Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરની મક્કમતાની બ્રેકથી સોનાના ભાવની તેજી અટકી

ડૉલરની મક્કમતાની બ્રેકથી સોનાના ભાવની તેજી અટકી

05 August, 2020 01:20 PM IST | Mumbai
Bullion Watch

ડૉલરની મક્કમતાની બ્રેકથી સોનાના ભાવની તેજી અટકી

ગોલ્ડ

ગોલ્ડ


સોમવારે ૧૯૯૭ ડૉલરની ઊંચી સપાટીએ અથડાયા પછી સોનાના ભાવમાં ફરી એક સ્થિરતા જોવા મળી રહી છે. બજારમાં નવા તેજીના ટ્રિગર કે મંદીનાં પરિબળની રાહમાં ભાવ અત્યારે સ્થિરતા તરફ છે. ડૉલરની મક્કમતાની અસરથી પણ ભાવમાં વૃદ્ધિ અટકી ગઈ છે. બીજી તરફ હાજરમાં સોનાના સૌથી મોટા વપરાશકાર દેશ ભારત અને ચીનની માગ ઘટી રહી છે એની ચિંતા પણ છે. ઘટેલી માગ સામે કેટલા અંશે બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની ખરીદીનો ટેકો મળશે એ જોવાનું રહ્યું. તેજી માટે કોરોના વાઇરસનો વધી રહેલો વ્યાપ, અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલી અને આર્થિક મંદી જેવાં પરિબળો જવાબદાર ગણાશે. સામે વાઇરસની વૅક્સિન જો જલદી બજારમાં આવશે તો એ સોનાની તેજી પર મોટી બ્રેક ગણાશે.

વૈશ્વિક બજારમાં કોમેક્સ ખાતે સોનું ઑક્ટોબર વાયદો સોમવારે આંશિક વધી ૧૯૭૪.૭૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો. ગઈ કાલે તે ૦.૩૮ ટકા કે ૭.૫૫ ડૉલર વધી ૧૯૮૨.૨૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સોનું ડિસેમ્બર વાયદો ૦.૨૫ ટકા કે ૫ ડૉલર વધી ૧૯૯૧.૩૦ અને હાજરમાં ૦.૦૪ ટકા કે ૭૪ સેન્ટ ઘટી ૧૯૭૬.૨૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.



ભારતમાં ભાવ સ્થિર, વાયદામાં ઘટાડો


ગઈ કાલે મુંબઈ અને અમદવાદ ખાતે સોનાના ભાવ સ્થિર પડેલા રહ્યા હતા. વૈશ્વિક બજારમાં કોઈ મોટી વધઘટનો અભાવ અને સ્થાનિકમાં ગ્રાહકની ખરીદી અટકી હોવા વચ્ચે ગઈ કાલે મુંબઈ હાજર બજારમાં સોનું ૫૫,૯૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૫,૮૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પડી રહ્યું હતું.

સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૪,૨૨૩ ખૂલી, ઉપરમાં ૫૪,૨૨૩ અને નીચામાં ૫૩,૮૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૩ ઘટીને ૫૩,૮૯૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૬ વધીને ૮ ગ્રામદીઠ ૪૩,૪૬૩ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૯ વધીને ૧ ગ્રામદીઠ ૫૪૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૯૫ ઘટીને બંધમાં ૫૩,૭૩૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.


વૈશ્વિક અને ભારતમાં ચાંદીના ભાવ મક્કમ

આગામી દિવસોમાં વાઇરસની અસર હજી વધશે એવી ધારણા સાથે ચાંદીના ભાવ સોનાની સાથે ગઈ કાલે મક્કમ જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સોમવારે ૧.૩૫ ટકા ઘટી ૨૪.૪૧૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે વાયદો ૦.૨૪ ટકા કે ૬ સેન્ટ વધી ૨૪.૪૮ ડૉલર અને હાજરમાં ૦.૨૯ ટકા કે ૭ સેન્ટ વધી ૨૪.૩૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

મુંબઈ હાજરમાં ચાંદી ૮૦ વધી ૬૬,૪૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૦૫ વધી ૬૬,૪૬૫ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. ભારતમાં ચાંદીના વાયદામાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૫,૮૯૬ ખૂલી, ઉપરમાં ૬૫,૯૯૦ અને નીચામાં ૬૫,૩૧૩ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૩૪ ઘટીને ૬૫,૫૧૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૨૩૪ ઘટીને ૬૫,૫૬૬ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૪૬ ઘટીને ૬૫,૫૪૮ રૂપિયા બંધ રહ્યા હતા.

૨૦૨૦ના સાતમા મહિને પણ ભારતમાં સોનાની આયાતમાં ઘટાડો

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦માં ભારતની સોનાની આયાત સતત ઘટી રહી છે. એક તરફ ઘરેણાંની માગ લૉકડાઉનના કારણે અટકી પડી છે તો બીજી તરફ સોનાના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ હોવાથી પણ ગ્રાહકની ખરીદી અટકી પડી છે. આ સ્થિતિમાં સાત મહિનાથી દેશમાં સોનાની આયાત ઘટી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં દેશમાં સોનાની આયાત ગયા વર્ષ કરતાં ૨૪ ટકા ઘટી ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જુલાઈમાં ૩૯.૬૬ ટન સોનું આયાત થયું હતું, એની સામે આ વર્ષે માત્ર ૩૦ ટન સોનાની આયાત થઈ છે. મૂલ્યની દૃષ્ટિએ ભારતમાં આયાત ૧.૭૮ અબજ ડૉલરની રહી છે જે ગયા વર્ષે ૧.૭૧ અબજ ડૉલર રહી હતી. ઓછી માત્રમાં આયાત હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વિક્રમી સપાટીએ હોવાથી મૂલ્યમાં વધારો જોવા મળે છે.

અત્રે નોંધવું જોઈએ કે ભારતમાં કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં સોનાની આયાત આગલા વર્ષ કરતાં ૧૨ ટકા ઘટી ૮૩૧ ટન રહી હતી. આ વર્ષે પ્રથમ સાત મહિનામાં કુલ આયાત માત્ર ૧૮૭.૧૬ ટન રહી છે. વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરીથી જુલાઈના સાત મહિનામાં આયાત ૫૮૧.૫૬ ટન રહી હતી. આમ આ વર્ષે સાત મહિનામાં આયાતમાં ૬૯ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

નબળો ડૉલર, શૅરબજારની તેજી છતાં રૂપિયો નરમ

વૈશ્વિક બજારમાં સોમવારની તેજી બાદગઈ કાલે ડૉલર નરમ પડ્યો હતો. ભારતીય શૅરબજારમાં વ્યાપક તેજી હતી અને વિદેશી સંસ્થાઓની ખરીદી પણ જોવા મળી હોવા છતાં ડૉલર સામે રૂપિયો નરમ બંધ આવ્યો હતો. સોમવારે ૭૫.૦૧ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૫.૧૩ની નરમ સપાટીએ ખૂલી, દિવસની નીચી સપાટી ૭૫.૧૭ થઈ એક તબક્કે વધી ૭૪.૮૫ થયા બાદ દિવસ અંતે ત્રણ પૈસા ઘટી ૭૫.૦૪ બંધ રહ્યો હતો. ભારતમાં વધી રહેલા કોરોનાના કેસ અને એશિયાઈ ચલણો નબળાં હોવાથી ભારતમાં પણ રૂપિયો નબળો રહ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. સોમવારે વૈશ્વિક બજારમાં અમેરિકન ચલણનું વિશ્વનાં છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૨૦ ટકા વધી ૯૩.૫૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈ કાલે એશિયાઈ શૅરબજારમાં તેજી સાથે ડૉલર ફરી નરમ પડી ૯૩.૨૪૩ની સપાટીએ અથડાયો હતો. જોકે અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે ફરી ડૉલરમાં તેજી જોવા મળી છે. ડૉલર ગઈ કાલે ૦.૨૫ ટકા વધી ૯૩.૭૩૭ની સપાટી પર છે. અન્ય ચલણોમાં ડૉલર સામે યુરો ૦.૨૪ ટકા, પાઉન્ડ ૦.૬૦ ટકા ઘટ્યા છે. યેન અને કેનેડિયન ડૉલર સામે અમેરિકન ડૉલર ૦.૧૭ ટકા વધ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2020 01:20 PM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK