નબળા ડૉલરના સાથથી સોનું 1340 ડૉલરની સપાટીએ મજબૂત

બુલિયન વૉચ | મુંબઈ | Jun 07, 2019, 12:35 IST

ડૉલરમાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાં હળવા વ્યાજદરની પાછી આવી રહેલી સ્થિતિથી હાજર સોનામાં ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે.

નબળા ડૉલરના સાથથી સોનું 1340 ડૉલરની સપાટીએ મજબૂત
સોનું

ડૉલરમાં નબળાઈ અને વૈશ્વિક બજારોમાં હળવા વ્યાજદરની પાછી આવી રહેલી સ્થિતિથી હાજર સોનામાં ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીના આંકડા ધારણા અનુસાર આવી રહ્યા છે જે ફેડરલ રિઝર્વ વ્યાજનો દર ઘટાડશે એવી સ્થિતિનો નિર્દેશ કરી રહ્યા છે. સોનાના ભાવ ૧૩૩૮ ડૉલરની સપાટીએ એક સપ્તાહમાં ૬૨ ડૉલર કે પાંચ ટકાનો વધારો સૂચવે છે. આ સ્થિતિમાં બજાર થોડો સમય મજબૂત રહે, અથડાતી રહે અને થોડી ઘટે પણ ખરી, પરંતુ બજારમાં હજી તેજીનો અવકાશ ઘણો હોવાનું માનનારો એક મોટો વર્ગ છે.

અમેરિકામાં ઑગસ્ટ ગોલ્ડ વાયદો ૮.૫૦ ડૉલર વધી ૧૩૪૨ ડૉલર પ્રતિ ઔંસ જોવા મળી રહ્યો છે, જ્યારે હાજરમાં સોનું ગઈ કાલે ૧૩૩૩ ડૉલર પહોંચ્યા પછી ફરી ૧૩૩૮ ડૉલર પ્રતિ ઔંસ ઉપર ચાલી રહ્યું છે. ચાંદી વાયદો ૧.૧૮ ડૉલર વધી ૧૪.૯૭ પ્રતિ ઔંસ છે.

ઑસ્ટ્રેલિયામાં વ્યાજદરના ઘટાડા પછી ચીનમાં સેન્ટ્રલ બૅન્કે નાણાપુરવઠો વધાર્યો છે. ભારતે વ્યાજના દર ઘટાડ્યા હતા જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજનો દર શૂન્ય ઉપર યથાવત્ રાખ્યો છે. બજારમાં નાણાપુરવઠો વધે એવા પૂરતા સંકેત છે જે હળવા વ્યાજદરની નીતિ, પ્રમાણમાં નબળા ડૉલરનું નિર્માણ કરે છે. ડૉલર નબળો રહે એ સોના માટે તેજીનું એક મુખ્ય કારણ બની શકે છે.

ડૉલરની સપાટી મહત્વની

ડૉલર નબળો પડે એટલે સોનું વધે આ નિયમ અત્યારે કારગર છે. ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે ઘટીને ૯૬.૮૭ થયા પછી અત્યારે ૯૭.૧૧૩ ઉપર છે જે ૦.૧૩ ટકાનો ઘટાડો દર્શાવે છે. ડૉલર અત્યારે યુરો, યેન અને બ્રિટિશ પાઉન્ડ સામે નબળો ચાલી રહ્યો છે. આજના લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર અમેરિકામાં બેરોજગારીનું પ્રમાણ ૨,૧૮,૦૦૦ રહ્યું છે જે અંદાજ અનુસાર જ છે. શુક્રવારે રોજગારીના સત્તાવાર આંકડા જાહેર થશે. જો એ આંકડા અંદાજ કરતાં નબળા રહે તો ડૉલર હજી પણ નબળો પડવાની શક્યતા છે.

ભારતમાં સોનું ૨૦૨ રૂપિયા વધ્યું

વિદેશી બજારની તેજીના પગલે ભારતીય હાજર બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ૯૯.૯ ટચનું સોનું ૨૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૪૮૦ રૂપિયા પ્રતિ કિલો વધ્યા હતા.

આ પણ વાંચો : પાંચ મહિનાના નીચલા સ્તરે પટકાયા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં મજબૂતી

ભારતમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ ઉપર ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૨,૬૮૮ ખૂલી, ઉપરમાં ૩૨,૮૧૯ અને નીચામાં ૩૨,૬૮૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૨ વધીને ૩૨,૭૮૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮૧ વધીને ૮ ગ્રામદીઠ ૨૫,૯૮૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૦ વધીને ૧ ગ્રામદીઠ ૩૨૬૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૦૩ વધીને બંધમાં ૩૨,૭૧૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK