સોનાની તેજી અટકી છે પણ ચાંદીના ભાવ 15 ટકા વધી સપ્તાહની ઊંચી સપાટીએ

Published: May 21, 2020, 09:37 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક શૅરબજારમાં તેજીનો વક્કર, ઘટી રહેલો ડૉલર એવું દર્શાવે છે કે જોખમ લેવાની વૃત્તિ વધી રહી છે. એટલે સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએથી સોમવારે ગબડી ગયા હતા.

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક શૅરબજારમાં તેજીનો વક્કર, ઘટી રહેલો ડૉલર એવું દર્શાવે છે કે જોખમ લેવાની વૃત્તિ વધી રહી છે. એટલે સોનાના ભાવ સાત વર્ષની ઊંચી સપાટીએથી સોમવારે ગબડી ગયા હતા. સામે પુષ્કળ નાણાપ્રવાહિતા, કોરોના વાઇરસના વ્યાપના વધી રહેલા જોખમથી સોનાના ભાવને નીચા મથાળે ખરીદીનો ટેકો મળી રહ્યો છે. દરમ્યાન ચાંદીમાં સોના સામે જોરદાર તેજી જોવા મળી રહી છે. સપ્તાહમાં ૧૫ ટકા વધી તે ત્રણ મહિનાની ઊંચી સપાટીઅે પહોંચી ગઈ છે. 

આજે વૈશ્વિક બજારમાં અમેરિકન શૅરમાં તેજી વચ્ચે સોનું ઉપરની સપાટીએથી થોડું ઘટ્યું છે પણ હજુ આગળના બંધ સામે મક્કમ જોવા મળી રહ્યું છે. સોમવારે કોરોના વાઇરસની રસી શોધાઈ ગઈ હોવાના દાવા સાથે સોનું એક જ ઝાટકે ૪૧ ડૉલર ઘટી ગયું હતું, પણ બે દિવસથી ફરી તેમાં તેજી કે મક્કમતા જોવા મળી રહી છે. સોનું વાયદા અને હાજરમાં ફરી વધી રહ્યું છે. અત્યારે સોનું જૂન વાયદો કોમેકસ ઉપર ૦.૧૫ ટકા કે ૨.૬૦ ડૉલર વધી ૧૭૪૮.૨૦ અને હાજરમાં ૫.૬૮ ડૉલર વધી ૧૭૫૦.૭૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

સપ્તાહમાં ચાંદીના ભાવ ૧૫ ટકા વધ્યા

ચાંદીના ભાવ વૈશ્વિક બજારમાં સતત છઠ્ઠા દિવસે વધેલા જોવા મળી રહ્યા છે. ગત બુધવારે ૧૫.૬૭૧ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહેલો વાયદો આજે ૧૮.૦૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે જે ૧૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કોરોના વાઇરસના કારણે ઘટી રહેલા માઈનિંગના કારણે ચાંદીનો પુરવઠો ઘટી શકે છે એવી ધારણા અને ગોલ્ડ – સિલ્વર રેશિયોના તેજીના સંકેત વચ્ચે ચાંદી સતત વધી રહી છે. આજે ચાંદીનો જુલાઈ વાયદો ૦.૧૯ ટકા કે ૩ સેન્ટ વધી ૧૭.૯૩ ડૉલર અને હાજરમાં ૧.૨૪ ટકા કે ૨૨ સેન્ટ વધી ૧૭.૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

ગોલ્ડ સિલ્વર રેશિયો એટલે એક ઔંસ સોનું ખરીદવા માટે કેટલા ઔંસ ચાંદીની જરૂર પડે છે. જેમ રેશિયો નીચે એમ ચાંદીના ભાવમાં તેજીની શક્યતા કે સોના સામે ચાંદીમાં વૃદ્ધિ વધુ થઈ હોવાનું દર્શાવે છે. કોરોના કટોકટી શરૂ થઈ ત્યારે આ રેશિયો ૧૨૭ હતો. ચાંદીના ભાવમાં થોડા દિવસોની તેજીથી તે બે મહિનામાં પ્રથમ વખત ૧૦૦ની નીચે આવ્યો છે. એટલે કે ત્યારે ૧૨૭ ઔંસ ચાંદી એક ઔંસ સોના સામે મળતી હતી હવે ૧૦૦ ઔંસ મળે છે. સોનાના ભાવ કરતાં ચાંદી સસ્તી છે એટલે તેમાં હજુ પણ વૃદ્ધિ થઈ શકે છે અથવા તેમાં રોકાણ કરવું સોનાની સામે સસ્તું છે એવું માનવામાં આવે છે.

ભારતમાં સોનું મક્કમ,ચાંદીમાં આંશિક ઘટાડો

લૉકડાઉનના કારણે બજારો ધીમે ધીમે ખૂલી રહી છે પણ હજુ બુલિયન માર્કેટમાં ગ્રાહકો ખરીદી માટે પરત નહીં આવી રહ્યા હોવાથી સોદા નામમાત્ર છે. ખાનગીમાં મંગળવારે સોનું ૪૮,૫૦૧ હતું જે આજે દસ ગ્રામ દીઠ ૧૪૭ વધી ૪૮,૬૪૮ રૂપિયા છે. ચાંદી પ્રતિ કિલો ૪૯,૫૧૧ હતી જે આજે ઘટી ૪૯,૩૯૯ રૂપિયાની સપાટી ઉપર છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસીએશનના ટૅક્સ સિવાયના રેફરન્સ રેટ અનુસાર વૈશ્વિક બજારના પડખે સોનું અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. પ્રતિ ૧૦ ગ્રામ સોનું ૪૩૧ વધી ૪૭,૨૬૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૩૨૦ વધી ૪૮,૧૨૦ રૂપિયા રહી હતી.
એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭,૧૮૧ ખૂલી, ઉપરમાં ૪૭,૩૫૪ અને નીચામાં ૪૬,૮૦૦ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૯ વધીને ૪૭,૧૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૨૪૧ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૭૯૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૯૪ વધીને બંધમાં ૪૭,૧૩૦ રૂપિયાના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮,૯૭૦ ખૂલી, ઉપરમાં ૪૯,૪૯૯ અને નીચામાં ૪૮,૪૧૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૫૧ ઘટીને ૪૮,૬૭૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૪૯ ઘટીને ૪૯,૦૧૫ અને ચાંદી-માઈક્રો જૂન ૧૬૦ ઘટીને ૪૯,૦૭૬ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક ડૉલરની નબળાઈ છતાં રૂપિયો નરમ પડ્યો

વૈશ્વિક બજારમાં સતત ચોથા દિવસે ડૉલર નબળો જોવા મળી રહ્યો હતો. કોરોના વાઇરસની રસી શક્ય બની રહી છે અને લૉકડાઉન ખૂલી રહ્યું હોવાથી માગના આધારે આર્થિક વિકાસ પણ આગળ ધપશે એવી આશાએ વૈશ્વિક શૅરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે જોખમ ઉઠાવી ટ્રેડિંગની વૃત્તિ હોવાથી સતત ચોથા દિવસે ડૉલર ઇન્ડેક્સ ઘટેલો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક છ કરન્સી સામેનો આ ઇન્ડેકસ ગત ગુરુવારે ૧૦૦.૫૦૭ની સપાટી ઉપર હતો જે સતત ઘટી અત્યારે ૯૯.૧૮૫ની સપાટી છે જેમાં આજે તે ૦.૨૧ ટકા ઘટેલો છે.

ડૉલરની નરમાઈ વચ્ચે ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ, શૅરબજારમાંથી સતત વધી રહેલા વિદેશી સંસ્થાઓનાં વેચાણ અને ક્રૂડ ઑઈલના વધેલા ભાવથી ભારતમાં રૂપિયો આજે ડૉલર સામે નબળો પડ્યો હતો. મંગળવારે ૭૫.૬૬ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૬૦ની ઊંચી સપાટી ઉપર ખૂલ્યો હતો પણ પછી તે નરમ પડ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૧૪ પૈસા ઘટી ૭૫.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત રૂપિયો પાઉન્ડ અને યુરો સામે નરમ હતો અને યેન સામે આંશિક રીતે વધ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK