નવ વર્ષની ઊંચી સપાટીએ સોનાના ભાવ આંશિક નરમ, ચાંદી 10 મહિનાની ઊંચી સપાટીએ

Published: Jul 10, 2020, 13:35 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નવ વર્ષની ઊંચી સપાટીથી થોડા નરમ જોવા મળી રહ્યા છે, જ્યારે ચાંદી ૧૦ મહિનાની ઊંચી સપાટીએ હજી સતત વૃદ્ધિમાં છે.

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નવ વર્ષની ઊંચી સપાટીથી થોડા નરમ જોવા મળી રહ્યા છે, જ્યારે ચાંદી ૧૦ મહિનાની ઊંચી સપાટીએ હજી સતત વૃદ્ધિમાં છે. સોનાના ભાવમાં ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું, પણ હાજરમાં ભાવ હજી મક્કમ છે. ભારતમાં પણ સોનાના ભાવ ૫૧,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી પ્રૉફિટ બુકિંગ અને વૈશ્વિક ભાવ ઘટતાં નરમ પડ્યા હતા.

અમેરિકન અર્થતંત્ર મજબૂત બની રહ્યું હોવાના સંકેત સાથે સોનામાં થોડું પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું છે, સામે ઉદ્યોગોમાં વપરાતી ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારની અપેક્ષા અનુસાર જ અમેરિકામાં ગયા સપ્તાહે બેરોજગારની સંખ્યા ૧૩ લાખ રહી હતી જેની અસર ભાવ પર જોવા મળી રહી નથી.

જુલાઈ મહિનામાં સોનાના ભાવ ૫૧ ડૉલર અને ચાંદીના ભાવ ૧.૧૭ ડૉલર વધ્યા છે. સોનું નવ વર્ષની ઊંચી સપાટીએ અને ચાંદી ૧૦ મહિનાની ઊંચી સપાટી છે. ગઈ કાલે હાજરમાં સોનું સતત પાંચમા દિવસે અને ચાંદી છઠ્ઠા દિવસે વધ્યાં છે. આજે કોમેક્સ સોનું ઑગસ્ટ વાયદો ૦.૧૪ ટકા કે ૨.૬૦ ડૉલર ઘટી ૧૮૧૮ અને હાજરમાં ૦.૧૯ ટકા કે ૩.૩૫ ડૉલર વધી ૧૮૧૨.૨૪ ડૉલરની સપાટી પર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૮૦ ટકા કે ૧૫ સેન્ટ વધી ૧૯.૩૨ ડૉલર અને હાજરમાં ૧.૨૯ ટકા કે ૨૪ સેન્ટ વધી ૧૮.૯૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

સોનું ૫૧,૦૦૦ રૂપિયાની ઇતિહાસની ઊંચી સપાટી સ્પર્શી નરમ, ચાંદીમાં સતત વધારો

વૈશ્વિક તેજીના પડખે ભારતમાં સોનું ૫૧,૦૮૫ રૂપિયાની નવી ઇતિહાસની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટી ગયા હતા. વૈશ્વિક બજારમાં થોડું પ્રૉફિટ બુકિંગ અને રૂપિયો વધતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ હાજર સોનું ૧૫ ઘટી ૫૦,૮૧૫ રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯,૧૩૯ ખૂલી, ઉપરમાં ૪૯,૩૧૨ અને નીચામાં ૪૮,૯૪૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૪૩ ઘટીને ૪૯,૦૧૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૯,૪૭૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૯૦૬ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૫ ઘટીને બંધમાં ૪૯,૦૧૫ રૂપિયાના ભાવ રહ્યા હતા. જોકે, ચાંદીના ભાવ ગઈ કાલે વધુ ૯૦૫ વધી ૫૨,૨૮૫ રૂપિયા પ્રતિ કિલોની સપાટી પર હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૧,૪૪૩ ખૂલી, ઉપરમાં ૫૨,૧૪૪ અને નીચામાં ૫૧,૪૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૩૩ વધીને ૫૧,૭૧૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ વાયદો ૩૦૯ વધીને ૫૧,૮૦૨ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ વાયદો ૩૦૬ વધીને ૫૧,૭૯૮ રૂપિયા બંધ રહ્યા હતા.

ત્રણ દિવસની નરમાઈ બાદ ડૉલર સામે રૂપિયો વધ્યો

સતત ત્રણ ટ્રેડિંગ સત્રથી ડૉલરની વધી રહેલી માગના કારણે નરમ પડી રહેલો રૂપિયો આજે ડૉલર સામે વધીને બંધ આવ્યો હતો. આજે વૈશ્વિક બજારમાં ડૉલર નબળો હતો તેમ જ શૅરબજારમાં તેજી જોવા મળતાં રૂપિયાને બળ મળ્યું હતું. જોકે ક્રૂડ ઑઇલના ઊંચા ભાવના કારણે રૂપિયાની વૃદ્ધિ પર લગામ લાગેલી હતી.
બુધવારે ૭૫.૦૨ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૪.૯૪ની સપાટીએ ખુલ્યા બાદ વધુ ઊછળી ૭૪.૯૧ થઈ દિવસના અંતે ૭૪.૯૯ની સપાટીએ બંધ આવ્યો હતો જે ત્રણ પૈસાનો વધારો દર્શાવે છે. જોકે, ડૉલર સિવાય રૂપિયો પાઉન્ડ, યુરો અને યેન સામે નબળો પડ્યો હતો.

સોનાના ભાવ શું ૧૯૨૦.૩ ડોલરની સપાટી પાર કરશે

ભારતમાં સોનાના ભાવ ઈતિહાસની સર્વોચ્ચ સપાટીએ છે પણ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેનાથી દુર છે. રૂપિયાના ડોલર સામે મુલ્યના કારણે આવું જોવા મળે છે. વૈશ્વિક બજારમાં સપ્ટેમ્બર ૨૦૧૧માં સોનાના ભાવ ૧૯૨૦.૩ ડોલર પ્રતિ ઔંસની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. બુધવારે સોનું નવ વર્ષની ઉંચી સપાટીએ હતું પણ હજુ સૌથી ઊંચા ભાવ જોવાના બાકી છે.

વિશ્વમાં શૂન્યની આસપાસ વ્યાજના દર, કોરોના મહામારીના કારણે જોવા મળી રહેલી આર્થિક મંદી અને ડરનું વાતાવરણ સોનાના ભાવમાં વર્તમાન તેજી માટે કારણભૂત છે. વ્યાજનો દર ઘટે ત્યારે કોઈ એવું રોકાણ કે જેમાં વ્યાજ મળે તેનું આકર્ષણ ઘટે છે કારણ કે તેનાથી રોકાણ સામે કોઈ વળતર મળતું નથી પણ સામે રોકડ જેટલું જ મહત્વ ધરાવતું સોનું વ્યાજ કે કોઈ રોકડ પ્રવાહ સાથે નહિ જોડાયેલું હોવાથી તેમાં લોકો રોકાણ કરે છે. બીજી તરફ, વર્તમાન તેજીમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડનો હિસ્સો બહુ મોટો છે. ઓછા મુલ્યમાં યુનિટ સ્વરૂપે સોનામાં રોકાણ કરવાની સવલત કરી આપતા ઈટીએફ સતત નવો પ્રવાહ આવી રહ્યો છે.

વાયરસ અને લૉકડાઉનના કારણે વિશ્વભરમાં પુષ્કળ નાણા પ્રવાહિતાની નીતિ અપનાવવામાં આવી છે અને એવા સંકેત છે કે હજુ પણ નાણા પ્રવાહિતા વધારવી પડે, લાંબો સમય સુધી વ્યાજના દર ઘટેલા રહે એ સ્થિતિમાં સોનાના ભાવ વધી શકે છે. એટલું ચોક્કસ છે કે ૧૮૨૦ ડોલરથી ૧૯૨૦ ડોલરની નવી સફરમાં ભાવમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળે, રોકાણકાર પ્રોફિટ બાંળતા રહે એટલે ઉથલપાથલ વધી શકે છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK