Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એક દિવસના વિરામ બાદ અમેરિકામાં સોનું ફરી ઊંચકાયું

એક દિવસના વિરામ બાદ અમેરિકામાં સોનું ફરી ઊંચકાયું

15 August, 2019 02:06 PM IST | મુંબઈ

એક દિવસના વિરામ બાદ અમેરિકામાં સોનું ફરી ઊંચકાયું

ગોલ્ડ

ગોલ્ડ


ગઈ કાલે ફરી એક વખત સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકન સ્ટૉક માર્કેટ એક દિવસની તેજી બાદ આજે ફરી ઘટીને ખુલ્યા છે કારણે કે અમેરિકન બૉન્ડ માર્કેટમાં તેજી છે. તેજીની સાથે બજારને આર્થિક મંદીના ભણકારા પણ સાંભળવા મળી રહ્યા છે, કારણ કે ટૂંકા ગાળાના બોન્ડના યીલ્ડ લાંબા ગાળા કરતાં વધારે છે. ન્યુ યૉર્ક ખાતે કોમેક્સ ગોલ્ડ વાયદો મંગળવારે ૧૫૧૪.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો જે ગઈ કાલે ૧૫૧૨.૩૦ ખૂલી ૮.૮૫ ડૉલર વધી ૧૫૨૨.૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ છે. હાજર સોનું ૧૫૧૩.૦૫ની સપાટીએ છે. ચાંદીનો વાયદો ૧.૨૦ ટકા વધી ૧૭.૧૮૮ની સપાટીએ છે.

યીલ્ડ કર્વમાં આર્થિક મંદી દેખાય છે



અમેરિકામાં આજે ૧૦ વર્ષના બોન્ડ અને બે વર્ષની મુદ્દતના બોન્ડ ઊલટા થઈ ગયા છે. બે વર્ષના બોન્ડ ઉપરનું યીલ્ડ ૧૦ વર્ષ કરતાં વધારે છે જે વર્ષ ૨૦૦૭ પછી પ્રથમ વખત જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં આર્થિક મંદી આવી પડે એવી શક્યતા જોવામાં આવે છે. ૧૦ વર્ષની મુદ્દતના બોન્ડના યીલ્ડ આજે ૪.૭૯ ટકા ઘટી ૧.૬૦ છે અને બે વર્ષની મુદ્દતના બોન્ડ યીલ્ડ ૫.૧૩ ટકા ઘટી ૧.૫૮૩ છે. આ ઉપરાંત, ૩૦ વર્ષના બોન્ડના યીલ્ડ ૨.૦૬૧ છે જે એના ઇતિહાસમાં સૌથી ઓછી સપાટીએ છે. નિષ્ણાતોના મતે અગાઉ પાંચ આવી ઘટનામાં આર્થિક મંદી આવી છે. યીલ્ડ ઊલટા થાય એના ૨૨ મહિના જેટલા સમયમાં આર્થિક મંદી આવે છે.


વૈશ્વિક આર્થિક મંદી માટે અત્યારે પૂરતાં કારણો મળી રહે છે. આજે ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા જાહેર થયા હતા જે જુલાઈ મહિનામાં છેલ્લાં ૧૭ વર્ષમાં સૌથી નીચા આવ્યા છે. જર્મનીમાં સ્થાનિક ઉત્પાદન વધવાના બદલે ૦.૧ ટકા ઘટ્યું હતું અને યુરો ઝોનમાં આર્થિક વિકાસદર માત્ર ૦.૨ ટકા જોવા મળ્યો હતો. આ આંકડાઓ ઉપરથી નાણાં સલામતી માટે ખસી રહ્યાં છે અને અમેરિકન બોન્ડમાં ખરીદી થઈ રહી છે. બોન્ડ માર્કેટમાં જ્યારે ખરીદી જોવા મળે ત્યારે યીલ્ડ ઘટે છે અને ભાવમાં વધારો થાય છે. આર્થિક મંદીના ભણકારા વચ્ચે સોનાનો ભાવ ઑગસ્ટ મહિનામાં પાંચ ટકા જેટલો વધી ગયો છે.

ભારતમાં વાયદા વધ્યા, હાજરમાં ઘટાડો


અમેરિકાનું બજાર ખૂલે એ પહેલાં બંધ થયેલા ભારતીય હાજર બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના ભાવ સમગ્ર દેશમાં ૧૦૦થી ૧૭૫ રૂપિયા સુધીનો પ્રતિ ૧૦ ગ્રામ ઘટાડો જોવા મળ્યો હતો અને એ ૩૯,૦૦૦ની સપાટીથી નીચે આવી ગયા હતા. હાજરમાં ભાવ ઘટવા માટેનું એક કારણ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો હોવાનું પણ હતું.

એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૭૮૮ ખૂલી ઉપરમાં ૩૮૧૪૮ અને નીચામાં ૩૭૬૯૩ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૩૩ વધીને ૩૮૧૦૮ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૭૮ વધીને ૮ ગ્રામદીઠ ૩૦૧૫૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૬ વધીને ૧ ગ્રામદીઠ ૩૭૭૫ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૫૮ વધીને બંધમાં ૩૭૬૨૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૩૧૫૬ ખૂલી ઉપરમાં ૪૩૭૮૩ અને નીચામાં ૪૨૯૮૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૮૮ વધીને ૪૩૭૦૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૫૭૩ વધીને ૪૩૭૧૧ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૫૬૩ વધીને ૪૩૭૦૩ રૂપિયા બંધ રહ્યા હતા.

છ મહિનાની નીચી સપાટીથી રૂપિયો ઊછળ્યો

ડૉલર સામે મંગળવારે છ મહિનાની નીચી સપાટીએ પહોંચેલો રૂપિયો ગઈ કાલે ડૉલર સામે વધ્યો હતો. વિદેશી સંસ્થાઓની શૅરબજારમાં ખરીદી, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ-વૉર હળવું થઈ રહ્યું છે એવી આશા અને દેશમાં ફુગાવો નબળો પડતાં રૂપિયો વધ્યો હતો. આજે રૂપિયો ૭૧ની સપાટીએ ખૂલી, વધીને ૭૦.૮૫ થયો હતો, પણ ફરી ડૉલરની માગ વધતાં ઘટીને ૭૧.૩૫ થયો અને છેલ્લે આગલા બંધ કરતાં ૧૩ પૈસા વધી ૭૧.૨૭ બંધ આવ્યો હતો. જોકે, સમગ્ર એશિયામાં ઑગસ્ટ મહિનામાં ભારતીય રૂપિયો સૌથી નબળું ચલણ પુરવાર થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 02:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK