ડૉલરની વૃદ્ધિ અને બૉન્ડના યીલ્ડ વધતાં સોના-‌ચાંદીમાં ઉછાળો ટકી શક્યો નહીં

Published: 23rd October, 2020 09:52 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક બજારમાં બુધવારે જોવા મળેલા ઘટાડા પછી આજે પણ નરમ હવામાન રહેતાં ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં સ્ટિમ્યુલસ માટે સમય પસાર થઈ રહ્યો છે. થોડા દિવસોમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ થશે એટલે વધી રહેલી અનિશ્ચિતતામાં અને ધારણા કરતાં સારા જૉબલેસ ક્લેમના આંકડા આવતાં ૬ સપ્તાહની નીચી સપાટીથી અમેરિકન ડૉલરમાં ઉછાળો આવતાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડા સાથે સોનું ફરી ૧૯૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

બુધવારે અમેરિકામાં સોનાનો વાયદો ૦.૭૪ ટકા અને ચાંદી ૧.૦૪ ટકા વધ્યાં હતાં. ડૉલરની નબળાઈને કારણે સોનું અને ચાંદી બન્ને એક સપ્તાહની ઉપરની સપાટી પર પહોંચ્યા હતા, પણ આજે ફરી મજબૂત આંકડા, અમેરિકામાં સ્ટિમ્યુલસની આશા ધૂંધળી થઈ રહી છે, બૉન્ડના યીલ્ડ વધી રહ્યા છે એટલે ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજે ડૉલર ઇન્ડેક્સ પણ ૦.૨૪ ટકા વધી ૯૨.૮૨૩ની સપાટીએ હતો એટલે સોનું નરમ રહ્યું હતું.

બુધવારે અમેરિકન ડૉલર નબળો હતો અને ઑક્ટોબર મહિનામાં વિશ્વનાં ૬ અગ્રણી ચલણો સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૧.૧ ટકા જેટલો ઘટ્યો છે. ડૉલરના ભાવ ઘટે તો સોનાની ખરીદી સસ્તી બને છે. અન્ય ચલણમાં એની ખરીદી પણ આકર્ષક બને છે, પણ ડૉલર સામે બૉન્ડના યીલ્ડ હવે સમસ્યા કરી રહ્યા છે. અમેરિકન બૉન્ડ યીલ્ડ વધી રહ્યા છે એટલે એવું સૂચિત થાય છે કે રોકાણકાર નરમ યીલ્ડ કે શૂન્ય યીલ્ડની ચીજોથી દૂર જઈ રહ્યા છે એટલે સોના અને ચાંદીના ભાવમાં વૃદ્ધિ અટકી રહી છે.

ગુરુવારે અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે કૉમેક્સ પર સોનું વાયદો ૧.૧૩ ટકા કે ૨૧.૮૦ ડૉલર ઘટી ૧૯૦૭.૭ અને હાજરમાં ૦.૯૭ ટકા કે ૧૮.૭૪ ડૉલર ઘટી ૧૯૦૫.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતો. ચાંદી વાયદો ૧.૬૭ ટકા કે ૪૨ સેન્ટ ઘટી ૨૪.૮૨ અને હાજરમાં ૧.૨૦ ટકા કે ૩૦ સેન્ટ ઘટી ૨૪.૭૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ધારણા કરતાં ઓછા જૉબલેસ ક્લેમના આંકડા

આજે અમેરિકામાં જૉબલેસ ક્લેમ એટલે કે બેરોજગારી સામે રક્ષણ આપતા ભથ્થું મેળવવાના આંકડા જાહેર થયા હતા. ગયા સપ્તાહે ૭.૮૭ લાખ લોકોએ આને માટે અરજી કરી હતી જે ૮.૬૦ લાખની ધારણા કરતાં ઘણા સારા આંકડા હતા. આ ઉપરાંત એના અગાઉના સપ્તાહના પ્રાથમિક ૮.૯૮ લાખના જૉબલેસ ક્લેમના આંકડાને પણ સુધારીને ૮.૪૨ લાખ કરવામાં આવ્યા હતા. ધારણા કરતાં સારા આંકડાને લીધે એવું ફલિત થાય છે કે અમેરિકન અર્થતંત્ર મજબૂતી તરફ આગળ  વધી રહ્યું છે. કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલા લૉકડાઉની અસર ખતમ થઈ રહી છે જેનાથી સોનાના ભાવમાં ઘટાડાતરફી દબાણ આવી શકે છે.

વૈશ્વિક બજાર પાછળ ભારતમાં પણ સોના-ચાંદીની તેજીનાં વળતાં પાણી

વૈશ્વિક બજારમાં બુધવારે જોવા મળેલા ઘટાડા પછી આજે પણ નરમ હવામાન રહેતાં ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજરમાં મુંબઈમાં સોનું ૩૬૦ ઘટી ૫૨,૯૦૦ અને અમદાવાદમાં ૩૫૫ ઘટી ૫૨,૮૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૧૯૯ ખૂલી, ઉપરમાં ૫૧,૧૯૯ અને નીચામાં ૫૧,૦૫૩ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૨૭ ઘટીને ૫૧,૧૦૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૯૮૨ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે રૂ.૧૭ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૫૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૧૫ ઘટીને બંધમાં ૫૧,૦૯૮ રૂપિયાના ભાવ રહ્યા હતા. 

હાજરમાં મુંબઈ ચાંદી ૧૨૦૫ ઘટી ૬૩,૭૮૦ અને અમદાવાદમાં ૧૨૧૦ ઘટી ૬૩,૭૪૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૩,૧૧૧ ખૂલી, ઉપરમાં ૬૩,૨૫૦ અને નીચામાં ૬૨,૭૬૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૬૦૭ ઘટીને ૬૩,૦૨૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૬૦૯ ઘટીને ૬૩,૦૦૭ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૬૦૩ ઘટીને ૬૩,૦૦૭ બંધ રહ્યા હતા. દરમ્યાન કીમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સનો નવેમ્બર વાયદો ૧૫,૬૮૭ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૭૩૮ અને નીચામાં ૧૫,૬૮૭ના સ્તરને સ્પર્શી ૫૧ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રના અંતે ૭૭ પૉઇન્ટ ઘટી ૧૫,૭૧૫ના મથાળે ટ્રેડ થઈ રહ્યો હતો.

ત્રણ દિવસના ઘટાડા બાદ ડૉલર સામે રૂપિયો વધ્યો

સતત ત્રણ દિવસ સુધી ડૉલર સામે નરમ રહેલો રૂપિયો આજે વધ્યો હતો. ત્રણ દિવસમાં ૨૩ પૈસા ઘટી ૭૩.૫૮ બંધ આવેલો રૂપિયો આજે એક તબક્કે ૭૩.૭૭ ખૂલ્યો હતો અને પછી વધીને ૭૩.૫૩ થઈ દિવસના અંતે ચાર પૈસા વધી ૭૩.૫૪ બંધ આવ્યો હતો. નિકાસકારોએ ડૉલર સામે રૂપિયાની નબળાઈનો લાભ લઈ ડૉલર વેચ્યા હતા એને કારણે રૂપિયાની માગ વધી હતી એટલે એમાં વૃદ્ધિ જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસથી ડૉલરના વૈશ્વિક રૂખ સામે ભારતીય ચલણની ચાલ વિપરીત રહે છે. ડૉલર નરમ પડે છે ત્યારે રૂપિયો પણ નરમ પડે છે અને ડૉલર વધે છે ત્યારે રૂપિયો પણ વધે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK