Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ત્રણ દિવસના ઘટાડા પછી સોના-ચાંદીમાં આંશિક ખરીદીનો ટેકો

ત્રણ દિવસના ઘટાડા પછી સોના-ચાંદીમાં આંશિક ખરીદીનો ટેકો

21 November, 2020 11:28 AM IST | Mumbai
Bullion Watch

ત્રણ દિવસના ઘટાડા પછી સોના-ચાંદીમાં આંશિક ખરીદીનો ટેકો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ત્રણ દિવસના સતત ઘટાડા પછી આજે સોના અને ચાંદીમાં મહત્ત્વના સ્તર ઉપર ખરીદી નીકળતા ટકી રહેલા જોવા મળી રહ્યા છે. આમ છતાં સાપ્તાહિક રીતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહે સોનાના ભાવ વૈશ્વિક બજારમાં ૨૦ ડૉલર અને ચાંદી લગભગ ૫૦ સેન્ટ જેટલી ઘટેલી છે. ત્રણ દિવસના ઘટાડા બાદ અમેરિકન ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે જેના કારણે સોના અને ચાંદીની વૃદ્ધિ ઉપર બ્રેક લાગેલી છે.

અમેરિકામાં બે વિરોધાભાસી અહેવાલ વચ્ચે સોના અને ચાંદીના ભાવ અથડાઈ રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચીને ફેડરલ રિઝર્વને સૂચના આપી છે કે કોરોના મહામારીના સમયમાં વિવિધ સંસ્થાઓએ આપવામાં આવેલી નાણાકીય સહાય પરત કરવામાં આવે. બીજી તરફ સેનેટ લીડર મીચ મેકોનેલે નવા ડેમોક્રેટ સાથે ઑગસ્ટ મહિનામાં પૂર્ણ થયેલા આર્થિક પૅકેજ અને ચૂંટણી પહેલાં પડી ભાંગેલી વાટાઘાટ ફરી શરૂ કરવા અપીલ કરી છે. ફેડરલ રિઝર્વ મહામારીના સમયમાં આપેલી મદદ પરત કરે તો અમેરિકામાં ટ્રેઝરીના વ્યાજના દર વધી શકે છે જેનાથી સોનાના ભાવને ટેકો મળી શકે. સામે નવું સ્ટિમ્યુલસ આવે તો બજારમાં જોખમ લેવા માટે સોનાની સામે શૅરબજાર તરફ રોકાણકાર વળી શકે છે.



સોનું ડિસેમ્બર વાયદો અત્યારે ૦.૨૭ ટકા કે ૫.૧૦ ડૉલર વધી ૧૮૬૬.૬૦ અને હાજરમાં ૦.૦૫ ટકા કે ૮૪ સેન્ટ વધી ૧૮૬૭.૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી માર્ચ વાયદો ૦.૯૧ ટકા કે ૨૨ સેન્ટ વધી ૨૪.૩૯ ડૉલર અને હાજરમાં ૦.૪૬ ટકા કે ૧૧ સેન્ટ વધી ૨૪.૧૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.


ટેક્નિકલ ચાર્ટ ઉપર સોનાનો વાયદો નવેમ્બર મહિનાની નીચી સપાટી ૧૮૪૦ ડૉલર પ્રતિ ઔંસની ઉપર રહે એ જરૂરી છે. એવી ધારણા છે કે જો આ સપાટી આવે તો વેચવાલી વધારે ઉગ્ર બની શકે છે.

સોના અને ચાંદીના ઘટતા ભાવને ટેકો મળ્યો


ભારતમાં આજે હાજર બજારમાં સોનાના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીના ભાવમાં વૃદ્ધિ હતી. મુંબઈ અને અમદાવાદ ખાતે હાજરમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂપિયા દસ વધ્યું હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૦૪૧ ખૂલી, ઉપરમાં ૫૦,૧૯૭ અને નીચામાં ૪૯,૮૫૭ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૫૧ વધીને ૫૦,૦૪૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૦ વધીને ૮ ગ્રામદીઠ ૪૦,૨૨૨ અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૧૨ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૩૯ થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૯ વધીને બંધમાં ૫૦,૧૨૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર૪૫૦ વધી ૬૩,૯૦૦ અને અમદાવાદ ખાતે ૪૬૫ વધી ૬૩,૮૫૦ પ્રતિ કિલો બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૧,૬૧૦ ખૂલી ઉપરમાં ૬૨,૦૯૦ અને નીચામાં ૬૧,૫૬૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૪૨૯ વધીને ૬૧,૯૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૪૦૧ વધીને ૬૧,૯૨૮ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૩૯૩ વધીને ૬૧,૯૧૨ રૂપિયા બંધ રહ્યા હતા.

આ સપ્તાહે ડૉલર સામે રૂપિયો ૪૬ પૈસા વધ્યો

ભારતીય શૅરબજારમાં વિક્રમી ઉછાળા અને જંગી રીતે વિદેશી ફન્ડસ આવી રહ્યા હોવાથી ભારતીય રૂપિયો ડૉલર સામે એક સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યો હતો. કોરોનાની વેક્સિનની સફળતાના કારણે ઈમર્જિંગ અર્થતંત્ર તરફ ડૉલરનો પ્રવાહ વધી રહ્યો છે અને વિશ્વનું આર્થિક ચિત્ર પણ સુધરી રહ્યું હોવાથી પણ રૂપિયાને ડૉલર સામે ટેકો મળી રહ્યો છે. ગુરુવારે ડૉલર સામે ૭૪,૨૭ બંધ રહેલો રૂપિયો આજે વધીને ૭૪.૧૫ ખૂલ્યો હતો અને વધીને ૭૪.૦૯ થયા બાદ દિવસના અંતે ૧૧ પૈસા વધી ૭૪.૧૬ બંધ આવ્યો હતો જે છેલ્લા એક સપ્તાહની ઉપરની સપાટી છે. આ સપ્તાહે ડૉલર સામે રૂપિયો ૪૬ પૈસા વધ્યો છે.

અમેરિકામાં ચાંદીના સિક્કા, બારની માગ ૬૨ ટકા વધશે, ભારતમાં ૨૦ ટકા ઘટશે

ચાંદી સિક્કા અને બારની વિશ્વની સૌથી મોટી બજાર અમેરિકામાં હાજરમાં માગ ૬૨ ટકા વધવાના કારણે કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં ચાંદીની હાજર માગ ૨૭ ટકા વધી ૨૩.૬૮ કરોડ ઔંસ રહે એવી શક્યતા ઇન્ટરનૅશનલ સિલ્વર ઇન્સ્ટિટયુટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ચાંદીના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે એવી ધારણાએ હાજરમાં ચાંદીની ખરીદી તરફ આકર્ષણ વધી રહ્યું છે.

જોકે વિશ્વની ચાંદીની બીજી સૌથી મોટી બજાર ભારતમાં ચાંદીની માગ ઘટી હોવાનું ઇન્સ્ટિટયુટે નોંધ્યું છે. ઇન્ટરનૅશનલ સિલ્વર ઇન્સ્ટિટયુટ અનુસાર ભારતમાં ઊંચા ભાવ અને આર્થિક મંદીના કારણે માગ ૨૦ ટકા જેટલી ઘટે એવી શક્યતા છે.

સોનાની જેમ ચાંદીમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)ના કારણે ખરીદી વધી રહી છે અને ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. ચાંદીમાં તા.૧૩ નવેમ્બર સુધીમાં ઈટીએફમાં વધારાની ૩૨.૬ કરોડ ઔંસની માગ જોવા મળી છે જેના કારણે વૈશ્વિક રીતે ઈટીએફ પાસે કુલ અસ્ક્યામત એક અબજ ઔંસને પાર થઈ ગઈ છે. આ વર્ષે કુલ ૩૫ કરોડ ઔંસનો ઈટીએફમાં ઉમેરો થશે અને વર્ષના અંતે ૧.૦૬૨ અબજ ઔંસની અસ્કયામત જોવા મળે એવી શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 11:28 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK