વર્લ્ડ માર્કેટમાં સોનું, ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમ 2020માં વધ્યાં

Published: 1st January, 2021 10:55 IST | Bullion Watch-Mayur Mehta | Mumbai

સોનું સતત ત્રીજે વર્ષે વધ્યું, ૨૦૨૦માં સોનું ૨૪ ટકા વધીને ૨૦૧૦ પછી સૌથી વધુ વધ્યું ચાંદીમાં ૪૮ ટકા, પ્લેટિનમમાં ૧૦ ટકા અને પેલેડિયમમાં ૨૨ ટકાનો વધારો ૨૦૨૦માં નોંધાયો

ગોલ્ડ
ગોલ્ડ

વર્લ્ડ માર્કેટમાં ૨૦૨૦નું વર્ષ પ્રેસિયસ મેટલ માટે તગડું રિટર્ન આપનારું નીવડ્યું હતું. સોનાનો ભાવ સતત ત્રીજે વર્ષે ૨૦૨૦માં વધ્યો હતો અને ૨૦૧૦ પછી સૌથી વધુ ૨૪ ટકા કરતાં વધુ વધ્યું હતું. ચાંદીમાં ૪૮ ટકાનું રિટર્ન ઇન્વેસ્ટરોને મળ્યું હતું. પ્લેટિનમ અને પેલેડિયમના ભાવ પણ ૨૦૨૦માં વધ્યા હતા. ૨૦૨૦ના અંતિમ દિવસે ગુરુવારે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી રેન્જબાઉન્ડ રહ્યાં હતાં, પણ મુંબઈમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૮૭ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

૨૦૨૦ના છેલ્લા દિવસે વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી સહિત તમામ ફાઇનૅન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ ઍક્ટિવિટી એકદમ ઓછી હતી, જેને કારણે ગુરુવારે સોના-ચાંદીની માર્કેટમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી નહોતી. અમેરિકાના મૅગા રિલીફ પૅકેજને પગલે ડૉલરનું મૂલ્ય સતત ઘસાતું રહ્યું છે, જેને કારણે સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૯૦૦ ડૉલરની સપાટી નજીક ૧૮૯૩ હૉલરની સપાટીએ પહોંચ્યું હતું. સોનું ૨૦૨૦માં ૨૪ ટકા કરતાં વધુ વધ્યું છે, સોનાના ભાવમાં સતત ત્રીજા વર્ષે વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં તમામ પ્રેસિયસ મેટલના ભાવ સુધર્યા હતા. ચાંદી ૨૦૨૦માં ૪૮ ટકા વધીને સૌથી ટૉપ પર હતી. સોના-ચાંદીનો વધારો ૨૦૧૦ પછીનો સૌથી મોટો હતો.

સોના-ચાંદીના સપોર્ટથી પ્લેટિનમમાં ૨૦૨૦માં ૧૦ ટકા અને પેલેડિયમના ભાવમાં ૨૨ ટકાનો વધારો નોંધાયો હતો. પેલેડિયમના ભાવ સતત પાંચમા વર્ષે વધ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૫૧.૯ પૉઇન્ટ રહ્યો હતો, જે નવેમ્બરમાં ૩૮ મહિનાની ઊંચાઈએ ૫૨.૧ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૫૫.૭ પૅઇન્ટ હતો જે નવેમ્બરમાં સાડાઆઠ વર્ષની ઊંચાઈએ ૫૬.૪ પૉઇન્ટ રહ્યો હતો. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ સાથે ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ પ્રોસેસ પૂરી થશે, જેને કારણે બ્રિટિશ પાઉન્ડ ૩૧ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ભારતની ફિઝિકલ ડેફિસિટ એપ્રિલથી નવેમ્બરમાં ઑલટાઇમ હાઈ સપાટીએ ૧૦.૭૫ ટ્રિલ્યન (લાખ કરોડ) રૂપિયા થઈ હતી, જે ગયા વર્ષે આ સમયે ૮.૦૮ ટ્રિલ્યન રૂપિયા હતી. ભારતનું ઇન્ફ્રાસ્ટ્રકચર આઉટપુટ નવેમ્બરમાં ૨.૬ ટકા અને એપ્રિલથી નવેમ્બરમાં ૧૧.૪ ટકા ઘટ્યું હતું. વર્લ્ડમાં સોનાના વપરાશમાં ૫૦ ટકા હિસ્સો ધરાવતા ભારત અને ચીનના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ૨૦૨૧માં સોનાની ફિઝિકલ ડિમાન્ડ ધારણા પ્રમાણે વધશે કે કેમ, એ વિશે શંકા ઊભી થઈ હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાના મૅગા રિલીફ પૅકેજ અને ડૉલરની સતત મંદીને પગલે સોનું ૨૦૨૧ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં વધીને ૧૯૫૦ ડૉલર થવાની આગાહી વર્લ્ડના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો દ્વારા થઈ રહી છે. ૨૦૨૦નું વર્ષ સોના સહિત તમામ પ્રેસિયસ મેટલ માટે તગડું રિટર્ન આપનારું વર્ષ રહેતાં હાલ સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ સતત વધી રહી છે. કોરોના વાઇરસની વૅક્સિન શોધાઈ હોવા છતાં સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે તેમ જ કોરોના વાઇરસની અસરથી તમામ દેશોની ઇકૉનૉમીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે હજી લાંબો સમય લિક્વિડિટી ફલો અને મૉનેટરી પૉલિસીમાં અનેક ફેરફાર કરવા પડશે, જેની સૌથી મોટી અસર સોનાના ભાવ પર જોવા મળશે. આ તમામ શક્યતાઓને પગલે સોનાના શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ દિવસે-દિવસે મજબૂત બની રહ્યા છે.

સોનાનો ભાવ ભારતમાં ૨૦૨૦માં ૨૮ ટકા અને ચાંદીનો ભાવ ૪૪ ટકા વધ્યો

સોનાનો ભાવ ભારતીય માર્કેટમાં રૂપિ ટર્મમાં ૨૮ ટકા વધ્યો હતો. વર્ષના આરંભે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૯,૧૦૦ રૂપિયા હતો, જે વર્ષના અંતે વધીને ૫૦,૨૦૨ રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો. વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં સોનું ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૮,૪૦૦ રૂપિયા થયું હતું, જે ઑગસ્ટ મહિનામાં વધીને ૫૬,૧૯૧ રૂપિયા થયું હતું. આમ, ૨૦૨૦માં સોનાના ભાવમાં મોટી વધ-ઘટ બાદ ૨૮ ટકાનો નેટ વધારો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ ૨૦૨૦ના આરંભે પ્રતિ કિલો ૪૬,૬૬૫ રૂપિયા હતો જે વર્ષના છેલ્લે દિવસે વધીને ૬૭,૩૮૩ રૂપિયા થયો હતો. ૨૦૨૦માં ચાંદીના ભાવમાં ૪૪ ટકાનો વધારો નોંધાયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK