયો નરમ પડ્યો

વૈશ્વિક બજારમાં આજે ડૉલર એક તબક્કે વધ્યો હતો. શૅરબજારમાં ઘટાડો અને સોના-ચાંદીમાં પણ પ્રૉફિટ-બુકિંગને કારણે ડૉલર તરફ લોકો વળ્યા હતા. પણ એનો ઉછાળો ક્ષણજીવી રહ્યો હતો અને અમેરિકામાં બેરોજગારીમાં ફરી ઉછાળો આવ્યો હોવાના આંકડા અને જૂન ક્વૉર્ટરમાં અમેરિકન અર્થતંત્રમાં ઐતિહાસિક ઘટાડાને કારણે ડૉલર ફરી નબળો પડ્યો હતો. પળવારમાં જ ડૉલર ઇન્ડેક્સ ૦.૧૧ ટકા ઘટી ૯૩.૩૩૨ થઈ ગયો હતો.

ભારતીય ચલણ સામે મહિનાના અંતે આયાત-નિકાસના હિસાબની પતાવટ વચ્ચે ડૉલરની વધેલી માગ અને સ્થાનિક શૅરબજારમાં બીજા દિવસે પણ ઘટાડાની અસરથી ભારતીય રૂપિયો ડૉલર સામે ઘટીને બંધ આવ્યો હતો. બુધવારે ૭૪.૮૦ બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૮૪ની સપાટીએ ખૂલી દિવસ દરમ્યાન ૭૪.૮૦થી ૭૪.૮૮ વચ્ચે અથડાયો હતો. સાંકડી વધ-ઘટ બાદ દિવસના અંતે રૂપિયો ૪ પૈસા ઘટી ૭૪.૮૪ બંધ આવ્યો હતો. ભારતીય ફોરેક્સ માર્કેટ ચાલુ હતી ત્યારે ડૉલર પણ વૈશ્વિક બજારમાં વધેલો હતો. દરમ્યાન રૂપિયો આજે જૅપનીઝ યેન સામે વધ્યો હતો, પણ પાઉન્ડ અને યુરો સામે ઘટાડાનો દોર ચાલુ હતો.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2020 01:42 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK