Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોમવારના 41 ડૉલરના કડાકા બાદ સોનાના ભાવ આજે આંશિક મક્કમ

સોમવારના 41 ડૉલરના કડાકા બાદ સોનાના ભાવ આજે આંશિક મક્કમ

20 May, 2020 07:48 AM IST | Mumbai
Bullion Watch

સોમવારના 41 ડૉલરના કડાકા બાદ સોનાના ભાવ આજે આંશિક મક્કમ

ગોલ્ડ

ગોલ્ડ


કોરોના વાઇરસની રસી તરફ દુનિયા આગળ વધી રહી છે એવી વાત સામે અમેરિકામાં એપ્રિલ મહિનામાં નવાં મકાનો માટેની અરજીઓ ૩૦ ટકા ઘટી હોવાના ડેટા આવ્યા છે. વાઇરસની રસી સોનાના ભાવમાં ઘટાડો લાવી શકે જ્યારે અર્થતંત્ર નબળું છે એવા કોઈ પણ સમાચાર સોનાની તેજી માટે કારણરૂપ બની શકે છે. છેલ્લા છ દિવસમાં પાંચ દિવસ સોનાના ભાવ વધ્યા પછી, સોમવારે આવેલા કડાકા બાદ શાંતિ જોવા મળી રહી છે. સોમવારે ઊંચા મથાળેથી સોનું ૪૧ ડૉલર અને ચાંદી ૫૨ સેન્ટ નીચે ગબડ્યાં હતાં.

મંગળવારે સાંજે અમેરિકન બજાર ખૂલ્યા ત્યારે કૉમેકસ ઉપર સોનું જૂન વાયદો ૦.૨૧ ટકા કે ૩.૬૦ ડૉલર વધી ૧૭૩૮ અને હાજરમાં ૦.૨૨ ટકા કે ૩.૮૫ ડૉલર વધી ૧૭૩૬.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર હતા. સોમવારે સોનું વાયદો ૧૭૭૫ ડૉલરની એપ્રિલ પછીની ઊંચી સપાટીએથી ઘટી ૧૭૩૪ ડૉલર બંધ રહ્યો.



સોનાના ભાવમાં હવે તેજી કે મંદીનો મોટો સંકેત આવે તેની રાહ જોવાઈ રહી છે. એક તરફ વાઇરસના કારણે મંદી અને પુષ્કળ નાણાપ્રવાહિતા છે અને બીજી તરફ વાઇરસની રસી કેટલી ઝડપથી બજારમાં આવે, લૉકડાઉન ઊઠી રહ્યાં છે ત્યારે અર્થતંત્ર કેટલી ઝડપથી આગળ વધે એવા પરિબળો વચ્ચે, તેના આંકલન વચ્ચે બજારમાં અથડામણ જોવા મળી શકે છે.


સોમવારનો ઘટાડો પચાવી પુરવઠાના અભાવે ચાંદીમાં તેજી

સોમવારના ૪૬ સેન્ટના મોટા ઘટાડા પછી ચાંદી ફરી તેજી તરફ આગળ વધી રહી છે. ઉદ્યોગો અને અન્ય વપરાશમાં વપરાતી ચાંદી માટે માગ અને પુરવઠાના ફન્ડામેન્ટલ કારણો પણ તેજીનો સંકેત આપી રહ્યા છે. સૌર ઊર્જા, ઑટોમોબાઇલ, ઇલેક્ટ્રૉનિક્સ જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ થાય છે. નબળા ભાવ અને આર્થિક પ્રવૃતિ કોરોના વાઇરસના કારણે નબળી પડી હોવાથી ચાંદીનું ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ ઉદ્યોગો ફરી બેઠા થઈ રહ્યા હોવાથી તેની માગ વધે તેવી શક્યતા છે એટલે તે મક્કમ રીતે આગળ વધી રહી છે.


ચાંદી જુલાઈ વાયદો ૧.૧૬ ટકા કે ૨૦ સેન્ટ વધી ૧૭.૬૭ ડૉલર અને હાજરમાં ૧.૫૧ ટકા કે ૨૬ સેન્ટ વધી ૧૭.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે, જયારે ચાંદીનો વાયદો પાંચ મહિનાની ઊંચી સપાટી ૧૭.૯૮ ડૉલર સામેથી ઘટી ૧૭.૪૬ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યો હતો.

૫૦,૦૦૦ રૂપિયા પહેલાં જ સોનામાં પ્રોફિટ બુકિંગ : હાજર અને વાયદામાં ઘટાડો

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટમાં વૈશ્વિક બજારમાં સોના અન ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો અને રૂપિયાની મજબૂતી જોવા મળી હતી. આજે સોનું પ્રતિ દસ ગ્રામ ૧૦૩૨ ઘટી ૪૬,૮૨૯ અને ચાંદી પ્રતિ કિલો ૧૩૨૦ ઘટી ૪૬,૮૦૦ રૂપિયા હતી.

સોમવારે એક તબક્કે સોનાના ભાવ ૫૦,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી નજીક પહોંચ્યા હતા પણ તેમાં વૈશ્વિક બજારના પડખે કડાકો બોલી ગયો હતો. ઊંચી સપાટી ૪૯,૨૭૭ પછી સોનું ગઈકાલે ઘટીને ૪૮,૩૮૧ અને મંગળવારે ૪૮,૫૦૧ રૂપિયાની સપાટી ઉપર છે. ચાંદીના ભાવ બે દિવસમાં ૫૫૦૦ વધ્યા પછી આજે તે ફરી ૪૮,૮૦૭ રૂપિયાની સપાટીએ મક્કમ છે. જો કે, ચાંદી હજુ પણ ગઈ કાલની ૪૯,૫૧૧ રૂપિયાની ઊંચી સપાટીથી નીચે છે.

ભારતમાં સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬,૮૦૨ ખૂલી, ઉપરમાં ૪૬,૯૨૦ અને નીચામાં ૪૬,૪૮૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૨૪ ઘટીને ૪૬,૬૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૯૭૯ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૭૪૩ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨ ઘટીને બંધમાં ૪૬,૬૧૦ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭,૭૯૯ ખૂલી, ઉપરમાં ૪૭,૮૫૨ અને નીચામાં ૪૭,૩૪૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૩૨ ઘટીને ૪૭,૫૬૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૫૨ ઘટીને ૪૭,૯૦૮ અને ચાંદી-માઈક્રો જૂન ૧૩૯ ઘટીને ૪૭,૯૯૯ રૂપિયા બંધ રહ્યા હતા.

વૈશ્વિક બજારમાં ત્રીજા દિવસે ડૉલરમાં નબળાઈ, રૂપિયો મજબૂત

કોરોના વાઇરસની રસી તરફ અમેરિકન સરકાર આગળ વધી રહી છે અને માનવીઓ ઉપર પણ તેનું પરીક્ષણ ચાલુ થઈ ગયું છે. આ સમાચારના પગલે અર્થતંત્ર સામેના ખતરા ઘટી રહ્યા હોવાથી, રોકડ કે સલામતીનું માપદંડ ગણાતા ડૉલરમાં સતત ત્રીજા દિવસે પણ નબળાઈ જોવા મળી રહી છે. આજે વિશ્વના છ ચલણો સામે ડૉલરનું મૂલ્ય દર્શાવતો ડૉલર ઇન્ડેક્સ ૦.૨૫ ટકા ઘટી ૯૯.૪૩૩ જોવા મળી રહ્યો છે.

ડૉલરની નબળાઈના કારણે આજે ભારતીય ચલણ રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી. સોમવારે ૭૫.૯૧ બંધ રહેલો રૂપિયો આજે વૈશ્વિક બજારમાં ડૉલર નરમ હોવાથી ૭૫.૭૧ની સપાટીએ મક્કમ ખૂલ્યો હતો. દિવસભર ૭૫.૭૯ અને ૭૫.૬૩ની સપાટી વચ્ચે અથડાઈ છેલ્લે તે ૨૫ પૈસા વધી ૭૫.૬૬ની સપાટી ઉપર બંધ રહ્યો હતો. જો કે ભારતમાં વધી રહેલા કોરોના વાઇરસના કેસ, નબળું આર્થિક પૅકેજ, ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવ અને શૅરબજારમાંથી વિદેશી રોકાણ સતત ઉપડી રહ્યું હોવાના કારણે વર્તમાન તેજી ટકી શકશે નહીં એવું નિષ્ણાતો માની રહ્યા છે. અન્ય ચલણોમાં યુરો અને પાઉન્ડ સામે રૂપિયો નબળો પડ્યો હતો જ્યારે યેન સામે તેમાં વૃદ્ધિ જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 07:48 AM IST | Mumbai | Bullion Watch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK