ભારતમાં સોનામાં 605, ચાંદીમાં 2010 રૂપિયા કડાકો

Published: 8th October, 2020 10:02 IST | Bullion Watch | Mumbai

સ્ટિમ્યુલસની ચર્ચા ચૂંટણી પછી એવી ટ્રમ્પની જાહેરાતથી સોના અને ચાંદી તૂટ્યાં

ગોલ્ડ
ગોલ્ડ

અમેરિકામાં સ્ટિમ્યુલસ અંગેની ચર્ચા ચૂંટણી પછી જ થશે એવા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના ટ્વીટ પછી અમેરિકન શૅર અને સોના અને ચાંદીમાં વેચવાલી આવી હતી. બૉન્ડના યીલ્ડ અને અમેરિકન ડૉલર વધ્યા હતા. આ વેચવાલી બાદ બુધવારે સોના અને ચાંદીના ભાવ સ્થિરતા માટે મથી રહ્યા છે. જોકે ભારતમાં હાજરમાં સોનું ૬૦૫ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૦૧૦ રૂપિયા પ્રતિ કિલો તૂટ્યાં હતાં.

બે સપ્તાહની ઊંચી સપાટીથી ભાવ ફરી ટેક્નિકલ રીતે મંદી કે વધુ વેચવાલીના સ્તર સુધી પહોંચી ગયા છે. અમેરિકન ડૉલર મંગળવારે ૦.૩૭ ટકા ઊછળ્યો હતો અને બૉન્ડના યીલ્ડ ચાર મહિનામાં સૌથી ઊંચી સપાટીએ હતા. જોકે ગઈ કાલે ડૉલરમાં આંશિક ઘટાડો જોવા મળતા અને વૈશ્વિક બજારમાં સ્ટિમ્યુલસ સિવાયની ચીજો ઉપર બજારનું ફોકસ વધતાં સોનું અને ચાંદી સ્થિર થવા મથી રહ્યાં છે.

અત્યારે સોનાના ભાવમાં અન્ય કૉમોડિટી જેવી વધઘટ જોવા મળી રહી છે. શૅરબજારની સાથે તેમાં વૃદ્ધિ જોવા મળે છે અને તેમાં વેચવાલીની સાથે ઘટાડો જોવા મળે છે. સામાન્ય રીતે મંદીના સંજોગોમાં, આર્થિક કે રાજકીય રીતે અનિશ્ચિત વાતાવરણ સોનાની રોકાણ માટેની સ્વર્ગ તરીકેની ચળકાટ વધારે તેજ બનાવે છે, પણ હાલ તેમાં ડરની સાથે વેચવાલી આવે છે અને લાલચની સાથે તેજી જોવા મળી રહી છે. ટેક્નિકલ રીતે સોનું ૧૮૫૮ ડૉલર અને ૧૯૪૧ ડૉલરની વચ્ચે અથડાય તેવી સ્થિતિમાં છે. જો સોનું ૧૮૪૮ ડૉલરની સપાટી તોડે તો તેમાં વધારે વેચવાલી આવી શકે છે.

મંગળવારે અમેરિકન બજારમાં ટ્રમ્પના ભૂકંપ પછી શૅરબજારમાં આવેલી વેચવાલીના સ્થાને સોનું પણ ૨.૧ ટકા ઘટી ૧૮૭૮.૨૦ ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદીનો વાયદો ૨.૬૦ ટકા ઘટી ૨૩.૯૨૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર બંધ રહ્યા હતા. ગઈ કાલે અમેરિકન સત્રમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૮૪ ટકા કે ૧૬ ડૉલર ઘટી ૧૮૯૨.૮૦ અને હાજરમાં ૯.૪૮ ડૉલર વધી ૧૮૮૭.૬૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો વાયદો ૦.૫૩ ટકા કે ૧૩ સેન્ટ ઘટી ૨૩.૮૦ ડૉલર અને હાજરમાં ૫૨ સેન્ટ વધી ૨૩.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. મંગળવારે હાજર કરતાં રોકડમાં ભારે વેચવાલીના કારણે ગઈ કાલે બન્ને ભાવમાં સામસામા રાહ જોવા મળી રહ્યા છે.

ભારતમાં સોના અને ચાંદીમાં કડાકો

વૈશ્વિક બજારમાં અઢી ટકાના ઘટાડા બાદ ગઈ કાલે ભારતમાં પણ સોના અને ચાંદીમાં કડાકા બોલાયા હતા. હાજરમાં મુંબઈ ખાતે સોનું ૬૦૫ કે ૧.૧૪ ટકા ઘટી ૫૨,૨૭૦ અને અમદાવાદ ખાતે ૬૪૦ કે ૧.૨૧ ટકા ઘટી ૫૨,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. ચાંદી હાજરમાં મુંબઈ ખાતે ૩.૨૦ ટકા કે ૨૦૧૦ ઘટી ૬૦,૮૦૦ અને અમદાવાદ ખાતે ૨૦૧૦ કે ૩.૨૦ ટકા ઘટી ૬૦,૭૬૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો.

એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૨૭૦ ખૂલી, ઉપરમાં ૫૦,૩૬૧ અને નીચામાં ૪૯,૯૨૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૫૪૮ ઘટીને ૪૯,૯૭૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૩૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૪૧૭ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૫૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૦૭૩ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૩૯ ઘટીને બંધમાં ૫૦,૦૭૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૫૯,૮૫૦ ખૂલી, ઉપરમાં ૬૦,૩૮૦ અને નીચામાં ૫૯,૩૩૮ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૭૧ ઘટીને ૫૯,૫૦૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૧૦૫૭ ઘટીને ૫૯,૫૨૯ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૧૦૬૪ ઘટીને ૫૯,૫૩૬ રૂપિયા બંધ રહ્યા હતા.

સ્ટિમ્યુલસ આવશ્યક, પણ ટ્રમ્પની ના

અમેરિકન બજાર માટે મંગળવારે મિશ્ર સમાચાર મળ્યા હતા અને તેની મૂંઝવણમાં શૅરબજાર અને કૉમોડિટીઝમાં ઊંચા મથાળેથી કડાકા બોલાયા હતા. ડૉલર અચાનક વધવા માંડ્યો હતો અને ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ જૂન મહિના પછી સૌથી ઊંચી સપાટીએ આવી ગયા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરી જાહેરાત કરી હતી - નવા સ્ટિમ્યુલસ અંગેની ચર્ચાઓ પડી ભાંગી છે અને તે અંગે હવે નવેમ્બરની ચૂંટણી પછી જ વાત આગળ વધશે. અગાઉ ફેડરલ રિઝર્વની બેઠકની મીટિંગ અને ચૅરમૅન જેરોમ પોવેલની એક સ્પીચમાં એવું સ્પષ્ટ તારણ આવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે અમેરિકન અર્થતંત્રની રિકવરી અનિશ્ચિત છે અને એમાં સ્ટિમ્યુલસ જરૂરી છે. આ સંજોગોમાં ફેડરલ રિઝર્વ નેગેટિવ વ્યાજદરની નીતિ નહીં અપનાવે પણ રોજગારી સર્જન અને લોકોની ખરીદશક્તિ માટે તેમના હાથમાં નાણાં આપવા જરૂરી છે. ટ્રમ્પના ટ્વીટના કારણે આ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK