કોરોના વાઇરસની વધતી અસર વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો

Published: Feb 05, 2020, 10:55 IST | Bullion Watch | Mumbai

વૈશ્વિક શૅરબજારમાં જોવા મળેલી આશ્ચર્યજનક ખરીદીને કારણે ચીનના કોરોના વાઇરસને કારણે સંભવિત આર્થિક મંદી વચ્ચે પણ સોનું મંગળવારે નરમ રહ્યું હતું.

ગોલ્ડ
ગોલ્ડ

વૈશ્વિક શૅરબજારમાં જોવા મળેલી આશ્ચર્યજનક ખરીદીને કારણે ચીનના કોરોના વાઇરસને કારણે સંભવિત આર્થિક મંદી વચ્ચે પણ સોનું મંગળવારે નરમ રહ્યું હતું. સોનાના ઊંચા ભાવે ચીન અને ભારતમાં માગ અટકી હોવાના સ્પષ્ટ સંકેત પણ ભાવ વધતા અટકાવી રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સ પણ મજબૂત જોવા મળી રહ્યો છે, ક્રૂડ ઑઇલના ભાવ ૨૧ ટકા ઘટીને ટેક્નિકલ રીતે મંદી સૂચવી રહ્યા છે, જ્યારે શૅરબજારમાં અમેરિકા, એશિયા, યુરોપ સહિતના બજારમાં ખરીદીનું નવું જોમ જોવા મળી રહ્યું છે જેનાથી સોનાની તેજી અટકી ગઈ છે.

વૈશ્વિક બજારમાં હાજર સોનું ૦.૬૬ ટકા કે ૧૦.૩૯ ડૉલર ઘટી ૧૫૬૬.૩૪ ડૉલર પ્રતિ ઔંસ છે. કૉમેક્સ ખાતે એપ્રિલ વાયદો ૦.૦૩ ટકા કે ૪૫ સેન્ટ ઘટી ૧૫૭૦.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. હાજરમાં ચાંદી ૦.૧૨ ટકા વધી ૧૭.૭૦ ડૉલર અને માર્ચ વાયદો પણ સામાન્ય વૃદ્ધિ સાથે ૧૭.૬૮૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

વૈશ્વિક બજારમાં ઘટેલા ભાવ, ડૉલર સામે મજબૂત રૂપિયો અને સ્થાનિકમાં માગના અભાવે ભારતમાં પણ સોનાના ભાવમાં હાજર અને વાયદામાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં સોનું ૨૨૫ ઘટી ૪૧,૬૬૦ અને અમદાવાદમાં ૨૨૦ ઘટી ૪૧,૮૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું.

સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૪૦૮ ખૂલી, ઉપરમાં ૪૦૫૦૦ અને નીચામાં ૪૦૩૭૦ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૪૨ ઘટીને ૪૦૪૧૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨૩૪૫ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૧૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૩૯ ઘટીને બંધમાં ૪૦૩૯૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.

સોનાના પગલે ચાંદીના ભાવમાં હાજરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં ભાવ ૨૮૫ ઘટી ૪૭,૨૨૦ અને અમદાવાદમાં ૩૧૦ ઘટી ૪૭,૨૯૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ હતા. જોકે વાયદામાં ભાવ વધ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬૩૬૭ ખૂલી, ઉપરમાં ૪૬૩૬૭ અને નીચામાં ૪૫૮૩૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૪૯ વધીને ૪૬૧૩૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૨૫૮ વધીને ૪૬૧૬૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૨૪૩ વધીને ૪૬૧૪૩ રૂપિયા બંધ રહ્યા હતા.

જાન્યુઆરીમાં ભારતની આયાત અડધી થઈ ગઈ

સતત ઊંચા ભાવને કારણે કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં ભારતમાં સોનાની માગ ૧૪ ટકા ઘટ્યા પછી જાન્યુઆરી ૨૦૨૦માં પણ આયાત ઘટી છે. જાન્યુઆરી ૨૦૧૯માં કુલ ૪૫.૯ ટનની આયાત સામે જાન્યુઆરી ૨૦૨૦માં આયાત અડધાથી પણ ઓછી એટલે ૨૧.૭ ટકા જેટલી રહી છે એવું વાણિજ્ય વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું. જોકે આ વિશે સત્તાવાર આંકડા હવે પછી જાહેર થશે. ડિસેમ્બર મહિના દરમ્યાન ભારતની સોનાની કુલ આયાત ૧૮ ટકા ઘટીને ૬૦ ટન રહી હતી અને મૂલ્યની દૃષ્ટિએ એ ૪.૩ ટકા ઘટી ૨.૪૬ અબજ ડૉલર રહી હતી. ૨૦૧૬ સામે ૨૦૧૭માં આયાત વધ્યા પછી સતત ત્રણ વર્ષથી ભારતમાં સોનાની માગ ઘટી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ અનુસાર ૨૦૧૯માં કુલ માગ ૬૯૦ ટન રહી હતી એની સામે થોડી વધી ૭૦૦થી ૮૦૦ ટન રહેવાની ધારણા છે. જોકે બજારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે ઊંચા ભાવને કારણે બિલકુલ માગ નથી. બજારના અગ્રણીઓએ જણાવ્યા અનુસાર હજી પણ એક કે બે મહિના દેશની આયાત ઘટેલી રહે એવી શક્યતા છે. અર્થતંત્રમાં સુધારો આવે અને લોકોની માગ વધે તો જ આયાત વધી શકે છે. જાન્યુઆરીમાં સોનાના વૈશ્વિક ભાવ એક તબક્કે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ જોવા મળ્યા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી અને ચીનમાં કોરોના વાઇરસને કારણે જાન્યુઆરીમાં ભાવ પાંચ ટકા જેટલા વધ્યા હતા.

ડૉલર સામે રૂપિયો વધ્યો

શૅરબજારમાં જોવા મળેલી ભારે ખરીદી અને ડૉલર સામે એશિયાઈ ચલણો મજબૂત રહ્યાં હોવાના પડખે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે વધ્યો હતો. ક્રૂડ ઑઇલના ભાવ સોમવારે વૈશ્વિક બજરમાં ૫૦ ડૉલરની નીચે પટકાયા હોવાને કારણે પણ રૂપિયાને ટેકો મળ્યો હતો. ડૉલર સામે રૂપિયો વધીને ૭૧.૨૪ પર ખૂલ્યો હતો જે વધુ ઊછળીને ૭૧.૦૯ થયો હતો અને દિવસના અંતે ૧૧ પૈસા વધીને ૭૧.૨૭ની સપાટીએ બંધ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK