ભારતમાં સોનું 55,000ને પાર, ચાંદી 1940 રૂપિયા ઊછળી

Published: Jul 30, 2020, 07:20 IST | Bullion Watch | Mumbai

અમેરિકન ડૉલરની નબળાઈ વચ્ચે વૈશ્વિક સોનું ફરી મક્કમ

ગોલ્ડ
ગોલ્ડ

ફેડરલ રિઝર્વની બેઠક બાદ અમેરિકામાં વ્યાજદર અને નાણાપ્રવાહિતા વિશે ચૅરમૅન જેરોમ પોવેલ કેવું આંકલન કરે છે એના ઉર નજર અને સાવચેતી વચ્ચે સોના અને ચાંદીના ભાવ વધેલા જોવા મળ્યા છે. મંગળવારે ભારે પ્રૉફિટ બુકિંગ વચ્ચે ઑગસ્ટથી ખતમ થઈ રહેલા અમેરિકન નાગરિકોના આર્થિક પૅકેજ વિશે ટ્રમ્પ વહીવટી તંત્ર અને અન્ય રાજકીય પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા અંતે એના મતભેદથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. જો આર્થિક પૅકેજમાં વિલંબ થાય અથવા નાગરિકોને મળતી સહાયમાં ઘટાડો થાય તો આર્થિક મંદી વિકરાળ બની શકે છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે શૅરબજારની તેજી વચ્ચે સોનું ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી તોડતાં પહેલાં થોડો સમય સાંકડી વધઘટ વચ્ચે રહી શકે છે. ડૉલરમાં નબળાઈ પણ સોનાના ભાવને ટેકો આપી રહી છે.

વૈશ્વિક બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વિક્રમી સપાટી જોવા મળ્યા પછી પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સોનાનો વાયદો ૧૯૭૪ ડૉલર થયા પછી દિવસના અંતે ૧૯૪૪ની સપાટીએ બંધ આવ્યો હતો અને ચાંદી ૦.૭ ટકા ઘટીને બંધ આવી હતી. જોકે, ગઈ કાલે ફરી બન્ને ધાતુમાં તેજી જોવા મળી રહી છે.

ન્યુ યૉર્ક સત્રમાં કોમેક્સ ખાતે સોનું ઑગસ્ટ વાયદો ૦.૫૬ ટકા કે ૧૦.૯૦ ડૉલર વધી ૧૯૫૫.૫૦, ડિસેમ્બર વાયદો ૦.૫૨ ટકા કે ૧૦.૩૦ ડૉલર વધી ૧૯૭૪.૨૦ અને હાજરમાં ૩.૩૩ ડૉલર વધી ૧૯૬૧.૭૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૪૯ ટકા કે ૧૨ સેન્ટ વધી ૨૪.૪૨ ડૉલર અને હાજરમાં એક સેન્ટ ઘટી ૨૪.૩૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનું ૫૫,૦૦૦ રૂપિયાની નવી ઊંચી સપાટીએ

છેલ્લા એક સપ્તાહથી ભારતમાં સોનાના ભાવ સર્વકાલીન ઊંચી સપાટી પર ચાલી રહ્યા છે ત્યાં ગઈ કાલે વૈશ્વિક બજારમાં તેજીના પગલે વધુ એક નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા. ગઈ કાલે મુંબઈ હાજર સોનું ‍૭૪૦ વધી ૫૫,૦૪૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૫૫ વધી ૫૫,૦૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. દેશમાં પ્રથમ વખત સોનાના ભાવ ૫૫,૦૦૦ રૂપિયાથી વધુ  નોંધાયા છે. આ એક મહિનામાં સોનાના ભાવ ૯.૭૭ ટકા કે પ્રતિ ૧૦ ગ્રામ ૪૯૦૦ રૂપિયા વધી ગયા છે. અહીં નોંધવું જોઈએ કે એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં સોનાના ભાવ ૧૨.૫ ટકા વધ્યા હતા.

એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨,૫૫૦ ખૂલી, ઉપરમાં ૫૨,૮૪૬ અને નીચામાં ૫૨,૪૧૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૬૭ વધીને ૫૨,૬૫૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૨,૫૯૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૫ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૮૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૮ ઘટીને બંધમાં ૫૨,૭૦૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ભારતમાં ચાંદી ૧૯૪૦ ઊછળી ૬૬,૮૨૫ રૂપિયા

વૈશ્વિક બજારના પગલે ભારતમાં ચાંદીના ભાવમાં પણ ગઈ કાલે વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં ૨૨ ટકા ભાવ વધ્યા પછી ગઈ કાલે પણ ચાંદીના ભાવ ૧૯૪૦ ઊછળી મુંબઈ ખાતે ૬૬,૮૨૫ રૂપિયા પ્રતિ કિલો અને અમદવાદ ખાતે ૧૯૪૫ વધી ૬૬,૭૯૦ રૂપિયાની સપાટીએ છે. જુલાઈ મહિનામાં ભારતમાં ચાંદીના ભાવમાં ૧૬,૮૨૫ રૂપિયાનો પ્રતિ કિલો ઉછાળો જોવા મળ્યો છે.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૫૨,૪૯ ખૂલી, ઉપરમાં ૬૫,૭૪૯ અને નીચામાં ૬૪,૬૬૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૯૪ વધીને ૬૫,૨૯૮ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૬૨ વધીને ૬૫,૩૩૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૮૪ વધીને ૬૫,૩૪૪ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર હજી નબળો

વૈશ્વિક બજારમાં નબળો ડૉલર હોવાથી ભારતીય રૂપિયો પણ ગઈ કાલે વધીને બંધ આવ્યો હતો. જોકે, ફેડરલ રિઝર્વની બેઠક, ભારતીય શૅરબજારમાં ઘટાડા વચ્ચે રૂપિયાની તેજી પર બ્રેક લાગેલી હતી અને એમાં સાંકડી વધઘટ જોવા મળી હતી. મંગળવારે રૂપિયો ૭૪.૮૪ બંધ થયા પછી ગઈ કાલે ૭૪.૮૩ ખુલ્યો હતો. દિવસભર ૭૪.૭૫થી ૭૫ની સપાટી વચ્ચે અથડાયા બાદ રૂપિયો ગઈ કાલે ચાર પૈસા વધી ૭૪.૮૦ની સપાટીએ બંધ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK